પોસ્ટમોર્ટમ .
- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર
- 'કામનો માણસ' પૈસાની લેવડદેવડની વાત કરી ગયો હતો. ઘરાકને જેટલો વધુ ગભરાવો, તેટલા વધુ પૈસા આપે, એવી ગણતરી હશે?
'પો સ્ટમોર્ટમ' વાર્તા નાયિકાના સ્વમુખે કહેવાઈ છે. નાયિકાનો ભાઈ તેની તરફ જોતો, કમરાની બહાર નીકળ્યો. 'એની આંખમાં કશુંક હતું, સંતાનને વર્ગખંડમાં પ્રથમ વાર છોડીને જતા વાલીની આંખમાં દેખાય એવું.' વર્દી પહેરેલો માણસ પતરાના કબાટમાંથી ધૂળ ચડેલા કાગળનાં બંડલો તપાસીને નીચે પટકતો હતો. શરીર વર્દીમાં સમાતું ન હોવાથી તે વધુ બેડોળ લાગતો હતો. 'હે દેવા! ફાઇલ કુઠે આહે?' સેલ ફોન પરની તેની વાતચીતથી સમજાતું હતું કે ત્રણ દિવસ પહેલાં કોઈ મધ્યમ વયનો માણસ રેલિંગ ઓળંગીને પાટા ઓળંગતાં ફાસ્ટ ટ્રેન નીચે ચકદાઈ ગયેલો. તેનું બોડી પોસ્ટમોર્ટમ (પી.એમ.) સેન્ટરમાં રખાયું હતું. 'છતનો પંખો અટકી અટકીને ફરતો હતો. ઝટકા સાથે ખસીને વર્તુળ પૂરું કરવામાં નીકળતો પાંખિયાનો અવાજ મારું માઇગ્રેનનું દર્દ તીવ્ર કરી રહ્યો હતો.'
વર્દીવાળા માણસે ઘોઘરા અવાજે નાયિકાની બાજુમાં બેઠેલી સ્ત્રીને પૂછયું, 'હા તુમચા નવરા હોતા કા?' તે સ્ત્રી નાયિકાની છત્તીસગઢથી આવેલી નણંદ હતી અને નાયિકાએ તેને પ્રથમ જ વાર જોઈ હતી. નણંદને ડઘાઈ ગયેલી જોતાં નાયિકા બોલી, એ માણસની પત્ની તો હું છું. ઝડતી લઈ રહ્યો હોય તેમ વર્દીધારી બોલ્યો, 'અસ કાય! પણ વયમાં તારાથી મોટો લાગે છે. ભાગીને વિવાહ કર્યા હતા શું?' પછી બોલપેન વડે કાન ખોતરતાં નણંદને પૂછયું, 'બોડી જોઈ? તારા ભાઈની જ છે ને?' 'મારી નણંદના હોઠ ધુ્રજ્યા. આંખના ખૂણે ફરફરતું ટીપું ગાલ ઉપરથી સરકતું વહી ગયું. ડૂસકું દબાવી રાખવાના પ્રયાસમાં એ હીબકે ચડી ગઈ.' નાયિકાએ તેનો હાથ ઝાલ્યો. નાયિકાને ગઈ કાલનું પી.એમ. સેન્ટરનું દ્રશ્ય યાદ આવ્યું. 'શબ વિચ્છેદન કેન્દ્ર'માંથી મૃત શરીરની ચીરફાડની વાસ આવતી હતી. ત્યાં એવા પુરુષનું નગ્ન શરીર પડયું હતું, જેને નાયિકાએ સાડા ચાર વર્ષથી જોયો નહોતો. ડાબી આંખથી ઉપરનો ખોપરીનો અર્ધો હિસ્સો છુંદાઈ ગયો હતો. પોલીસે લથડતી ચાલે આવતા એક શખ્સની ઓળખાણ કરાવી હતી, 'આ કામનો માણસ છે.' પેલો 'કામનો માણસ' બોલ્યો, 'ડોકટર તો ચીર-ફાડ કરી ચાલ્યા જાય. લાશ બહુ ચૂંથાઈ ગઈ હોય. બધું ઠીક કરવાનું અમારે ભાગે આવે. બોડીને બંડલની જેમ સ્મશાને થોડું લઈ જવાય છે? રોજ રોજ તો અગ્નિસંસ્કાર કરવાના હોય નહિ. ગુજરાતી અસુન પૈસાંચી કાય...' છુંદાઈ ગયેલા ભાગમાંથી માખી નીકળીને ડાબી આંખ તરફ સરકી. નાયિકાને ઊલટી થઈ.
