તારણહાર- પ્રકરણ -07 .

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
તારણહાર- પ્રકરણ -07                                          . 1 - image


- પ્રફુલ્લ કાનાબાર

- 'મેડમ, અમારા પર તમારું જીવનભર ઋણ રહેશે'. વિનાયક ધુ્રસ્કે ધુ્રસકે રડી પડયો હતો. 'કાજલ, પાણી લેતી આવ અને ચા પણ બનાવી લાવ' 

ત રફડીયા મારતું દિલાવરખાનનું શરીર સ્થિર થયું એટલામાં જ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની જીપ અનાયાસે જ ત્યાંથી પસાર થઇ. જીપમાં બેઠેલાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઝાલાને કાંઇક અજૂગતું બની ગયાનો અંદેશો આવી ગયો. તેમણે ડ્રાયવરને જીપ રીવર્સમાં લેવાની સૂચના આપી. ઘડીના છઠા ભાગમાં ટોળું વિખેરાઈ ગયું. રસ્તાની સામેની બાજુએ   દિલાવરખાનના શરીરને રસ્તા વચ્ચે જ બેભાન જેવી હાલતમાં પડેલું જોઇને ખુલ્લી જીપમાં બેઠેલાં તેના તમામ સાગરીતો સમજી ગયા કે નક્કી કાંઇક અજૂગતું બની ગયું લાગે છે. તેઓ ઉતરીને  એ તરફ આવે તે પહેલાં રીવર્સમાં આવી રહેલી પોલીસની જીપને જોઈને તમામ સાગરીતો  ત્યાંથી ભાગી છૂટયા. ફાટેલા કપડા અને લોહીલુહાણ હાલતવાળા વિનાયકે ભાગવાની બિલકુલ કોશિશ ન કરી. એ ત્યાં જ ઉભો હતો. જીપમાંથી ઝાલાસાહેબ નીચે ઉતર્યા. દિલાવરખાનનું રસ્તા વચ્ચે પડેલું લોહીથી લથબથ શરીર જોઇને તેઓ તરત સમગ્ર પરિસ્થિતિ પામી ગયા. દિલાવરખાનના પેટમાં ઉંડા ઉતરી ગયેલા રામપુરી ચપ્પુનો માત્ર હાથો જ બહાર દેખાતો હતો જે દિલાવરખાનના હાથમાં જ હતો. છગનકાકા, ગંગારામ અને કરસન જેવા છ સાત લોકો જ ઉભા હતા. બાકી તમામ ભાગી ગયા હતા. ગભરાયેલી કાજલ એક થાંભલાને ટેકો આપીને નીચે બેસી ગઈ હતી. 

'ચંદુભા, એમ્બ્યુલન્સ માટે ફોન કરો' ઝાલાસાહેબે આદેશ કર્યો. 

'જી સાહેબ' ચંદુભા ખિસ્સામાંથી સેલફોન કાઢીને વ્યસ્ત થઇ ગયા.  

'આને તેં ઘાયલ કર્યો છે?' ઝાલા સાહેબે વિનાયક તરફ કરડાકીભરી નજરે જોઇને પૂછયું. 'ઇન્સ્પેકટર સાહેબ, મારામારીની શરૂઆત તેણે જ કરી હતી. મને મારવા માટે ચપ્પુ પણ તેણે જ કાઢયું હતું..હું તો માત્ર મારો બચાવ જ કરતો હતો'. 

વિનાયકે સાવ સાચો જવાબ આપ્યો. છગનકાકા અને અન્ય હાજર હતાં તે લોકો વિનાયકના પક્ષમાં દલીલો કરવા લાગ્યા. 'ઠીક છે, ઠીક છે તમારે જે કાંઈ કહેવું હોય તે પોલીસ સ્ટેશને આવીને જ કહેવું પડશે'. ઝાલા સાહેબે મોટેથી કહ્યું.  

