મોઢા અને ગળાના કેન્સર માટે સિગારેટ અને શરાબ ઉપરાંત ઓરલ સેક્સ પણ જવાબદાર
- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- સેક્સ અને કેન્સર વચ્ચેની કડીને હાઇલાઇટ કરતી કોઈ ઝુંબેશ સરકાર દ્વારા નથી ચલાવાતી. પરંતુ હકીકતમાં મુખમૈથુનમાં રાચતા લોકો કેટલંુ મોટું જોખમ લે છે
મો ના છેલ્લા કેટલાક દિવસથી ગળામાં કશુંક અટવાઈ ગયું હોવાનો વિચિત્ર અનુભવ કરતી હતી. ગળાની તકલીફ સતત ચાલુ રહેતા ૨૧ વરસની મુંબઈની યુવતી મોના અંતે ડોક્ટર પાસે ગઈ. ક્લિનિક્સ અને લેબ્સની શ્રેણીબદ્ધ મુલાકાતો બાદ ડોક્ટરોએ એવું નિદાન કર્યું કે મોનાને ગળાનું કેન્સર થયું છે.
મોના માટે આ નિદાન એક આંચકા તરીકે આવ્યું, કારણ કે પોતાના સ્વાસ્થ્યની એ હંમેશાં પૂરતી કાળજી રાખતી હતી. એ ક્યારેય સિગારેટ કે શરાબ પીતી નહીં કારણ કે એને ખબર હતી કે આ બંને વ્યસનોથી મોઢા અને ગળાનું કેન્સર થાય છે. પરંતુ મોના એ વાતથી અજાણ હતી કે મુખમૈથુન (ઓરલ સેક્સ)થી પણ ગળા અને મોઢાનું કેન્સર થાય છે. મોનાને ઘણાં પુરુષમિત્રો હતા અને એ નિયમિતપણે મુખમૈથુન કરતી હતી.
'બેઝિક ઇન્સ્ટિંક્ટ' જેવી ફિલ્મના સ્ટાર માઇકલ ડગ્લાસને ગળાનું કેન્સર થયાનું જણાતાં જ તેમના ચાહકોમાં દુખ અને ચિંતાની લાગણી પ્રવર્તી હતી એ સમયે તેમનું મોઢાનું કેન્સર ચોથા તબક્કામાં હતું. જો કે આ લોકપ્રિય અભિનેતા ઓરલ કેન્સરને મહાત આપી આજે પણ સામાન્ય જીવન જીવે છે.
'મારા મોઢાના કેન્સરને ઓરલ સેક્સ સાથે સંબંધ હોઈ શકે છે' એવા હોલીવૂડના એક્ટર માઇકલ ડગ્લાસે દાયકા પહેલાં કરેલા નિવેદનને પગલે મોટાભાગના ભારતીયોની ઊંઘ ઊડી ગઈ હતી. ડગ્લાસે પછીથી જોકે, એવો ખુલાસો કર્યો હતો કે હું ઓરલ કેન્સર વિશે માત્ર જનરલ વાત કરતો હતો. પરંતુ ત્યાં સુધીમાં આ વિષય પર ચર્ચા છેડાઈ ચૂકી હતી.
આજે ભારતભરના ડોક્ટરો મુખમૈથુન અને કેન્સર વચ્ચેની કડી જાણે છે. તેઓ કહે છે કે આજે ઘણાં સિગારેટ અને દારૂથી દૂર રહેનારાઓને પણ ઓરોફેરિન્જિલ કેન્સર (એટલે કે ગળા અને મોઢાના અમુક ભાગનું કેન્સર) થાય છે. એમના કેન્સર માટે મોટાભાગે મુખમૈથુન જવાબદાર હોય છે કારણ કે એને લીધે વાયરસ ફેલાય છે.
કેન્સર રિસર્ચ ડેટાના તારણ પ્રમાણે પુરૂષોમાં ઓરલ સેક્સ દરમિયાન એચપીવીનો ચેપ ફેલાવવાની સંભાવના મહિલાઓની સરખામણીએ વધુ હોય છે.
કેન્સર રિસર્ચના જણાવ્યાનુસાર સેક્સના મામલામાં વધુપડતાં સક્રિય લોકો પોતાના જીવનમાં ઓછામાં ઓછા એક પ્રકારના એચપીવીથી અવશ્ય સંક્રમિત થાય છે. કેટલાકને આ વાયરસ નુકસાન પહોંચાડતું નથી અને કોઇ ઇલાજ વગર આપોઆપ જતું રહે છે. ઘણાં ઓછા લોકો એવા હોય છે કે જેમને ઑરોફૈરિંજિયલ કેન્સર (મોઢાનું કેન્સર) ડેવલપ થાય છે.
