Get The App

આર. અશ્વિને ભારતીય સ્પિન બોલિંગની પરંપરાને નવી ઊંચાઈએ પહોંચાડી

Updated: Dec 22nd, 2024


Google NewsGoogle News
આર. અશ્વિને ભારતીય સ્પિન બોલિંગની પરંપરાને નવી ઊંચાઈએ પહોંચાડી 1 - image


- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- બાળપણમાં ઓપનિંગ બેટ્સમેન અને ફાસ્ટ બોલર બનવાનું સ્વપ્ન સેવતા અશ્વિનના આરોગ્યથી ચિંતિત માતાએ તેને સ્પિનર બનવાની સલાહ આપી

દ રેક આંખોમાં એક સ્વપ્ન તો હોય જ છે. તેને હાંસલ કરવા માટેનો જુસ્સો સ્વાભાવિક રીતે જ ઉછાળ લેતો હોય છે, પણ સમયની ગતિની સાથે સાથે તે ઉર્જાના પ્રવાહને યોગ્ય દિશા તરફ વાળવામાં આવે તો નવો કીર્તિસ્તંભ તૈયાર કરી શકાય છે, જેના પર દેશ જ નહીં, પણ દુનિયાને પણ આશ્ચર્યની સાથે આદર પ્રાપ્ત થાય. સફળતાને પામવા માટે માત્ર સખત મહેનતની જ નહીં, પણ યોગ્ય દિશામાં આગળ વધવાની જરુરિયાત રહે છે. ઘણી વખત કરવામાં આવેલા નાનકડા ફેરફારો પણ જિંદગીને એવી રાહ પર પહોંચાડેે છે, જેના થકી અસાધારણ સિદ્ધિના શિખરોને સર કરી શકાય છે.

છેલ્લા ૧૪ વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય સ્પિન બોલિંગની પરંપરાને નવી ઊંચાઈ પર પહોંચાડવાની સાથે સિદ્ધિના અવનવા શિખરો સર કરનારો આર. અશ્વિન તેનું જીવંત ઉદાહરણ છે. છ ફૂટ અને બે ઈંચ ઊંચાઈ ધરાવતા ભારતના આ ઓફ સ્પિનરે તેની ચતુરાઈ અને શ્રેષ્ઠતાને પામવાના પ્રયાસો થકી જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં માત્ર વિકેટ ઝડપવામા જ નહીં પણ બેટિંગમાં પણ અનોખા સીમાચિહ્નો સર કરીને ધુરંધર ખેલાડીઓની હરોળમાં સ્થાન હાંસલ કરી લીધું છે. ભારતીય ક્રિકેટ જગતે વૈશ્વિક સ્તરે ઉભા કરેલા આગવા પ્રભાવશાળી સામ્રાજ્યના પાયામાં અશ્વિનની ઘાતક બોલિંગની ભૂમિકા પણ અત્યંત મહત્વની રહી છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અશ્વિનના નામે ૭૬૫ વિકેટ નોંધાયેલી છે, જ્યારે તેણે ૪૩૯૭ રન પણ ફટકારીને નીચેના ક્રમના કુશળ અને લડાયક મિજાજના બેટ્સમેન તરીકેની ઓળખનો પણ પુરાવો આપ્યો છે. ક્રિકેટના સૌથી જૂના ફોર્મેટ - ટેસ્ટમાં અશ્વિને ૫૭૩ વિકેટ મેળવી છે અને ૩૫૦૩ રન નોંધાવ્યા છે. તે ટેસ્ટ ફોર્મેટમાં ૫૦૦થી વધુ વિકેટ અને ૩૦૦૦થી વધુ રન કરનારો વિશ્વનો માત્ર ત્રીજો જ ખેલાડી છે. ઓસ્ટ્રેલિયાના એક જમાનાના ધુરંધર શેન વોર્ન અને ઈંગ્લેન્ડના ફાસ્ટર સ્ટુઅર્ટ બ્રોડ જ અશ્વિન સિવાય આવી સિદ્ધિ મેળવી શક્યા છે, જે ભારતીય ક્રિકેટરની વિશિષ્ટ સિદ્ધિઓમાં મુગુટ પર ચમકતા રત્ન સમાન છે. તે પાંચસો વિકેટના માઈલસ્ટોન સુધી પહોંચનારો ૧૪૭ વર્ષના ટેસ્ટ ઈતિહાસનો માત્ર નવમો બોલર અને પાંચમો સ્પિનર છે.

