જો કાલિદાસ ફિલ્મો બનાવતા હોત તો એમનું નામ રાજ કપૂર હોત!
- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- હિન્દી ફિલ્મોની અભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ઓળખ સમા હોલીપ્રેમી રાજ કપૂરની શતાબ્દી નિમિત્તે એમનું વ્યક્તિત્વ સમજાવતા પ્રસંગરંગોની પિચકારી!
ભૂ લભૂલૈયા થ્રી પણ સુપરહિટ બનાવીને વર્ષોથી રાઇટર અને ડાયરેક્ટર તરીકે છવાઈ ગયેલા મૂળ મોડાસાના ગુજરાતી એવા અનીસ બઝમીએ રાજ કપૂરની જન્મશતાબ્દી નિમિત્તે એક રસપ્રદ કિસ્સો શેર કરેલો. 'પ્રેમરોગ' ફિલ્મના શૂટિંગ દરમિયાન અનીસ બઝમી રાજ કપૂરના પાંચ આસિસ્ટન્ટસ પૈકીના એક એવા નવોદિત જવાન હતા. કોઈ શોટમાં કંઈ કન્ટિન્યુઈટીમાં લોચા લાગેલા. ફિલ્મ અલગ અલગ સમયે એક જ સીનને અલગ અલગ શોટમાં વહેંચીને શૂટ થતી હોય. એમાં જે-તે પાત્રના વસ્ત્રો અદ્દલ આગલા સીનમાં દેખાયા હોય, એવા જ રહેવા જોઈએ. મેક-અપ, વાળ, કોઈ સેટ બનાવ્યો હોય તો એમાં રહેલી વસ્તુઓની પોઝિશન... આને કન્ટિન્યૂઈટી કહેવાય.
રાજ કપૂરે ફટાફટ શૂટિંગ પતાવ્યું પણ આસિસ્ટન્ટ તરીકે જેમની જવાબદારી બને એ અનીસભાઈ એમને કન્ટિન્યુઈટીમાં ભૂલ હતી એ કહેવાનું ભૂલી ગયેલા. ખબર પડી તો રાજ બરાબરના ખીજાયા. એમના ગુસ્સાથી બચવા બધા એડી યાને આસિસ્ટન્ટ ડાયરેક્ટર્સ સેટ પર ચાર દિવસ આવ્યા જ નહિ. પછી પગાર ન કપાય એટલે પ્રગટ થયા, ત્યારે હતું કે દિમાગ ઠંડુ હશે ને ફરી શૂટ શરૂ કરીશું.
જોયું તો રાજ કપૂર શૂટિંગમાં વ્યસ્ત હતા ! એક પણ આસ્ટિન્ટન્ટ ડાયરેક્ટર વિના સીનિયર હોવા છતાં એકલે હાથે જાતે જ શૂટ શરૂ કરી દીધેલું. અને કહેલું કે ''ફિલ્મ મેરે દિમાગમેં બનતી હૈ, આસ્ટિન્ટ સિર્ફ હેલ્પ કે લિયે હૈ, ઉસકે બગૈર ભી ફિલ્મ બન સકતી હૈ ઔર મૈં અકેલા કેમેરામેન કે સાથ બના સકતા હૂં !''
યસ, રાજ કપૂરે જ એક વાર કહેલું કે સિનેમાને મોશન પિકચર કહેવામાં આવે છે. મોશન એટલે ગતિ. પડદા પર મૂવમેન્ટસ થવી જોઈએ અને કહાનીમાં પણ મૂવમેન્ટ થવી જોઈએ. (આર્ટહાઉસ ગણાતા પેરેલલ - સિનેમાની બહુ ચગેલી દુકાનના પાટિયાં એ બેઉ ગતિના અભાવે જ પડી ગયા !) એણે એવું પણ કહેલું કે જેમ આખી ફિલ્મને આદિ, મધ્ય, અંત હોય (યાને બિગિનિંગ, મિડલ, એન્ડ) એમ દરેક સીનને પણ નાનકડી ફિલ્મની જેમ જ ટ્રીટ કરવો જોઈએ. દરેક મણકા ઉત્તમ પાસાદાર ઝળહળતા હોય, તો આખી માળા સુંદર દેખાય એવું જ !