પશ્ચિમમાં, વૈજ્ઞાનિક અભ્યાસોમાં એવું જાણવા મળ્યું છે કે હ્યુમન પાપિલોમા વાયરસ (એચપીવી) ટાઇપ ૧૬ને લીધે મોઢા અને ગળાનું કેન્સર થાય છે. આ વાયરસ ઓરલ સેક્સ મારફત ટ્રાન્સમિટ થાય છે. એક અભ્યાસ મુજબ કેન્સરના આવા લગભગ ૬૦ ટકા કેસોને એચપીવી સાથે સંબંધ છે. ન્યુ યોર્ક ટાઇમ્સના એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ અમેરિકાના ગળાના કેન્સર પૈકી લગભગ ૭૦ ટકા એચપીવીને કારણે થાય છે. હજુ દાયકા પહેલાં એની ટકાવારી ફક્ત ૧૫ ટકા હતી. ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસીનમાં પ્રગટ થયેલા એક સંશોધનમાં એમ જણાવાયું હતું કે જેમને એચપીવી ૧૬નો ચેપ લાગ્યો હોય એમને ગળા કે મોઢાનું કેન્સર થવાની શક્યતા ૩૨ ગણી વધી જાય છે.
મુખમૈથુન ઉપરાંત એચપીવી ચામડીના સંપર્ક દ્વારા પણ શરીરમાં પ્રવેશે છે અને એ જનનેન્દ્રિયોની આસપાસ, લાળ, પૈશાબ અને વીર્યમાં જોવા મળે છે, એચપીવીના ઘણા પ્રકાર છે અને આ વાયરસ જાતીય સુખ ભોગવતા વયસ્કોમાં સામાન્ય છે. મોટાભાગના લોકો એને લડત આપી શકે છે પરંતુ એચપીવી ૧૬ જેવા વાયરસનો અતિ જોખમી પ્રકાર મોઢા, ગુદા, ગરદન, યોની અને યૌનીમુખના કેન્સર ભણી દોરી જાય છે.
તબીબોના જણાવ્યા મુજબ એચપીવી સ્ત્રી અને પુરુષના ગુપ્તાંગો અથવા જનેન્દ્રીયોમાં મળી આવે છે. આ વાઇરસ માત્ર જાતીય રીતે લાગેલા ચેપથી જ એક વ્યક્તિમાંથી બીજાને લાગે છે. એટલે આવો વાઇરસ મુખમૈથુન દરમિયાન મોઢામાં આવે એટલે મોઢાનું કેન્સર થાય.
ભારતમાં એચપીવી અને કેન્સરના અમુક પ્રકાર વચ્ચે સંબંધ સ્થાપવાના પ્રયાસો થઈ રહ્યા છે. દર વરસે કેન્સરમાં સપડાતા આશરે ૧૫ લાખ ભારતીયો પૈકી બે ટકાને મોઢા અને ગળાનું કેન્સર થાય છે એમ બેંગ્લોરની કિડવાઈ મેમોરિયલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઓન્કોલોજીના વરિષ્ઠ મહિલા તબીબ કહે છે. ગળા અને મોઢાના કેન્સર પૈકી લગભગ એક તૃતીયાંશ કેસ એચપીવી સંબંધી હોય છે એવી માહિતી તેઓ આપે છે.
પરંપરાગત રીતે મોટી વયના લોકોને સપાટામાં લેતું કેન્સર હવે ૧૯-૪૦ વય જૂથના લોકો પર ત્રાટકે છે એમ જણાવતા કલકત્તાની એક જનરલ હોસ્પિટલના ડોક્ટર ઉમેરે છે કે 'દર્દીઓની વ્યાપક પૂછપરછ બાદ અમને જાણવા મળ્યું હતું કે ઘણા બધા દર્દીઓએ મુખમૈથુન માણ્યુ હતું.'
બીજું એક રસપ્રદ તારણ એ છે કે આજના જુવાનિયાઓ પ્રેમમાં પડે પછી જાતીય સંબંધમાં આગળ વધે ત્યારે શરૂઆત ઓરલ સેક્સથી થાય છે. એક પ્રકારે આ 'સેફ સેક્સ' ગણાય છે કારણકે મુખમૈથુનથી યુવતીને ગર્ભ રહેવાની ચિંતા સતાવતી નથી.
