Get The App

ત્રણ દાયકા પછી કાશ્મીરી પંડિતોની ઘરવાપસી સફળ થશે ખરી?

Updated: May 22nd, 2022


Google NewsGoogle News
ત્રણ દાયકા પછી કાશ્મીરી પંડિતોની ઘરવાપસી સફળ થશે ખરી? 1 - image


- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- અલગ રાજ્યથી કેન્દ્રશાસિત રાજ્ય બનેલું જમ્મુ-કાશ્મીર અમન-શાંતિના રાહ પર છે. ખીણમાં ચારેબાજુ ગોળીબારી કે પથ્થરબાજીની નહીં, પરંતુ પ્રગતિની વાત થઈ રહી છે. 

ભા રતમાં આઝાદીને ૭૫ વર્ષ થઇ ગયા પણ કાશ્મીર હજી ભારતમાં દૂધમાં સાકર ભળે તેમ ભળ્યું નથી. ભારતે કાશ્મીરીઓની તમામ વાતો સાંભળી તેમને વિવિધ પ્રકારના લાભો મળે તેવી વ્યવસ્થા કરી આપી હતી પણ પાકિસ્તાનની અવળચંડાઇને કારણે આ મામલો સળગતો રહ્યો હતો. આજે પાકિસ્તાનની હાલત જોઇને તેના રવાડે ચડનારાઓને મૂર્ખ ગણવા પડે તેવી હાલત છે.

એક સમયે ભાજપના ઉદારમતવાદી વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ તેમની કાશ્મીર નીતિ માટે ત્રણ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ ત્રણ શબ્દો હતા, ઇન્સાનિયત,  જમ્હૂરિયત અને કાશ્મીરીયત. આ ત્રણ શબ્દો દ્વારા વાજપેયી કાશ્મીરમાં સંવાદિત અને લોકશાહીનું શાસન સ્થાપવા માંગતા હતા. પણ તેમના આ ઇરાદાને વ્યક્ત થયા બાદ ઝેલમમાં ઘણાં પાણી વહી ગયા છે. વાજપેયીએ પાકિસ્તાન સાથે સંબંધો સુધારવા માટે તેમની વિખ્યાત લાહોર યાત્રા યોજી હતી પણ તેનો જવાબ કારગિલની લડાઇ તરીકે આપવામાં આવ્યો. એ પછી ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની શ્રીનગર-મુઝફ્ફરાબાદની બસ સેવાનો જવાબ મુંબઇમાં ૨૬/૧૧ના  આતંકી હુમલા દ્વારા આપવામાં આવ્યો હતો.

વાજપેયીએ કાશ્મીર સમસ્યાના ઉકેલ માટે ઇન્સાનિયત શબ્દ પર ભાર મુક્યો હતો પણ કાશ્મીરનો લાંબો લોહિયાળ ઇતિહાસ જોતા ત્યાં ઇન્સાનિયતની આશા રાખવી વધારે પડતી  છે.  ૧૯૮૯ થી ૨૦૦૨ દરમ્યાન આ વિસ્તારમાંથી કુલ ૪૦,૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યા છે.  ૩,૫૧૯ સૈનિકોએ શહાદત વહોરી છે. તેર હજાર આતંકવાદીઓ અને બીજા ૪૧૮ જણાના મોત પણ આ અરસામાં જ થયા છે. કમનસીબીએ છે  કે મરણાંક પાછળ ભયાનક હિંસાની વિગતો છુપાઇ જાય છે. ટોળાં  દ્વારા ધર્મઝનૂનને વશ થઇ હિંસા આચરવામાં આવે તેમાં કોઇ પ્રકારની માનવતા ન હોય તે સ્વાભાવિક છે. વાજપેયીએ કાશ્મીરની નીતિના પાયામાં લોકશાહીની વાત કરી હતી. પણ જે વિસ્તારમાં સતત પાડોશી દેશ દ્વારા અપાતા શસ્ત્રો જ વપરાતાં હોય ત્યાં લોકશાહીની વાતો કેટલી અસરકારક બની રહે ?