અચાનક સાયરન વગાડતી એમ્બ્યુલન્સ આવી પહોંચી. તેમાંથી ત્વરિત ગતિએ ઉતરેલા ડોકટરે દિલાવરખાનને તપાસીને સ્થળ પર જ જાહેર કરી દીધું 'હી ઈઝ નો મોર. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવી પડશે'. થોડી વાર માટે સોપો પડી ગયો. ડોકટરે જ ફોન કરીને શબવાહિની બોલાવી લીધી. ઝાલા સાહેબે વિનાયકની ધરપકડ કરી. પંચનામા માટે છગનકાકા તથા અન્ય પાંચેક માણસોને પણ પોલીસસ્ટેશને લઇ જવામાં આવ્યા. 

જીપમાં બેસતી વખતે વિનાયક બોલ્યો 'કાજલ, તું ઘરે જા' 

કાજલને એટલો બધો ઉંડો આઘાત લાગ્યો હતો કે તેની મતિ મારી ગઈ હતી. વિનાયકે ફરીથી મોટેથી કહ્યું 'કાજલ, તું ઘરે જા.રાહુલ ઘરે એકલો હશે'. આખરે રાહુલની યાદ આવતાં કાજલ ઘરે ગઈ હતી.

બીજા દિવસે શહેરના તમામ અખબારમાં દિલાવરખાનના જાહેર રસ્તા પર થયેલા ખૂનના સમાચાર ચમક્યા હતા. બે દિવસ સુધી કાજલ સુધા મેડમના બંગલે કામ કરવા ન ગઈ તેથી સુધામેડમે કાજલને ફોન કર્યો હતો. કાજલે  રાહુલની સાથે બંગલે જઈને મેડમને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. 'આ કેસમાં હવે શું થઇ શકે?' રડતી આંખે કાજલે પૂછયું હતું. 

આખી વાત શાંતિથી સાંભળ્યા બાદ સુધા મેડમે કહ્યું હતું  'અમારી કંપનીના લીગલ એડવાઈઝરને કાલે પૂછી જોઇશ. તેમના કોઈ ઓળખીતા વકીલ હશે તો તેની સલાહ લઈશું.'. 

'મેડમ, હું તમારો આભાર જીવનભર નહી ભૂલું'. 

'અરે.. તું એમ ઢીલી પડીશ તો કેમ ચાલશે? તને ઢીલી જોઇને બિચારો રાહુલ પણ સોસવાય'. સુધા મેડમે નાનકડા રાહુલના માથા પર હાથ પસવારીને કહ્યું. કાજલે તરત આંખમાંથી આંસુ લૂછી નાખ્યા. કાજલ બંગલાની બહાર નીકળી ત્યારે તેની આંગળી પકડી ને જઈ રહેલો રાહુલ પાછો ફરીને સુધા મેડમની સામે આશાભરી નજરે જોઈ રહ્યો હતો. તેની નિર્દોષ નજરમાં આજીજીનો ભાવ હતો. રાહુલનો ઉતરેલો ચહેરો જોઇને  સુધાએ એ જ ક્ષણે કંપનીના લીગલ એડવાઇઝરનો ફોન પર સંપર્ક કર્યો હતો. 'પાટડીયાસાહેબ,  તમારા પરિચિત કોઈ ક્રિમીનલ લોયરનું નામ એડ્રેસ આપશો?' 

પાટડીયા સાહેબ ચમક્યા 'મેડમ, શું થયું ?'

'કાંઈ જ થયું નથી. મારે ત્યાં કામ કરે છે, એ  જરૂરીયાતવાળી સ્ત્રીને મદદ કરવાની ઈચ્છા છે'. 'ઓકે મેડમ, મેસેજ કરું છું'. પાંચ મિનીટમાં તો સુધાના સેલફોનમાં શહેરના જાણીતા ક્રિમીનલ એડવોકેટ  પી.એમ.ખખ્ખર સાહેબનું એડ્રેસ અને સંપર્ક નંબર આવી ગયા હતા. સુધાએ ખખ્ખર સાહેબને ફોન લગાવીને પોતાનો પરિચય આપ્યો હતો. 

'બોલો.. બોલો શું કામ પડયું?' સુધાએ વિનાયકનો કેસ ટૂંકમાં કહ્યો.

'મેડમ, ગઈકાલના અખબારમાં દિલાવરખાનના ખૂનનો જે કિસ્સો આવ્યો છે, તેની જ વાત કરો છો ને?'  સામા છેડેથી ખખ્ખરસાહેબે પૂછયું હતું.  

