મારી દીકરીનું ગમતું સ્વેટર .
- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- 'દીકરી, ઘણી વખત આપણે સામેની વ્યક્તિની નબળાઈને જોવામાં તેની ક્ષમતા તરફ નજર જ નથી કરતા અને એટલા માટે આશ્ચર્યજનક પરિણામ મળે છે.'
'વે દાંગ, હું શું કહું છું, નવ્યા હવે પાંચ વર્ષની થશે. ક્રિસમસ વીકમાં એની બર્થ ડે પણ આવશે. આપણે તેની પાર્ટીનું કેવી રીતે આયોજન કરીશું. તું કહેતો હતો કે, આ વખતે પ્લાન તું કરવાનો છે. તે કંઈ વિચાર કર્યો છે.' - પૃથાએ કહ્યું.
'પૃથા, આમ તો ખાસ વિચાર નથી પણ આ વખતે ઠંડી થોડી વધારે છે તો મારી ઈચ્છા છે કે, ઘરે જ પાર્ટી રાખીએ. આપણા જ ગાર્ડનમાં ટોઠા પાર્ટી અને બાર્બેક્યુ પાર્ટી કરીએ. સરસ તાપણું પણ થશે અને બધા મિત્રો અને પરિવારજનો વચ્ચે બર્થડે પાર્ટી પણ થઈ જશે. તારું શું કહેવું છે.' - વેદાંગે કહ્યું.
'નાઈસ આઈડિયા ડિયર. ઘરેના ઘરે અને પાર્ટીની પાર્ટી. ઉત્તમ વિચાર છે. હું બધી તૈયારીઓ કરાવું છું. તું પણ તારી રીતે આયોજન કરવા માંડ. કોને બોલાવવા છે અને કોને સ્કીપ કરવા છે.' - પૃથાના અવાજમાં ઉત્સાહ આવી ગયો.
'બધું વિચારેલું જ છે. મારી સાઈડથી તો મમ્મી અને પપ્પા અહીંયા જ છે. નાનકો અને તેની વાઈફ તો ફરવા જવાના છે. મોટીબેનને બર્થ ડે પાર્ટી માટે ખાલી ખાલી સુરતથી બોલાવવાનો અર્થ નથી. તારા ઘરેથી મમ્મી-પપ્પા, કેતન અને નિરાલી અને વિસ્મય કુમાર. બાકી નવ્યાના જે ફ્રેન્ડ હોય તે અને આપણી આજુબાજુના જે લોકોને કહેવું હોય તેમને. રેન્ડમ ગણીએ તો અંદાજે ૨૫-૩૦ માણસો થઈ જશે.' - વેદાંગે સહજતાથી કહ્યું.
'ઓહ.. તો રેન્ડમ કેલક્યુલેટ કરીને જ બેઠા છો તમે. સરસ. બસ તો કેટરિંગનું તમે જોઈ લો અને પાર્ટી-ડેકોરેશનનું હું જોઈ લઉં છું. આ વખતે નવ્યા કહેતી હતી કે, તેને કોઈ સરપ્રાઈઝ ગિફ્ટ નથી જોઈતી. તેને જે જોઈએ છે તે જ વસ્તુઓ ગિફ્ટમાં લાવી આપવી.' - પૃથા બોલી.
'આ તો બહુ જ સારી વાત છે. દર વખતે સરપ્રાઈઝ પણ આપવાની અને પાછળથી જે જોઈએ તે પણ લાવી આપવાનું તેના કરતા પહેલેથી જ જે ગમે છે તે લાવી આપજે. મારો ખર્ચો બચશે. વાહ મારી દીકરી સમજણી થવા લાગી.' - વેદાંગ બોલતા બોલતા હસી પડયો.
'બહુ સારું હો. તમારી દીકરીને જે ગમશે તે લાવી આપીશ. ચાલો હવે મમ્મી-પપ્પાને બોલાવો એટલે ડિનર કરી લઈએ. આજે એ બંને જણા તમારી સાથે ડિનર કરવાનું કહેતા હતા.' - પૃથા એટલું બોલીને કિચન તરફ ગઈ અને વેદાંગે લિવિંગ રૂમમાં આવી મમ્મીને બુમ મારી.
થોડીવારમાં બધા જ ડાઈનિંગ ટેબલ ઉપર ભેગા થયા. બધા જ ડિનર કરતા જતા હતા અને નવ્યાની પાર્ટીની વાતો કરતા જતા હતા. ડિનર દરમિયાન નવ્યાએ કહ્યું, મમ્મા મારે તો યુનિકોર્નવાળું પિન્ક સ્વેટર જોઈએ છે. આ વખતે મને બર્થડે ગિફ્ટમાં સ્વેટર લાવી આપજે. નવ્યાની વાત સાંભળીને બધા હસી પડયા.
