Get The App

હવે ગમે તેવી આફત તમને અકળાવી શકશે નહીં!

Updated: Dec 21st, 2024


Google NewsGoogle News
હવે ગમે તેવી આફત તમને અકળાવી શકશે નહીં! 1 - image


- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર

- વ્યક્તિના જીવનમાં ક્યારેક સુખ આવે છે અને ક્યારેક દુ:ખ આવે છે, ક્યારેક એ ભયભીત બને છે અને ક્યારેક એ અભયનો અનુભવ કરે છે...

જ્ઞા નના મહાસાગરને ગાગરમાં સમાવવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. આ અનોખી સત્સંગ સભાના માધ્યમથી ભારતીય સંતો, જ્ઞાનીઓ અને ચિંતકોએ આપેલા જ્ઞાનમાંથી નવનીત તારવીએ છીએ અને તે અમારા અધ્યાત્મપરાયણ વાચકો સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ. એક અનુપમ ગ્રંથ છે 'એકનાથી ભાગવત.' એના અગિયારમા અધ્યાયના ૨૭થી ૩૧ સુધીના શ્લોકોમાં ભગવાન શ્રીકૃષ્ણને ઉદ્ધવજી પ્રશ્નો પૂછે છે અને તેના શ્રીકૃષ્ણે આપેલા ઉત્તરો અહીં આલેખવામાં આવ્યા છે.

મરાઠી ભાષામાં પંદરસો ઓવીઓમાં પોતાના ગુરૂના આદેશને શિરોધાર્ય કરીને સંત એકનાથે 'એકનાથી ભાગવત'ની રચના કરી. આ ગ્રંથનું સર્જન કરતા એમને છ મહિનાનો સમય લાગ્યો હતો. સંવત ૧૬૨૮ના કાર્તિક સુદ પૂનમને સોમવારે એટલે કે જ્ઞાનપંચમીએ આ ગ્રંથ પૂર્ણ થયો હતો. સંત એકનાથજી 'પ્રગટ બ્રહ્મસ્વરૂપ' કહેવાતા હતા અને તેમના ભાગવતમાં તેઓ ઉદ્ધવજીના મુખે એ જિજ્ઞાસા પ્રગટ કરે છે કે સત્પુરૂષ કેવા હોય અને શ્રીકૃષ્ણ એનો ઉત્તર આપે છે. સત્પુરુષના અઠયાવીસ ગુણમાંથી પાંચ ગુણ બુદ્ધિની કૃપાળુતા, અદ્રોહ, તિતિક્ષા, સત્ય અને પવિત્રતા વિશે આપણે અગાઉ ચિંતન કરી ગયા છીએ.

હવે સંતના છઠ્ઠા ગુણ તરીકે સમભાવને બતાવે છે. વ્યક્તિના જીવનમાં ક્યારેક સુખ આવે છે અને ક્યારેક દુ:ખ આવે છે, ક્યારેક એ ભયભીત બને છે અને ક્યારેક એ અભયનો અનુભવ કરે છે. ક્વચિત્ સુખથી એ છકી જાય છે અથવા તો દુ:ખથી ડરી જાય છે. જીવન આવાં દ્વંદ્વોથી ભરેલું છે. સામસામેની ઘટનાઓની અથડામણ થતી હોય છે. આવે સમયે સત્પુરુષ કઈ રીતે વર્તે ? તો અહીં કહેવામાં આવ્યું છે કે સત્પુરુષ તમામ પરિસ્થિતિમાં સ્વસ્થ રહે છે. અનાસક્ત અને સ્થિતપ્રજ્ઞા રહે છે. એનો અર્થ એ કે સુખ અને દુ:ખ, ચડતી અને પડતી એવા દ્વંદ્વને ભૂલી જઈને જેમનું ચિત્ત સ્થિરતાથી રહે છે, એ જ સમભાવ છે અને સત્પુરુષનો એ છઠ્ઠો ગુણ છે. આ સંદર્ભમાં એક ઘટના જોઈએ.

ભગવાન બુદ્ધ પોતાના ભિખ્ખુઓ સાથે વિહાર કરી રહ્યા હતા. એક ગામથી બીજે ગામ જાય, ક્યારેક નગરમાં તો ક્યારેક વનમાં બેસીને ઉપદેશ આપે. ક્યારેક ગામને પાદરે તો ક્યારેક ગુફાની બહાર ઉપદેશ આપે. ભિખ્ખુઓ એમની પાસેથી ધર્મોપદેશ પામતા હતા અને જનસમૂહ એમની પાસેથી જીવનપાથેય પામતા હતા.