એક નવા અભ્યાસ -પરિક્ષણ મુજબ મુખ મૈથુનમાં રાચતા સ્ત્રી-પુરુષોની સંખ્યા તો કરોડોમાં છે. સુખી લગ્નજીવન માણતું દંપતિ પણ ક્યારેક, અમુક સંજોગોમાં ઓરલ સેક્સનો આશરો લે છે. પરંતુ આવી કામચેષ્ટા વખતે દરેક વ્યક્તિને હ્યુમન પાપીલોમા વાયરસ કનડતો નથી. પરંતુ જે કોઈ વ્યક્તિની પ્રતિકાર શક્તિ નબળી હોય તેના શરીરમાં આ વાયરસ પ્રવેશે તો એ ઝડપથી સંખ્યા વધારો કરે છે અને સમયગાળા પછી જે તે વ્યક્તિના ડીએનએમાં આ વાયરસ પ્રસ્થાપિત થાય છે. જેને કારણે તેના શરીરના કોષો કેન્સરસ બને છે.
આવી સ્થિતિને ઉત્પન્ન થતી રોકવા જ વિદેશોમાં સરકારી સ્તરે ટીનએજ કન્યાઓને આ વાયરસ સામેની વેક્સિન અપાય છે. બ્રિટન, અમેરિકા, અને ઓસ્ટ્રેલિયામાં તો છોકરાઓને પણ આ વેક્સિન મૂકાય છે.
યુરોપના કેટલાક તબીબો તો એવી ચેતવણી ઉચ્ચારે છે કે હ્યુમન પાપિલોમાં વાયરસ પર અંકુશ મૂકવા કોઇ ચોક્કસ પગલાં નહીં લેવાય તો આ બીમારી ચેપી રોગની જેમ ફેલાઇ જશે.
સામાન્ય રીતે પુરુષોમાં એચપીવીથી થતું મોઢા- ગરદનનું કેન્સર જોવા મળે છે અને તેથી પુરુષો અને સ્ત્રીઓ માટે પ્રજનનક્ષમ વય (નવથી ૧૨ વર્ષ દરમિયાન) શરૂ થાય તે પહેલાં આ વાયરસ સામેની રસી આપવાનું શરૂ થવું જોઈએ એમ સમીક્ષામાં જણાવાયું હતું.
ઓરોફેરિન્ગલ (મોઢા અને ગળાના) કેન્સરના લક્ષણોમાં ગળામાં કોઈ બાહરી વસ્તુ અટવાઈ ગયાની સતત લાગણી થયા કરવી, મટવાનું નામ ન લેતા કફ અને ગળફામાં લોહી જેવી બાબતોનો સમાવેશ છે. ગળામાંથી એક નાનકડો કકડો લઈને વહેલાસર રોગની જાણકારી મેળવી લેવાથી રિકવરી પણ ઝડપી થાય છે. એચપીવી નેગેટિવ અને પોઝિટિવ બંને પ્રકારના દર્દીઓની સારવાર સરખી છે.
પાણી કે બીજું કોઈ પ્રવાહી પીતા કે ખોરાકનો કોળિયો ગળે ઊતારતા તકલીફ થાય, કાકડા ફુલી ગયા હોય, ચાવતી વખતે મોમાં દુ:ખાવો થાય, સતત ખાંસી આવે અને અવાજ ઘોઘરો થઈ જાય, હોઠ અને મોઢામાં શુષ્કતા આવે, કાનમાં સતત દિવસો સુધી પીડા થાય, તો જે તે વ્યક્તિએ તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
કલકત્તા અને બેંગલોરની કેન્સર હોસ્પિટલોના મોટાભાગના ડોક્ટરો ભારપૂર્વક કહે છે કે ૧૦ વરસ પહેલાં અમારી પાસે ભાગ્યે જ એવા કેસ આવતા હતા જેમાં દર્દીએ કદી તમાકું કે આલ્કોહલનું સેવન ન કર્યું હોવા છતાં એને મોઢાનું કેન્સર થયું હોય. આજે એમની પાસે દર મહિને આવા પાંચથી દસ કેસ આવે છે. ડોક્ટરોનો અનુભવ એવો પણ છે કે મોઢા અને ગળાના કેન્સરના દર્દીઓનો સામાન્યપણે રૂટિન એચપીવી ટેસ્ટ કરાતો નથી કારણ કે એનો ખર્ચ વધુ આવે છે.
ભારતના મેડિકલ પ્રેક્ટિશનરોમાં હવે એવી માન્યતા વધતી જાય છે કે એમણે હવે પોતાના દર્દીઓને એમની સેક્સસ્યુલ પ્રેક્ટિસિસ (જાતીય વ્યવહાર) વિશે ખુલીને પૂછવાની જરૂર છે. 'મેં ક્યારેય મારા દર્દીઓને પૂછ્યું નથી કે તમે મુખમૈથુન માણો છો કે નહીં કારણ કે એવું પૂછતાં મૂંઝવણ થાય છે. પરંતુ હવે મને લાગે છે કે અમારે એમને પૂછવું જોઈએ,' એમ કલકત્તાના એક ઓન્કોલોજિસ્ટ કહે છે.