'સારું બેટા. તેં સ્વેટર કોઈની પાસે જોયું છે કે પછી તારા કાર્ટુનમાં આવે છે એટલે જાતે જાતે વિચારીને મને કહે છે. તારા કોઈ ફ્રેન્ડની પાસે હોય તો મને કહેજે.' - પૃથાએ નવ્યાને કહ્યું.
'મમ્મા, નિશ્કા પાસે છે. લાસ્ટ વીક એની બર્થ ડે હતી ત્યારે વ્હાઈટ કલરનું સ્વેટર નિશ્કાએ પહેર્યું હતું. તું એની મમ્માને પુછી જોજે.' - નવ્યાએ કહ્યું અને ફરી બધા હસી પડયા.
આ વાતને લગભગ અઠવાડિયું થઈ ગયું. એક સાંજે પૃથા કંટાળેલી ઘરે આવી. તેણે આવીને લિવિંગરૂમમાં જ સોફા ઉપર પડતું નાખ્યું. ચહેરા ઉપર થાક, કંટાળો અને નિરાશા સ્પષ્ટ દેખાતા હતા. તેની સાથે જ આવેલી નવ્યા પણ ઉદાસ દેખાતી હતી.
'તમે બંને કેમ થાકેલા દેખાઓ છો. શું થયું, શોપિંગમાં મજા ન આવી.' - પૃથાના સાસુએ પુછયું.
'મમ્મીજી, આ છોકરાઓ જાત-ભાતની ડિમાન્ડ કરે છે અને પછી વસ્તુ ક્યાંય મળતી નથી. પેલું સ્વેટર એણે માગ્યું હતું તે, અમદાવાદમાં ક્યાંય મળતું નથી. નિશ્કાની મમ્મીએ જે શોપ કહી હતી ત્યાં સ્ટોક ખાલી થઈ ગયો છે. તેણે કહ્યું કે નવો માલ આવશે તો આવશે નહીંતર જાન્યુઆરીમાં આવશે.' - પૃથાએ કંટાળા સાથે જવાબ આપ્યો.
'બેટા, તું કોઈ બીજું સ્વેટર પસંદ કરી લે, મમ્મી તને ફરીથી પિન્ક સ્વેટર અપાવી દેશે. તો તારી પાસે બે સ્વેટર થઈ જશે. પૃથા દીકરા તું પેલું ઓનલાઈન શોપિંગ કરે છેને, એમાં તપાસ કરી જો.' - પૃથાના સાસુએ નવ્યા અને પૃથા બંને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો.
'ના, દાદી મારે તો પિન્ક સ્વેટર જ જોઈએ છે. મારી ગિફ્ટ હશે તો એ સ્વેટર હશે નહીંતર મારે કશું જોઈતું નથી.' - નવ્યાએ તો બાળસહજ જીદ ચાલુ કરી દીધી.
'મમ્મી, તમે રહેવા દો. હું ઓનલાઈન શોધી કાઢીશ. કોઈપણ રીતે મંગાવવું જ પડશે. નવ્યા અને વેદાંગમાં કોઈ ફેર નથી. બંને જીદ કરે એટલે પૂરી કરીને જ જંપે.' - પૃથાના અવાજમાં હજી કંટાળો હતો.
રાત્રે બધા પોતાના ટાઈમિંગ પ્રમાણે ડિનર કરીને આરામ કરવા લાગ્યા. બીજા દિવસે સવારે રવિવાર હોવાથી થોડી નિરાંત હતી. બધા સવારે ચા-નાસ્તો કરવા ભેગા થયા. નવ્યાએ કહ્યું કે મારે તો સ્વેટર એ જ જોઈએ છે અને મમ્મીને સ્વેટર ક્યાંય મળ્યું નથી. પપ્પાને આદેશ અપાયો કે ગમે ત્યાંથી સ્વેટર લાવી આપે. વેદાંગ ચિંતામાં પણ માથુ ખંજવાળવા લાગ્યો.
'બેટા, મને એક વખત બતાવીશ કે નવુને કેવું સ્વેટર જોઈએ છે. તને ખબર હોય તો મારી એક ફ્રેન્ડ સોમી શિમલા રહે છે. તેના માર્કેટમાં મળતું હોય તો આપણે તપાસ કરાવીએ.' - મમ્મીએ વેદાંગને કહ્યું. વેદાંગે ફોનમાંથી સ્વેટરનો ફોટો બતાવ્યો.