'જી.. સાહેબ' 

'તમે પહેલાં આવતીકાલે મારા આસિસ્ટન્ટ વકીલ મહર્ષિ પટેલને મળી લો. પરમ દિવસે સાંજે છ વાગે આપણે નિરાંતે મળીએ'.  'થેન્ક યુ સાહેબ'  સુધાએ ફોન મૂકતા કહ્યું હતું.  

રાત્રે કાજલને ભૂખ તો નહોતી પણ રાહુલ માટે થઇને એ તેની સાથે જમવા બેઠી.       જમી લીધા બાદ મા દીકરો  પથારીમાં આડા પડયા ત્યારે એકાએક રાહુલે પૂછયું 'મમ્મી, પપ્પા ઘરે તો આવી જશે ને?' 

'હા..હા ચોક્કસ આવી જશે બેટા'.

'મમ્મી, ફાંસી એટલે શું ? ચિન્ટુ કહેતો હતો કે તારા પપ્પાને તો હવે જેલમાં જ રહેવું પડશે અને કદાચ ફાંસી પણ થાય'

કાજલ રાહુલને વળગી પડી. 'બેટા, એવું કાંઈ જ નહિ થાય. તારા પપ્પા ચોક્કસ ઘરે આવી જશે'.  

રાહુલ તો થોડી વારમાં ઉંઘી ગયો પણ કાજલની આંખમાં ઉંઘનું નામોનિશાન નહોતું.    તેના સુખી લગ્નજીવન પર અચાનક વિનાયકના કારાવાસનું ગ્રહણ લાગી ગયું હતું. આવી અણધારી મુસીબત આવી પડશે તેવી તો કાજલને કલ્પના પણ નહોતી. નાઈટ લેમ્પના આછા અજવાળામાં કાજલનું ધ્યાન સામે ગોખલામાં રાખેલી નાનકડી સિધ્ધી વિનાયકની મૂર્તિ પર પડયું. આ મૂત લગ્ન બાદ વિનાયકે જ બનાવી હતી. ગોખલામાં મૂર્તિને મૂકતી વખતે વિનાયક બોલ્યો હતો 'કાજલ, આપણા જેવા ગરીબ માણસો મુંબઈ સુધી સિધ્ધી વિનાયકના દર્શન કરવા તો ન જઈ શકે પણ અહીં ઘરમાં તો સિધ્ધી વિનાયક દાદા રોજ આપણને દર્શન દેવાના જ છે' કાજલને યાદ આવી ગયું કે દરરોજ ઘરની બહાર નીકળતા પહેલાં વિનાયક ગોખલામાં રાખેલી મૂર્તિના દર્શન કરીને પછી જ બહાર જતો. કાજલ મનોમન ગણપતિદાદાનું સ્મરણ કરતાં કરતાં જ ઉંઘી ગઈ. મોડી રાત્રે અચાનક આખા રૂમમાં પ્રકાશ પથરાઈ ગયો. થોડી વાર માટે કાજલની આંખો અંજાઈ ગઈ. ધીમે ધીમે તેને રૂમમાં સ્પષ્ટ દેખાવા લાગ્યું. કાજલનું ધ્યાન ગોખલા પર પડયું. ગણપતિદાદાનું એ જ સ્વરૂપ મોટું થઇને જાણે કે ગોખલાની બહાર આવી ગયું હતું.  તેમની પાછળ એક તેજપુંજ દ્રષ્ટિમાન થતો હતો. સાક્ષાત ગણપતિના સિધ્ધી વિનાયકના સ્વરૂપને જોઇને અનાયાસે જ કાજલથી બંને હાથ જોડાઈ ગયા. તે બોલી ઉઠી  'પ્રભુ, આપ વિઘ્નહર્તા છો. અત્યારે મારા જીવનમાં સૌથી મોટું સંકટ આવી પડયું છે. મારા પતિને સજા ન થાય એટલી કૃપા કરી દો...બસ મારી આ એક જ યાચના છે'. ગણપતિ દાદાએ મંદ મંદ હાસ્ય સાથે જાણે કે 'તથાસ્તુ' કહેતા હોય તેવા ભાવ સાથે જમણો હાથ ઉંચો કર્યો.

