હેમંતનાં કંકુ પગલાં .
- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- હેમંત નદીની, રણની અને નેળિયાની રેત ઉપર શીતળતાનો લેપ કરે છે. વૃક્ષો અને વનસ્પતિના ચહેરા ઉપર ટાઢી ફૂંકો મારે છે...
દિ વાળીના દીવાનાં અજવાળા પ્હેરીને મન નવા વર્ષમાં પ્રવેશ્યું છે. હજુ તો ફૂટેલા દારૂખાનાના દસ્તાવેજો રસ્તામાં રઝળે છે. ક્યાંક ફટાકડાના વધ્યો ઘટયો અવાજ સંભળાય છે. ઘરમાં વપરાઈ ગયેલા મઠિયા, સુવાળિયોનો ભુક્કો ખાલી થતાં ડબ્બામાં ખખડે છે. મોહનથાળનાં ચકતાય સુકાવા માંડયા છે. શરદને વળાવી દીધી છે. શરદની ચાલ્યા જવાની ઘટનાનો રંજ મનને વળગ્યો છે ત્યાં તો ધીમે પગલે હેમંતની પગલીઓ પડવા માંડી છે. ત્વરાભેર ફરતા પંખાની ગતિ ધીમી કરવી પડે છે. ફ્રિજમાંથી બહાર કાઢેલા બાટલાની જેમ સૂરજ ક્ષિતિજેથી નીકળે છે. પારિજાતનાં પુષ્પો પૃથ્વી ઉપર પથરાવા માંડયાં છે. વાતાવરણ સુરભિમય થઇ રહ્યું છે. પારસનાં ધવલ પુષ્પો એમાં ઉમેરણ કરી રહ્યા છે. દેવોની દિવાળી આવી આવી ને ગઇ પણ કેમ દેવોએ મનુષ્યોની દિવાળી જેવું તોફાન ના મચાવ્યું ? વાતાવરણમાં ઠંડક પ્રસરવા માંડી છે. ધીમે પગલે શિયાળો આવી રહ્યો છે. તેના સ્વાગતની તૈયારીઓ થઇ રહી છે. સૂર્યદેવનો સોનેરી તડકો શિયાળાનું સ્વાગત કરે છે. આવી રહી છે. હેમંતની સવારી દિવડાઓનો પ્રકાશ હતો એ પ્રકાશને નિહાળવા હેમંત આવે છે ? ફટાકડાનો અવાજ સાંભળવા એ નીકળી પડી છે ? એ આવીને ઊભી રહી છે અને પ્રકાશ નથી અને અવાજ પણ ગાયબ !! હેમંતને શાંત વાતાવરણ વધાવી રહ્યું છે. આકાશની નીલિમાં સ્વાગત કરી રહી છે અને સીમનો સૂનકાર આવકાર આપી રહ્યો છે.
વ્હેલી સવારે બહાર નીકળો તો તમારા શરીરને હવા થઇને સ્પર્શે છે. તમારી કાયા ઉપર તેનાં ટેરવાં શીતળતાનો લેપ કરે છે. ત્યારે તમને થાય છે કે આ વળી કોણ ? તમારી ચાલવાની ગતિ મંથર કરી દે છે એ કોણ ? પ્રાચીમાંથી પ્રગટતો સૂરજ નમ્રતા ધારણ કરીને પ્રગટે છે. એનામાં આવી નમ્રતા લાવ્યું કોણ ? તડકાને કોમળ કોણ કરે છે ? સીમના ચહેરા ઉપર શરમના શેરડા કોણ પાડે છે? - આ પ્રતાપ હેમંતનો છે. હેમંતની આંખોમાં શીતમણિ સોહે છે અને તેની કાયામાં કંપનના ખંજન પડેલાં છે. કોઇ જૈન મંદિરના આરસ ઉપર પગલાં પડતા હોય તેમ ધીમે પગલે એનું આગમન થઇ રહ્યું છે. તેના કાનમાં, નાકમાં, ગળામાં આરસનાં આભૂષણો છે. રણની ઠરેલી રેત જેવી તેની ત્વચા આમંત્રે છે કે આકર્ષે છે ! નક્કી નથી થઇ શકતું ! સમગ્ર પૃથ્વી પર ઉપર હેમંતનો હાથ પ્રસરે છે - એ હાથ કેટલી દીર્ધતા ધરાવતો હશે? હેમંતના મુક્ત કેશમાં ઝાકળ શી ચમક અને પ્રવાહિતા ઉભય છે.
