શ્રાઉડ ઓફ તુરિન : રહસ્યમય ચાદર કે પ્રભુ ઈસુનો સાક્ષાત્કાર?
- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી
બ્રિ ટિશ ફિલ્મ નિર્માતા અને પોતાને નાસ્તિક ગણાવતા વ્યક્તિ એટલે ડેવિડ રોલ્ફ, તેણે એક એવા પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું. જે તેમના જીવનની દિશા બદલી નાખે તેમ હતું. રોલ્ફને તુરીનની ચાદર તરીકે ઓળખાતી એક વસ્તુ વિશે એક ડોક્યુમેન્ટરી બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું, જે ખ્રિસ્તી ધર્મના સૌથી શ્રદ્ધાસ્પદ પવિત્ર ચિહ્નોમાંનું એક માનવામાં આવે છે. રોલ્ફને આશા હતી કે 'તે આ ચાદર પર દેખાતા રહસ્યમય ઈસુ ખ્રિસ્ત જેવા ચેહરા અને રક્તરંજિત ડાઘના વૈજ્ઞાનિક કારણ શોધી શકશે. પરંતુ પ્રોજેક્ટના અંતે તેમણે આ ચાદર ખરેખર પ્રભુ ઈસુની હોવાનો વિશ્વાસ રજૂ કર્યો હતો.'
રોલ્ફના ધાર્મિક પરિવર્તન પાછળના મુખ્ય કારણમાંનું એક કારણ શ્રાઉડ ઓફ તુરિન તરીકે ઓળખાતી ચાદરની જટિલતા છે. આ ચાદર ઉપર એક માણસને દર્શાવવામાં આવ્યો છે, જે અંદાજે પાંચ ફૂટ છ ઇંચ ઉંચો છે, તેની આંખો આડી ચોકડીવાળી છે. તેના શરીર ઉપર જોવા મળતા ઘા અને ઈજાઓ, બાઈબલમાં વર્ણવેલા પ્રભુ ઈસુના ઘાવો સાથે મેળ ખાય છે. જે એને અન્યથી અલગ પાડે છે. આ ચાદર ઉપર ચિત્ર એટલે કે છબી કેવી રીતે ઉપસી આવી છે? ચિત્ર કે છબીમાં કોઈ પણ જાતની શાહી, પેઇન્ટ, કે કોઈ કલા માધ્યમના ચિહ્નો, ચાદર પર જોવા મળતા નથી. આ છબી એક ફોટોગ્રાફિક નેગેટિવ જેવી લાગે છે. ચાદર પર નેગેટીવ સ્વરૂપે છબી કેવી રીતે છપાઈ છે? તે આજે પણ એક અજાણ્યું વૈજ્ઞાનિક રહસ્ય છે. ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર ગણાતું ''શ્રાઉડ ઓફ તુરિન'' શું છે? તેનો ભૂતકાળ અને ઇતિહાસ શું છે? તેના ઉપર કેવા પ્રકારના વૈજ્ઞાનિક પ્રયોગો થયા છે? પ્રયોગોના અંતે શું તારણ નીકળ્યું છે?
તુરિનની ચાદરનો ઇતિહાસ અને અધ્યાત્મ
૧૯૭૮માં, રોલ્ફની ફિલ્મનો હેતુ હતો કે આ ચાદર પર આ પ્રકારની છબી કેવી રીતે બની છે? તેને વૈજ્ઞાનિક રીતે સમજાવે. પરંતુ આ ડોક્યુમેન્ટરી બનાવતી વખતે, રોલ્ફ એ માન્યતા પર આવ્યા કે 'આ છબી માનવ હસ્તકલા દ્વારા બની શકતી નથી.' તેઓએ આ બાબત વિશે કહ્યું, ''મેં નાસ્તિક તરીકે આ પ્રોજેક્ટ શરુ કર્યો હતો. અહીં મારી અગ્નિ પરીક્ષા થઈ અને અગ્નિજ્ઞાન મળ્યું. હવે હું ખ્રિસ્તી છું, કારણ કે આ છબી ઊભી થવા માટે કોઈ માનવીય કારણ શોધી શકતો નથી.'' રોલ્ફ ચાદરના અસલી હોવા અંગે મક્કમ છે. તેઓ એવું માને છે કે ચાદર ઉપર ચિત્ર ચમત્કારીક રીતે તૈયાર થયું છે. એટલે જ તેમણે આસ્થાપૂર્વક ૧ મિલિયન ડોલરનું ઈનામ જાહેર કર્યું છે. જે કોઈ વ્યક્તિ, શ્રાઉડ ઓફ તુરિન જેવા ચિત્ર વાળી ચાદરની છબી બનાવી શકે, તેને દસ લાખ ડોલરનું ઇનામ આપવામાં આવશે. પરંતુ હજુ સુધી કોઈએ આ ઈનામ જીત્યું નથી. આખરે તુરીનની ચાદર અને તેના ઉપરની છાપ કેવી છે? તેનો ખ્યાલ મેળવીએ.
