અકસ્માતો ઘટાડવા સાવધાન રહો .
- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી
આ જકાલ કાર અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. અત્યાધુનિક ટ્રેક હોવા છતાં હજી અકસ્માતો ઘટયા નથી. કાર ચલાવનાર વ્યક્તિનેખબર જ ના હોય કે ક્યાં ક્યાં કેવી રીતે અકસ્માત થાય છે તો તે જુદી જુદી રીતે અકસ્માત કરતો જ રહેશે.
અકસ્માતના આ વિવિધ પ્રકારો જાણી લઈ તેને ધ્યાનમાં રાખજો અને સ્ટીયરિંગ પર બેસો ત્યારે યાદ રાખજો કે તમારી જેમ સામેની વ્યક્તિની રાહ પણ તેમના કુટુંબીજનો જોઈ રહ્યા છે.
શહેરમાં કે હાઈવે પર જરા ડિફેન્સીવ ડ્રાઇવિંગ કરી અન્યને પણ ડેસ્ટિનેશન પર પહોંચવાની તક આપજો. એસયુવીનો પાવર નાની કારવાળા પાસે નથી હોતો એટલે તેમને સાચવવાની જવાબદારી તમારી છે. પાવરનો સદ્ ઉપયોગ કરો. જેમ કારનો હોર્સપાવર વધે તેમ તમારે વધુ નમ્રતા દાખવવી જોઈએ એવી અપેક્ષા સમાજ સેવે છે.
અકસ્માત થવાના કારણોમાં સ્વાભાવિક કારણ તો ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ છે. પરંતુ સ્વસ્થ હોવા છતાં પણ અનેક કારણો આપણને અકસ્માત તરફ દોરે છે.
કાર હંકારતા હોય ત્યારે ફોન પર રહેવું કે મેસેજ કરવા અકસ્માતને આવકારે છે. એક સમયે તમારૂ મગજ એક જ કામ કરી શકે છે. આનાથી તમારૂ ધ્યાન ફંટાય જાય છે.
યુનાઈટેડ સ્ટેટસમાં દર વર્ષે સૌથી વધુ અકસ્માત બેધ્યાન થવાને કારણે થાય છે. ડિસ્ટ્રેક્ટેક ડ્રાઇવિંગ મોતને આમંત્રણ આપે છે. સ્ટિયરિંગ પર હોવ ત્યારે ૧૦૦ ટકા ધ્યાન ડ્રાઈવિંગમાં આપો. ડિવાઈડરની નજીક ના ચલાવો. ડિવાઈડર પરથી પ્રાણીઓ અને ઊતાવળીયા સામાજીક પ્રાણીઓ તમારા માર્ગમાં આવી જાય છે. પછી બંનેને કોઈ ચાન્સ રહેતો નથી.
આગળની કારની પાછળ ચોંટીને ના હંકારો. ૧૦-૨૦ ફૂટનો ગેપ રાખો. બે-ત્રણ કાર જેટલું અંતર રાખશો તો સલામત રહેશો.
ઝોકા આવતા હોય તો સાઈડમાં જઈ આરામ કરો. ફ્રેશ થાવ, કોફી પીવો એક ઝોકુ તમારી જિંદગી બરબાદ કરી શકે છે.
ફોગ કે સ્નો હોય તો આશરે આશરે ના ચલાવો. સામાન્ય પ્રકાશની રાહ જુઓ.
જે તે સ્થળે આપેલી સ્પિડ લિમિટનું પાલન કરો. ૮૦ની સ્પીડ મહત્તમ એટલે ૮૦ની નીચે જ રહો પછી સામે કોઈ હોય કે ના હોય ...!
૩૦ ને બદલે ૫૦ની સ્પિડ રાખશો તો કાર સિગ્નલ પર ઊભી રહેશે નહિ અથવા બોલ પાછળ દોડતા બાળકને બચાવી શકશો નહિ.
ડ્રિન્ક લેવાથી તમારા બોડી-માઇન્ડના સંયોજનમાં ભંગ પડે છે. સિગ્નલ ધીમા પડે છે. એક્સીલરેટર એ બ્રેક લાગે છે ! બહાર ડ્રિન્ક લેવા ગયા હો તો અન્ય સંબંધી, મિત્ર કે ઉબેરને બોલાવો. જાતે ડ્રાઇવ ના કરો.
બેફામ ડ્રાઈવિંગ ના કરો. ઘરેથી વહેલા નીકળો. ટાઈમ બાઉન્ડ ડ્રાયવિંગ ના કરો. અમુક સમયમાં અમુક જગાએ પહોંચવું જ એવી જીદ ન રાખો.
સિગ્નલની લાઈટ લાલ હોય ત્યારે રસ્તો ના કાપો. એ વખતે બીજા માર્ગની લાઈટ લીલી હશે અને અન્ય ડ્રાઈવર 'હાર્ડ પેડલ' કરી ધસમસતો આવશે.
વરસાદમાં ધીમે હાંકો. દ્રશ્ય ધુંધળુ હોય તો પુલઓવર કરો. સાઇડમાં કારને થંભાવી પ્રકાશની રાહ જુઓ.
રાત્રિ ડ્રાઇવિંગ ટાળો. ટિનેજરને સ્ટિયરિંગ ના આપો. પ્રાણીઓ અને કન્સ્ટ્રકશન સાઇટથી દૂર રહો. વળાંકો સાચવો. રોંગ સાઈડ નો નો... વાહનની બ્રેક, ટાયર અપ-ટુ-ડેટ રાખો. પોટહૉલ, વળાંકો પર ધીમા પડો. મહોલ્લા શહેરમાં રેસિંગ ટાળો. સ્માર્ટ કાર લીધી તો સ્માર્ટ રહો... !!!