મૃદંગના ટૂકડાં થયાં ને તબલાં સર્જાયા!
- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- તબલાં વિશે થોડું જાણીને ઉસ્તાદ ઝાકિર હુસૈનને શ્રદ્ધાંજલિ આપીએ... તબલાંની શોધ અંગે કેટલાય મતમતાંતરો છે, એમાંનો એક છેડો ગુજરાત સુધી પહોંચે છે...
એ ક દિવસ કૈલાશમાં ખુશનુમા વાતાવરણ હતું. ભગવાન શિવે સેંકડો વર્ષો સુધી ધ્યાન કર્યા પછી પ્રસન્ન ચિત્તે આંખો ખોલી અને માતા પાર્વતી, ગણેશ અને સૌ ગણો સામે સ્મિત આપ્યું. અચાનક ભગવાન તેમના આસન પરથી ઉભા થયા અને આનંદમાં નૃત્ય કરવા લાગ્યા. ભગવાનના નૃત્યમાં તાલ આપવા માટે બીજું કોઈ વાદ્ય તુરંત હાથ લાગ્યું નહીં એટલે નજીકમાં પડેલું મૃદંગ ઉપાડીને ગણેશ વગાડવા લાગ્યા. નૃત્યુ લાંબું ચાલ્યું. બાપ-દીકરાની આ જુગલબંદી જોવા માટે દેવતાઓ પણ આવી પહોંચ્યા.
માતા સરસ્વતીએ ગણેશના મૃદંગ સાથે વીણાનો તાલ જોડયો. ભોળાનાથનું નૃત્ય ચલતી પકડી ચૂક્યું હતું. ને અચાનક મૃદંગના બે ભાગ થઈ ગયા. હવે? ભગવાનના નૃત્યમાં અવરોધ આવે એ તો કેમ ચાલે! ગણેશે ગણતરીની પળોમાં બે અલગ અલગ ભાગને સીધા ગોઠવ્યા ને બાજુ બાજુમાં મૂકીને વગાવડા માંડયા.
તે પળે એક નવા વાદ્યનો જન્મ થયો, જે તબલાંના નામે ઓળખાયું.
***
તબલાંની ઉત્પત્તિની આવી એક અનુશ્રુતિ છે. મૃદંગના ઉલ્લેખો તો પ્રાચીન ગ્રંથોમાં મળે છે અને આ ચર્મવાદ્ય બ્રહ્માજીએ બનાવ્યું હોવાનીય કથાઓ પ્રચલિત છે. મૃદંગ કે પખાવજમાંથી તબલાં બન્યાની આ એક અનુશ્રુતિ ઉપરાંત બીજી ઘણી સ્ટોરી છે. કોઈ રાજા-મહારાજાના દરબારમાં પખાવજ વગાડતી વખતે એના બે ભાગ થઈ ગયા ને એમાંથી તબલાં સર્જાયા.
એ વાતે બધા સંશોધકો એકમત છે કે આજે જે તબલાંનું સ્વરૂપ છે એની ઉત્પત્તિ ભારતીય ઉપખંડમાં થઈ છે, પરંતુ ક્યારે બન્યા એના વિશે મતમતાંદરો છે. પ્રાચીન સમયમાં તબલાંને તબલાં કહેવામાં આવતા ન હતા. કદાચ એટલે મૃદંગ કે પખાવજનો જ ભાગ ગણવામાં આવતા હશે. અથવા કોઈ બીજું નામ હશે પણ એ નામ શું હતું તેના વિશે આધારભૂત માહિતી મળતી નથી. એ વાત તો નક્કી છે કે તબલાં ભારતીય ભાષાનો શબ્દ નથી એટલે આ ચર્મવાદ્યને તબલાં કહેવાનું બહુ પછીથી શરૂ થયું છે.