કોઈ અભ્યાસ એવો નિર્દેશ નથી કરતો કે ભારતમાં મુખમૈથુનનું ચલણ વધી રહ્યું છે, પરંતુ નિષ્ણાતો એવં માને છે કે એ ભારતના શહેરીજનોમાં પ્રચલિત હોઈ શકે. ગમે તેમ તો મુખમૈથુન એક ઝડપી આનંદ આપતી
ક્રિયા છે, જેમાં ગર્ભનિરોધકની જરૂર ન હોવા ઉપરાંત ગર્ભાધાનનો પણ ભય નથી રહેતો.
'મને એમ હતું કે એ સેક્સ માણવાની સૌથી સુરક્ષિત રીત છે. મારી ગર્લફ્રેન્ડ્સ એને લીધે ગર્ભવતી નહોતી થતી અને મને એઇડ્સ થવાનું પણ જોખમ નહોતું રહેતું,' એમ કહેતા ૨૬ વરસનો યુવાન ઉમેરે છે કે 'મને ખબર નહોતી કે એને લીધે મને કેન્સર થશે.' રેડિયોથેરપી અને કેમોથેરપી લઈને એકદમ સારો થઈ ગયેલો આ યુવાન હવે કોઈ પણ પ્રકારની સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં સાવધ રહે છે.
પરંતુ પ્રેસિડન્સી યુનિવર્સિટીની ફર્સ્ટ યર સ્ટુડન્ટ માટે મુખમૈથુન સગવડભર્યુ છે. એ કહે છે કે યૌન સેક્સ કરતા મને ઓરલ સેક્સ વધુ પસંદ છે કારણ કે એમાં મારો યોનિ પટલ અક્ષત રહે છે. ગમે તેમ તો લગ્ન પૂર્વે 'વર્જિન' રહેવું મહત્ત્વનું છે.
આ સંદર્ભમાં ડોક્ટરોએ દર્દીઓ સાથે ઓરલ હેલ્થકેર (મોઢાના આરોગ્યની કાળજી) વિશે વાત કરવાની જરૂર છે. હ્યુસ્ટનના યુનિવર્સિટી ઓફ ટેકસાસ હેલ્થ સાયંસ સેન્ટર દ્વારા ૩૪૦૦ લોકો પર કરાયેલા અભ્યાસમાં એવું જાણવા મળ્યું હતું કે પુઅર ઓરલ હેલ્થ ધરાવતા લોકોને ઓરલ એચપીવી થવાનું જોખમ ૫૬ ટકા વધુ હોય છે.
કેટલાક ડોક્ટરો દ્વારા એચપીવી સામે રક્ષણ આપતી વેક્સિન પ્રિસ્ક્રાઇબ કરાય છે પરંતુ હજુ સુધી કોઈ ફુલપ્રૂફ પ્રિવેન્ટિવ મેડિસિન કે વેક્સિન ઉપલબ્ધ નથી. જે વેક્સિન પ્રિસ્ક્રાઇબ કરાય છે એમાં આડઅસરો થવાની શક્યતા રહે છે. એટલે અનુભવી ડોક્ટરો કહે છે કે ગળા અને મોઢાનું કેન્સર નિવારવાનો સૌથી સુરક્ષિત માર્ગ સલામત સેક્સ અને એક પત્નીત્વ છે.
સરકારનું આરોગ્ય મંત્રાલય તમાકુને મોઢા અને ફેફસાના કેન્સર માટે જવાબદાર ગણાવતા હોર્ડિંગ્સ ઠેરઠેર મૂકે છે. ફિલ્મો અને ટીવી વિજ્ઞાપન દ્વારા પણ લોકોને વાકેફ કરાય છે. પરંતુ સેક્સ સંબંધી બાબતોમાં કોઈ પણ પગલું લેતા સરકાર એકદમ સાવધાની રાખે છે. એટલે સેક્સ અને કેન્સર વચ્ચેની કડીને હાઇલાઇટ કરતી કોઈ ઝુંબેશ સરકાર દ્વારા નથી ચલાવાતી. પરંતુ હકીકતમાં મુખમૈથુનમાં રાચતા લોકો કેટલંુ મોટું જોખમ લે છે એ વિશે લોકોમાં તાકીદે જાગૃતિ લાવવાની જરૂર છે. આ પ્રશ્ને સમાજમાં ગુપ્તતા સેવાતી હોવાથી બહુ થોડા લોકો સેક્સ અને કેન્સર વચ્ચેના સંબંધ વિશે જાણે છે.