ટેસ્ટ ક્રિકેટમાં તેણેે બેટ્સમેન તરીકે પણ ભારતને ઉગારતી છ યાદગાર સદી અને ૧૪ અડધી સદી નોંધાવી છે, જે તેની માત્ર સ્પિનરના લેબલ સુધી જ સિમિત ન રહેવાની કટિબદ્ધતાને દર્શાવે છે. મર્યાદિત ઓવરોના ક્રિકેટથી જ આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો પ્રારંભ કરનારા અશ્વિનના ટ્રોફી કેબિનેટમાં ૨૦૧૧નો વન ડેે વર્લ્ડ કપ અને ૨૦૧૩ની ચેમ્પિયન્સ ટ્રોફીનો ચળકાટ જોઈ શકાય છે. આ ઉપરાંત ૨૦૧૪ના ટી-૨૦ વર્લ્ડ કપ, ૨૦૧૭ની ચેમ્પિયન્સ ટ્રોફી, ૨૦૨૩નો વન ડે વર્લ્ડ કપ અને ૨૦૨૧ તેમજ ૨૦૨૩ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની સિલ્વર લાઈન પણ તેના પ્રયાસોની સરાહના કરે છે. એક દિવસીય ક્રિકેટની સાથે સાથે નવોદિત ટી-૨૦માં પણ અશ્વિને તેની કુશળતાને પૂરવાર કરી બતાવી છે.

તમિલનાડુના ચેન્નાઈ (તે સમયના મદ્રાસ)માં ૧૯૮૬ની ૧૭મી સપ્ટેમ્બરે જન્મેલા અશ્વિનના પિતા રવિશ્ચંદ્રન કલબ સ્તરની મેચોમાં ફાસ્ટ બોલિંગ કરતાં. પિતાના પગલે ક્રિકેટના મેદાનમાં પ્રવેશેલા અશ્વિનનું સૌથી પહેલું સ્વપ્ન તો ઓપનિંગ બેટ્સમેન બનવાનું હતુ અને શાળાજીવનના શરુઆતના વર્ષોમાં તેણે ઓપનર તરીકે કુશળતા પણ દર્શાવી હતી. જોકે સમય જતાં તેણે પિતાની માફક ફાસ્ટ બોલિંગ પર હાથ અજમાવવાનું શરુ કર્યું.

અશ્વિનની ક્રિકેટની પ્રાથમિક તાલીમ ચંદ્રશેખર રાવના માર્ગદર્શનમાં શરુ થઈ. ફાસ્ટ બોલર બનવા માટે મહેનત કરી રહેલા અશ્વિનને સતત દોડવાના કારણે હાંફ ચઢતી. આ ઉપરાંત તેના ઘુંટણમાં પણ દુ:ખાવો થવા માંડયો હતો. આ તબક્કે તેની માતા ચિત્રાએ કહ્યુ કે, આટલું બધુ શા માટે દોડે છે ? બે-ચાર ડગલાની રનઅપ લઈને સ્પિન બોલિંગ કરવાનું શરુ કર. માતાની આ સલાહ બાદ અશ્વિનને તેના કોચ ચંદ્રશેખર રાવે પણ સ્પિન બોલિંગ અપાવવા માટે તૈયાર કર્યો. ચંદ્રશેખર સર તેમના તાલીમાર્થીઓને સતત નવુ કરવા માટે પ્રોત્સાહિત કરતાં અને તેઓ દરેક બોલરને પોતાની રીતે ફિલ્ડિંગ સેટ કરવાનો પડકાર આપતાં. ઘણી વખત ઓફ સ્પિનરને લેગ સ્પિન નાંખવા અને લેગ સ્પિનરને ઓફ સ્પિન નાંખવા પણ કહેતા. પાયામાંથી મળેલી આ તાલીમને કારણે અશ્વિન સામે હરિફ બેટ્સમેન હંમેશા વિચારતો જ રહેે કે હવે આ કયો બોલ નાંખશે.

ભરપૂર આત્મવિશ્વાસ ધરાવતા અશ્વિનને ક્યારેય નિષ્ફળતાનો વિચાર માત્ર આવ્યો નથી. તે સતત પોતાની રમતને વધુને વધુ બહેતર બનાવવાના પ્રયાસમાં રહેતો - આ જ બાબત તેને વિશ્વના એલિટ બોલર બનવા સુધી લઈ ગઈ. તમિલનાડુ તરફથી ઘરઆગણાનું ક્રિકેટ રમતાં અશ્વિનને ૨૦૦૯માં આઈપીએલની ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઈઝીએ પસંદ કર્યો હતો. તે એવા ગણતરીના ખેલાડીઓ સામેલ છે કે, જેની કારકિર્દીને આઈપીએલ ટી-૨૦માં પ્લેટ ફોર્મ મળ્યું અને ત્યાર બાદ તેમણે ટેસ્ટ ક્રિકેટમાં પણ જબરજસ્ત સફળતાં મેળવી દેખાડી. કારકિર્દીની શરુઆતમાં અશ્વિનની સાથે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાં શ્રીલંકાનો મહાન સ્પિનર મુરલીધરન પણ સામેલ હતો. તેના જોડીદાર તરીકે અશ્વિને પ્રભાવશાળી દેખાવ કર્યો અને ચેન્નાઈની ટીમે ૨૦૧૦માં આઈપીએલ ટાઈટલ જીતી લીધુ.