'તુલા ઊલટી હોતય?' વર્દીધારી બોલતો હતો. નણંદ નાયિકાને વાંસે હાથ પસવારી રહી હતી. 'મારે ઓળખવિધિ કર્યા પછી જ ડેડ બોડી સોંપવાની હોય.' નાયિકાએ ખાતરી આપી કે તેમણે સૌએ અને સમાજના આગેવાને પણ બોડી ઓળખી બતાવી છે, છતાં વર્દીવાળાના પેટનું પાણી ન હલ્યું. તેણે ઉલટતપાસ ચાલુ રાખી : તારા પતિથી જુદી રહેતી હતી? કેટલાં વર્ષથી? શું કામ? નાયિકાએ વીતેલો સમય ફરી જીવવો પડયો. પતિનો વહેમીલો સ્વભાવ, પોતે બેકાર હોવા છતાં પત્નીને નોકરીએ ન જવા દેવી, બાળકના જન્મ છતાં મતભેદ ચાલુ, ડિવોર્સનો ચાલી રહેલો કેસ. વર્દીધારીએ નણંદને પૂછયું : તારા ભાઈની બોડીમાંથી મળેલાં રકમ, બેગ બધું તારી ભાભીને સોંપીએ તો કોઈ વાંધો? (તેને વાંધો નહોતો.) અપમૃત્યુ માટે તને કોઈ પર શંકા? (શંકા નથી.) છૂટાછેડાના કેસ વિશે તું જાણે છે? ('કેસ છતાં એ દોડી આવીને? આખરે તો એની વહુ છે. અમે સંપીને હવે જે કરવાનું હશે ઈ કરશું.') 'કોઈના દબાણમાં આવ્યા વગર કહે છે?' ઊંચા અવાજે વર્દીધારીએ પૂછયું. નાયિકાની ચીસ નીકળી ગઈ, 'આને બંધ કરો પ્લીઝ!' ભાઈ કમરામાં આવી ચડયો. પાછળ ડોકાતા પોલીસના માણસને નાયિકાએ ઓળખ્યો. દીકરી નાયિકા તરફ હાથ લંબાવીને ઊભી હતી.
જયંત રાઠોડની આ વાર્તાનું શીર્ષક છે, 'પોસ્ટમોર્ટમ,' અને પોસ્ટમોર્ટમ ફક્ત મૃતકના શરીરનું નથી થતું.
પૂછપરછના ઓરડાનો પરિસર જ એવો વર્ણવાયો છે કે સૂગ ચડે : બંધિયાર કમરો, ધૂળથી ખરડાયેલા કાગળોનાં બંડલ, ફેંકાતો સામાન, કપડે વિંટળાયેલાં પોટલાં, ખડ ખડ ફરતો પંખો. (નિર્ધારેલો ભાવ ઉત્પન્ન કરવામાં સહાયરૂપ થાય તેવા નિરૂપણને 'ઉદ્દીપન વિભાવ' કહે છે.) વર્દીધારીનું પણ તેવું જ વર્ણન : લથપથ ભદ્દું શરીર, ડાઘવાળા દાંત, વાતચીત કરતાં બોલપેન વડે કાન ખોતરવું, સતત તોછડું વર્તન. લેખકે શબ્દો સહેતુક પ્રયોજ્યા છે. પોલીસ થાણું હોવાથી (ગણવેશ નહિ પણ) વર્દી, (ઓરડો નહિ પણ) કમરો. આ વાક્ય જુઓ, 'એ ઘોઘરા સ્વરે મને બળાત્કારે ખેંચીને ફરીથી બંધિયાર કમરામાં હડસેલી.' બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓ સાથે પણ આ પ્રકારનું વર્તન કરાતું હોવાનો આ સંકેત હોઈ શકે.
એકલો માણસ બેદરકારીથી પાટા ઓળંગતાં ટ્રેન તળે કચરાઈ જાય તેમાં કાવતરાનો અવકાશ ભાગ્યે જ હોય. તો પછી આ વર્દીધારી બે અબળાઓની ધાકધમકીભરી ઉલટતપાસ શું કામ લઈ રહ્યો છે? તેમનો પતિ કે ભાઈ છુંદાઈ મર્યો, તે બાબત સહાનુભૂતિ તો છેટે રહી, પણ ઊલટી થઈ જાય અને હીબકે ચડી જવાય તેવું અમાનવીય વર્તન કેમ? પોસ્ટમોર્ટમ તો જીવતેજીવત થઈ રહ્યું છે, આ બે સ્ત્રીઓનું! ધારો કે વહેમ દૂર કરવા આવા સવાલો પૂછવા જોઈએ, તો ઘાતકી બન્યા સિવાય ન પૂછી શકાય? વર્દીધારીથી સદંતર વિપરીત વર્તન બન્ને સ્ત્રીઓનું છે. પહેલી વાર મળતી હોવા છતાં તેઓ એકમેકને સધિયારો આપે છે. કમરામાં લટકતી ગાંધીજીની છબીનો ઉલ્લેખ પણ ઉદ્દંડતાનો કોન્ટ્રાસ્ટ રચી આપે છે. ભાઈની અને દીકરીની અસહાયતા વર્દીધારીની વિરૂપતામાં વધારો કરે છે. વર્દીધારીનો વહેવાર છેક આવો કેમ? પરપીડન વૃત્તિ હશે? પી. એમ. સેન્ટરમાં મળેલો પેલો 'કામનો માણસ' પૈસાની લેવડદેવડની વાત કરી ગયો હતો. ઘરાકને જેટલો વધુ ગભરાવો, તેટલા વધુ પૈસા આપે, એવી ગણતરી હશે?