ઘાસની કાયા ઉપર તેના ટેરવાં ફરે છે ત્યાં મોતી બની જાય છે ! ખેતરના ક્યારે ક્યારે ફૂટતા ઘઉંના કાનમાં કહું કહું કરતી એની વ્હાલી વહુને તો હેમંત જ નામ આપીશું ને ? રાઈના ખેતરમાં પીળા રંગના પુષ્પો થવાનો ઓરતો લઇને આવી છે એ હેમંત !! કોબીજ, ટામેટા, ફ્લાવર અને મેથીની ભાજીમાં હૂંફની જડીબુટ્ટી લઇને ઘુમે છે એ હેમંત ! મોદીની દુકાનમાં ગુંદર, મેથી અને ગોળ કોપરાંની ગુણોમાં હેરફેર કરતી હેમંત! કંદોઈની દુકાનમાં અડદિયા પાક સ્વરૂપે ખોખામાં પેક થાય છે એ હેમંત ! સફેદ દૂધ જેવા અણિવાળા શસ્ત્ર જેવા મૂળા સ્વરૂપે લારીઓમાં ખડકાય છે એ હેમંત ! કોકરવરણા તડકાની શોધ પ્રત્યેક સવારે ફરવા નીકળી પડે છે તે હેમંત ! માણસને માણસની હૂંફમાં ભરોસો રહ્યો નથી એ ફલિત કરવા એ કુદરત પાસેથી હૂંફ ખોળે છે તે હેમંત ? કે નહાવાના પાણીમાં ઉષ્ણતા થઇને રેલાય છે એ હેમંત ? ઉષ્ણ સ્પર્શની અભિલાષા જે સમયગાળામાં જાગૃત થાય છે એ હેમંત ઋતુના ભાગ્યમાં કળિયુગના કલ્પવૃક્ષ સમા પારિજાતનાં પુષ્પો લખાયા છે. એ પુષ્પોમાં રંગરેખા થઇને કે સૌરભ થઇને સંતાઈ જતી હેમંત સદા સદ્ભાગી ઋતુ છે.
લીસા પત્થરની સપાટી જેવી શીતળતા વૃક્ષોના પર્ણે પર્ણે વળગે છે. કદમ્બ હેમંતને ડાળીઓ પર પોઢાડે છે. ચંપાના વૃક્ષ પરથી ધવલ પુષ્પોના ગુચ્છ થઇને હેમંત ફૂટી નીકળે છે. ધાણા-જીરૂના અંકુરો ધરાની કૂંખમાંથી બહાર આવે છે. હેમંતના ભાગ્યમાં વ્હેલી સવારે કસરત કરતા યુવાનો-યુવતીઓ-વૃદ્ધો જોવાનું હોય છે. ચાલવાનું, દોડવાનું, કસરત કરવાનું હેમંતના ચોઘડિયામાં સંકલ્પિત થતું હોય છે એ પછી ધીરે ધીરે દ્રવવા માંડે છે. હેમંતને ભેંસ, ગાય, ઘોડો કે કૂતરાની પીઠ ઉપર સવારી કરવાનું ગમે છે. સ્વેટર, ટોપી, ગરમ વસ્ત્રો હેમંતને ડરાવનારાં શસ્ત્રો સજ્જ થઇને કબાટની બહાર નીકળી પડે છે.
હેમંત નદીની, રણની અને નેળિયાની રેત ઉપર શીતળતાનો લેપ કરે છે. વૃક્ષો અને વનસ્પતિના ચહેરા ઉપર ટાઢી ફૂંકો મારે છે. તડકાનું સ્વરૂપ લઇને પૃથ્વી ઉપર તરુણી થઇને અલ્લડ થઇને ફરે છે, વ્હેલી સવારે ઝાકળના બુંદોમાં પુરાઈ જાય છે. આકાશના તારા ચંદ્ર જેવી શીતળતા વરસાવે છે એ પણ હેમંતનો પ્રતાપ છે. પવન પણ ડાહ્યા ડમરા વિદ્યાર્થીની જેમ શિસ્તમાં પણ છટાથી ચાલે છે. હેમંતનું પિયર છેક હિમાલયની પર્વતમાળાઓમાં છે અને તેનું મોસાળ સીમના અસીમ પર ઉપર આવેલું છે. ચાલ્યા ગયેલા શરદનો સદ્ભાવ અને આવનારા શિશિરનો પ્રભાવ એના વર્તનમાં દેખાય છે. પંચરસ ગણાતા આમળાના રસનો પ્યાલો હોઠે માંડો તો તરત થશે કે આ તો હેમંતનો સ્વાદ છે !! આખા દિવસનો તાકો કોકરવરણા તડકાના તાણેવાણે ગુંથાયેલો દેખાય તો માની લેજો અહી ક્યાંક હેમંતનું પોત પ્રકાશી રહ્યું છે. હેમંતનો હાથ પકડી ચાલો આપણે આપણી યાત્રા અવિરત રાખીએ.