આર.કે.ની ફિલ્મમાધ્યમ પર ગજબનાક પક્કડ હતી. આખી ફિલ્મ એમના દિમાગમાં પહેલા બનતી. સ્ક્રિપ્ટ તો ખાલી રેફરન્સ. ડાયલોગ્સ મજબૂત લખાવે. બાકી શોટ ટેકિંગ બધું સ્ટાન્ડર્ડ ગ્રામરને ઉંધુ પાડી દે એવું એમનું મૌલિક. ડ્રામા પણ એવો. બ્લેક લેબલ વ્હીસ્કીના શોખીન. પરદેશથી ચિક્કાર સ્ટોક મંગાવે. ખાવાના તો જબરા શોખીન. વજન ઉતારવા માટે એક વાર નેચરોપથી ફાર્મમાં ખાસ કોટેજ રાખી રહેલા પણ ત્યાંનું સાદું ને ઓછું ખાવાનું ભાવે નહિ, તો બાજુના ગામની હોટલમાંથી રોજેરોજ ચોરીછૂપી પાર્સલ દામ દઈને મંગાવે. મસાલેદાર ભોજન ખાઈને વજન વધારી આવ્યા ! શૂટિંગમાં પણ આસપાસ ખાવાનું ક્યાંનું વખણાય એની યાદી બનાવે. એકવાર સંજીવકુમારે બેંગ્લોરમાં રેસ્ટોરાં ખોલી હતી. ઉદ્ઘાટનમાં દિલીપકુમાર અને રાજ કપૂરને મુખ્ય અતિથિ તરીકે બોલાવ્યા. રિબિન કાપીને છેક અખંડ ભારતના પેશાવરના પાડોશી અને કોલેજના ય સહપાઠી એવા દિલીપકુમારને રાજ કપૂરે કાનમાં કહ્યું કે, ''બાજુમાં આરઆર રેસ્ટોરાં ફેમસ છે. આ તો નવી છે, એનો ભરોસો નહિ - ચાલો ત્યાં જઈ જમીએ.'' - કહેવાની જરૂર ખરી કે જ્યાં ઉદ્ઘાટક જ જમે નહિ, એવી છાપ પડતાં સંજીવકુમાર ભોજનને બદલે ઉમદા અભિનય જ પીરસતા રહી ગયા !
પણ સ્વાદની પરખ એમ શોખની ય પરખ. પોતે જ ઈન્વેસ્ટમેન્ટ કરી નવો રેકોર્ડિંગ સ્ટુડિયો ભાગીદારીમાં બનાવ્યો. ત્યાં ખાસ પોતાની ફિલ્મનું સોંગ પૈસા ધૂમ ખર્ચી ઓરકેસ્ટ્રા સાથે રેકોર્ડ કર્યું. પણ સાંભળવામાં સ્ટુડિયો ક્વોલિટી સારી રાખતા અગાઉ બીજાના સ્ટુડિયોમાં કરતા ત્યાં જઈ રેકોર્ડ કર્યું ને નિરાશ થયા કે ડબલ પૈસા એક ગીત પાછળ ખર્ચાયા એ બરાબર, પણ આપણે રૂપિયા રોક્યા એ રેકોર્ડિંગ સ્ટુડિયો સાઉન્ડમાં નબળો નીકળ્યો. ભાગીદારોએ કહ્યું કે - આવું કહેશો તો આબરૂ જશે ને ધંધો બંધ થઈ જશે. પણ શો બિઝનેસ કરવો તો શાનદાર ક્વોલિટી જ મેઈન્ટેઇન કરીને, એ ફિતરત એમની.
