સંગીત : આત્માઓને જોડતી કલા .
- આજકાલ-પ્રીતિ શાહ
- સંગીત એ સંસ્કૃતિ શીખવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. દરેક વ્યક્તિ પોતાની સંસ્કૃતિ લઈને આવે છે અને બધા હળીમળીને પરસ્પર સંસ્કૃતિનું આદાનપ્રદાન કરે છે
સં ગીતને ભાષાના કોઈ સીમાડા નડતા નથી. એ દેશ, કાળ, ધર્મ કે જાતિ જેવા ભેદભાવ વગર પરસ્પરને જોડે છે. તેથી ધાર્મિક અનુષ્ઠાનો હોય કે વિજ્ઞાપન, ફિલ્મ હોય કે નાટક - આ બધામાં સંગીતનું ઘણું મહત્ત્વ જોવા મળે છે. સંગીતકલા દ્વારા પોતાના અને કેટલીય વ્યક્તિઓના જીવનમાં પરિવર્તન આણ્યું છે તેવી એક વ્યક્તિ છે રોન ડેવિસ અલ્વારેઝ. વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં તેનો જન્મ થયો હતો. તેના પરિવારની આર્થિક પરિસ્થિતિ અત્યંત કફોડી હતી. ઝૂંપડપટ્ટીમાં તેઓ જ્યાં રહેતા હતા ત્યાં ડ્રગ્સની હેરાફેરી કરનારાઓને કારણે વારંવાર પોલીસ ધસી આવતી અને મારપીટની તો રોજિંદી ઘટનાઓ બનતી, તેથી આ પરિવારને એક જગ્યાએથી બીજી જગ્યાએ ભ્રમણ કરવું પડતું. તેના દાદી આઇસક્રીમ વેચતા અને તેમાંથી પરિવારનું ગુજરાન ચાલતું હતું. બહુ નાની ઉંમરમાં અલ્વારેઝ પણ દાદી સાથે આઇસક્રીમ વેચવા જતો હતો. તેઓ જ્યાં આઇસક્રીમ વેચતા, તેની સામે સંગીત કાર્યક્રમનું 'એલ સિસ્ટેમા' નામનું વિખ્યાત કેન્દ્ર હતું.
દસ વર્ષના રોન ડેવિસ અલ્વારેઝને આ કેન્દ્રમાં શી પ્રવૃત્તિ ચાલે છે, તેની હંમેશા જિજ્ઞાસા રહેતી, કારણ કે ત્યાં આવતા-જતા લોકોના હાથમાં કોઈ ને કોઈ વાદ્ય જોવા મળતું. એક દિવસ તે રોડ ક્રોસ કરીને કેન્દ્રમાં અંદર પહોંચી ગયો. અહીં સંગીતના મધુર વાતાવરણમાં ઉંમર, જાતિ, લિંગ, હોદ્દા અને દેશના કોઈ ભેદભાવ વગર લોકો તન્મયતાથી સંગીતનો આનંદ લઈ રહ્યા હતા. વાયોલિન વગાડતા એક કિશોર પાસે પહોંચી જઈને અલ્વારેઝે કહ્યું કે, 'હું પણ આ વાદ્ય વગાડવા ઇચ્છું છું, શું હું વગાડી શકું?' બસ, તે દિવસથી એ વાયોલિનના પ્રેમમાં પડી ગયો અને આ સંસ્થામાં પ્રવેશ મેળવ્યો. એને બીજો આનંદ એ થયો કે ત્યાં આવનાર વ્યક્તિ ગમે તેટલી ઊંચો હોદ્દો ધરાવતી હોય, શ્રીમંત હોય કે આઇસક્રીમ વેચનાર અલ્વારેઝ હોય - આ બધાની વચ્ચે કોઈ ભેદ નહોતો.
વાયોલિનની સાધનાને કારણે ચાર વર્ષમાં એ શિક્ષક બની ગયો અને અન્યને શીખવવા લાગ્યો. સોળ વર્ષની ઉંમરે તો તેને સંચાલનની જવાબદારી સોંપવામાં આવી. તેનું સંગીત કૌશલ્ય તેને યુનિવર્સિટી સુધી ખેંચી ગયું અને ત્યાં મેનેજમેન્ટ અંગે અભ્યાસ કરીને ફરી 'એલ સિસ્ટેમા' કેન્દ્રમાં જોડાઈ ગયો. અહીં એ સંગીત શીખવવા લાગ્યો અને બાળકો અને યુવાનો માટે ઑરકેસ્ટ્રા શરૂ કર્યું. એના અંતર્ગત ૨૦૧૫માં તેને સ્વીડન જવાનું થયું. ત્યાં તેણે સ્ટોકહોમ રેલવે સ્ટેશન પર જે દૃશ્ય જોયું, તે એના જીવનને વળાંક આપનારું બન્યું. ટ્રેનોમાંથી ઘણાં બાળકો અને કિશોરો હતાશ અને ઉદાસ ચહેરા સાથે ઉતરી રહ્યા હતા. તપાસ કરતા ખબર પડી કે સીરિયા, ઈરાક અને અફઘાનિસ્તાનથી નિરાધાર બાળકો શરણાર્થી તરીકે આવી રહ્યા છે.