૧૬મી સદીથી આ ચાદર ઇટાલીના તુરીનના સેન્ટ જોન ધ બેપ્ટિસ્ટ કેથેડ્રલમાં રાખવામાં આવી છે, પણ તેનો ઇતિહાસ ઘણો જૂનો છે, જે શ્રદ્ધાળુઓ અને શંકાશીલો બંનેને આકર્ષે છે. તુરિનનો શ્રાઉડ, જેને પવિત્ર શ્રાઉડ પણ કહેવામાં આવે છે, લિનેનના કપડાનો એક ટુકડું છે, જેમાં એક નગ્ન માણસના શરીરનો આગળ અને પાછળના ભાગનું ધૂંધળું ચિત્ર દેખાય છે. તુરીનની ચાદર ૧૪ ફૂટ લાંબી લિનેનની ચાદર છે. જેમાં એક ક્રોસ પર ચઢાવેલા માણસની છબી દેખાય છે. આ છબીમાં જે ઘાવ દેખાય છે, તે બાઈબલમાં વર્ણવાયેલ પ્રભુ ઈસુની ઇજાઓ સાથે મેળ ખાય છે, જેમ કે માથા પર કાંટાના મુગટના નિશાન, હાથ અને પગ પર ક્રોસ પર લટકાવાથી થયેલ ઇજાઓ, અને પાંસળીમાં ભોંકાયેલો ભાલો. આ ચિત્રના કેટલાક ભાગ ઈસુ ખ્રિસ્તના મરણ પછીના પરંપરાગત ચિત્ર સાથે પણ મેળ ખાય છે. આ શ્રાઉડને ઘણા વર્ષોથી, ખાસ કરીને કેથોલિક ચર્ચના લોકો દ્વારા, પ્રભુ ઈસુના દફનાવવાના મૂળ કપડાં તરીકે ઓળખવામાં આવે છે.
વૈજ્ઞાનિક પરીક્ષણ : પરિણામ ઓછા અને વિવાદ વધારે
અહીં એક સવાલ જરૂર થાય કે અત્યાર સુધી શ્રાઉડ ઓફ તુરિન ઉપર કેટલાં પરીક્ષણો થઈ ચૂક્યા છે? તેનું પરિણામ શું આવ્યું છે? તુરીનની ચાદર પર ૧૭૦થી વધુ પીઅર-રિવ્યુ અભ્યાસો થયા છે, જેમાંથી ઘણા એ પરિણામ પર પહોંચ્યા છે કે ચાદર સાચી છે. કેટલાક અભ્યાસોમાં જણાયું છે કે ચાદર પરનું રક્ત એક પીડાગ્રસ્ત વ્યક્તિનું છે, જેમાં ક્રીએટિનાઇન અને ફેરીટિન જેવા પદાર્થો મળી આવ્યા છે. જે સામાન્ય રીતે તે લોકોને જોવા મળે છે, જેમણે ગંભીર ઈજાઓ સહન કરી હોય છે. આ તારણો આ સમર્થન આપે છે કે 'આ છબી પેઇન્ટેડ અથવા ખોટી નથી, પરંતુ આ એક વાસ્તવિક વ્યક્તિની પીડાનું પરિણામ છે.'
કેટલાક જાણીતા લોકો માટે આ ચાદર ખ્રિસ્તના પુનરુત્થાનની ક્ષણ દર્શાવે છે. તેઓ માને છે કે 'લિનેન પરની છબી એક તીવ્ર ઊર્જા વિસ્ફોટથી છપાઈ છે, જે પુનરુત્થાન દરમિયાન સર્જાઈ હતી. આ સિદ્ધાંત રોલ્ફને વિશેષ પ્રેરણાદાયી લાગે છે. રોલ્ફ માને છે કે ચાદરની છબી બનાવવા માટે જે ઊર્જા જરૂરી હતી, તે અતિશય પ્રચંડ અને ક્ષણિક હતી, બિલકુલ પુનરુત્થાનની માફક'.
