Get The App

આસ્થા અને આનંદનું મૂલ્ય .

Updated: Dec 21st, 2024


Google NewsGoogle News
આસ્થા અને આનંદનું મૂલ્ય                                      . 1 - image


- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ

સ્વ યંની આસ્થા ખોઈ નાખવી સંપદા ખોવાથી પણ વિશેષ છે-આખરે, સંપદાની પૂર્તિ સંભવ છે આસ્થાની દુષ્કર છે. જીવનભર માટે એક જ વખત આસ્થા મળે છે, ખોવાશે તો અસ્તિત્વ આખું એક યાચક બની જશે. 

- એમીલી ડીકીન્સન

આસ્થામાં જીવનભરનું સંદેહ અને સવાલ વિનાનું સમાધાન છે. વરસના અંત પાસે આવી પહોંચ્યા છીએ ત્યારે ફરી એક વખત  જીવન આસ્થા હચમચી નથી ગઈ ને તે સ્વયંને પૂછી લેવાની જરૂર છે. જીવન આસ્થા તો છે અધ્યાત્મ. નાની-મોટી નિષ્ફળતા, નિરાશાથી ડોલવા લાગે તો તે આસ્થા નથી.

તથાગત બુધ્ધ અને તેમનો આત્મીય અને આત્મવાન શિષ્ય આનંદ બેઠા હતા. કોઈ વ્યક્તિ આવી અને ગુસ્સા સાથે અનેક અપશબ્દો અને ફરિયાદો તેણે તથાગત ને કહી પણ તેઓ મૌનસ્થ અને સ્વસ્થ રહ્યા. થોડીવાર બાદ અન્ય એક વ્યક્તિ આવી તેણે તથાગતના ચરણમાં ફૂલો અર્પણ કર્યા અને પ્રશસ્તીના શબ્દો કહ્યા. અલબત્ત, ત્યારે પણ તથાગત તો નિર્લેપ અને તટસ્થ રહ્યા. તેના ગયા બાદ જ્યારે આનંદે બન્ને ઘટનાઓ વિશે તથાગત ને પૂછયું ત્યારે તેઓ કહે છે, 'મારા માન-અપમાન કરવા માટે તેઓ સ્વતંત્ર છે પણ તેના સ્વીકાર અને અસ્વીકાર માટે હું પણ સ્વતંત્ર છું.' કદાચ, આ ઊર્જા અને પ્રજ્ઞા અસ્તિત્વ પ્રત્યેની આસ્થાઓમાંથી આવે છે.

માનવીય ચૈતન્ય સ્વતંત્ર છે. તેથી આપણી  આસ્થા, આસ્તિકતા અને આશા, પસંદગી છે, નિર્ણય છે, સ્વાતંત્ર્ય છે. આ વરસની બધી પીડા, પડકારો, પ્રશ્નો ખભેથી ઉતારી નાખવા છે કે નવા વરસે પણ સાથે લઈને ફરવું છે? તે આપણો સ્વતંત્ર નિર્ણય છે. વરસના અંતે  તારિખીયાની સાથે જ બધો સાઈકો-ઈમોશનલ લગેજ ઉતારી નથી નાખવો? જીવનને નવેસરથી તક નથી આપવી? જીવનમાં કશું પણ સરેરાશ કે સામાન્ય નથી હોતું બધું અદભૂત અને અલૌકિક છે. હા, એક જ વસ્તુ ખૂટે છે, આપણી સમગ્રતા. આપણે શબ્દગ્રસ્ત અને વિચારગ્રસ્ત છીએ તેથી બુદ્ધિ કે હૃદય વચ્ચે વહેંચાયેલા અને વિખરાયેલા છીએ. પરિચિત વિશ્વની પાર એક પગલું માંડવામાં પણ ક્રાંતિ છે. સ્વના સમયપત્રકની બહાર નીકળવામાં ખરો વિદ્રોહ છે. ઘર કે ઓફિસની બારીએથી નિષ્પ્રયોજન ઉડતા ઈગલની ઉડાન પળભર જોઈ લેવામાં કોઈ પરવાનગીની  જરૂર નથી. નાસ્તિક કે સંદેહવાદી પણ દરિયાતટેથી સૂર્યોદય કે સુર્યાસ્ત જોઈ શકે છે. 

આનંદ જીવનનો સ્વભાવ છે અને હા, અનુભવ પણ છે. તે કોઈ શાસ્ત્રોક્ત વિચાર કે વિષય નથી. આનંદ કોઈ ૨+૨=૪ નું ગણિત નથી. ક્યારેક ખાતામાં દસ  કરોડ રૂપીઆ કરતા વધુ આનંદ-મોજ નાનકડી ચીંદરડી સાથે રમતી બે ખિસકોલીઓની  મસ્તીમાં વધારે આવે છે. આત્માનું પોષણ આવી આશા, આસ્થા, આનંદમાં છે. 

ઓશો ચિંધે છે 'રહસ્યમય જગતથી તમે ઘેરાયેલા છો. જીવન પ્રતિપળ અનંત રૂપે પ્રગટે છે : ઉગતાં ઘાસ, ખીલતા ફૂલો, ઘેરાયેલ વાદળો, વરસાદના છાંટણા, વૃક્ષોમાંથી વહેતી હવા, સાગરની વહેતી લહેરોમાં ડૂબતો સૂર્ય, ચાંદ-તારા, કોયલની કુ, બાળકની આંખોમાં! આ બધામાં વિસ્મિત થતા શીખીએ, ક્યાંક  અટકતા, અવાક થતા શીખીએ. તો  તમારું જીવન ઉત્સવની એક શૃંખલા બની જશે....


Google NewsGoogle News