અચાનક બાજૂમાં સૂતેલો રાહુલ પડખું ફર્યો. કાજલની ઉંઘ ઉડી ગઈ. તે પથારીમાં બેઠી થઇ ગઈ. કાજલની આંખમાં આંસુ હતાં. તેનું ધ્યાન સામે ગોખલા પર પડયું. ભગવાનની મૂત તો ત્યાં જ બિરાજમાન હતી. કાજલને ખ્યાલ આવી ગયો કે થોડી વાર પહેલાં તેણે જોયેલું અદ્ભુત દ્રશ્ય સ્વપ્ન દ્રશ્ય જ હતું. કાજલે ગોખલા સામે જોઇને બંને હાથ જોડીને શ્રધ્ધાપૂર્વક નમન કર્યું. પથારીમાંથી ઉભા થઇને તેણે સેલફોનમાં સમય જોયો તો સવારના ચાર વાગ્યા હતા! 

બીજે દિવસે સવારે ખખ્ખરસાહેબની સૂચન મુજબ કાજલ અને સુધા ખખ્ખર  સાહેબના આસીસ્ટન્ટ વકીલ મહર્ષિ પટેલને મળવા પહોંચી ગયા હતા. ત્રીસ આસપાસનો મહર્ષિ એકદમ હેન્ડસમ, બ્રિલિયંટ અને વિવેકી હતો. ખખ્ખરસાહેબની ઓફિસમાં જ એ ગ્રાઉન્ડ ફ્લોર પરની કેબીનમાં બેસતો હતો. સુધા સાથે વાત થયા બાદ ખખ્ખરસાહેબે મહર્ષિને કેસનું થોડું બ્રીફિંગ આપી દીધું હતું. મહર્ષિએ પોલીસ સ્ટેશને માણસ મોકલીને કોર્ટ કેસ માટે જરૂરી કાગળોની નકલ મેળવી લીધી હતી. પોલીસ પેપર્સની ફાઈલમાં એફ આઈ આર, વિનાયકનું નિવેદન, પોસ્ટમોર્ટમની નકલ, પંચનામાની નકલ તથા ઇન્ક્વેસ્ટ પંચનામાની નકલ સામેલ હતી. છગનકાકા અને અન્ય બે વ્યક્તિઓના નિવેદનની નકલો પણ હતી. 

ખખ્ખરસાહેબ સાથે વાત થયાને હજુ તો ચોવીસ કલાક જ થયા હતા ત્યાં જ મહર્ષિના  હાથમાં આટલી વ્યવસ્થિત ફાઈલ જોઇને સુધા ખૂબ જ પ્રભાવિત થઇ ગઈ હતી. તેને તરત સમજાઈ ગયું કે શહેરના ટોપ ટેન વકીલોમાં ખખ્ખર સાહેબની ગણના થાય છે, તેનું એક કારણ તેમની વ્યવસ્થિત કાર્યપધ્ધતિ પણ છે. મહર્ષિએ ઘટના અંગે કાજલને જરૂરી સવાલો કરીને તેની નોંધ એક કાગળમાં ટપકાવી લીધી. એ કાગળને ફાઈલ કરતાં કરતાં મહર્ષિ બોલ્યો  'સાહેબે તમને કાલે સાંજે છ વાગ્યાની એપોઈન્ટમેન્ટ આપી છે. કેસ બાબતે વધારે ચર્ચા સાહેબ જ કરશે'.  કાજલ અને સુધા મહર્ષિનો આભાર માનીને ઓફિસની બહાર નીકળી ગયા. 