૧૯૬૯થી ૧૯૭૩ વચ્ચે તુરીનની ચાદર પર પ્રથમ વખત વૈજ્ઞાનિક ટીમ દ્વારા સીધી તપાસ કરવામાં આવી હતી. આ કમિશનમાં પાંચ વૈજ્ઞાનિકો હતા. ૧૯૭૩માં, ચાદરના કાપડના નમૂનાઓ પર પ્રાથમિક અભ્યાસ કરવામાં આવ્યો હતો. ૧૯૭૬માં ભૌતિકશાસ્ત્રી જોન પી. જેક્સન, થર્મોડાયનામિક વિજ્ઞાનના નિષ્ણાત એરિક જમ્પર અને ફોટોગ્રાફર વિલિયમ મોટેર્ને, હવાઇ ઉદ્યોગ માટે વપરાતી વિકસિત છબી વિશ્લેષણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને, ચાદરની છબીનું વિશ્લેષણ કર્યું હતું. ૧૯૭૭માં તુરીનની ચાદર માટે એક સંશોધન પ્રોજેક્ટ STURP બન્યો હતો. ૧૯૭૮માં ત્રણ વૈજ્ઞાનિકો અને ૩૦થી વધુ અન્ય નિષ્ણાતોને ચાદર પર સીધી તપાસ કરવાની તક આપવામાં આવી હતી.
અગ્નિ, વિવાદ અને આશ્ચર્ય
કહેવાય છે કે પ્રભુ ઈસુનું ચિત્ર, તેમની દફન ચાદર ઉપર ચમત્કારિક રીતે છપાયું છે. શ્રાઉડ ચિત્ર તેના મૂળ રંગમાં ધૂંધળું લાગે છે, પણ કાળો અને સફેદ નેગેટિવ જેવો ભાગ ફોટોગ્રાફમાં વધારે સ્પષ્ટપણે જોવા મળે છે. ૧૮૯૮માં નેગેટિવ જેવી અસર સેકન્ડો પિયાએ શોધી હતી, જેણે શ્રાઉડના પ્રથમ ફોટોગ્રાફ લીધા હતા. આ નેગેટિવ ચિત્રનો સંબંધ કેથોલિક આસ્થા ''હોલી ફેસ ઓફ જીસસ'' સાથે છે.
૧૩૫૪માં શ્રાઉડના ઇતિહાસ વિશેનો પ્રથમ દસ્તાવેજી પુરાવો મળે છે. જ્યારે તેને ફ્રાન્સના લિરે ગામના ચર્ચમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. ૧૩૮૯માં, ટ્રોયસના બિશપ પિયર ડિ આર્કિસે આ શ્રાઉડને નકલી ગણાવ્યું હતું. ૧૪૫૩માં 'શ્રાઉડ ઓફ તુરિન'ને સાવોય હાઉસે મેળવીને શેંબેરીમાં આવેલ એક ચેપલમાં સલામત રીતે સાચવ્યું હતું. ૧૫૩૨માં લાગેલી આગમાં આ શ્રાઉડનો કેટલોક ભાગ બળી ગયો હતો. જેમાં શ્રાઉડ ઓફ તુરિનને નુકસાન થયું હતું. ૧૫૭૮માં, સાવોય પરિવારએ શ્રાઉડને તેમના નવા શહેર તુરિનમાં ખસેડયું હતું. ત્યાં આજે પણ છે. ૧૬૮૩થી પવિત્ર શ્રાઉડને ચેપલમાં રાખવામાં આવ્યો છે, જે આર્કિટેક્ટ ગુઅરિનો ગુઅરિની દ્વારા, શ્રાઉડ ઓફ તુરિનને સલામત રીતે સાચવવા માટે ખાસ આ માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. આ ચેપલ તુરિનના રાજમહેલ અને તુરિન કેથેડ્રલ સાથે જોડાયેલું છે. ૧૯૮૩માં પૂર્વ રાજા ઉમ્બર્ટો IIના મૃત્યુ પછી શ્રાઉડની માલિકી સાવોય પરિવારમાંથી ખસેડીને કેથોલિક ચર્ચને સોંપવામાં આવી હતી.
વૈજ્ઞાનિક સમુદાય તુરીનની ચાદરની અસલિયત પર ચર્ચા કરે છે. ૧૯૮૦ના દાયકામાં કાર્બન ડેટિંગ ટેસ્ટોએ આ દાવાને ખોટો સાબિત કર્યો હતો કે 'ચાદર ખ્રિસ્તના સમયની છે.' સમય નિર્ધારણ પરીક્ષણમાં આ ચાદરનું સર્જન ૧૩મી સદીથી ૧૪મી સદી દરમિયાન થયું હોવાનું જણાવવામાં આવ્યું હતું. રોલ્ફ કહે છે કે આ પરીક્ષણો ચાદરના તે ભાગ પર કરવામાં આવ્યા હતા, જે મધ્યકાળમાં મરામત દ્વારા સુધારવામાં આવી હતી. X-રે વિશ્લેષણ જેવી અદ્યતન પદ્ધતિઓનું પરિણામ કહે છે કે 'ચાદરની ઉંમર ઈસુના સમય સુધી પહોંચી શકે છે. જેને કારણે તેની સાચી હોવાની અને વિજ્ઞાન વર્તુળમાં ફરીથી વિવાદને તેજી મળી છે.'