આપણે એમના ખાણીપીણીના શોખની વાત કરતા હતા. તો ખાઈપીને અનિવાર્ય ના હોય તો ટેસથી બપોરે ઉઠે. તૈયાર થાય. પણ ફિલ્મ એમના દિમાગમાં આખી બેઠેલી હોય. અનીસ બઝમીની જેમ જ પછીથી દિગ્ગજ ડાયરેક્ટર બનેલા રાહુલ રવૈલ (લવસ્ટોરી, બેતાબ, અર્જુન વગેરે) પણ પિતા એચ.એસ. રવૈલની ભલામણથી રાજ કપૂરના આસિસ્ટન્ટ તરીકે 'મેરા નામ જોકર'થી ટીમમાં જોડાયેલા. એકવાર દિલ્હી એમના મમ્મી-પપ્પા મળવા આવ્યા તો રાજ કપૂરે ઠપકો આપેલો કે 'બસ્સો વ્યક્તિ યુનિટમાં કામ કરતા હોય. તમે ઓળખીતા સુખી ઘરના છો એટલે તમારા મા-બાપ આવે મળવા તો એમને ઓછું આવે !' ટેલેન્ટેડ હોઈ જોકે રાહુલ ઝટ રાજ કપૂરના લાડકા બની ગયેલા.
એમણે ૨૦૨૧માં રાજ કપૂર પર મજેદાર બિહાઈન્ડ ધ સીન્સ અનુભવો વર્ણવતું આખું પુસ્તક લખ્યું છે. એમાં જ એક કિસ્સો છે. બોબીના શૂટિંગ પછી પેચવર્ક જેવા થોડા સીન્સ લેવાના બાકી હતા. દરજ્જેદાર ડાયરેક્ટર આવા સીન ડિટેઈલ સમજાવી આસિસ્ટન્ટ પાસે શૂટ કરાવી લેતા હોય. રાહુલ રવૈલને એ કામ સોંપાયું. પ્રેમનાથ એમાં જેકેટ પહેરી આવે છે એવો સીન હતો. જેકેટ પહેરાવવાનું રાહુલ રવૈલ ભૂલી ગયા. શૂટિંગ પૂરું થઈ ગયું. ઓલરેડી બોબી વખતે 'મેરા નામ જોકર'ને લીધે દેવાદાર થઈ ગયેલા રાજ કપૂરને નવેસરથી ખર્ચ કરવાનો આવે. રાહુલ રવૈલે શૂટ કરેલા દ્રશ્યો જોઈ તરત રાજ કપૂરે વાંધો ઉઠાવ્યો - ''આ જેકેટ એ શા માટે ઉતારે ?'' સાઈડ શોટસનું એમને યાદ નહિ હોય એમ માની રાહુલભાઈએ ગપગોળો ગબડાવ્યો 'તમારી નોટ્સમાં જેકેટ હતું જ નહિ !' રાજ કપૂર મૂંઝાયા : ''એમ ? બને નહિ. આ શોટમાં એ જેકેટ ઉતારે શા માટે ? હું આવી ભૂલ ના કરું !''
પછી એડિટિંગ વખતે પણ એ સીન આવ્યો ત્યારે એમણે રાહુલને કહ્યું કે 'અહીં સાચે મેં જેકેટ નહિ એવું નોટસમાં લખેલું ?' રાહુલે વધુ એકવાર જૂઠ કહ્યું. ફિલ્મ રિલીઝ થઈ ત્યારે જોઈને પણ રાતના આ જ વાત. ''મારાથી આવી ભૂલ ના થઈ હોય!'' છોભીલા પડેલા રાહુલે કબૂલાત કરી કે ઠપકાની બીકે પોતે ખોટું બોલેલા. રાજસા'બ તરત કહે, ''જોયું ! મને થતું જ કે મેં જેકેટ લખ્યું જ હોય. બરખુદાર, એક જૂઠ છુપાવવા સો જૂઠ બોલવા પડયા ને! હવે ધ્યાન રાખજે. ભૂલ તો થાય અકસ્માતે, પણ જૂઠ ઈરાદાપૂર્વક રિપીટ થતું હોય છે!''
