Get The App

માનવી પામશે 6500 વર્ષનું આયુષ્ય?

Updated: Dec 21st, 2024


Google NewsGoogle News
માનવી પામશે 6500 વર્ષનું આયુષ્ય? 1 - image


- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- બ્રાયન જોહન્સને 'પ્રોજેક્ટ બેબી ફેઈસ' દ્વારા પોતાના ચહેરામાં બીજાની ચરબી ઈંજેક્શન દ્વારા લઈને ચહેરાને જુવાન દેખાવાનો પ્રયાસ કર્યો...

હ વે માનવજાત વૃદ્ધત્વને પરાજિત કરીને મૃત્યુ પર વિજય મેળવવાનો ભગીરથ પ્રયાસ કરી રહી છે. વૃદ્ધત્વ પામે અને વળી અમરત્વ પ્રાપ્ત થાય. ૪૭ વર્ષનો અમેરિકન અબજોપતિ બ્રાયન જોહન્સન એ માનવીના આયુષ્યની વૃદ્ધિ માટે આંદોલન કરી રહ્યો છે. ઈતિહાસમાં પ્રાચીન મેસોપોટેમિયાના મહાકાવ્યનું પાત્ર ગિલગમેશ અમરત્વની શોધ કરવા માટે નીકળે છે અને અંતે એને સમજાય છે, 'તમને જીવનમાં મળેલા સમયમાં તમે જે સિદ્ધ કરો, તે જ અમરત્વ છે અને તમે ખરેખર મહાન હશો તો તમને યાદ કરવામાં આવશે.'

એ જ વૃદ્ધાવસ્થામાંથી ઉગરવા માટે યયાતિએ સૌથી નાના પુત્ર પુરુનું તારુણ્ય ઉછીનું લીધું. તો ભતૃહરિની કથામાં પણ એને મળેલું અમરફળ રાણી પિંગલાને ખાવા આપ્યું અને તે પિંગલાએ પોતાના પ્રિય સેનાપતિને આપ્યું અને અંતે ભતૃહરિ પાસે એ અમરફળ આવે છે ત્યારે એ પ્રસંગથી એને સંસારની નશ્વરતાનો ખ્યાલ આવે છે અને સંન્યાસ લે છે. સિકંદરે  અમરત્વની શોધ કરી હતી, પણ આજે વાસ્તવમાં મેડિકલ સાયન્સ, વિકસી રહેલી ટેક્નોલોજી, ડાયેટિંગ અને ચૂસ્ત રીતે જીવનના નિયમો પાળીને વૃદ્ધત્વને પરાજય આપવાનો મોરચો ખોલવામાં આવ્યો છે.

એમ કહેવાય છે કે થોડા સમય બાદ નેવું વર્ષનો શ્રોતા હશે અને ચારસો વર્ષની વય ધરાવતો વક્તા હશે ! સિલિકોન વેલીના સીઈઓ બ્રાયન જોહન્સને તો આને માટે જંગ માંડયો છે અને એના પ્રોગ્રામનું નામ છે 'ડોન્ટ ડાઈ'. 'મૃત્યુ પામશો નહીં' એવું સૂત્ર ધરાવનારા એના કાર્યક્રમનો હેતુ માણસ દીર્ઘ, સ્વાસ્થ્યપૂર્ણ અને સુંદર જીવન આપવાનો છે.

પોતાના 'પ્રોજેક્ટ બ્લ્યુ પ્રિન્ટ' દ્વારા એણે પોતાના શરીરને યુવાન બનાવવા માટે પ્લાઝમા ટ્રાન્સફ્યુઝન કર્યું અને એક અજાણ્યા રક્તદાતા યુવાનનું રક્ત પોતાના શરીરમાં દાખલ કર્યું. દર વર્ષે બે મિલયન જેટલો ખર્ચ એ વધતી ઉંમરને અટકાવવાની સારવાર માટે કરે છે. સત્તર વર્ષના પોતાના પુત્રનું લોહી એણે એના શરીરમાં લીધું. એનો હેતુ તો પોતાની ૪૭ વર્ષની ઉમરને હરાવવાનો છે અને કહે છે કે આજે એનું હ્ય્દય ૩૭ વર્ષનું અને એની ત્વચા ૨૮ વર્ષની છે. એની ઈચ્છા તો એના હ્ય્દય, ફેફસાં, કીડની અને બ્રેઈનને અઢાર વર્ષની વયના કરવાના છે. આને માટે એ અનેક સપ્લીમેન્ટ લે છે. શાકાહારી એવો બ્રાયન સાડા સાત કિલો શાકભાજી ઝાપટી જાય છે. પોતાના ચાર દિવસના ભોજન માટેનું એનું પ્લાનિંગ રસપ્રદ છે. એને  આહારની બાબતમાં એની કડક શિસ્ત અને આગ્રહ જોવા મળે છે, પણ એના આહારની શૈલીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. ઉંમરને પાછા પગલે લઈ જવા માટે એણે બનાવેલા આહારમાં કલર વિનાના બેસન ચિલ્લા, મસૂર દાલ અને સબ્જી ચાવલનો સમાવેશ થાય છે. આ જોઈને કોઈને મજાકમાં એમ પણ કહ્યું કે હવે પછી એના ભોજનમાં છોલે ભટુરે, ચણા દાળ કે ગોબી આલૂ પણ થોડા સમયમાં દાખલ થઈ જશે !

