વિશ્વમોહિની વિદ્યા: 'દેવી અથર્વશીર્ષમ્'નું ગુહ્યાતિગુહ્ય અંગ!
- સનાતન તંત્ર -પરખ ઓમ ભટ્ટ
શા ક્તતંત્ર અર્થાત્ શક્તિનાં ઉપાસકો માટે નવદુર્ગા અને દસ મહાવિદ્યાઓની સાધનાઓનું અનેરું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. માર્કંડેયપુરાણ, બ્રહ્માંડપુરાણ અને શ્રીમદ્ દેવીભાગવતમ્ જેવા ગ્રંથો શાક્ત-સંપ્રદાયના અનન્ય ગ્રંથોમાંનાં ત્રણ ગ્રંથો છે. માર્કંડેયપુરાણમાંથી 'દુર્ગા સપ્તશતી' પ્રાપ્ત થઈ. બ્રહ્માંડપુરાણમાંથી લલિતોપાખ્યાન, ત્રિપુરારહસ્યમ્ સહિત શ્રીલલિતાસહસ્રનામની પ્રાપ્તિ થઈ. શ્રીમદ્ દેવીભાગવતપુરાણ તો સ્વયં એક મહાશક્તિશાળી સાધના છે!
નાનપણથી 'દુર્ગા સપ્તશતી' પરત્વે અનન્ય આકર્ષણ રહ્યું. એમાં પણ ખાસ તો 'દેવી અથર્વશીર્ષમ્'નું મહિમાગાન કરવા માટે કદાચ શબ્દભંડોળ ખૂટી પડે, પરંતુ વર્ણન નહીં! મહાદેવીના સ્વરૂપ અને એમની પ્રચંડ પ્રભાવશાળી તંત્રસાધના અંગે વિસ્તૃત અને ઊંડાણપૂર્વકની સમજ પ્રાપ્ત કરવા માટે શાક્ત-ઉપાસકોએ તેનું જ્ઞાન મેળવવું જ રહ્યું. જગન્માતાનાં વિરાટ અને અનંત અસ્તિત્વ અંગે એમાં જણાવવામાં આવ્યું છે :
कामो योनिः कमला वज्रपाणिर्गृहा हसा मातरिश्वाभ्रमिन्द्रः ।
पुनर्गृहा सकला माययाच पुऱुच्यैषा विश्वमातादिविधोम् ।।
ભાવાર્થ : શિવશક્ત્યભેદરૂપા, બ્રહ્મ-વિષ્ણુ-શિવાત્મિકા, સરસ્વતી-લક્ષ્મી-ગૌરીરૂપા, અશુદ્ધ-મિશ્ર-શુદ્ધોપાસનાત્મિકા, નિર્વિકલ્પ જ્ઞાન પ્રદાન કરનાર સર્વતત્ત્વાત્મિકા મા મહાત્રિપુરસુંદરી આપ સ્વયં છો! વિશ્વમાતા અને બ્રહ્મસ્વરૂપિણી હે આદિ પરાશક્તિ, આપ થકી સમસ્ત સૃષ્ટિ વિદ્યમાન છે.
આ થયો દેખીતો અર્થ! હવે આ શ્લોક પાછળનો ગૂઢાતિગૂઢ અને પરમ રહસ્યને પોતાની ભીતર ધારણ કરેલો અર્થ જાણવાનો પ્રયાસ કરીએ. બ્રહ્માંડની સર્વોચ્ચ તંત્રવિદ્યા - શ્રીવિદ્યા સાધના -ના મૂળ પંચદશી અર્થાત્ પંદર અક્ષર (વર્ણ)નાં મંત્રને 'મંત્રોનો રાજા' ગણવામાં આવ્યો છે. એવી જ રીતે, શ્રીયંત્રને 'ચક્રરાજ'ની સંજ્ઞા આપવામાં આવી છે અને શ્રીવિદ્યાને તંત્રરાજની પદવી આપવામાં આવી છે. શ્રીવિદ્યાનાં મૂળ પંદર અક્ષરનાં મંત્રનો અતિ ગુહ્ય રીતે અહીં સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉપરોક્ત શ્લોકનાં પ્રત્યેક શબ્દને ક્રમશ: આવરીએ તો, કામ (ક), યોનિ (એ), કમલા (ઈ), વજ્રપાણિ-ઈન્દ્ર (લ), ગુહા (હ્રીં), હ-સ (વર્ણ), માતરિશ્વા-વાયુ (ક), અભ્ર (હ), ઇન્દ્ર (લ), પુન:ગુહા (હ્રીં), સ-ક-લ (વર્ણ), માયા (હ્રીં). આ મંત્ર સમસ્ત મંત્રશાસ્ત્રોનો મુકુટમણિ છે; જેને શાસ્ત્રોએ 'પંચદશી મંત્ર' સહિત શ્રીવિદ્યાનાં મૂળ મંત્રોમાં સ્થાન આપ્યું.
