લેફટેનન્ટના પ્રેતાત્માએ સૈનિકોનું રક્ષણ કર્યું
- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- તમારા જ લેફટેનન્ટ સાહેબ અમને રસ્તામાં મળી ગયા. તે અમને છેક અહીં સુધી લઈ આવ્યા. કમાન્ડરે વિસ્મય સાથે કહ્યું - તેમનું તો ગઇકાલની લડાઈમાં મરણ થઈ ગયું હતું.
'સ્વાત્માર્થં જીવે લોકે।સ્મિન્ કો ન જીવતિ માનવ: ।
પરં ય: પરોપકારાય જીવતિ સ હિ જીવતિ ।।
પોતાની જાત માટે આ જગતમાં કોણ જીવતું નથી ?
પરંતુ જે પરોપકાર માટે જીવે છે તે જ જીવે છે.'
કેટલાક પરોપકારી લોકો જીવતાં તો બધાનું ભલું કરે છે પણ મર્યા પછી યે એમનું એ કાર્ય છોડતાં નથી. આવા એક પરોપકારી મૃત લશ્કરી અફસરનો પ્રેતાત્મા સૈનિકોનો અદ્ભૂત રીતે સહાયક બન્યો હતો. આ દિલધડક ઘટના ૧૩ નવેમ્બર ૧૯૬૧ની સાલમાં જમ્મુ-કાશ્મીરમાં બની હતી. તે વખતે ભારત- પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું હતું. તે દિવસે રાત્રે કાતિલ ઠંડી પડી રહી હતી. ચોમર બરફ વર્ષા થઈ રહી હતી. એક તંબુમાં થોડા સૈનિકો કોલસાની સગડી આગળ બેસીને એનો તાપ લઈ રહ્યા હતા. એ તંબુ મુખ્ય ચોકીથી પંદર માઈલ જેટલો દૂર હતો. થોડા કલાકોથી યુદ્ધ શાંત પડયું હતું. તે વખતે એકાએક વાયરલેસ સેટ પરથી અવાજ આવવા માંડે છે. એમના કમાન્ડર આદેશ આપે છે - ઉત્તર તરફની ચોકીનું રક્ષણ કરવા તત્કાળ કૂચ કરો. દુશ્મન સૈનિકો ત્યાં હુમલો કરે એવા એંધાણ મળ્યા છે.
દસ જવાનોની આ ટુકડી એમના શસ્ત્રો ઉઠાવી ઉત્તરની ચોકી બચાવવા તરત નીકળી પડી. રસ્તામાં એવી જગ્યા આવી જ્યાંથી આગળ વધવું મુશ્કેલ હતું. બધી જગ્યા બરફથી ઢંકાઈ ગઈ હતી. યુદ્ધમાં સૈનિકો પોતાના નકશામાં દર્શાવેલા નદી-નાળા, ટેકરીઓ-વૃક્ષો વગેરે સંકેતો-નિશાનીઓના આધારે આગળ ધપતાં હોય છે. પણ તે સમયે મોટી મુશ્કેલી એ આવી કે ભારે હિમ વર્ષાને કારણે તે બધી નિશાનીઓ અદ્રશ્ય થઈ ગઈ હતી. નદી-ઝરણા વગેરે બરફથી થીજી ગયા હતા. ટેકરીઓ અને વૃક્ષો પણ બરફથી એવી રીતે ઢંકાઈ ગયા હતા કે ઓળખ તરીકે ઉપયોગમાં લઈ શકાય એવા રહ્યા નહોતા. આવી વિકટ સ્થિતિમાં સૈનિકો મુંઝવણ અનુભવી રહ્યા હતા કે આગળ કઈ રીતે વધવું. રસ્તો ભૂલાઈ જાય અને ભટકી જવાય તો સમયસર ઉત્તર તરફની ચોકીએ ના પહોંચી શકાય તો એને બચાવી ન શકાય.