તાજેતરમાં પોતાના પુસ્તક 'ડોન્ટ ડાઈ'ના પ્રમોશન માટે અને ઉંમરને પાછા હઠાવતા 'પ્રોજેક્ટ બ્લ્યુપ્રિન્ટ' માટે જોહન્સન છ દિવસ માટે ભારતની પહેલી વાર લટાર લગાવીને ગયો. ભારતની સમૃદ્ધ સંસ્કૃતિના આ ચાહકે કહ્યું કે, 'સાતમી સદીમાં ગણિતશાસ્ત્રી બ્રહ્મગુપ્તે ઝીરોની શોધ કરી અને તેનો ઉપયોગ કર્યો તે માત્ર ઈતિહાસ કે કે ગણિતશાસ્ત્રની નહીં, બલ્કે ભૌતિકશાસ્ત્ર, અવકાશશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન, એકાઉન્ટીંગ, રોબોટિક્સ અને નેવિગેશન બધાને માટે ઉપયોગી અને મહત્ત્વની પુરવાર થઈ છે.'

બ્રાયન જોહન્સને 'પ્રોજેક્ટ બેબી ફેઈસ' દ્વારા પોતાના ચહેરામાં બીજાની ચરબી ઈંજેક્શન દ્વારા લઈને ચહેરાને જુવાન દેખાવાનો પ્રયાસ કર્યો. એના આ અભિયાનમાં થોડા દિવસો માટે તો એનો ચહેરો વિકૃત થઈ ગયો હતો અને એલર્જીનો સામનો કરવો પડયો, પરંતુ આજે એ પોતાની શારીરિક ઉંમરને પરાસ્ત કરવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યો છે. સવાલ એ છે કે પ્રાચીન સમયમાં ગિલગમેશ નિષ્ફળ ગયો હતો તો અર્વાચીન સમયમાં બ્રાયન અને એના જેવા બીજા લોકો સફળ થશે ખરા ? પહેલી વાત તો એ છે કે મોટાભાગનાં ડોક્ટરો વૃદ્ધત્વને એક રોગ તરીકે વર્ગીકૃત કરે છે, જ્યારે એ હકીકતમાં તો સિમેન્ટીક ફેરફાર જેવું હોય છે. અમુક કારણોસર આપણી ઉંમર વધતી જાય છે, તો તેનો કુદરતી ઉપચાર શોધવો જોઈએ અને આથી કેટલાક આધુનિક ટેકનોલોજી ધરાવતા અભ્યાસીઓ તો આને એક તકનિકી સમસ્યા જ માને છે.

પહેલો સવાલ એ છે કે વ્યક્તિ શા માટે વૃદ્ધ થાય છે અને મૃત્યુ પામે છે ? વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે, 'વૃદ્ધત્વ અને મૃત્યુ જેવી ઘટના સર્જાય છે, તેની પાછળ અડધા ડઝનથી વધુ વ્યાપક કારણો હોતા નથી. એક કારણ એ આપણા ડી.એન.એ.માં પરિવર્તન કરે છે. આને કારણે આપણું શરીરમાં 'જંક' એટલે કે ભંગાર ભેગો થાય છે અને આપણું શરીર એ 'ટ્રેટિસ' નામની પઝલ ગેમ જેવું છે, જેમાં આપણી બધી સિદ્ધિઓ અદ્રશ્ય થઈ જાય છે અને આપણી બધી ભૂલોનો ઢગલો થઈ જાય છે. અલ્ઝાઈમરના દર્દીઓના મગજમાં તકતી (શરીર પર અથવા અંદર એક નાનો અસામાન્ય ધબ્બો-ડાધ) આવી સમસ્યા છે. આપણી બીજી સમસ્યા કોષવિભાજન સાથે સંબંધિત છે. ક્યારેક આપણા કોષો ખૂબ જ વિભાજિત થાય છે અથવા તો ક્યારેક તેઓ વિભાજન કરવાનું બંધ કરે છે. આના પરિણામે પાર્કિન્સન્સ જેવા રોગથી માનવી ઘેરાઈ જાય છે.'