આખરે રહે છે કાશ્મીરીયત. કાશ્મીરી પંડિતોનો જેમાં એકડો કાઢી નાંખવામાં આવે તે કાશ્મીરીયત શા કામની ? કાશ્મીરી પંડિતોની હિજરત એ કાશ્મીરના ઇતિહાસમાં એક કાળું પ્રકરણ છે. ભેદભાવભર્યા રાજકારણની કિંમત તો આખરે સામાન્ય નાગરિકોને ચૂકવવાની આવે છે. હિંસાનો ભોગ પણ તેઓ બને છે. કાશ્મીરમાં તાજેતરમાં  જે હિંસા થઇ તેમાં ફેરિયા શિક્ષક અને નિવૃત્ત ન્યાયાધીશનો ભોગ લેવામાં આવ્યો છે. હવે તો એવા  યુવાન કાશ્મીરી પંડિતને નિશાન બનાવવામાં આવે છે જેની હત્યા કરવાથી તેનો આખો પરિવાર ઊજડી જાય. સામાન્ય નાગરિકો હિંસામાં ભોગ લેવાની પરવાનગી કઇ સંસ્કૃતિ આપે? મૂળમાં મામલો આખો આડે પાટે ચડી ગયો છે. હવે જો ઇન્સાનિયત, જમ્હુરિયત અને કાશ્મીરીયતના પાયા પર જમ્મુ-કાશ્મીરમાં શાંતિ ન સ્થાપી શકાતી હોય તો હવે સરકારે કાશ્મીરમાં નવી નીતિ અજમાવવાનો સમય પાકી ગયો છે.

ભારતે હવે કાશ્મીરમાં અર્થતંત્ર, સુરક્ષા અને જનવિકાસને પ્રાથમિકતા આપી નવો કાર્યક્રમ હાથ ધર્યો છે તેને સફળતા મળે તે જોવાની દરેકની ફરજ છે. જમ્મુ-કાશ્મીરમાં શાંતિ સ્થપાય અને જનવિકાસ થાય તો કાશ્મીરમાં પૃથ્વી પર સ્વર્ગ સર્જી શકાય તેમ છે.

પણ આ બધું ધારીએ તેટલું સહેલું નથી અવળચંડુ પાકિસ્તાન ક્યારેય  કાશ્મીરમાં  શાંતિ સ્થપાય, હિન્દુ કાશ્મીરીઓ પાછા સ્વગૃહે આવે તે ઈચ્છતું નથી.  બીજી તરફ  મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાં વિકાસના અનેક કામો હાથ ધર્યા છે. તેમ જ કાશ્મીરી પંડિતોને પોતાના  માહેર વતન ફરી વસવાટ કરવા, સ્થાયી થવા સંખ્યાબંધ પગલાં લીધા છે. જેના કારણે કાશ્મીરની હવા રંગ બદલી રહી છે. શાંત દેખાતી કાશ્મીર ખીણમાં સ્થિતિ ક્યારે વણસી જાય તે કોઈ નથી કહી શકતું. ગયા અઠવાડિયે જ રાહુલ ભટ્ટ નામના યુવકની અલગતાવાદીઓએ હત્યા કરી હતી. આ દરમિયાન કશ્મીરિયતના કિસ્સા આખી ખીણમાં વિખરાયેલા છે. આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત દક્ષિણ કાશ્મીર સહિત ખીણનાં ૧૦૦થી વધુ ગામોમાં આશરે ૯૦૦ કાશ્મીરી પંડિત પરિવાર આજે પણ રહે છે. આ એવા પરિવાર છે જે ૧૯૯૦ના દાયકામાં આતંકના સૌથી ખરાબ સમયમાં પણ અહીં જ રહ્યા.  શ્રીનગર, પુલવામા, શોપિયાં, અનંતનાગ સહિત એક ડઝનથી વધુ સ્થળનાં ગામોમાં આ કાશ્મીરી પંડિતો  જીવ તાળવે રાખીને વસવાટ કરી રહ્યાં છે. 

