અમ્બુવાચી વસ્ત્ર: પ્રધાન તંત્રપીઠનો રક્તરંજિત પવિત્ર પ્રસાદ!

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
અમ્બુવાચી વસ્ત્ર: પ્રધાન તંત્રપીઠનો રક્તરંજિત પવિત્ર પ્રસાદ! 1 - image


- સનાતન તંત્ર -પરખ ઓમ ભટ્ટ

- 'દુર્ગા સપ્તશતી'નો સૌથી શક્તિશાળી નવાર્ણ મંત્ર પણ મા કામાખ્યાની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. 

કા માખ્યા મા વિશે એક રસપ્રદ વાત એ છે કે એમનું એકપણ વાસ્તવિક ચિત્ર ઈન્ટરનેટ અથવા સોશિયલ મીડિયા પ્લેટફાર્મ પર ઉપલબ્ધ નથી. અહીં એમના છ મુખ અને બાર હાથ ધરાવતાં સ્વરૂપની વાત નથી થઈ રહી. મા કામાખ્યાના ગર્ભગૃહમાં જે બ્રહ્માંડયોનિ સ્થાપિત છે, એની મૂળ તસ્વીર ક્યાંય જોવા મળે એમ નથી. ઈન્ટરનેટ પર આજની તારીખે જે પણ ફોટો જોવા મળે છે, એ ક્યાં તો પરિસર/પ્રાંગણના દેવી-દેવતાના છે અથવા તો પછી અન્ય સ્થાનોનાં! યોનિભાગને હંમેશા ઢાંકીને રાખવામાં આવે છે. આ કારણોસર, મંદિર કમિટીના સભ્યોએ પણ આજ સુધી ક્યારેય ગર્ભગૃહની ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરી નથી.

આ મુદ્દા વિશે વાત કરવાની ઈચ્છા થઈ તાજેતરમાં મળેલાં ઈ-મેઇલને વાંચીને! મેઈલમાં એ સજ્જને લખ્યું હતું કે થોડા દિવસો પહેલાં એમણે એમેઝોન ઈ-શોપિંગ થકી મા કામાખ્યાના ફોટોને પૂજાઘરમાં સ્થાપિત કર્યા.

જોવા જેવી વાત એ છે કે ઈ-શોપિંગ વેબસાઈટ પર મા કામાખ્યાના જે પણ ફોટો વેચાઈ રહ્યાં છે, એમાં એકપણ સાચો ફોટો ન હોવા છતાં લોકો આંધળો વિશ્વાસ મૂકીને હજારો રૂપિયા ખર્ચી રહ્યાં છે. ભારતીય સમાજની સૌથી મોટી કમનસીબી એ રહી છે કે દેવી-દેવતાના મૂળ સત્ત્વ અને મર્મ પામવાને બદલે ફોટોફ્રેમ, ચુંદડી, મૂત અને અસંખ્ય આડબાબતોનું વળગણ વધારે રહ્યું છે. જે સ્વરૂપોને ઈશ્વર સુધી પહોંચવાના પગથિયાં તરીકે ઉપયોગમાં લેવા જોઈએ, એમને માત્ર ધૂપ-અગરબત્તી થકી બે મિનિટની પૂજા-અર્ચના પૂરતાં સીમિત બનાવી દેવામાં આવ્યા. મહાભારત અને રામાયણ જેવા મહાન સમાજસુધારક ગ્રંંથોનું અધ્યયન કરવાને બદલે આપણે તેને કપડાંમાં વીંટાળી મંદિરના એક ખૂણામાં મૂકી દીધાં!

આ લેખ લખવા પાછળનું એક કારણ મા કામાખ્યાની પૂજા-અર્ચના બાબતે જાગૃતિ લાવવાનું પણ છે. મોટાભાગના શ્રદ્ધાળુઓ કામાખ્યા મંદિરમાં જઈને માથું ટેકવીને આવતાં રહે છે. એમને જાણ સુદ્ધાં નથી હોતી કે જે સ્થાન ઉપર તેઓ આવ્યા છે, એ સ્થાનની ઊર્જાને કઈ રીતે સંપૂર્ણપણે ધારણ કરી શકાય!