રોન ડેવિસ અલ્વારેઝે વિચાર્યું કે તે આ મજબૂર અને લાચાર બાળકોને સંગીત દ્વારા મદદ કરી શકશે. તેણે તેર શરણાર્થી બાળકોને સંગીતનું શિક્ષણ આપવાની શરૂઆત કરી. તેઓ એકબીજાની ભાષા જાણતા નહોતા, પરંતુ સંગીતથી તેમના વચ્ચે મિત્રતા સધાઈ. પોતાના ભાવોની અભિવ્યક્તિ કરતા થયા અને આત્મવિશ્વાસ વધ્યો. અલ્વારેઝે આરકેસ્ટ્રાનું નામ રાખ્યું 'ડ્રીમ આરકેસ્ટ્રા'. તેણે પોતાના આરકેસ્ટ્રાને માત્ર શરણાર્થીઓ સુધી સીમિત ન રાખતા સ્વીડનમાં રહેતા તમામ નાગરિકોનો તેમાં સમાવેશ કર્યો. સ્વીડનના ગુથેનબર્ગમાં દર અઠવાડિયે આ ગ્રૂપ રીહર્સલ કરે છે, ત્રણેક જગ્યાએ સંગીતના ક્લાસ ચલાવે છે અને અંગ્રેજી શીખવે છે. જોકે બધા અંગ્રેજી શીખી નથી શકતા, પરંતુ આંકડા, રંગો, રમતો અને હાવભાવથી કોમ્યુનિકેશન કરે છે. અલ્વારેઝ જ્યારે વાયોલિન વગાડે છે, ત્યારે સહુને સહનશીલતા, અન્ય પ્રત્યે આદર અને કરુણા રાખતા શીખવે છે. એકબીજાને મદદરૂપ થવું તે તેમનું લક્ષ્ય છે.
તેઓ કહે છે કે સંગીત એ સંસ્કૃતિ શીખવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. દરેક વ્યક્તિ પોતાની સંસ્કૃતિ લઈને આવે છે અને બધા એકબીજા સાથે હળીમળીને પરસ્પર સંસ્કૃતિનું આદાનપ્રદાન કરે છે. આ શરણાર્થીઓ સ્વીડનમાં રહેવાના હોવાથી તેઓ સ્વીડીશ કમ્પોઝીશન પણ શીખવે છે. અહીં એક વ્યક્તિની સમસ્યા બધાની સમસ્યા બની જાય છે અને તેમાંથી તેઓ શીખે છે, વિકસે છે, જોડાયેલા રહે છે અને સાંત્વનાની અનુભૂતિ કરે છે. ઘણા અલ્વારેઝને રોલ માડલ માનીને તેની જેમ જ સંગીત દ્વારા વિશ્વમાં પરિવર્તન લાવવા માગે છે. અલ્વારેઝ પણ ઇચ્છે છે કે જ્યાં જ્યાં શરણાર્થી કેમ્પ છે ત્યાં આ યુવાનો ડ્રીમ આરકેસ્ટ્રા જેવું કામ કરે. આજે ૩૮ વર્ષના રોન ડેવિસ અલ્વારેઝના આરકેસ્ટ્રામાં ત્રણ વર્ષથી માંડીને સાઠ વર્ષની ઉંમર સુધીના ત્રણસો સભ્યો છે. દર શનિવારે ગોથનબર્ગના ચર્ચમાં હજારો લોકો એકત્ર થાય છે. તેમાં વીસ જેટલી ભાષા જાણનારા પચીસ દેશોની રાષ્ટ્રીયતા ધરાવતા લોકો હોય છે. તેઓ બધા સંગીતથી એકબીજા સાથે જોડાય છે અને સમગ્ર વાતાવરણમાં આનંદ છવાઈ જાય છે. અલ્વારેઝને શ્રદ્ધા છે કે વિશ્વમાં વધુ ને વધુ ઑરકેસ્ટ્રા કામ કરે તો વિશ્વ વધારે સુંદર અને જીવવા લાયક બને.