'બેટા આ ફોટો તારા પપ્પાને વોટ્સએપ કરી દે. હું સોમી માસીને મોકલાવીને તપાસ કરાવું છું. ત્યાં મળતું હશે તો અઠવાડિયામાં આવી જશે. આપણને બર્થ ડે પહેલાં મળી જશે.' - મમ્મીએ કહ્યું અને વેદાંગ તથા પૃથાના ચહેરા ઉપર સ્મિત આવી ગયું. વેદાંગે પણ તરત જ સ્વેટરનો ફોટો પપ્પાને મોકલાવી દીધો.
'પૃથા, મમ્મીને એમની રીતે ટ્રાય કરવા દે. તું એને સમજાવીને બીજું કોઈ પિન્ક સ્વેટર પસંદ કરાવી લેજે. આપણે સેફ સાઈડ એક સ્વેટર લાવીને રાખવું પડશે. નહીંતર તને ખબર જ છે શું થશે.' - વેદાંગે કહ્યું.
'મારાથી વિશેષ કોને ખબર હોય. બાપ એવો હોય તો દીકરી તો સવાઈ જ હોવાની ને.' - પૃથાએ ટોન્ટ માર્યો અને બંને હસી પડયા.
આ વાતને અઠવાડિયું પસાર થઈ ગયું. સ્વેટર ક્યાંયથી મળ્યું નહીં. તમામ બજારોમાં શોધવાના પ્રયાસ નિષ્ફળ ગયા. આખરે ૨૨ ડિસેમ્બર આવી ગઈ. નવ્યાએ માગેલી ગિફ્ટનો કોઈ અણસાર નહોતો. આખરે પૃથાએ ઓનલાઈન એક યુનિકોર્નવાળું પિન્ક સ્વેટર મંગાવી રાખ્યું હતું.
રવિવારની સાંજે બધા ભેગા થયા અને સરસ મજાની યુનિકોર્નની થીમવાળી કેક લાવવામાં આવી. ડેકોરેશન પણ પ્રિન્સેસ થીમનું કરવામાં આવ્યું હતું. બધા ભેગા થયા અને નવ્યા ઘરની અંદરથી બહાર આવી. બહાર ટેબલ પાસે ઊભેલી પૃથા તો નવ્યાને જોતી જ રહી. તેને જે સ્વેટર ગમતું હતું તે જ પહેરીને નવ્યા બહાર આવી હતી. તેના ચહેરા ઉપર બર્થ ડે સેલિબ્રેશન કરતા સ્વેટર પહેર્યાનો આનંદ વધારે દેખાતો હતો. કેક કપાઈ ગઈ, બધા ડિનર કરવા લાગ્યા ત્યારે પૃથા પોતાની શંકાનું સમાધાન શોધવા નિકળી.
'વેદુ મારી દીકરીનું ગમતું સ્વેટર. આ સ્વેટર ક્યાંથી આવ્યું. તમે કોઈની પાસેથી બહારથી મંગાવ્યું.' - પૃથાએ પુછયું.
'ના. મેં કશું નથી કર્યું. આ સ્વેટર તો મમ્મી લાવ્યા છે.' - વેદાંગે કહ્યું.
'કયા મમ્મી... જલદી ફોડ પાડ.' - પૃથાનો ઉત્સાહ સમાતો નહોતો. 'મારી મમ્મી લાવી છે.' - વેદાંગે કહ્યું અને પૃથાનો ઉત્સાહ તરત જ આશ્ચર્યમાં પરિવર્તિત થઈ ગયો.
'પૃથા તને ખબર છે, અમે નાના હતા ત્યારે મમ્મી ઘરે જ સ્વેટર અને ગરમ કપડાં બનાવતી હતી. તેને શોખ હતો. તેણે શિખેલું હતું અને પ્રવૃત્તિ માટે બનાવતી હતી. મેં તે દિવસે પપ્પાને ફોટો વોટ્સએપ કર્યો ત્યારે બંને બહાર જઈને પ્રિન્ટ કઢાવી આવ્યા. સ્વેટરના મેચિંગના ઉનના દોરા લઈ આવ્યા અને અઠવાડિયામાં જ જાતે સ્વેટર બનાવી દીધું.' - વેદાંગે કહ્યું અને પૃથાએ લાગણીસભર નજરે પોતાની સાસુ સામે જોયું. તેમણે પણ ધીમે રહીને મટકું માર્યું અને પૃથાનો આભાર સ્વીકારી આશીર્વાદ સાથે સ્વીકારી લીધો.
'દીકરી, ઘણી વખત આપણે સામેની વ્યક્તિની નબળાઈને જોવામાં તેની ક્ષમતા તરફ નજર જ નથી કરતા અને એટલા માટે આશ્ચર્યજનક પરિણામ મળે છે.' - પૃથાના સસરાએ પાછળ આવીને કહ્યું અને વેદાંગ હસી પડયો.