જાત અનુભવે આધારે કેટલીક સામાન્ય પૂજાપદ્ધતિ અહીં આપવામાં આવી રહી છે, જેનો પ્રયોગ મા કામાખ્યાના દર્શને જનાર પ્રત્યેક શ્રદ્ધાળુ કરી શકશે :

(૧)   મા કામાખ્યાનો બીજમંત્ર 'ક્લીં' છે. આથી, કામાખ્યા દર્શને જનાર વ્યક્તિ પોતાના મનમાં નિરંતર 'ક્લીં' બીજમંત્રના ઉચ્ચારણથી માતાને પ્રસન્ન કરી શકે છે.

(૨)  કામાખ્યા મંદિરની પ્રદક્ષિણા કરવાનું વિધાન ત્યાં અત્યંત પ્રચલિત છે. યથાશક્તિ ૩ અથવા ૧૧ અથવા ૧૦૮ વખત મંદિરની પરિક્રમા કરવાથી કામાખ્યા માની શક્તિને ચિત્તમાં સ્થાયી કરી શકાય છે. આથી, ગર્ભગૃહમાં માતાની બ્રહ્માંડયોનિનાં દર્શન કર્યા પછી જો પ્રદક્ષિણા કરવાની ઈચ્છા હોય, તો નીચે આપવામાં આવેલાં પ્રણામ-મંત્રનું નિરંતર ઉચ્ચારણ કરી શકાયથ

कामाखये काम-सम्पन्ने कामेश्वरि हर-प्रिये ।

कामानां देहि मे नित्यं कामेश्वरि नमोडस्तुते ।।

(૩)  'દુર્ગા સપ્તશતી'નો સૌથી શક્તિશાળી નવાર્ણ મંત્ર પણ મા કામાખ્યાની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જો મંત્રોચ્ચારણમાં વધારે રુચિ હોય તો, નીલાચલ ક્ષેત્રમાં નવાર્ણ મંત્રનું નિરંતર ઉચ્ચારણ સ્વમુખેથી થાય એ લાભદાયી છે :

ओम ऐ ह्री क्ली चामुण्डाये विच्चे ।

આ ત્રણેય પદ્ધતિ વડે મા કામાખ્યાનું પૂજન થઈ શકે છે. મંદિરમાં જવાનું થાય, ત્યારે હાથમાં એક નાનકડી ખાલી લોટી લઈને જવી. મા કામાખ્યાનો પ્રસાદ કોઈ લાડુ કે કાજુ-બદામ નથી, પરંતુ બ્રહ્માંડયોનિમાંથી અવિરતપણે ઝરતું જળ છે, જે જૂન મહિનામાં લાલ રંગનું થાય છે. એ સમયે માનવામાં આવે છે કે મા માસિકધર્મમાં પ્રવેશ કરી ચૂક્યાં છે. આથી, બ્રહ્માંડયોનિમાંથી ઝરતાં જળનો પ્રસાદ આજીવન પોતાની પાસે રાખવા માટે જળની ખાલી લોટી ગર્ભગૃહમાં લઈ જઈને એમાં થોડું જળ ભરી લેવું. જીવનમાં કોઈ નકારાત્મક ઊર્જા અથવા લોકોથી આખેઆખી પેઢીને રક્ષણ પૂરું પાડવા માટે આટલું જળ પૂરતું છે. આથી, ગર્ભગૃહમાં જઈને સૌપ્રથમ હથેળીમાં જળ લઈને તેનું પાન કરવું અને ત્યારબાદ ઘર-પરિવારના અંગત સભ્યો માટે એ લોટીમાં ભરીને ઘરે લઈ આવવું. તદુપરાંત, જો ત્યાંના મૂળ પંડિતો (જે છેતરવામાં ન માનતાં હોય એમની) પાસેથી જો શક્ય હોય તો, કામાખ્યા માતાનું રક્તરંજિત 'અમ્બુવાચી વસ્ત્ર' પણ પ્રસાદીમાં લેવું. વસ્ત્ર લેતાં પહેલાં ખાતરી કરી લેવી કે પૈસા પડાવવાનાં ચક્કરમાં ક્યાંક નકલી વસ્ત્ર તો આપવામાં નથી આવી રહ્યું ને!

ઘરે પરત ફરીને અમ્બુવાચી વસ્ત્રને પૂજાઘરમાં વ્યવસ્થિત સાચવીને મૂકી દેવું અને બ્રહ્માંડયોનિના જળને પણ બાષ્પીભવન ન થઈ જાય એ રીતે અકબંધ રાખવું!


Google NewsGoogle News