કથળતી તબિયતને કારણે 'હીના' ફિલ્મની સ્ક્રિપ્ટમાં કેમેરા પ્લેસમેન્ટથી બેકગ્રાઉન્ડ મ્યુઝિક સુધીની નોટસ આગોતરી લખેલી. એને જોરે જ રણધીર કપૂરે 'હીના' બ્લોકબસ્ટર બનાવી. પણ પછી કોઈ ફિલ્મનું નિર્દેશન દીકરીઓ હીરોઈન હોવા છતાં ના કર્યું. બાપુજીની નોટસ ક્યાં હતી હવે ? આ કમાલના કસબીને કેમેરાવર્કમાં પણ જબરી સૂઝ. ફેવરિટ રાઘુ કરમાકરને 'સંગમ'ના કલાઈમેક્સ વખતે સમજાવેલું કે ત્રણ પાત્રો (રાજ કપૂર, વૈજયંતીમાલા, રાજેન્દ્રકુમાર) એક જગ્યાએ છે. નવ મિનિટનો સીન છે. વાત કરતા કરતા ત્રણે જગ્યા બદલાવતા જશે, જેથી પબ્લિક બોર ના થઈ જાય. છૂટા કટસ કરી ક્લોઝઅપ જોડવાના નથી. આખો ત્રિકોણ શૂટ થવો જોઈએ! અને થયો! જોજો.
એવી જ કમાલ સંગીતમાં, એ તો જગજાહેર છે. છેક સુધી અદ્ભૂત ગીતો બનાવડાવ્યા. લક્ષ્મી પ્યારે સાથે પહેલીવાર કામ કર્યું તો એક અંતરાના સંગીતમાં આલાપનું સૂચન કરેલું.
પ્યારેલાલ કહે કે એવી રીતે ગાવો શક્ય નથી, તો રાજ કપૂરે પોતે ગાઈ બતાવેલો. એલ.પી. રીતસર પગે પડી ગયેલા! સુન સાહિબા સુનની ધુન બાર વર્ષ પહેલા પોતે બનાવી રાખેલી! દિલ્હીના એક સમારંભમાં 'એક રાધા, એક મીરાં' ગાતા પ્રજ્ઞાચક્ષુ રવિન્દ્ર જૈનને સાંભળી એમને 'રામ તેરી ગંગા મૈલી' માટે સાઇન કરી દીધેલા ! એમની ઈચ્છા જયદેવ સાથે એક ફિલ્મ કરવાની હતી પણ એ પૂરી ના થઈ !
રાજ કપૂરની ફિલ્મો વિશે ખૂબ લખાયું છે, જીવન વિશે પણ. એ દાસ્તાન કદી અટકવાની નથી એવી અમીટ છાપ છોડી છે, એમણે ને હજુ ય રણબીર જેવા સુપરસ્ટાર દાદાના જીન્સ આગળ ધપાવે છે. પણ શતાબ્દી વર્ષ નિમિત્તે એમની સ્ટાઇલમાં જ આ બધા ડ્રામેટિક કિસ્સાઓ વીણ્યા છે. જેમાંથી અહેસાસ થાય કે આપણે કેવું અણમોલ રતન સમયથી વહેલું ખોઈ નાખ્યું!
મૂળભૂત રીતે ખ્વાજા અહેમદ અબ્બાસ પાસે ફિલ્મો લખાવતા સમાજવાદી આત્માને શો મેન કહી બધાએ મૂડીવાદી ચીતરી દીધા. પણ રાજ કપૂરની બધી ફિલ્મો સામાન્ય માણસ માટે હતી. શરાબના શોખીન, પણ ફિલ્મ એડિટ કરે ત્યારે ના પીવે. કહે કે મારી ફિલ્મનો દર્શક કંઈ નશો કરીને જોવા આવતો નથી. વાચન મજબૂત. સ્ટ્રોંગ થીમ લઈ આવે ફિલ્મોમાં. સાહિત્યિક કૃતિઓની સમજ. આવારા, બૂટ પોલિશ, શ્રી ૪૨૦, જાગતે રહો, જીસ દેશ મેં ગંગા બહેતી હૈ, સત્યમ શિવમ સુંદરમ, પ્રેમરોગ, રામ તેરી ગંગા મૈલી, મેરા નામ જોકર બધામાં એક ક્રાંતિકારી વિચાર રહેતો.