બીજે દિવસે સાંજે છના ટકોરે સુધા અને કાજલ એડવોકેટ ખખ્ખર સાહેબની સામે બેઠા હતા. સાથે મહર્ષિ પણ હતો. ખખ્ખરસાહેબ એમના આસીસ્ટન્ટ વકીલ મહર્ષિએ તૈયાર કરેલી ફાઈલ એક ચિત્તે વાંચી રહ્યા હતા. અચાનક ખખ્ખર સાહેબે ફાઈલમાંથી નજર ઉંચી કરીને કહ્યું 'મહર્ષિ, આમ તો તેં આ ખૂન કેસના મોટાભાગના પોઈન્ટ્સ આવરી લીધા છે. જેમ કે દિલાવરખાન રીઢો ગુનેગાર હતો. બે નંબરના ધંધા સાથે સંકળાયેલો હતો. જયારે આપણો અસીલ વિનાયક ફૂટપાથ પર બેસીને પ્રમાણિકતાથી ધંધો કરતો નિર્દોષ નાગરિક છે. વિનાયકને અને દિલાવરખાનને કોઈ અંગત અદાવત નહોતી, બંનેની આ પહેલી જ મુલાકાત હતી વિગેરે.. વિગેરે. પણ એક મહત્વનો મુદ્દો રહી ગયો છે. દિલાવરખાને જ હુમલો કર્યો તે વાત સાચી પણ ઝપાઝપીમાં વિનાયકે માત્ર સ્વબચાવ જ કર્યો છે. વિનાયકનો એક પણ પ્રયાસ એવો નહોતો કે દિલાવરખાનને લેશમાત્ર ઈજા થાય. સમગ્ર બનાવનું મુખ્ય ફોકસ સ્વબચાવ જ રહેવું જોઈએ'. 

'જી સર'. મહષ ફાઈલ લઈને બહાર ગયો એટલે સુધાએ પર્સની ચેઈન ખોલીને પૂછયું 'સાહેબ, અત્યારે  એડવાન્સ ફી પેટે કેટલા આપવાના થશે?' 

'મેડમ, આ કેસ માટે હું એક રૂપિયો પણ ફી લેવાનો નથી. કેસ જીત્યા પછી પણ નહી'. સુધાને નવાઈ લાગી. એણે આખરે પૂછી જ લીધું 'સર, એની સ્પેસિફિક રીઝન ફોર ધેટ?'   

ખખ્ખર સાહેબ મુક્ત મને હસી પડયા. 'મેડમ, નિખાલસતાથી કહું તો આ  કેસમાં ફીના પૈસા ન લેવાના એક નહિ પણ ત્રણ કારણ છે. પહેલું કારણ એ કે જે પાટડીયા સાહેબની ભલામણથી આપણી મુલાકાત થઇ છે, તેમના મારા પર અનેક ઉપકારો છે. બીજું કારણ એ છે કે પાટડીયાસાહેબે મને ફોનમાં જયારે જણાવ્યું કે તમે કોઈ પણ જાતના અંગત સ્વાર્થ વગર માત્ર સેવાની ભાવનાથી જ વિનાયકના પરિવારને મદદરૂપ થઇ રહ્યા છો ત્યારે મને થયું  કે તમારી સાથે થોડંુક પૂણ્યનું કામ હું પણ કરી લઉં અને ત્રીજું મહત્વનું કારણ એ છે કે વિનાયકે દિલાવરખાન જેવા એવા ગુંડાને મારી નાખ્યો છે, જે સ્વસ્થ સમાજ માટે કલંકરૂપ હતો. દિલાવરખાન નાના નાના ગુના કરતાં કરતાં મોટો ગુનેગાર થઈ ગયો હતો. નાના મોટા ગુનાઓ હેઠળ અનેક વાર જેલની હવા ખાઈ આવ્યા છતાં પણ તેને કાયદાનો બિલકુલ  ડર નહોતો. તેની આખી હિસ્ટ્રી હું જાણું છું, જે હવે તો બધા જાણે છે કારણ કે તાજેતરમાં જ  અખબારમાં વિગતવાર આવી ગયું છે'. 

ખખ્ખર સાહેબની વાત સાંભળીને સુધા અને કાજલ તેમની સામે અહોભાવથી જોઈ રહ્યા. પટાવાળો ટેબલ પર ચાના કપ મૂકી ગયો. ચા પી લીધા બાદ સુધા મેડમ સાથે કાજલ ખખ્ખર સાહેબની કેબીનની બહાર નીકળી રહી હતી ત્યારે તેનું ધ્યાન દીવાલ પર લગાવેલા સિધ્ધી વિનાયકના મોટા ફોટા પર પડયું. તે મનોમન દાદાના ફોટાને વંદન કરી રહી. એ વિચારી રહી..ઉપરવાળાની અદાલતમાં જેમ સત્યને સાબિતીની જરૂર પડતી નથી, તેમ અહીં પણ એવું હોત તો કેવું સારું થાત!  