ભારતમાં જેને મૃદંગ, પખાવજ કે પખવાજ, ઢોલક કહેવાય છે એના પુરાવા તો પ્રાચીન ભીંતચિત્રોમાં અને સ્થાપત્યોમાંથી મળે છે. પખાવજ નામ પણ બાજુબળના સંદર્ભમાં વપરાતો હતો. પખા એટલે બાવડાં અને ઓજ એટલે તેજ-શક્તિ-બળ. પખાવજ એટલે બાજુબળથી વગાડાતું વાદ્ય. ભરતમૂનિના નાટયશાસ્ત્રમાં પણ મૃદંગ અને પખાવજના ઉલ્લેખો મળે છે. એને ઓથેન્ટિક ગણીએ તો ઈ.સ. પૂર્વે ભારતીય સંગીતમાં મૃદંગ અને પખાવજના ઐતિહાસિક પુરાવા છે, પરંતુ તબલાંની શોધ અંગે સાંયોજિક પુરાવાનો જ સહારો લેવો પડે છે.
***
ઘણાં વિદ્યાનો એમ પણ કહે છે કે તબલાં લોકવાદ્ય તરીકે જાણીતા હતાં, પરંતુ મુઘલ સામ્રાજ્યનો પ્રભાવ વધ્યો અને તેમના સંગીતકારોના ધ્યાનમાં આ વાદ્ય આવ્યું પછી એમાં તેમણે જરૂરી સુધારા-વધારા કર્યા અને તેને રાજાના દરબારી સંગીતમાં સ્થાન આપ્યું. ફારસી ભાષાનો શબ્દ 'તબ્લ' પરથી અપભ્રંશ થઈને એને તબલાં એવું નામ મળ્યું. 'તબ્લ'નો અર્થ થાય છે - જેનું મોં ઉપરની તરફ હોય એવું વાદ્ય.
મહારાષ્ટ્રની ભાજાની પ્રાચીન ગુફાઓમાંથી જે ભીંતચિત્રો મળ્યા એમાં તબલાંના આકારના વાદ્યો જોવા મળ્યા છે. એક ભીંતચિત્રમાં નૃત્યાંગના નૃત્ય કરી રહી છે, બીજી મહિલા પખવાજના આકારના બે વાદ્યો વગાડે છે. ૨૩૦૦ વર્ષ જૂના આ આધારને ટાંકીને તબલાં ભારતીય વાદ્ય હોવાની થિયરી રજૂ થાય છે.
૭મી સદીના આંધ્રપ્રદેશના સ્વર્ગબ્રહ્માના મંદિરના એક શિલ્પમાં તબલાંની હાજરી છે. ૮મી સદીના આંધ્રપ્રદેશના મધુકેશ્વરા મંદિરમાં અને ૧૦મી સદીમાં નિર્માણ પામેલા તામિલનાડુના સોમેશ્વર મંદિરના શિલ્પોમાં તબલા જેવું વાદ્ય જોવા મળે છે. ભારતમાં આવા તો સંખ્યાબંધ શિલ્પો છે, પણ એમાં તબલાની ડિઝાઈનમાં ફેરફાર છે. હા, મૂળભૂત રીતે એ તબલાંનું પ્રાચીન સ્વરૂપ છે એમાં સૌ સંમત છે.
વેલ, આજના મોડર્ન તબલાંની ડિઝાઈન અમીર ખુશરોએ બનાવ્યાનો ભારતીય ઉપખંડમાં ઈતિહાસ ભણાવાય છે. ઘણું કરીને તબલાંની શોધનો જશ ખુશરોને આપતી નોંધો લખાઈ છે. ખ્યાલ સંગીતમાં મધુર અવાજના ચર્મવાદ્યની જરૂરિયાત ઉભી થઈ. પખાવજ અને મૃદંગનો સાઉન્ડ થોડો તીવ્ર હોવાથી એમાં ફેરફાર કરીને ખુશરોએ એક વાદ્યમાં ફેરફાર કરીને બે બનાવ્યા - એવું ૧૮૫૫માં મોહમ્મદકરમ ઈમામ દ્વારા લખાયેલા પુસ્તક મઅદન-ઉલ-મુસીકીમાં ઉલ્લેખ કરાયો છે. પરંતુ એ થિયરીનું ખંડન કરતી થિયરીના તાર ગુજરાત સુધી કનેક્ટ થયાં છે. એક સંશોધન કહે છે કે તબલાંનું મોડર્ન સ્વરૂપ ખુશરોના જન્મ પહેલાંના સમયમાં ગુજરાતમાં મોજુદ હતું.