હોલ કિંગના મન્કસમેનના બીજ પરથી 'સંગમ' બનાવી અને થોમસ હાર્ડીના 'ટેસ ઓફ ડૂબરવિલે' પરથી ફિલ્મ બનાવવાનો વિચાર દીકરા સ્વર્ગસ્થ રાજીવ કપૂરે 'પ્રેમગ્રંથ'માં પૂરો કર્યો. રામચરિતમાનસ વાંચ્યું ત્યારથી એના પર એક ફિલ્મ બનાવવાનો વિચાર હતો, સ્ત્રીને વાસનાથી છેતરીને ભોગવવા માટે ભોળવતા સમાજને લીધે નદી જેમ નગર સુધી વહેતા પ્રદૂષિત થાય છે, એમ 'વુમનિયા' કરપ્ટ થાય છે એ વાત 'રામ તેરી ગંગા મૈલી'માં રૂપ અને ગુણનો સંઘર્ષ સત્યમ શિવમ સુંદરમમાં, હિંસાના જગતમાં ગાંધીની પ્રસ્તુતિ કેવી એ વિચાર જીસ દેશ મેં ગંગા બહેતી હૈ માં ! જીવનમાં પ્રેમની તકો આવ્યા કરે પણ ઉસ્તાદીને બદલે જે ભોળપણથી વર્તે એને ગમતી સ્ત્રી મળતી નથી, અને છતાં પણ દિલના દર્દને છૂપાવી દુનિયાને રાજી કરવા હસતું મોઢું રાખી ખેલ બતાડવાનો છે, એ મધ્યવર્તી વિચાર 'મેરા નામ જોકર'નો. ખાનદાનની ઈજ્જત કરતા પરવરિશ મહાન છે, એ વાત 'આવારા'માં, આજે પણ જ્યાં પુન: લગ્નની વાત છેડવી અઘરી છે એવા ઠાકુર પરિવારમાં વિધવા વિવાહની વકીલાત 'પ્રેમરોગ'માં...
મનોરંજનની સાથે મનોમંથન ભેળવવાનો કમાલ કસબ રાજ કપૂરમાં હતો, બધા થોટસ પ્રોગ્રેસીવ. અંગત જીંદગીમાં વિલાસી કહી શકાય એવા રંગીન શોખીન, સિમી ગરેવાલને આપેલી મુલાકાતમાં ઘર સંભાળતી સ્ત્રીને 'વાઈફ' અને અન્ય 'મ્યુઝ' તરીકે ક્રિએટિવ ફિલ્ડની પ્રેરણા બનતી નારીને 'એક્ટ્રેસ' કહે! બે અલગ ખાના જાણે! એક આર્ટિસ્ટિક ક્મ્પેનિયન અને એક ડોમેસ્ટિક કેરટેકર!
દેવ આનંદની આત્મકથામાં સુપરહોટ ઝિન્નત અમાન બાબતે એ કોના ખોળામાં બેસે, વાળુ છૂપું મનદુ:ખ બેઉ વચ્ચે થયું એનો નિખાલસ ઉલ્લેખ છે. મધુબાલા સામે એક્ટર તરીકે કારકિર્દી શરૂ કરનાર રાજ કપૂરે છેક મંદાકિની સુધી સૌંદર્યને પારખી લેતી નજર જાળવી રાખેલી!
બલરાજ સાહનીના પત્ની દમયંતીને દસ વર્ષની ઉંમરે સફેદ સાડીમાં જોયા, ત્યારથી શુભ્રધવલશ્વેતા પરીની એક આકૃતિ રાજ કપૂરના મનમાં હતી અને સફેદ વસ્ત્રમાં સદ્યસ્નાતા સુંદરીઓ એમનો ટ્રેડમાર્ક બની રહી. કાલિદાસ જો ફિલ્મમેકર હોત, તો રાજ કપૂર હોત ! એમની શૃંગારરસિકતા ઘણા શુષ્ક જડસુઓને ખટકતી, પણ જેણે ભારતના સનાતન વારસાને આકંઠ પીધો હોય, આપણા શિલ્પો નિહાળ્યા હોય, સંસ્કૃત સાહિત્ય પૂરા રસથી વાંચ્યુ હોય એ શૃંગારઘેલો ના થાય, તો એનામાં કોઈ બાયોલોજીકલ ખામી હોય !