દુર્ગા સપ્તશતીને શા માટે શાક્તસંપ્રદાયનું એક અભિન્ન અંગ માનવામાં આવે છે, તેની પાછળનું મૂળ કારણ જાણવા માટે આ એક શ્લોક પણ પૂરતો છે! સર્વાત્મિકા જગતજનનીની આ મૂળ વિદ્યા છે અને આ મંત્ર જ સાક્ષાત્ બ્રહ્મસ્વરૂપિણી છે. મંત્ર અને તંત્રશાસ્ત્રો હંમેશા એક વિધાન ઉપર ભાર મૂકે છે કે 'દેવી-દેવતા મંત્રોને આધીન હોય છે.' આની પાછળનું કારણ એટલું જ કે મંત્રો એ વાસ્તવમાં દેવી અથવા દેવતા જ છે. એમને સરળતાથી સમજવા માટે અને મનમાં ભાવ-ભક્તિ ઉત્પન્ન થાય, એ હેતુ સાથે પ્રત્યેક દેવી-દેવતાને સ્વરૂપમાં ઢાળી દેવામાં આવ્યાં. મંત્ર એ ખરેખર તો દિવ્યઊર્જાનું ધ્વનિ-સ્વરૂપ જ છે.
પરિણામસ્વરૂપ, ઉપરોક્ત શ્લોક પશ્ચાત્ તરત જ આગળનાં શ્લોકમાં દેવીનું મહિમાગાન કરતાં જણાવાયું કે,
एषाडडत्मशक्तिः । एषा विश्वमोहिनी ।
पाशाडकुशधनुर्बाणधरा । एषा श्रीमहाविधा ।
य एवं वेद स शोकं तरति ।।
ભાવાર્થ : (ઉપરોક્ત શ્લોકમાં જે ગુહ્ય મંત્રની પ્રાપ્તિ કરી એ) મંત્રને પરમાત્માની શક્તિ (મૂળ પ્રકૃતિ) માનવામાં આવે છે. એ જ વિશ્વમોહિની પણ છે. પાશ, અંકુશ, ધનુષ અને બાણ જેવાં શસ્ત્રોને ધારણ કરનારી એ 'શ્રીમહાવિદ્યા' છે! જે મનુષ્ય આ વાસ્તવિકતા જાણે છે, એ તમામ શોકને વટાવી જાય છે અર્થાત્ તરી જાય છે!
રાજરાજેશ્વરીની બ્રહ્માંડીય તંત્રવિદ્યાનો મૂળ મંત્ર એક શ્લોકમાં અપાયા પછી તરત પછીનાં શ્લોકમાં તેને 'મહાવિદ્યા' તરીકે વ્યાખ્યાયિત કરવાની ઘટના સંયોગ તો ન જ હોઈ શકે. સંસ્કૃત ભાષામાં દેવતાઓના મંત્રને 'મંત્ર' તરીકે સંબોધવાનું વિધાન છે, પરંતુ દેવીનાં મંત્રોને 'વિદ્યા' તરીકે ઓળખવામાં આવે છે. 'મહાવિદ્યા'નો એક અર્થ દેવીનો 'મહામંત્ર' એવો પણ કરી શકાય. શ્રીવિદ્યાનો પંચદશી મંત્ર સમસ્ત જગતનો સર્વોપરિ મહામંત્ર હોવાને કારણે તેને 'મહાવિદ્યા' તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો.
દસ મહાવિદ્યાઓમાંની ત્રીજી મહાવિદ્યા - મા લલિતા મહાત્રિપુરસુંદરી - અને મા દુર્ગા/જગદંબા વચ્ચે કેટલી બધી સમાનતા છે, એ અંગેનું વર્ણન પ્રાપ્ત કરતાં પાઠનો આ નાનકડો અંશમાત્ર છે. 'ત્રિપુરસુંદરી' અર્થાત્ જે ત્રણેય પુર (ઊર્ધ્વલોક, ભૂલોક અને અધોલોક)ને મોહમાં પાડી દે, મોહિત કરી દે એ વિદ્યા! 'લલિતા' શબ્દનો અર્થ જ 'રમતિયાળ' (અંગ્રેજીમાં 'પ્લેફુલ' - PLAYFUL) એવો થાય છે. મોહ થકી મા લલિતા સમસ્ત સૃષ્ટિમાં માયા પેદા કરે છે અને એના થકી જ સંબંધોરૂપી તાણાંવાણાં ગુંથાય છે અને કર્મોનું ચક્ર શરૂ થાય છે. આથી, 'ત્રિપુરસુંદરી' એ જ 'વિશ્વમોહિની' પણ છે!