સૈનિકો કિંકર્તવ્યમૂઢ બની ગયા હતા તે સમયે એમને કોઈનો પદરવ સંભળાયો. ચંદ્રના પ્રકાશમાં તેમણે જોયું તો એમની સામે એક લશ્કરી ઓફિસર ઊભા છે. તેમના ડ્રેસ પર ખભાના ભાગે લાગેલા બે સ્ટાર જોઈને તે સમજી ગયા કે તે લશ્કરી અફસર લેફટેનન્ટ છે. તેમણે લેફટેનન્ટને સેલ્યુટ કરી. સેલ્યુટનો જવાબ સેલ્યુટથી આપીને તેમણે તે સૈનિકોને કહ્યું - 'તમને ખબર નહીં હોય, પણ આગળનો રસ્તો બહુ જ ભયંકર છે. ઉત્તર તરફની ચોકી હજુ દૂર છે. સવાર પડવામાં ચાર જ કલાકની વાર છે. એટલે ઝડપથી મારી પાછળ પાછળ આવો.' આટલું કહીને તે ચાલવા લાગ્યા. સૈનિકો તેમની પાછળ ચાલવા લાગ્યા. સૈનિકો એમની એકદમ નજીક પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે લેફટેનન્ટના યુનિફોર્મમાં પીઠ પાસેના ભાગ પર મોટું છેદ પડી ગયું હતું. ત્યાં મોટા ઘાનું નિશાન દેખાઈ રહ્યું હતું. ચામડીનો એટલો ભાગ દાઝી ગયેલો હતો.
સૈનિકોને નવાઈ લાગી કે આવા ઘાવાળા શરીરવાળા તે લેફટેનન્ટ રાત્રે એકલા અહીં કેવી રીતે આવી પહોંચ્યા હતા ? તેમની ટુકડીના સૈનિકો ક્યાં હતા ? તેમણે તો ઘા પર પાટા પીંડી કરી ચોકીમાં તેમની સારવાર કરાવી આરામ કરવો જોઈએ. નકશાની કોઈ નિશાની વગર લેફટેનન્ટ જે રીતે આગળ વધતા હતા તે જોઈને પણ વિસ્મય ઉત્પન્ન થતો હતો. તે વિસ્તારથી ગમે તેટલી પરિચિત વ્યક્તિ હોય તો પણ બધી જગ્યા બરફથી છવાઈ ગયેલી હતી એટલે તેને ઓળખવી મુશ્કેલ હતી. સૈનિકો થોડા ચિંતિત થયા અને વિચારવા લાગ્યા કે ક્યાંક આ અજાણ્યા અફસરને અનુસરીને તે ભૂલ તો નથી કરી રહ્યા ને ? તે કોણ હશે અને તેમનો પરિચય પૂછવો યોગ્ય ગણાય ખરો ?
જાણે તેમના વિચારોને વાંચી લીધા હોય તેમ લેફટેનન્ટે તેમની વાત રજૂ કરતાં કહ્યું - 'હું તમે જ્યાં જઈ રહ્યા છો તે ઉત્તરની ચોકીનો લેફટેનન્ટ જ છું. તમને મારી પીઠ પર આ જે ઘા દેખાઈ રહ્યો છે તે ગઈકાલના ગોળીબારથી જ થયેલો છે. અમે લોકો હુમલો કરવાની તૈયારીમાં જ હતા ત્યારે પાકિસ્તાનની સેનાની ટુકડીએ ગોળીબાર કરવાના શરૂ કરી દીધા. બધા સૈનિકો જમીન સરસા આડા પડી ગયા. હું અગત્યની સૂચના આપવા રહ્યો એમાં મારે સહેજ મોડું થઈ ગયું. એટલામાં ક્યાંકથી પાછળથી ગોળો આવીને મારી પીઠમાં ઘૂસી ગયો' પછી એમણે બોલવાનું બંધ કરી દીધું. જે ચોકી પર પહોંચવાનું હતું તે થોડા ફર્લાંગ દૂર હતી ત્યારે તેમણે એ સૈનિકોની તરફ મોં ફેરવીને કહ્યું - 'જુઓ ! તમારે જે ચોકીએ પહોંચવાનું છે તે અમારી ચોકી સામે જ દેખાઈ રહી છે. તમે ત્યાં પહોંચી જાઓ. હું હવે જઉં છું.' લેફટેનન્ટે સૈનિકોને સેલ્યુટ કરી ભારતનો જયઘોષ કર્યો અને ત્યાંથી પાછા વળી ગયા હતા. તે પોતાની ચોકીએ આવવાને બદલે કેમ ત્યાંથી જ પાછા વળી ગયા તેનો તેમને ખ્યાલ ના આવ્યો. તે થોડું વિચિત્ર પણ લાગ્યું.