અનંતનાગ અંતરિયાળ મટ્ટન વિસ્તારમાં ખાલી પડેલાં વેરાન મકાનો કાશ્મીરી પંડિતોનું દર્દ જણાવી રહ્યાં છે. અહીંની બેથી પાંચ માળની હવેલીઓ તેમના વૈભવની સાક્ષી છે. અહીં કેટલાંક નવા ઘરો પણ તૈયાર છે, જ્યાં બાઉન્ડ્રી વોલ બની રહી છે. પાડોશીઓ કહે છે કે આ પંડિતજીનું ઘર છે, જે છ મહિના પહેલાં જ પાછા ફર્યા છે.  દર વર્ષે  થોડાં ઘણા પરિવાર પાછા ફરી રહ્યા છે. દિલ્હીથી પાછા ફરેલા કાશ્મીરી પંડિત સુરેન્દ્ર ટિક્કુ કહે છે , અહીં તો મુસ્લિમ પાડોશીઓ જ અમારી તાકાત છે. ઘર બનાવનારાથી લઈને સુખ-દુ:ખમાં સાથ આપનારા બધા અમારા પાડોશી છે. આ વસતિમાં ચાર-પાંચ કાશ્મીરી પંડિત પરિવાર એવા છે, જે ૧૯૯૦ના ખતરનાક સમયમાં પણ ક્યાંય નહોતા ગયા.

૨૦૧૯માં  કલમ ૩૭૦ હટાવ્યા પછી પહેલીવાર જમ્મુ-કાશ્મીર પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ કેન્દ્રશાસિત રાજ્યને લોકતંત્રનું નવું ઉદાહરણ રજૂ કરનારું લેખાવ્યું છે. સાંબા જિલ્લાના પલ્લી ગામમાં એક કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે છેલ્લાં બે-ત્રણ વર્ષમાં અહીં વિકાસનો નવો અધ્યાય લખવામાં આવ્યો છે. ૩૮ હજાર કરોડ રૂપિયાનું પ્રાઈવેટ સેક્ટરમાં  મૂડી રોકાણ થયું છે. પર્યટક વધ્યા છે. પંચાયતની ચૂંટણીઓ શાંતિથી થઈ છે. મોદીના ભાષણને દેશની બધી ગ્રામ પંચાયતોમાં પ્રસારણ કરવામાં આવ્યું હતું.

કલમ ૩૭૦ અને ૩૫-એ રદ કર્યા પછી વડા પ્રધાન મોદી ધરતી પરના સ્વર્ગ પર ઉતર્યા તો હવાના રૂખનો બદલાવ સ્પષ્ટ નજરે પડયો હતો. અહીંની આબોહવા સંપૂર્ણ રીતે બદલાઈ ચૂકી છે.  

ગામોમાં-શહેરોમાં  સરકારી મકાનોથી લઈ સરહદ સુધી દરેક જગ્યાએ ત્રિરંગો લહેરાઈ રહ્યો હતો, ત્યાં સુધી કે લાલચોક પર પણ ત્રિરંગો જોવા મળતો હતો. આતંકવાદીની ઉપેક્ષા કરી યુવાપેઢી કામધંધે લાગી ગઇ છે.  મોટા ભાગના યુવાનો દેશ સેવા માટે ભારતીય સેનામાં જોડાઈ રહ્યા છે. સુરક્ષા દળોની કડક કાર્યવાહીને લઈ મોટાભાગના આતંકવાદી અને તેમના મદદગાર ગાયબ છે. આ બધું સંભવ બન્યું છે કારણ કે ખીણના યુવાનોનો સરકારી યોજનાઓ પર વિશ્વાસ ઢ થયો છે.

સતત ત્રણ દશકા આતંકવાદથી ઝઝૂમ્યા પછી અલગ રાજ્યથી કેન્દ્રશાસિત રાજ્ય બનેલું જમ્મુ-કાશ્મીર અમન-શાંતિના રાહ પર છે. ખીણમાં ચારેબાજુ ગોળીબારી કે પથ્થરબાજીની નહીં, પરંતુ પ્રગતિની વાત થઈ રહી છે. ક્યારેક ક્યારેક અમનમાં ખલેલ પહોંચાડનારા દેખાય છે, પરંતુ મોટાભાગના એ છે જે ક્યારેક પાકિસ્તાનનો રાગ આલાપતા હતા, પરંતુ આજે આતંકવાદના વિરોધમાં ઊભા છે. યુવા વર્ગ ધરતીનું સ્વર્ગ કહેવાતા કાશ્મીર માટે વિકાસ ઇચ્છે છે.