આઈપીએલના શાનદાર દેખાવને પરિણામે તેને ૨૦૧૦માં જ ઝિમ્બાબ્વે સામેની વન ડે અને ત્યાર બાદ ટી-૨૦ શ્રેણીમાં તક આપવામાં આવી. કારકિર્દીની શરુઆત બે-ત્રણ શ્રેણી બાદ તેનો સૌથી પ્રભાવશાળી દેખાવ ૨૦૧૦ના આખરી તબક્કામાં ઘરઆંગણેે રમાયેલી ન્યુઝીલેન્ડ સામેની વન ડે શ્રેણીમાં જોવા મળ્યો અને ભારતે તે  પાંચ મેચની શ્રેણીમાં પ્રવાસી ટીમનો વ્હાઈટવોશ કર્યો અને અશ્વિને કુલ ૧૧ વિકેટ ઝડપી. તે સમયના ટીમ ઈન્ડિયાના કેપ્ટન ગંભીરે અશ્વિનની પ્રતિભાને બિરદાવતા કહ્યું હતુ કે, આ શ્રેણીએ ભારતને એક વિશિષ્ટ સ્પિનર આપ્યો છે, જે લાંબા સમય સુધી પ્રભાવ પાડશે.

હરભજન જેવા સિનિયરની હાજરીના કારણે અશ્વિનને મર્યાદિત તક મળી, પણ જે તક મળી તેને તેણે ઝડપી લીધી. મર્યાદિત ઓવર્સના નિષ્ણાત તરીકે પ્રભાવ પાડનારા અશ્વિનને ટેસ્ટ કેપ મેળવવા માટે દોઢ વર્ષ જેટલા સમયની રાહ જોવી પડી. જોકે વિન્ડિઝ સામે નવેમ્બર-૨૦૧૧માં રમેલી કારકિર્દીની પ્રથમ ટેસ્ટથી જ અશ્વિન છવાઈ ગયો અને ત્યાર બાદ તો તેણે ભારતીય ટીમમા નિયમિત રીતે સ્થાન જમાવી દીધું.

અશ્વિનની ઘાતક બોલિંગ સામે હરિફ ટીમના બે્ટસમેનોને મજબૂર થઈને વિકેટ આપી જ દેવી પડતી. આ કારણે તેણે ૨૫૦, ૩૦૦ અને ૩૫૦ ટેસ્ટ વિકેટ સૌથી ઓછી મેચમાં ઝડપવાની વૈશ્વિક સિદ્ધિ હાંસલ કરી. જ્યારે ભારતીય ક્રિકેટમાં તો ૫૦થી લઈને ૫૦૦ સુધીની પ્રત્યેક ૫૦ વિકેટ સૌથી ઓછી ટેસ્ટમા ઝડપવાની સિદ્ધિ અશ્વિનના નામે નોંધાયેલી છે. એક જ ટેસ્ટમાં સદી ફટકારી હોય અને પાંચ વિકેટ પણ ઝડપી હોય તેવો અનોખો રેકોર્ડ અશ્વિને તેની કારકિર્દીમાં ચાર વખત નોંધાવ્યો છે અને આવો રેકોર્ડ સર્જનારો તે સૌપ્રથમ ભારતીય ક્રિકેટર પણ છે.

આઈસીસીના ક્રિકેટર ઓફ ધ યર અને ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરના પ્રતિષ્ઠિત એવોર્ડ જીતી ચુકેલા અશ્વિને ૨૦૨૧ના ટી-૨૦ વર્લ્ડ કપમાં અને ત્યાર બાદ ૨૦૨૩ના વન ડે વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવતા ભારે આશ્ચર્ય ફેલાયું હતુ. તેણે ટેસ્ટ ક્રિકેટમાં સાતત્યભર્યો દેખાવ જારી રાખ્યો હતો અને વિકેટ ઝડપવાની સિદ્ધિને વધુુને વધુ ઊચાઈએ પહોંચાડવાનું જારી રાખ્યું હતુ.

ભારતીય ટીમની સાથે ઓસ્ટ્રેલિયામાં પ્રતિષ્ઠિત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમવા પહોચેલા અશ્વિને ત્રીજી ટેસ્ટના અંતે અચાનક જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર પૂર્ણવિરામ મુકવાનો નિર્ણય લેતા ભારે આશ્ચર્ય ફેલાયુ હતુ. ત્રણ મેચ બાદ શ્રેણી ૧-૧થી બરોબરી પર છે, અને હજુ બે મુકાબલા બાકી છે, ત્યારે અશ્વિનના આ નિર્ણયથી ઘણા પ્રશ્નો સર્જાયા છે. જોકે ભારતીય સ્પિન બોલિંગને પરંપરાને આગળ ધપાવવાની સાથે વધુ ઊંચાઈ પર પહોંચાડવામાં તેનો સિંહફાળો અમીટ છે અને રહેશે તેમાં કોઈ બે મત નથી.


Google NewsGoogle News