અર્પણાનું વિશાળ વિશ્વ
આ પણા સમાજમાં જે સ્ત્રીઓ નોકરી કે વ્યવસાય નથી કરતી અને માત્ર ગૃહિણી તરીકે ઘર સંભાળે છે, તેના પ્રત્યે લોકોનો એક અલગ દ્રષ્ટિકોણ હોય છે, પરંતુ દરેક વ્યક્તિમાં કંઈ ને કંઈ શક્તિ પડેલી હોય છે. જે ક્યારેક શરૂઆતનાં વર્ષોમાં વ્યક્ત થાય અથવા જીવનસંધ્યાએ. પશ્ચિમ બંગાળમાં રહેતાં અપર્ણા દાસ એક એવી જ ગૃહિણી છે કે જે કૌટુંબિક જવાબદારીમાંથી મુક્ત થઈને સાઠ વર્ષની ઉંમરે સામાજિક કાર્યકર્તા તરીકે સેવાનું કામ કરે છે. વર્ષો પહેલાં સંયુક્ત કુટુંબમાં અપર્ણાના લગ્ન થયા. સાસુ-સસરા અને આઠ દિયર-જેઠ મળીને બહોળા કુટુંબમાં રહેતી અપર્ણા ઘણી વખત પોતાના જીવન વિશે વિચારતી. યુવાનીમાં પુસ્તકો વાંચવાનો અને ગિટાર વગાડવાનો શોખ હતો, પણ તે આ ગૃહસ્થીમાં બાજુ પર રહી ગયો અને ઘરના લોકોને સંભાળવાના, અન્ય કામકાજ કરવામાં અને પુત્રીના ભવિષ્યને ઉજ્જ્વળ બનાવવામાં વર્ષો ક્યાં પસાર થઈ ગયા, તેનો ખ્યાલ જ ન રહ્યો. સૂક્ષ્મ દ્રષ્ટિએ વિચારતા તેને લાગ્યું કે તે પોતાના મૂળિયાંથી ઘણી અલગ પડી ગઈ છે.
૧૯૯૪માં અપર્ણાએ પુત્રીને જન્મ આપ્યો, ત્યારથી તેનું બધું ધ્યાન પુત્રીની ઉજ્જ્વળ કારકિર્દીમાં કેન્દ્રિત થઈ ગયું હતું, પરંતુ તેની પુત્રી પોતાની કારકિર્દી માટે કૉલકાતા ગઈ અને અપર્ણાના જીવનમાં ખાલીપો સર્જાયો, ત્યારે પુત્રીએ માતાને કહ્યું કે આખી જિંદગી તેણે કુટુંબ માટે ભોગ આપ્યો છે, પરંતુ હવે તે મનપસંદ કામ કરીને આનંદથી જીવન પસાર કરે. કોઈ સારી એન.જી.ઓ. સાથે જોડાઈને સેવા કરે. એનું એક કારણ એવું હતું કે અપર્ણા દાસ નાના હતા, ત્યારે તેણે તેમના માતા, પિતા, દાદાને બીજાને મદદ કરતા જોયા હતા. તેમનું ઘર હંમેશા જરૂરિયાતમંદ લોકો માટે ખુલ્લું રહેતું. દરેકને પરિવારના સભ્યની જેમ જ જાળવતા. તેમના માટે બીજાને મદદ કરવી એ કોઈ દયાનું કામ નહોતું, પણ તેમની જીવનશૈલી હતી.
૨૦૧૫માં તેમણે ૨૪ પરગણા જિલ્લાનું મુખ્યાલય બારાસાતમાં આવેલા કિશાલય ચિલ્ડ્રન્સ હોમમાં કામ કરવાની શરૂઆત કરી. અહીં અનાથ બાળકોને મહત્ત્વના કૌશલ્ય શીખવતા. તેમને આ કામમાં એટલો આનંદ આવવા લાગ્યો કે અન્યને મદદ કરવાનું જીવનલક્ષ્ય બની ગયું. તેઓ માનવા લાગ્યા કે પ્રેમ અને સાચા દિલથી જો તમે કોઈ કામ કરો, તો જીવનમાં બધું સરસ રીતે ગોઠવાતું જાય છે. તેમણે તે લોકો પોતાના પગભર થાય તે માટે પ્રયત્ન શરૂ કર્યો. તેમણે પોતાના માટે પણ ઘરે મશરૂમ ઊગાડીને આવકનો સ્ત્રોત ઊભો કર્યો. શિયાળામાં પશ્ચિમ બંગાળમાં કઠોળમાંથી બનતી સૂકી પકોડી જેને બંગાળીમાં બોરી કહેવાય છે તે બનાવીને વેચી. તેઓ કહે છે કે એમને પૈસાની જરૂર હતી માટે આ કામ કર્યું નથી, પરંતુ આ પૈસાથી અન્યને અને એન.જી.ઓ.ને મદદ કરવાનો આનંદ મળે છે.
