ઔકાત .
- ''ચિંતા ન કર વિરાટ, કપડા સિવાય બીજું કંઈ ખાસ નથી. પાંચેક હજાર રૂપિયા લઈ શકી જે મારા પર્સમાં છે ઘરમાં બીજું કંઈ નહોતું. ચલ જલ્દી જો ટ્રેન આવે છે.''
પ્લા ન જડબેસલાક બની ગયો હતો. સવારે સાડા છની મુંબઈ જતી ટ્રેનમાં અમી અને વિરાટ બંનેએ મુંબઈ જવા નીકળી જવાનું હતું. વિરાટ મુંબઈમાં જ રહેતો હતો પણ અમીને લેવા માટે આગલી રાત્રે તે ખાસ અમદાવાદ આવી ગયો હતો. પછી બંને મુંબઈ જતી ટ્રેનમાં બેસી માનવ મહેરામણથી ઊભરાતા મુંબઈમાં ખોવાઈ જવાના હતા.
૨૧મી સદીમાં ભાગીને લગ્ન કરવાનું હાસ્યાસ્પદ હતું. પણ છૂટકો નહોતો. અમદાવાદમા રહેતી અને મુંબઈની કોલેજમાં એમબીએ કરતી અમીને તેની સાથે ભણતો પુનાનો વિરાટ ગમી ગયો હતો. કોઈ મોડેલ જેવો ડેશિંગ લુક, સ્ટાઈલીશ છટા અને કોઈને પણ ઇમ્પ્રેસ કરી દે તેવું વાક્ચાતુર્ય .... વિરાટ પાછળ અનેક છોકરીઓ મરતી હતી પણ જ્યારે વિરાટે ચાંદના ટુકડા જેવી અમી જોડે ફ્રેન્ડશીપ કરી ત્યારે જાણે અમી હવામાં ઉડવા લાગી હતી.
''યાર મારા પપ્પા કરોડપતિ છે એ જ મોટો પ્રોબ્લેમ છે. પૈસો જ મારો દુશ્મન છે. મારા પપ્પા કદી તારી જોડે લગ્નની હા નહિ પાડે. તેને તો તેના મિત્ર એવા મોટા વગવાળા પોલિટિશિયનની દીકરી મારી જોડે પરણાવવી છે. આમ તે રાજકીય પીઠબળથી ધંધો વધુ જમાવી શકે એ એનું ગણિત, એટલે કે પોતાના રોટલા શેકવા છે.'' સ્હેજ નિરાશા સાથે વિરાટ બોલ્યો હતો. કોલેજનું લાસ્ટ યર પૂરું થતાં, ભવિષ્યના પ્લાનિંગ માટે ચર્ચા કરવા બંને ભેગા થયા હતા. .
''તો શું કરીશું?'' અમીના અવાજમાં ઉચાટ હતો.
''આપણી પાસે ભાગીને મેરેજ કરવા સિવાય કોઈ ઉપાય નથી. એકવાર આપણે સિવિલ મેરેજ કરી લઈએ પછી તો પપ્પા પણ ધીમે ધીમે આપણો સંબંધ સ્વીકારી લેશે. પછી બધા સારાવાના થઈ જશે.'' વિરાટે આશ્વાસન આપ્યું.
અમીને તેની વાત સાચી લાગી. જોકે તેને વિરાટની શ્રીમંતાઈમાં જરા પણ રસ નહોતો. તેને તો એક વર્ષથી અનરાધાર પ્રેમ વરસાવતો વિરાટ જ ખપતો હતો. કોઈ પણ રીતે.
જોકે અમીનો પરિવાર એજ્યુકેટેડ અને સુધારાવાદી હતો. તેના ડેડી બેન્ક કર્મચારી હતા અને મમ્મી સરળ ગૃહિણી હતા. બે વર્ષ મોટાભાઈએ એક વર્ષ પહેલા એન્જીનિયરીંગ પૂરું કરી મલ્ટીનેશનલ કંપનીમાં જોબ જોઇન કરી હતી. બધાનું કૌટુંબિક બોન્ડિંગ સરસ હતું. સહુથી નાની અમી ત્રણેયની લાડકી હતી.
''હમણાં તેમને જાણ કરવાનું રહેવા દે. કદાચ પપ્પા તારા પરિવારને ધમકી આપે કે હેરાન કરે. એના કરતાં એકવાર આપણાં મેરેજ થઈ જવા દે પછી આપણે વાત કરીશું''. વિરાટે અમીને પરિવારને ન કહેવા મનાવી લીધી હતી.