છ મહિના બાદ આજે ચુકાદાનો દિવસ આવી પહોંચ્યો હતો. અત્યાર સુધીની દરેક મુદતમાં ખખ્ખર સાહેબે એના અસીલ વિનાયકની ફેવરમાં સજ્જડ દલીલો કરી હતી. દિલાવરખાનને મારવાનો તો શું તેને ઈજા પહોંચાડવાનો પણ વિનાયકનો લેશમાત્ર ઈરાદો નહોતો એ વાતની ખખ્ખર સાહેબે અલગ અલગ સાક્ષીઓને બોલાવીને જજ સાહેબ સમક્ષ સુપેરે રજૂઆત કરી હતી. દિલાવરખાનનું આકસ્મિક મૃત્યુ માત્ર વિનાયકના સ્વબચાવના પ્રયાસને કારણે જ થયું હતું તે સાબિત કરવામાં એડવોકેટ તરીકે ખખ્ખર સાહેબે કોઈ જ કસર છોડી નહોતી.

વિનાયક વધેલી દાઢી સાથે કઠેડામાં આશાભરી નજરે ઉભો હતો. તેની પાણીદાર આંખની ચમક અને ખુમારી યથાવત હતી. સામે રાહુલની બાજુમાં બેઠેલી કાજલ થોડી થોડી વારે ગળામાં પહેરેલા કાળા દોરાના પેન્ડલમાંના ગણપતિના ફોટાને હોઠ વડે ચૂમીને બંને આંખે  લગાવતી હતી. નાનકડો રાહુલ સજળ નેત્રે એના પપ્પા વિનાયકને તાકી રહ્યો હતો. જજ સાહેબની પાછળની દીવાલ પર લગાવેલ ઘડિયાળના કાંટાને એકીટસે તાકી રહેલો વિનાયક 

અતીતમાંથી વર્તમાનમાં આવી ચૂક્યો હતો. 

કોર્ટ રૂમમાં સન્નાટો યથાવત હતો. આખરે જજ સાહેબે સમગ્ર ઘટના અને તેના પુરાવાને ધ્યાનમાં લઈને વિનાયકને સ્વબચાવનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યો હતો.  કઠેડામાં સ્થિતપ્રજ્ઞા દશામાં ઉભા રહેલા વિનાયકની નજર કાજલ પર પડી. બંનેની આંખો વરસી પડી. કાજલે બાજૂમાં બેઠેલા સાત વર્ષના દીકરા રાહુલને ચુંબનોથી નવડાવી દીધો. વિનાયક અને કાજલના જીવનમાં  ઘેરાયેલા દુ:ખના અને સંકટના વાદળ વિખેરાઈ ચૂક્યા હતા અને સુખનો સુરજ ફરીથી ઉગી રહ્યો હતો! 

સાંજે બંગલામાં સુધા મેડમની કાર પ્રવેશી ત્યારે વિનાયક અને કાજલ ઝાંપા પાસે હાથમાં પ્રસાદના મોટા બોક્સ સાથે તેમની રાહ જોઇને જ ઉભા હતા. જેવા મેડમ કારમાંથી ઉતર્યા કે તરત વિનાયક સુધામેડમના પગમાં પડી ગયો. ત્રણેય ડ્રોઈંગ હોલમાં પ્રવેશ્યા એટલે સુધા મેડમ બોલી ઉઠયા 'મારા પર વકીલ સાહેબની ઓફિસેથી મહર્ષિનો ફોન હતો તેણે જ મને કેસ જીતી ગયાના સમાચાર આપ્યા'. 