ઉંમર વધવાનું એક બીજું કારણ આપણા ટેલોમોર અદ્રશ્ય થઈ જાય છે. વ્યક્તિના શરીરે ચતુરાઈથી ડીએનએનાં દરેક સ્ટ્રાન્ડના છેડા પર નકામી સામગ્રીનો સમૂહ જે ટેલોમેરેઝ છે, પરંતુ જો વ્યક્તિના કોષો પૂરતા પ્રમાણમાં વિભાજિત થાય છે, તો ટેલોમેરેઝ સંપૂર્ણપણે ખાઈ જાય છે અને પરિણામે ડીએનએની મહત્ત્વની સામગ્રી ખૂટે છે અને શરીર તૂટી જાય છે. સદ્દભાગ્યે અહીં એક ઉકેલ છે. ટેલોમેરેઝ નામનું એક એન્ઝાઈમ છે, જે સક્રિય થવા પર જાય છે અને ટેલોમેરેસમાં વધુ સામગ્રી ઉમેરે છે. મનુષ્યો માટે, જ્યારે આપણે વિટ્રોમાં (ગર્ભમાં) હોઈએ ત્યારે તે સક્રિય થાય છે, કારણ કે આપણા કોષો ઘણી વખત વિભાજીત થાય છે. અફસોસની વાત એ છે કે તે વિવિધ કેન્સરમાં પણ સક્રિય થાય છે, જે તેમના કોષોને 'અમર' થવા દે છે, જે તે રોગોના પડકારનો એક ભાગ છે. કરચલામાં સતત ટેલોમેરેઝ સક્રિય હોય છે અને દસ પગવાળા કરચલા કુદરતી રીતે વૃદ્ધ થતા નથી. જો આપણે પચાસ વર્ષના કરચલાને અને એની સાથે પાંચ વર્ષના કરચલાના અવયવોને જોઈએ, તો તેઓને અલગ પાડવા મુશ્કેલ છે.

આમ સામાન્યપણે વૃદ્ધાવસ્થામાં થતા રોગોને નાથીને માનવીનું આયુષ્ય લંબાવી શકાય. જો વ્યક્તિ ઉંમર-લાયક ન થાય તો કેવું સારું ? એક એકચ્યુરિયલ એટલે કે વીમા નિષ્ણાતની ગણતરી પ્રમાણે આવું બધું થાય તો આપણે ૬૫૦૦ વર્ષની આસપાસનું આયુષ્ય ભોગવી શકીએ. આનો અર્થ એ કે કોઈ કાર કે વિમાની અકસ્માતમાં ૫૦૦ વર્ષના માનવીનું અણધાર્યું મૃત્યુ થાય તો એમ કહેવાશે કે એ બહુ ટૂંકુ આયુષ્ય ભોગવીને મૃત્યુ પામ્યા. હજી એમને ૬૦૦૦ વર્ષ કાઢવાના બાકી હતા.

આ સમયે ઝેન સંપ્રદાયનો એક આશીર્વાદ યાદ આવે છે. ઝેન સંપ્રદાયમાં એવો આશીર્વાદ આપવામાં આવે છે : 'પિતા મૃત્યુ પામે, તમે મૃત્યુ પામો, તમારો પુત્ર પામે.' આવા આશીર્વાદનું એક કારણ એ છે કે કદાચ આવી વ્યવસ્થા બદલવી એ ભયાનક બાબત પણ બની શકે. પછી એવો મુદ્દો આવશે કે માણસ દીર્ઘ જીવન જીવતો હશે અને સાથોસાથ એને પોતાના મૃત્યુની ક્ષણ અને રીત પણ પસંદ કરવાનો સ્વાધિકાર હશે. એ પોતાની રીતે મૃત્યુનો સામનો કરશે અને પોતાની શરતે મૃત્યુનો સ્વીકાર કરશે.

જુલિયસ સિઝરે કહ્યું હતું કે, 'હું વર્ષો અને સિદ્ધિઓ બંનેમાં લાંબું જીવ્યો છું' તેઓ વ્યક્તિને અનુભવ થાય પછી જ એ પોતાનું મૃત્યુ પસંદ કરે. પણ સાથે મારે એક કલ્પના પણ આપવી છે અને એ છે કે, 'જૂનાનું મૃત્યુ થવું આવશ્યક છે, કારણ કે નવા વિચારો પ્રસરવા જોઈએ અને નવા માર્ગે પ્રગતિ થવી જોઈએ.'