સ્વતંત્રતા પછી ખીણમાં ફક્ત ૧૫,૦૦૦ કરોડનું રોકાણ થયું હતું, જેના પગલે ત્યાં રોજગારનાં સાધન મર્યાદિત રહી ગયાં હતાં. યુવાનોને લાગતું હતું કે સરકાર તેમના માટે કંઈ પણ નથી કરી રહી. ભ્રષ્ટાચારની ભરમાર હતી. નારાજગીના પગલે તેઓ ભટકીને અલગતાના માર્ગે ચાલવા લાગ્યા હતા. હવે કલમ ૩૭૦ હટયા પછી ૫૨,૦૦૦ કરોડ રૂપિયાના રોકાણનો પ્રસ્તાવ આવ્યો છે. ૩૮,૦૦૦ કરોડની યોજનાઓનું તો વડા પ્રધાને ઉદ્ઘાટન કર્યું છે. આશા છે કે આ રકમ ૭૦,૦૦૦ કરોડને પાર કરશે. જેનાથી રોજગાર વધ્યા છે અને વિશ્વાસ પણ વધ્યો છે. આ વર્ષની શરૂઆતમાં ઘણા સહેલાણીઓએ ખીણની મુલાકાત લીધી છે. લોકોને આશા છે કે હવે કાશ્મીર પર્યટકોની પહેલી પસંદ બનશે. શ્રીનગરમાં દાલ સરોવર કિનારો, પીર પંજાબ પીરની ગલીની સવાર-સાંજની રોનક એ બતાવવા પૂરતી છે કે ખીણ હજી પણ ધરતીનું સ્વર્ગ છે. આતંકવાદની યાદો હવે જેલમમાં વહી ચૂકી છે.

શ્રીનગરથી બાલતાલ જતી વખતે રસ્તામાં ગાંદરબલ આવે છે. અહીં કાશ્મીરી પંડિતો માટે વડાપ્રધાન વિકાસ પેકેજમાં નોકરી મેળવનારા લોકોને કવર કેમ્પસમાં વસાવવાની યોજના છે. આ પ્રોજેક્ટ હેઠળ ખીણમાં અલગ અલગ જગ્યાએ વિસ્થાપિત કાશ્મીરીઓના પરિવારોને વસાવવાની તૈયારી થઈ રહી છે. 

આ સ્થળે ૧૨ ટાવર પર કામ ચાલી રહ્યું છે. ૫-૬ ટાવર લગભગ તૈયાર થઈ ગયા છે. ઓગસ્ટ સુધી અડધાથી વધુ ટાવરમાં લોકો વસવાટ કરવા લાગશે. જો કે ગાંદરબલની જેમ બીજા વિસ્તારોમાં નિર્માણ ગતિ એટલી ઝડપી નથી. ગાંદરબાલમાં જ અહીંથી આશરે ૩ કિ.મી. દૂર ૧૨ ટાવર પ્રસ્તાવિત છે. અહીં બે  અઠવાડિયા પહેલાં જ કામ શરૂ થયું છે. કેન્દ્રીય ગૃહમંત્રાલય અનુસાર ૨૦૧૫થી કાશ્મીરી પંડિતો માટે પ્રસ્તાવિત નિવાસનું ફક્ત ૧૭ ટકા કામ પૂરું થયું છે. ૨૦૧૫માં ઘોષિત વડાપ્રધાન વિકાસ પેકેજ હેઠળ કેન્દ્ર સરકારે કાશ્મીરી પ્રવાસીઓ માટે ૩,૦૦૦ સરકારી નોકરી મંજૂર કરી. અત્યાર સુધી ૧,૭૩૯ને નોકરી અપાઈ છે.   આ અનોખા  રોજગાર પેકેજનો  ઉદ્દેશ્ય એ હતો કે વિસ્થાપિત કાશ્મીરીઓને  ખીણમાં તેમના વિસ્તારની આજુબાજુમાં નોકરી અપાય. મોદી સરકારે આશરે ૬ હજાર આવાસની જાહેરાત કરી જેમાંથી ૧૫૦૦ જેટલાં ફ્લેટનું કામ પૂરું થઈ ગયું છે.