અકળ રહસ્યને ઉકેલવું અશક્ય
ઐતિહાસિક કપડાંનું પરીક્ષણ કરતા નિષ્ણાતોને જાણવા મળ્યું હતું કે તુરીનની ચાદર, ઈસુના યુગ સમયના યરુશાલેમમાં બનેલ ન હતી. ચાદર ઉપર રહેલ ફૂલો અને પરાગકણનું પૃથ્થકરણ કરતા જાણવા મળ્યું હતું કે 'ચાદર ઉપર ૧૯ અલગ અલગ છોડની જાતિઓના અવશેષ મળ્યા હતા. જેમાં મેડિટેરેનિયન, મધ્ય યુરોપ, ઉત્તરી આફ્રિકા, મધ્ય પૂર્વ, પૂર્વ એશિયા (ચીન) અને અમેરિકામાં મળતા છોડનો સમાવેશ થતો હતો. ચાદર ઉપર રહેલ જૈવિક મટીરીયલનું ડીએનએ એનાલિસિસ કરતા માલુમ પડયું હતું કે 'તેમાં વિવિધ ભૌગોલિક વિસ્તારોના ખાસ માનવ સાઘશછ હેપ્લોગુ્રપ્સના સંકેતો મળ્યા હતા. જેમાં યુરોપ, ઉત્તર અને પૂર્વ આફ્રિકા, મધ્ય પૂર્વ અને ભારતનો સમાવેશ થાય છે. મનુષ્ય સિવાય સજીવ સૃષ્ટિના કેટલાક અન્ય ડીએનએ પણ તેમાં જોવા મળ્યા હતા. જેમાં કેટલાક પક્ષીઓ અને એક સમુદ્રી જીવનો સમાવેશ થાય છે, જે ઉત્તર પેસિફિક ઓશન અને કેનેડાની નજીક જોવા મળે છે.
નાસાના વિજ્ઞાનીઓ દ્વારા ચાદર ઉપર રહેલ નેગેટિવ જેવી તસવીરનું ડિજિટલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું છે કે આ તસવીર ફોટોગ્રાફી ક્ષેત્રમાં વપરાતી ટેકિનક હાફટોન પ્રકારની છે. ચાદર ઉપરની તસ્વીર એ રીતે બને છે કે જાણે ચાદર એકદમ ખેંચાયેલી હોય અને ક્યાંય પણ સંકોચાયેલી ન હોય અથવા તો કરચલીઓ પડી ન હોય. ૨૦૨૪માં થયેલા સંશોધનોએ એક નવો દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે. ઇટાલીના ક્રિસ્ટલોગ્રાફી ઇન્સ્ટીટયૂટના ડો. લિબેરાટો ડિ કારોએ નવી પદ્ધતિ Wide-Angle X-ray Scattering નો ઉપયોગ, ચાદરની ઉંમર નક્કી કરવા માટે કર્યો હતો. જેમાં જીસસ ક્રાઈસ્ટના સમયકાળનું હોવાની સાબિતી મળી હતી. આમ પણ અનેક પ્રકારના વૈજ્ઞાનિક પ્રયોગો થવા છતાં, પરિણામો ચર્ચાસ્પદ રહ્યા છે.
તુરીનનું મૂળ દિવ્ય હોય કે સામાન્ય, શ્રાઉડ ઓફ તુરિન હજી પણ ચર્ચાનો વિષય છે. પરંતુ ડેવિડ રોલ્ફ માટે, ચાદર ફક્ત ઇતિહાસની વસ્તુ નથી, તે શ્રદ્ધાનું પ્રતીક છે, ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન સાથે જોડાણ ધરાવતી ભૌતિક સાક્ષી છે. જેમાં શક્તિનો સાક્ષાત્કાર થાય છે. અંતે એટલું જ કહી શકાય કે આજની તારીખે પણ તુરીનની ચાદરના રહસ્યને પૂર્ણપણે ઉકેલી શકાય એવી શક્યતા ઓછી છે.