એકવાર ભગવાન બુદ્ધે એમના શિષ્યોને પૂછ્યું, 'તમે કોઈ મહાનગરમાં જાવ, જ્યાં અનેક લોકો વસતા હોય, એ નગરમાં તમે કોઈ સભાનું આયોજન કર્યું હોય, તમારી ધારણા હોય કે મોટી માનવમેદની ઊમટી પડશે અને બને એવું કે તમને કોઈ સાંભળવા જ ન આવે તો તમે બધા શું કરો ?'

ભિખ્ખુઓએ કહ્યું, 'કંઈ વાંધો નહીં. કોઈ શ્રોતા ન હોય, તેથી શું ? આ સમયે અમે એકબીજા સાથે બેસીને પરસ્પર સ્વાધ્યાય કરીશું. આપના ઉપદેશોનું ચિંતન અને મનન કરીશું.'

'ધારો કે તમારી કોઈ મજાકમશ્કરી કરે તો ? કોઈ તમારી ઠેકડી ઉડાડે અથવા તો તમને અપશબ્દો કહે તો.'

ભિખ્ખુઓએ કહ્યું, 'અમે એ તરફ કશું ધ્યાન આપીશું નહીં. અમે એની ઉપેક્ષા કરીશું.'

ભગવાન બુદ્ધે કહ્યું, 'ક્યારેક એવું પણ બને કે કોઈ તમારા પર ખૂબ ગુસ્સે થાય, કોઈ પથ્થર મારે અને કોઈ લાકડી લઈને મારવા દોડી પણ આવે. આવે સમયે તમે શું કરશો ?'

જવાબ આપતાં ભિખ્ખુઓએ કહ્યું, 'અરે, અમે તો સંતોષ માનીશું કે માત્ર લાકડી જ મારે છે ને કે ફક્ત અપશબ્દો જ કહે છે ને. મારી તો નાખતા નથી ને !'

ભગવાન બુદ્ધે કહ્યું, 'કદાચ અતિ ક્રોધાયમાન થઈને તમને મારી નાખે તો ?'

શિષ્યોએ કહ્યું, 'આવા સાત્ત્વિક કાર્યમાં હોમાઈ જવાનું થાય એનાથી બીજું સદ્ભાગ્ય કયું ? અમે શાંતિથી એ આફતનો પણ સ્વીકાર કરીશું.'

ત્યારે ભગવાન બુદ્ધે ભિખ્ખુઓને આશીર્વાદ આપતાં કહ્યું, 'હવે કોઈ જ અવરોધ તમને રોકી શકશે નહીં. કોઈ આફત પરેશાન કરી શકશે નહીં.'

આ છે સમભાવયુક્ત માનવીની મન:સ્થિતિ જીવનમાં એવી ઘણી પરિસ્થિતિ આવે ેછે કે જ્યારે વ્યક્તિ હતાશ થઈ જાય, સતત આવતા પડકારોથી પરેશાન થઈ જાય, સ્વજનો વિદાય લેતા હોય, દ્વેષીઓ વિના કારણે પીડા આપતા હોય - આવું બધું બનતું હોય. ત્યારે માણસ અકળાઈ જાય છે અને અકળાઈને ભૂલ કરી બેસતો હોય છે.

માનવીની મોટાભાગની ભૂલો એના ગુસ્સા, ક્રોધ, વિકારવૃત્તિ કે આક્રોશમાંથી જાગેલી હોય છે. ક્રોધ કે ગુસ્સો ત્યારે જાગે અથવા તો કોઈ વિપરીત પરિસ્થિતિ ઊભી થાય. કશુંક અણગમતું બને એટલે માનવીનું ચિત્ત ખળભળી ઊઠે છે અને પછી એના ચિત્તમાં કેટલાય વિકલ્પો અને દુષ્ટ વિચારો જાગે છે. જો ચિત્તમાં સમભાવ કેળવાયો હોય તો એ સમજી શકે કે ગમે તેવી પરિસ્થિતિ હોય, પછી તે આનંદની હોય કે પછી વિષાદની હોય, એ પારાવાર પ્રસન્નતાની હોય કે અસહ્ય પીડાની હોય, પણ એ બધાની વચ્ચે જો એનામાં સમભાવ હોય તો એ દ્વંદ્વથી પર થઈ જાય છે. કોઈ એની નિંદા કરે તો એ અકળાતો નથી અને કોઈ એની પ્રશંસા કરે તો એ ફુલાઈ જતો નથી.