કલ્પના કરીએ કે ઈ.સ. ૧૬૦૦ કે ઈ.સ. ૧૮૦૦ના સમયનાં લોકો આ પૃથ્વી પર હોત તો શું થાય ? તેઓ કઈ રીતે જીવતા હોત ? ક્યા પ્રકારની સંસ્કૃતિ તરફ કૂચ કરતા હોત ? અને આ વિશ્લેણ કરીએ, ત્યારે એમ લાગે કે મૃત્યુ એ જ જીવનનો કાયમ યુવાન રહેવાનો માર્ગ હોઈ શકે. આ પૃથ્વી પર યુગોથી માનવજીવન છે, પણ એ જીવન ધબકતું અને જુવાન છે. એ નાવીન્યસભર છે. આજે વૃદ્ધત્વને નાથીને પોતાની વય ઘટાડવા માટે અને લાંબું જીવવા માટે માલેતુજાર બ્રાયન એન્ટિ-એજિંગના પ્રયોગો કરે છે. આ પ્રયોગો ઉંમર વધવાની પ્રક્રિયા ધીમી પાડીને આયુષ્યને સદાય યુવાન રાખવા ચાહે છે.

આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સથી માંડીને આહારશાસ્ત્રની બારીકીઓ સુધી અને આરોગ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે હરણફાળ ભરતી દુનિયા વૃદ્ધત્વ સામે જંગ ખેલીને મૃત્યુને પરાસ્ત કરવામાં કેટલે અંશે સફળ જશે તે આજનો સવાલ છે, પણ ખેર ! એ દિશામાં માનવ એક પગલું આગળ ભરવાનો વિચાર કરે છે, તે કેટલી મોટી વાત છે!

મનઝરૂખો

એ સમયે અમેરિકામાં આવકવેરો નહોતો અને એ જમાનામાં અમેરિકન કંપનીઓમાં વાર્ષિક દસ લાખ ડોલરની કમાણી કરતી વ્યક્તિઓ બહુ ઓછી હતી. આવે સમયે એન્ડ્રુ કાર્નેગીએ પોતાની નવી કંપનીમાં ત્રીસ વર્ષના યુવાનની નિમણૂક કરી. યુનાઈટેડ સ્ટીલ કંપની નામની એમની આ કંપનીનો પ્રારંભ ઈ.સ. ૧૯૨૧માં કર્યો અને એણે ચાર્લ્સ શ્વાબને વર્ષે દસ હજાર ડોલરના પગારે રાખી લીધા. ચાર્લ્સ શ્વાબ પાસે એક આગવી આવડત હતી. એ પોતે સ્ટીલ ઉત્પાદનના આ વ્યવસાયના ઊંડા જાણકાર નહોતા. એમના હાથ નીચે કામ કરતા કેટલાય લોકો ચાર્લ્સ શ્વાબ કરતાં સ્ટીલ ઉત્પાદન અંગે વધુ જાણકારી ધરાવતા હતા, પરંતુ ચાર્લ્સ શ્વાબની ખૂબી એવી હતી કે એ પોતાના સાથી કર્મચારીઓને બરાબર ઓળખીને કામમાં પ્રોત્સાહિત કરતા હતા. કર્મચારીઓને એમના કાર્ય માટે અભિનંદન આપતો હતો. એની આ આવડત જ ચાર્લ્સ શ્વાબની એક મહત્ત્વની શક્તિ બની રહી.

એમાં પણ એની સ્ટીલ મિલમાં કામ કરતા એક આધેડ વયના જર્મન કામદારને પોતાના સાથી કામદારો સાથે ઝઘડો થયો. સામસામી દલીલબાજી થઈ. એમાંથી ઉગ્ર સ્વરૂપ પકડયું અને બધાએ ભેગા થઈને પેલા જર્મન કર્મચારીને ઊંચકીને નદીમાં ફેંકી દીધો. પેલો જર્મન કર્મચારી પાછો ઓફિસમાં આવ્યો, ત્યારે એનાં કપડાં કાદવ-કીચડવાળાં હતાં. ચાર્લ્સ શ્વાબે એને પૂછ્યું કે, 'તારા સાથી કર્મચારીઓએ તને ઊંચકીને નદીમાં ફેંકી દીધો, ત્યારે તેં એમને કેટલા ગુસ્સાભર્યા અપશબ્દો કહ્યા હતા?'

એના ઉત્તરમાં આધેડ વયના જર્મન કર્મચારીએ કહ્યું, 'સાહેબ, એ સમયે હું માત્ર હસતો હતો' અને ચાર્લ્સ શ્વાબે એ પ્રૌઢ જર્મન પાસેથી 'કપરી પરિસ્થિતિમાં પણ સદા હસતા રહેવું' એ સૂત્રને જીવનમંત્ર તરીકે અપનાવી લીધું.


Google NewsGoogle News