વર્તમાન સ્થિતિ એવી છે કે અનેક કાશ્મીરી પ્રવાસી વેસુ (કુલગામ), મટ્ટન (અનંતનાગ), હાલ (પુલવામા), નટનસા (કુપવાડા), શેખપોરા (બડગામ) અને વીરવાન (બારામુલ્લા)માં વર્તમાન ટ્રાન્જિટ રેસિડેન્સમાં રહી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં ૬૪,૮૨૭ રજિસ્ટર્ડ પ્રવાસી પરિવાર છે. તેમાં ૬૦,૪૮૯ હિન્દુ પરિવાર, ૨,૬૦૯ મુસ્લિમ અને ૧,૭૨૯ શીખ પરિવાર સામેલ છે.

કાશ્મીરી પંડિતોના પુન:વસવાટ માટે થઈ રહેલા પ્રયાસોમાં જે વિલંબ થઈ રહ્યો છે  તેના  અનેક  કારણો છે, જેમ કે  પહેલાં જમીન ઉપલબ્ધ નહોતી. ૨૦૧૯માં સરકારે નિર્ણય કર્યો  કે આ તમામ ફ્લેટ્સ સરકારી જમીનો પર બનાવાશે. તેના બાદ જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ થઈ.  ઓગસ્ટ, ૨૦૧૯માં કલમ ૩૭૦ રદ કરવાને કારણે કાશ્મીરમાં કર્ફ્યૂ હતો  ત્યાર બાદ  ૨૦૨૦-૨૦૨૧માં કોરોનાને કારણે નિર્માણ કાર્યને  અસર  થઈ.

આમ પણ   શિયાળામાં સામાન્ય રીતે કોઈ નિર્માણ કાર્ય થતું નથી, તે વિલંબનું મુખ્ય કારણ હતું.

એ સિવાય ગત વર્ષે  બીજા રાજ્યોના મજૂરો પર આતંકી હુમલા થયા. તમામ મજૂર કાશ્મીર છોડી નાસવા લાગ્યા. આ કારણે આ પ્રોજેક્ટ્સને મજૂરોની અછતનો સામનો કરવો પડયો.

હવે તો અહીંની રાજકીય ભૂગોળ પણ બદલાઈ રહી છે. જમ્મુ-કાશ્મીર પરિસીમન પંચે કાર્યકાળ પૂરો થવાના એક દિવસ પહેલાં અંતિમ રિપોર્ટ આપી દીધો છે. કેન્દ્રશાસિત રાજ્યમાં સાત વિધાનસભા બેઠકોનો વધારો કરવામાં આવ્યો છે. પહેલીવાર કાશ્મીર અને પાક અધિકૃત કાશ્મીર (પીઓકે)થી વિસ્થાપિત થયેલા લોકો અને અનુસૂચિત જનજાતિ માટે બેઠક અનામત રાખવામાં આવી છે. પરિસીમનની કાર્યવાહી થયા પછી હવે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી યોજવાનો માર્ગ મોકળો થયો છે.

જૂન, ૨૦૧૮થી ત્યાં ચૂંટાયેલી સરકાર નથી. ૨૦૧૯માં કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો અને વિશેષ દરજ્જાની સમાપ્તિ, રાજ્યનું વિભાજન અને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા પછી દુનિયાભરમાં તેના પ્રત્યાઘાત પડયાં હતાં. કેટલાંક દેશોએ તો એવી ટીકા કરી જાણે ભારતે પોતાના એક રાજ્ય સાથે ભારે નાઈનસાફી કરી હોય! હવે પરિસીમનના રિપોર્ટથી ભારતવિરોધી લોકોને આંચકો લાગશે અને જ્યારે ચૂંટણી થશે  ત્યારે દુનિયા એક નવું જ જમ્મુ-કાશ્મીર જોશે ત્યાર પછી રાજ્યનો દરજ્જો પણ પાછો મળી જશે.