દસ સૈનિકોની તે ટુકડી ચોકીએ પહોંચી. કમાન્ડર એમની રાહ જોઈ રહ્યા હતા. રાત્રે વાયરલેસ સંપર્ક તૂટી ગયો હતો એટલે રસ્તો શોધવા કોઈ સૂચના આપી શકાઈ નહોતી. સૈનિકોના પહોંચતા ની સાથે કમાન્ડરે પૂછયું - 'તમે આવા વિકટ રસ્તે નકશાની નિશાનીઓ વિના આટલા જલદી તમે કેવી રીતે આવી ગયા ? તો તેમણે જવાબ આપતા કહ્યું - 'તમારા જ લેફટેનન્ટ સાહેબ અમને રસ્તામાં મળી ગયા. તે અમને છેક અહીં સુધી લઈ આવ્યા. તે આ વિસ્તારથી ખૂબ પરિચિત છે એવું સ્પષ્ટ જણાયું.' કમાન્ડરે વિસ્મય સાથે કહ્યું - 'અમારી ચોકીના લેફટેનન્ટ ? તે ક્યાંથી તમને રસ્તો બતાવવા આવી શકે ? તેમનું તો ગઇકાલની લડાઈમાં મરણ થઈ ગયું હતું. તમે અહીં આવ્યા તે રસ્તા પર જ પાકિસ્તાની સૈનિકો સાથે અમારી લડાઈ થઈ હતી. દુશ્મન દળના સૈનિકોએ ગોળીબારો અને તોપથી ગોળા છોડવાનું શરૂ કર્યું ત્યારે એક ગોળો એમની પીઠમાં વાગ્યો હતો અને ત્યાં તેમનું મરણ થઈ ગયું હતું.
આ સાંભળી સૈનિકોએ પણ જણાવ્યું - 'તમારા લેફટેનન્ટે અમને પણ ગઇકાલના પાકિસ્તાની સૈનિકો સાથે થયેલા ઘર્ષણની વાત કરી હતી અને કઈ રીતે તેમની પીઠમાં ગોળો ઘૂસી ગયો તે ઘટનાનું વર્ણન કર્યું હતું. અમે તેમના પીઠ પર થયેલા મોટા ઘાને પણ જોયો હતો. એટલે એ ગઇકાલે મરણ પામેલા તમારા જ લેફટેનન્ટ હતા તે તો નક્કી છે. તેમણે તેમનો પરિચય આપ્યો ત્યારે તમારી આ ચોકીમાં જ ફરજ બજાવું છું એમ જણાવ્યું હતું.'
મરણના બીજા જ દિવસે મૃત લેફટેનન્ટનો પ્રેતાત્મા પોતાના પહેલાના શરીરથી સંકટમાં મૂકાયેલા સૈનિકોને સહાય કરવા પાછો આ લોકમાં આવ્યો હતો તે જાણી ત્યાં ઉપસ્થિત બધાના રૃંવાડા ખડા થઈ ગયા હતા. આવા દેશભક્ત, કર્તવ્ય પરાયણ, પરોપકારી લેફટેનન્ટને પુન: શ્રદ્ધાંજલિ આપી બધાએ તેમના આત્માને નમન કર્યું હતું.