રાજ કપૂરની ફિલ્મોમાં સેક્સી સીન્સ સેન્સર કેમ ના કાપે, એ કકળાટ કરનારાઓએ સમજવું પડે કે નારીદેહના કમનીય વળાંકોના અપ્રિસિએશન પણ એક કળા છે, એમાં સાહિત્યનો સ્પર્શ ભળેલો હોય ત્યારે એ સુંદરતા નિખરે છે.
સેક્સ તો માનવજાતનો હિસ્સો જ નહિ, ઉદ્ભવસ્થાન અને લક્ષ્ય છે. દંભીઓ કે રોમીઓ મોં મચકોડયા કરે, પણ રાજ કપૂર જે ગીતો માટે કહેતા-કરતા એ જ ફિલ્મોમાં સેક્સ બાબતે એમની આવડત હતી. સોંગ હોય કે સેક્સ કહાનીના અંતરંગ હિસ્સા હોવા જોઈએ. એમ જ અચાનક ચોંટાડી દીધેલા ટૂકડા નહિ ! એસ્થેટિકલી બ્યુટીફૂલ મ્યુઝિક અને માદા વાર્તાને આગળ વધારે એમ જોડાવા જોઈએ. રૂપિયા ખાતર નહિ, રૂપના આકર્ષણ માટે એ થવું જોઈએ !
યાદગાર એવી ઘણી બંદિશોના ડમી બોલ લખાવતા ત્યારે હસરત, શૈલેન્દ્ર સાથે રાજ કપૂર એમાં ગાળો પણ મોજથી લખતા. ક્રિએટીવ સ્ટ્રેસ ઉતરી જતો એમ ! એક ડિસ્ટ્રીબ્યુટર પૈસા નહોતો દેતો તો એની મધરાતે પાડોશીઓના દેખતા લૂંગી ઉતારી લીધેલી રાજ કપૂરે ! પણ મેરા નામ જોકરના ફટકા પછી 'બોબી'માં પાર્ટીનો સીન હતો એમાં નકલી દારૂને બદલે અસલી ઈર્મ્પોટેડ શેંપેઇન ભરાવેલો, જુનિયર આર્ટિસ્ટના ઢગલા વાળા પાર્ટી સીનમાં વેફર-શિંગ ભરેલા કટોરા દેખાય નહિ, તો પણ કઢાવી એમાં ખર્ચ કરી ઓથેન્ટિલિટી માટે બદામ-પિસ્તા ભરાવેલા. આ શો મેન દિલદાર હતો. કમાવા માટે નહિ, દમદાર રીતે કહેવા કળા બતાવતો. નામ યોગ્ય જ હતું રજવાડી ઠાઠનો રાજ ! ઓછું જીવ્યા, પણ જલસા કર્યા, અને હજુ કરતા રહીએ એવા જલસા મૂકતા ગયા જીના ઈસીકા નામ હૈ !
ફાસ્ટ ફોરવર્ડ
'અંદાઝ' ફિલ્મના શૂટિંગ વખતે દિલીપકુમાર સવારે સાત વાગે સ્ટુડિયો આવી રિહર્સલ કરતા. રાજ કપૂર 'બૂટ પોલિશ'નું શૂટ પતાવી સવારે ૬ વાગે આવી ત્યાં સુઈ જતા. ઉઠે એટલે મેકઅપ કરતા આસિસ્ટન્ટને કહેતા કે સીન જોરથી બોલો. સાંભળીને સજ્જ અભિનય કરતા ! એ કહેતા 'અભિનય સહજ કળા છે. ભૂખ્યા દેખાવા માટે ભૂખ્યા રહેવું પડે તો અભિનય કેવો ? વાતો ને પાત્ર સમજી લો તો આપોઆપ અભિનય આવવા લાગે, નૃત્યની જેમ !' અભિનય બહારથી નહિ, અંદરથી આવે એ સાચો !