આરાધના સોશિયલ અન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનમાં બાળકો સાથે કામ કરતા અપર્ણા તેમની પ્રાથમિક જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. કાવ્યપઠન, કાવ્યગાન, જીવનમાં ઉપયોગી કૌશલ્ય, સ્વચ્છતાની સમજ જેવી બાબતો શીખવે છે. જીવનમાં આવતા પડકારોનો સામનો કેવી રીતે કરવો, જીવનની જવાબદારીઓ અને જુદાં જુદાં સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવે છે. તેઓ માને છે કે માત્ર જીવનમાં ટકી રહેવા માટે જ નહીં, પરંતુ સમગ્ર રીતે તેમનો વિકાસ થાય તે રીતે તેમનું ઘડતર થવું જોઈએ. અપર્ણા દાસ હતોત્સાહ થયા વગર સતત કામ કરે છે.
૨૦૨૦માં કોરોનાકાળ દરમિયાન સંસ્થાઓમાં બાળકોને કોરોના થયો, ત્યારે સૌપ્રથમ તો સમજ ન પડી કે તેમને કેવી રીતે મદદ કરવી, પરંતુ તેમને પોતાનામાં એટલો વિશ્વાસ હતો કે તે તેનો ઉપાય શોધી શકશે. તે ત્યાં હાજર રહીને નહીં, પરંતુ ઘરે બેઠા મિત્રોની મદદથી બાળકો માટે ભોજન અને દવાની સહાય પહોંચાડી શકી. એક યુવાન સ્ત્રીને આર્થિક મુશ્કેલી હતી તો તેને મશરૂમની ખેતી કરતાં શીખવ્યું. અનાથાશ્રમનો એક છોકરો આજે કરાટેમાં બ્લેક બેલ્ટ ધરાવે છે અને તે માર્શલ આર્ટનો ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કરે છે. જ્યારે બીજો છોકરો સ્થાનિક કાપડની દુકાનમાં કામ કરે છે. આ તેને માટે માત્ર નોકરી નથી, પરંતુ જીવનની નવી શરૂઆત બની રહી અને ત્યારબાદ તે રેસ્ટોરન્ટમાં કામ કરે છે તેના બેંક એકાઉન્ટ ખોલવામાં અને બચતને સંભાળવામાં પણ અપર્ણા મદદ કરે છે. તેની સફળતા એ જ તેમના માટે મોટો પુરસ્કાર છે એમ અપર્ણાનું કહેવું છે. આજે તે એમના પરિવારનો સભ્ય બની ગયો છે. અપર્ણા કહે છે કે જો તમારી પાસે કોઈ આવડત છે તો નાના વ્યવસાયથી શરૂઆત કરી શકો.
બાળકોની સાથે સાથે સિનિયર સીટીજન માટે કામ કરે છે. મધ્યમગ્રામમાં આવેલ આલ્ડ એજ હોમ 'સંધ્યાનીર'માં સેવા આપે છે. તે લોકો માટે સવારના નાસ્તાની તેમજ બે ટંકના ભોજનની વ્યવસ્થા સંભાળે છે. અપર્ણાને એના કામમાં તેના પતિ અને પુત્રીનો સાથ મળી રહ્યો છે, તેથી કૌટુંબિક જવાબદારી સાથે કામ કરી શકે છે. તેના માટે સમયનું આયોજન હોવું જોઈએ એમ દ્રઢતાપૂર્વક માને છે. અપર્ણા કહે છે કે તેની આ યાત્રામાં ઘણી મુશ્કેલીઓ આવી છે, પરંતુ આજે એકસો જેટલી વ્યક્તિઓમાં પરિવર્તન આણનાર અપર્ણા દાસને એક સંતોષ છે. તે કહે છે કે, 'મારે જે કરવું હતું તે કર્યું, કારણ કે હું માનું છું કે સમાજને કંઈક પાછું આપવું જોઈએ. જો આપણે બધા સમાજ માટે નાનું કામ પણ કરીએ તો ઘણું મોટું પરિવર્તન લાવી શકાય.'