એક વાત  દાવાની   સાથે કહી શકાય કે આ જન-આકાંક્ષાથી પ્રેરિત રિપોર્ટ છે અને આગળ પણ લોકો ત્યાં પોતાની લોકપ્રિય સરકાર બનાવશે. આતંકવાદ અને અલગતાવાદનો અંત આવશે. કાશ્મીર એક સશક્ત લોકતાંત્રિક ભવિષ્ય ભણી વધી રહ્યું છે, જ્યાં આતંકવાદ અને અલગતાવાદને જનતાએ જાકારો આપ્યા પછી અમન અને વિકાસ થશે.

 જોકે  દેશભક્તિની ફિલ્મોમાં હીરો અને સુપરસ્ટાર બનેલા અભિનેતાઓની ચુપકીદી કાન ફાડી નાખે અને દેશભક્ત નાગરિકોને વજ્રાઘાત આપે એવી છે. ફિલ્મ ઉદ્યોગના માનીતા અભિનેતાઓના મૌનને જનતા અને ઈતિહાસ કદી માફ નહીં કરે. 'ધ કાશ્મીર  ફાઈલ્સ' સંદર્ભમાં લોકો બોલીવૂડના ટોચના અભિનેતાઓ અમિતાભ બચ્ચન, અજય દેવગણ, ખાન બંધુઓ અને બીજાના પ્રત્યાઘાત જાણવા માગતા હતા, પરંતુ તેમાંથી કોઈએ હજી પ્રત્યાઘાત આપ્યા નથી. શું તેઓને આતંકવાદીઓનો ભય લાગી રહ્યો છે? ફિલ્મ ઉદ્યોગમાં ચંચુપાત કરતા અંડરવર્લ્ડ ડોનની ખફગી વહોરવી પડશે તેવો ભય છે? 

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ નાબૂદ કર્યાને ૨૮ મહિના વીતી ગયા છે. આ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાં ૯૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. 

સુરક્ષાતંત્રને મજબૂત કરવા માટે ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીર પ્રશાસનને સુરક્ષા સંબંધી યોજના માટે ૯,૧૨૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આર્ટિકલ ૩૭૦ હટાવવામાં આવી તે બાદ સરહદે પાકિસ્તાન દ્વારા ગોળીબારનું પ્રમાણ પણ વધારી દેવામાં આવ્યું હતું સાથે જ આતંકીઓ દ્વારા પણ હુમલા વધી ગયા હતા, જેને પગલે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ ખર્ચ કરવામાં આવ્યો છે.  

એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગૃહ મંત્રાલયે જમ્મુ-કાશ્મીર માટે પાંચ ઇન્ડિયા રિઝર્વ (આઇઆર) બટાલિયન, બે બોર્ડર બટાલિયન અને બે મહિલા બટાલિયન બનાવવાને પણ મંજૂરી આપી દીધી છે. પાંચ ઇન્ડિયા રિઝર્વ બટાલિયન માટે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી વિકાસ પેકેજ (પીએમડીપી-૨૦૧૫) અંતર્ગત તત્કાલીન જમ્મુ અને કાશ્મીર માટે ૮૦ હજાર કરોડ રૂપિયાના વિકાસ પેકેજની પણ જાહેરાત કરી હતી.

મોદી સરકાર ઇચ્છે છે કે કાશ્મીર પ્રાંતમાં ઝડપભેર શાંતિ સ્થપાય- સ્થાનિક નાગરિકોની સાથે ઘરવાપસી કરી રહેલા કાશ્મીરી પંડિતો પણ સુખેથી ઠરીઠામ થાય. જોવાનું એ રહેશે કે કાશ્મીરી પંડિતોની ઘરવાપસી સફળ થાય છે કે નહીં.


Google NewsGoogle News