આ સંદર્ભમાં એક મજાની ઘટના યાદ આવે છે. અમેરિકામાં કાર્નેગી રેડિયો પર અબ્રાહમ લિંકન વિશે વાર્તાલાપ આપતા હતા અને તે સમયે એક તારીખ બોલવામાં કાર્નેગીની ભૂલ થઈ ગઈ. એ સમયે એક મહિલા શ્રોતાએ કાર્નેગીને ખખડાવી નાખતો પત્ર લખ્યો, 'તમારામાં ચીવટનું કોઈ નામ-નિશાન જણાતું નથી. જો આવી સામાન્ય બાબતનો પણ તમે ખ્યાલ રાખી શકતા ન હોય તો કૃપા કરી આવા વાર્તાલાપો આપવાના બંધ કરશો, તો એનાથી મોટી સમાજસેવા થશે.'

કહે છે કે કાગળ વાંચતાંની સાથે જ કાર્નેગી ઊકળી ઊઠયા. એક સામાન્ય ભૂલ બદલ આટલો સખત ઠપકો ! કાર્નેગીએ એ મહિલાને સણસણતો જવાબ લખ્યો. એની અભદ્ર ભાષા વિશે આકરી ટીકા કરી. એક નાની ભૂલને આટલું બધું મોટું સ્વરૂપ આપવા બદલ એ મહિલાનો ઊધડો લીધો. સાથોસાથ શિષ્ટતા અને સુરુચિ કોને કહેવાય તે વિશે લાંબું સંભાષણ લખ્યું. કાર્નેગી પત્ર બીડીને પોસ્ટ કરવાનો વિચાર કરતો હતો, ત્યાં કોઈ અગત્યનું કામ આવી જતાં પત્ર પોસ્ટ કરવાનો રહી ગયો.

બીજે દિવસે પત્ર મોકલવાનો વિચાર કરતો હતો, ત્યાં મનમાં થયું કે મેં ગઈ કાલે જરા ગુસ્સામાં વધુ પડતું લખી નાખ્યું છે. એ મહિલાની વાત તો સાચી છે તો પછી મારે એની આવી સખત ટીકા કરવાની જરૂર નથી. આથી અગાઉનો પત્ર ફાડી નાખીને નવેસરથી પત્ર લખવા બેઠા. હજી ગુસ્સો ઓગળ્યો નહોતો એટલે ઠપકાનાં થોડાં વચનો કઠોર ભાષામાં લખ્યાં.

ફરી કાગળ મોકલવાનો વિચાર કરતાં એમ થયું કે મહિલા શિષ્ટ લખાણ ન લખે તે સમજી શકાય. પરંતુ પોતે આવી અશિષ્ટ ભાષા લખે તે બરાબર નથી. આથી ફરી કાગળ ફાડી નાખ્યો ને નવેસરથી લખ્યો. આ રીતે પત્રલેખનની સાથોસાથ પત્ર-નાશ કરવાનું કામ ચાલતું રહ્યું. આખરે એણે સાતમી વખત પત્ર લખ્યો. એ પત્રમાં આ મહિલાનો પોતાની આવી ક્ષતિ તરફ ધ્યાન દોરવા માટે આભાર માન્યો અને સાથોસાથ અવકાશે પોતાના ત્યાં આવવાનું નિમંત્રણ આપ્યું. થોડા દિવસ પછી એ મહિલા એન્ડ્રુ કાર્નેગીના ઘેર મહેમાન બનીને રહેવા આવી. બંનેએ એકબીજાને આદર આપ્યો. એમની વચ્ચે પરસ્પર લાગણીભર્યો સંબંધ બંધાયો.

હકીકતમાં આપણા ઘણા સંબંધો તૂટી જતા હોય છે, કારણ કે એની પાછળ એનું બીજ તો સાવ સામાન્ય હોય છે. ક્ષણિક ગુસ્સો એવો શાશ્વત બની જાય છે કે પરસ્પર વચ્ચે વર્ષોના અબોલા રહે છે. આવે સમયે માનવીએ એના જીવનમાં સમભાવની સાધના કરવી જોઈએ. જ્યાં દ્વંદ્વોનું ભાન ન રહે તે જ સમભાવ. એવા સમભાવને શ્રીકૃષ્ણ સત્પુરુષના લક્ષણ તરીકે બતાવે છે.


Google NewsGoogle News