'મેડમ, અમારા પર તમારું જીવનભર ઋણ રહેશે'. વિનાયક ધુ્રસ્કે ધુ્રસકે રડી પડયો હતો. 'કાજલ, પાણી લેતી આવ અને ચા પણ બનાવી લાવ' 

વિનાયક અને કાજલને સુધા મેડમ બિલકુલ ઘરના સભ્યની જેમ ટ્રીટ કરતા હતા તેથી બંને ભાવવિભોર થઇ ગયા હતા. જતાં જતાં વિનાયક બોલ્યો 'મેડમ, કાલે ખખ્ખરસાહેબને પણ પ્રસાદ  આપવા જવાની ઈચ્છા છે'.

'હા.. હા ચોક્કસ તમે બંને જઈ આવો..એ સારું પણ લાગશે'.

બીજે દિવસે ખખ્ખર સાહેબને પ્રસાદનું બોક્સ આપીને વિનાયક સજળનેત્રે તેમને પગે લાગ્યો. ખખ્ખર સાહેબે વિનાયકને આશીર્વાદની સાથે તેની હિમત માટે અભિનંદન પણ પાઠવ્યા હતા. કેબીનની બહાર નીકળતી વખતે કાજલનું ધ્યાન આ વખતે પણ દીવાલ પર લગાવેલા સિધ્ધી વિનાયકના ફોટા પર પડયું હતું. એની આંખો ઝીલમિલાઈ ઉઠી હતી. 

***

સુખ અને દુ:ખની ઘટમાળ વચ્ચે સમયનું તો કામ જ છે વહેવાનું. સમયનું ચક્ર ફરતું ગયું.  દિવસોમાં મહિના અને મહિનામાં વર્ષો ઉમેરાઈ ચૂક્યા હતા. અમદાવાદની બી જે.  મેડીકલ કોલેજની હોસ્ટેલમાં વિનાયકનો યુવાન દીકરો રાહુલ એના રૂમ પાર્ટનર સ્વપ્નીલની રાહ જોઈ રહ્યો હતો. અભ્યાસ પાછળ  વધારેમાં વધારે સમય આપી શકાય એ હેતુથી જ રાહુલે અમદાવાદમાં જ ઘર હોવા છતાં હોસ્ટેલમાં રહેવાનું પસંદ કર્યું હતું. અચાનક સ્વપ્નીલ દોડતો આવીને રાહુલને ભેટી પડયો. આજે બંનેએ સ્મ્મ્જીનું ફાયનલ યર ક્લીઅર કર્યું હતું. આજથી પોતાના નામ આગળ બાકાયદા 'ડોક્ટર' લગાવી શકાય એ કારણસર બંને મિત્રોની ખુશી સાતમા આસમાને હતી. 

સ્વપ્નીલ ઉત્સાહથી બોલ્યો હતો.. 'હેલ્લો ડોક્ટર રાહુલ'

'યસ્સ.. ડોક્ટર સ્વપ્નીલ' રાહુલે ઉમળકાથી જવાબમાં કહ્યું હતું.  

'રાહુલ,મારું બાળપણથી જ સ્વપ્ન હતું કે એક પણ વર્ષ બગાડયા વગર ડોક્ટર બની જવું'.   રાહુલે સ્વપ્નીલથી અળગા થઇને હસતાં હસતા કહ્યું 'દોસ્ત, તારું તો નામ જ સ્વપ્નીલ છે એટલે તને તો દિવસે પણ સપના ન આવે તો નવાઈ કહેવાય'. 

રાહુલને આજે પણ સાડા પાંચ વર્ષ પહેલાનો સ્વપ્નીલ સાથેની પ્રથમ મુલાકાત સમયે થયેલો સંવાદ અક્ષરશ : યાદ હતો. 

'હાય..માય નેઈમ ઈઝ સ્વપ્નીલ. આઈ એમ ફ્રોમ ભાવનગર'.  બ્લેક જીન્સ અને વ્હાઈટ ટી શર્ટ પહેરેલા હેન્ડસમ સ્વપ્નીલે ખભે લટકાવેલો લેધરનો થેલો હોસ્ટેલના રૂમના ખૂણામાં મૂકીને રાહુલ સાથે હેન્ડશેક કરતાં કહ્યું હતું. 

'હાય, મારું નામ રાહુલ  છે. અમદાવાદનો લોકલ જ છું. ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મારું ઘર છે.'  

(ક્રમશ:)


Google NewsGoogle News