***
એમ.એસ.યુનિવસટીના પ્રોફેસર ડૉ.ગૌરાંગ ભાવસારે તબલાંના ઈતિહાસ પર સંશોધન કર્યું તો જણાયું કે અમીર ખુશરો પહેલાં ગુજરાતમાં તબલાં પ્રચલિત હતાં. તેમના કહેવા પ્રમાણે આજે પણ સંગીતના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે કે તબલા અમીર ખુશરોએ શોધ્યા હતાં. હકીકતે તબલાનો ઈતિહાસ ભારતની પ્રાચીન સંસ્કૃતિ સાથે જોડાયેલો છે અને આધારભૂત રીતે પણ જોઈએ તો તબલાનું ભારતમાં અસ્તિત્વ ઓછામાં ઓછું ૧૦૦૦ વર્ષ જુનુ છે.
ડૉ. ગૌરાંગ ભાવસારના સંશોધન મુજબ ગુજરાતના ઈડરના જૈન દેરાસરના શિલ્પના આધારે કહી શકાય કે તબલાનું વર્તમાન સ્વરૂપ જ નહીં, તબલા વગાડવાની વર્તમાન શૈલી પણ ભારતમાં ૧૦૦૦ વર્ષ પહેલાંથી જ હતી. ઐતિહાસિક ઈડર ગઢ પર આવેલા ૨૨૦૦ વર્ષ જૂના ભગવાન શાંતિનાથના જૈન શ્વેતાંબર દેરાસરમાં એક નૃત્યાંગનાની મૂત તબલા વગાડતી હોય એવું દેખાય છે. એ શિલ્પમાં શિલ્પકારે દર્શાવ્યું છે કે મહિલા તબલાંને થાપ આપી રહી છે. ઈડરના પ્રાચીન જૈન પુસ્તકાલયમાં રહેલી વર્ધમાન સ્વરૂપચંદ શાહ નામના શ્રેષ્ઠીએ લખેલી હસ્તપ્રત કહે છે કે આ દેરાસર સંપ્રતિ રાજાએ બંધાવ્યુ હતું અને ઈસ ૧૧૧૪થી ૧૧૭૪માં રાજા કુમારપાળે આ દેરાસરનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. તે સમયે શિલ્પકારે તબલા વગાડતી મહિલાનું શિલ્પ બનાવ્યું હોવું જોઈએ.
જો આ તારીખને આધાર ગણીએ તો અમીર ખુશરોનો જન્મ દેરાસરના જિર્ણોદ્ધારના ૮૦-૯૦ વર્ષ પછી ૧૨૫૩માં થયો હતો. એનો અર્થ એ કે તબલાં અમીર ખુશરોના જન્મ પહેલાં પણ એટલા લોકપ્રિય હશે કે શિલ્પકારે બીજું કોઈ વાદ્ય નહીં, પણ તબલાં વગાડતી સ્ત્રીનું શિલ્પ બનાવ્યું હશે.
***
વેલ, ઉસ્તાદ ઝાકિર હુસૈનના કર્ણમધુર તબલાં સાંભળતી વખતે આવા કોઈ ઐતિહાસિક પુરાવાના જરૂર પડવાની નથી. પણ હા, તેમનાં તબલાં સાંભળતી વખતે તબલાંની થોડી વાતો જાણીએ તો એ એમને સાચી અંજલિ આપી ગણાશે.