''હમ્મ'' અમીને પણ તેની વાત વ્યાજબી લાગી.
તોયે અમીને મોટા ભાઈ સાથે સારી આત્મીયતા હતી એટલે તે ભાઈને આગલે દિવસે વાત કર્યા વિના રહી ન શકી. ''ભાઈ, થોડા દિવસનો સવાલ છે. તમે મમ્મી પપ્પાને સાંભળી લેશો? મનેય આમ કરવું ગમતું નથી પણ બીજો કોઈ ઉપાય પણ નથી.'' અમી આમ બોલતા ગળગળી થઈ ગઈ. મોટાભાઇ થોડી વાર મૌન રહ્યા.
''અમી, તને સો ટકા એ વ્યક્તિ માટે ભરોસો છે? આ જીંદગીનો સવાલ છે. જોજે કઈ આંધળુંકિયું ન કરતી. એટલિસ્ટ મને તો એકવાર મળવા દે.''
''ના ભાઈ, એ ના પાડે છે. આપણાં બધાની સેફ્ટીની એને ચિંતા છે. મારા પર ભરોસો કરો. મને તેના પર મારાથી પણ વધારે વિશ્વાસ છે ભાઈ તે મને હથેળીમાં રાખશે.''
ભાઈ બહેનની આંખોમાં અંજાયેલું સપના જોઈ રહ્યો. ''ઠીક છે. આમેય મેં હંમેશા તને સાથ આપ્યો જ છે ને. ગમે તે વાતમાં...'' હસીને તેણે અમીના માથે હેતથી હાથ મૂક્યો.
''અમી, મારા હાથમાં હશે એટલી રોકડ હું લઈ લઇશ.'' બે દિવસ પહેલા જ વિરાટનો ફોન હતો. ''ત્યાં તો કોઈક નોકરી મળી જશે.''
''એમ તો હું પણ મારી બચતની રોકડ ખાતામાંથી ઉપાડી લઇશ. મારા ચેઇન, પેંડંટ, બુટ્ટી ને બ્રેસલેટ મારા વોર્ડરોબમાં જ પડયા રહે છે તે લઈ લઇશ.'' બરાબર છ વાગે તે રેલવે સ્ટેશન પર પહોંચી ગઈ.
''હું તને સ્ટેશને મૂકી જઉ.'' ભાઈના આગ્રહને તે અવગણી ન શકી. છૂટા પડતાં ભાઈએ ફરી તેના માથા પર હેતથી હાથ મૂક્યો.
તેણે ઢીલા પડતા મનને ફરી મક્કમ કર્યું. થોડા દિવસની તો વાત છે. પછી તો વિરાટના પપ્પા પણ માની જશે અંતે તો તેમનો એકનો એક દીકરો છે. થોડા સમયમાં ઘીના ઠામમાં ઘી પડી જશે. તેણે પોતાની જાતને મનાવી.
મમ્મી પપ્પાને તો જેમ બધી ભાગી જતી યુવતીઓ કહે છે તે જ પિકનિકનું બહાનું આગળ ધર્યું હતું.
સવારની ઠંડક છતાં તેના ચહેરા પર પરસેવો વળી ગયો હતો. રૂમાલથી મોં લુછી તેણે આજુબાજુ નજર કરી. વિરાટ ક્યાંય દેખાતો નહોતો.
'આવશે હમણાં....' મનોમન બોલીને તેણે બેગને મજબૂતીથી પકડી અને એક ખાલી સીટ પર બેસી ગઈ.
મુંબઈ જતી ટ્રેન હતી એટલે વહેલી સવારે પણ સારી એવી ચહલ પહલ હતી.
ભવિષ્યના વિચારોથી તેનું દિલ ધડકી જતું હતું તથા એક રોમાંચ પણ થતો હતો.
વિરાટ કેટલું ધ્યાન રાખતો હતો તેનું.... ખાસ તેડવા માટે તે આગલી રાત્રે જ અમદાવાદ આવી ગયો હતો..
''તું ગભરાતી નહીં હું છું ને.'' તેના આ શબ્દો તેને હિંમત આપતા હતા..
મુંબઈ જાને વાલી ટ્રેન અપને નિર્ધારિત સમય પર પ્લેટફોર્મ નંબર દો પર આ રહી હૈ.... એનાઉન્સમેંટ થયું.