ભારતમાં તબલાં વાદનના છ વિખ્યાત ઘરાના
હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં તબલાંના છ ઘરાના જાણીતા છે. આ ઘરાનાના ઉસ્તાદો તબલાંને દેશ-વિદેશમાં રજૂ કરીને પ્રતિષ્ઠા અપાવે છે. એમાં દિલ્હી ઘરાનું સૌથી જૂનું ગણાય છે. ૧૮મી સદીમાં એની સ્થાપના થઈ હતી. ૧૯મી સદીમાં સ્થપાયેલું અજરાડા ઘરાનું આમ તો દિલ્હી ઘરાનાથી જ જુદું પડયું હતું. લખનઉ ઘરાના કે જે પૂરબ ઘરનાના નામથી પણ ઓળખાય છે તેની શરૂઆત ૧૯મી સદીના છેલ્લાં દશકાઓમાં થઈ હતી. બનારસ ઘરાનાની સ્થાપના પણ લગભગ એ જ અરસામાં થયેલી અને કિશન મહારાજ, આશુતોષ ભટ્ટાચાર્ય, કુમાર બોઝ, પંડિત નંદન મહેતા સહિતના કેટલાય જાણીતા માસ્ટર્સ આ ઘરાનામાંથી આવે છે. ઉસ્તાદ ઝાકિર હુસૈન, તેમના પિતા ઉસ્તાદ અલ્લારક્ખા સહિતના વિખ્યાત તબલા વાદકો પંજાબ ઘરાનામાંથી મળ્યા છે. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના ઈતિહાસ પ્રમાણે આ લિસ્ટમાં સૌથી છેલ્લી જેને માન્યતા મળી છે એ ફરૂખાબાદ ઘરાનાની સ્થાપના હાજી વિલાયત અલી ખાને ૧૯મી સદીમાં કરી હતી.
તબલાં વાદનનો વર્લ્ડ રેકોર્ડ
૨૬ ડિસેમ્બર, ૨૦૨૩ની સાંજે ગ્વાલિયરમાં એક 'તબલાં દરબાર'નું આયોજન થયું હતું. એમાં એક સાથે ૧૨૭૬ તબલચીઓએ તબલાં વગાડીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. મધ્યપ્રદેશ સરકારના સાંસ્કૃતિક વિભાગના આ કાર્યક્રમની નોંધ ગિનેસ બુકના પ્રતિનિધિઓએ લીધી હતી અને ગિનેસ બુકમાં સ્થાન આપ્યું હતું. ગ્વાલિયરના ઐતિહાસિક કિલ્લામાં આ કાર્યક્રમ યોજાયો હતો.
દુનિયાના સૌથી ઊંચા તબલાં ભારતમાં બન્યા હતા
તબલાંની એવરેજ સાઈઝ લગભગ ૧૦થી ૧૫ ઈંચ જેટલી હોય છે અને વજન હોય છે અઢી કિલો જેટલું. તબલાં બેસીને જ વગાડાય છે. મોડર્ન ઈન્સ્ટ્રુમેન્ટ્સની સાથે ફ્યુઝન કરવાનું આવે તો ડ્રમર એને પોતાની હાઈટના હિસાબે ટેબલ પર મૂકીને વગાડે છે. તબલાંની આ સ્ટાન્ડર્ડ સાઈઝ નક્કી થયેલી છે. ભારતમાં દિલ્હી, કોલકાત્તા, બનારસ, મુંબઈમાં તબલાંનું નોંધપાત્ર ઉત્પાદન થાય છે અને ત્યાંથી દેશના અન્ય રાજ્યોમાં પહોંચે છે. એ સિવાય પણ ભારતમાં કેટલાય શહેરોમાં તબલાં બને છે, પરંતુ સૌથી ઊંચા તબલાં બનારસના ગણેશ શંકર મિશ્ર પાસે છે. ૬૩ વર્ષના ગણેશ શંકર મિશ્રએ ૧૭ વર્ષ પહેલાં ઉભા રહીને વગાડી શકાય એવા તબલાં બનાવવાનું વિચાર્યું હતું. પાંચ વર્ષ સુધી તબલાં મેકર પાસે મહેનત કરાવીને તેમણે ૩૪ ઈંચ એટલે લગભગ પોણા ત્રણ ફૂટ ઊંચા તબલાં બનાવડાવ્યા છે. એનું વજન ૩૦ કિલો છે. આ તબલાં બનાવવામાં સમય એટલેય લાગ્યો કે એના મેકિંગમાં જરૂરી મટિરિયલ મેળવવામાં બહુ સમય લાગ્યો. આ તબલાંની નકલ ન થાય તે માટે એની ડિઝાઈન પેટન્ટ કરવામાં આવી છે.