તેણે ઘડિયાળમાં જોયું અને મનોમન વિચારવા લાગી. દસ મિનિટમાં ટ્રેન આવશે
- અમી ટેન્શનમાં આવી આમતેમ જોવા લાગી. વિરાટ હજુ કેમ ન આવ્યો?
ત્યાં દૂરથી વિરાટ દેખાયો. તેના ચહેરા પર હળવાશ આવી ગઈ.
''આવી ગઈ?'' આવતા જ વિરાટે પ્રેમથી અમીનો હાથ પકડી લીધો. અમીને જાણે ધરપત થઈ.
જીન્સ ટીશર્ટ અને હાથમાં બેગ... કેવો સોહામણો લાગતો હતો વિરાટ.. તેની હાજરીથી જ તેને ધરપત થતી હતી.
''વિરાટ, હમણાં ટ્રેન આવશે.'' ધીમેથી અમી બોલી.
''યસ તું તૈયાર?... તારી બેગ સાચવજે. જોખમ હોય એટલે આ ભીડભાડમાં ધ્યાન રાખવું સારું.''
''ચિંતા ન કર વિરાટ, કપડા સિવાય બીજું કંઈ ખાસ નથી. પાંચેક હજાર રૂપિયા લઈ શકી જે મારા પર્સમાં છે ઘરમાં બીજું કંઈ નહોતું. ચલ જલ્દી જો ટ્રેન આવે છે.''
''ઓ માય ગોડ. હું તો ભૂલી જ ગયો... એસી કોચમાં કંઈ નહીં મળે. હું કંઈક ખાવાનું લેતો આવું ટ્રેન આવે તે પહેલા..''
આજુબાજુ નજર કરતાં વિરાટ ઝડપથી આગળ ગયો. પાંચેક મિનિટમાં ટ્રેન આવી ગઈ.
ક્યાં રહી ગયો વિરાટ-- વિચારતા અમી થોડી ઘાંઘી થઈ ગઈ. ભીડ પણ વધવા લાગી હતી.
આમ તેમ નજર કરતા શું કરવું તેની વિમાસણમાં તે ત્યાં જ થોડીવાર ઉભી રહી. મુસાફરો ચડતા-ઉતરતા હતા ટિકિટ તો વિરાટ પાસે હતી. હવે તે થોડી અકળાવા લાગી અને વિરાટને શોધવા આમ તેમ નજર કરવા લાગી પણ ક્યાંય વિરાટ નજરે પડતો નહોતો. અજ્ઞાત ભયથી તેનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. હવે અમી ધૂ્રજવા લાગી. કારણ કે ટ્રેન ઉપડવાનું એનાઉન્સમેન્ટ પણ થઈ ગયું.
તે મજબૂતીથી બેગ પકડી રીતસર દોડતી પ્લેટફોર્મ પર હાંફતા હાંફતા ચારે બાજુ વિરાટને શોધવા લાગી. ટ્રેન ધીમે ધીમે ગતિ પકડતી જતી હતી.
અમીએ ઝડપથી મોબાઈલમાં વિરાટને નંબર લગાડયો. રિંગ વાગી ને કટ થઈ ગયો. અમીને આશ્ચર્ય થયું. ફરી નંબર લગાડયો, હવે સ્વિચ ઓફ આવવા લાગ્યો.
અમીની આંખો સામે જાણે અંધારું છવાઈ ગયું. સીટ પર રીતસર ફસડાઈ પડી.
તેને તેના ભાઈના શબ્દો યાદ આવ્યા.
''અમી આ લે પચાસ હજાર. કામ આવશે.'' રિક્ષામાં બેસતા જ ભાઈએ અમીને પૈસા આપતા કહ્યું ''પણ મારી એક વાત માનીશ અમી? છેલ્લી વાર... બસ એકવાર એને કહેજે કે હું કપડાં સિવાય કંઈ લઈને આવી નથી. આટલી વિનંતી મારી માનજે.''
બેગમાં પૈસા મુકતા અમીએ હકારમાં માથું હલાવ્યું હતું.
પણ અત્યારે અમીના ચહેરા પર એક ગમગીન સ્મિત આવી ગયું.
''હટ રે. દગાબાજ... બેગ તો પૈસા અને દાગીનાથી ભરેલી જ હતી પણ તું પરખાઈ ગયો. તારી ઔકાત છતી થઈ ગઈ.''
ત્યાં તેના ખભે કોઈએ હાથ મૂક્યો. તેણે ચમકીને પાછળ જોયું.
''ચાલ અમી. જઈશું ઘરે.?''
અને તે મોટા ભાઈને વળગી પડી.
- હિતા મહેતા