Get The App

ભારતની મહિલા કુસ્તીને દુનિયામાં અવ્વલ સ્થાન અપાવવા અંતિમ પંઘાલનો સંઘર્ષ

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
ભારતની મહિલા કુસ્તીને દુનિયામાં અવ્વલ સ્થાન અપાવવા અંતિમ પંઘાલનો સંઘર્ષ 1 - image


- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- પરિવારમાં ચોથી પુુત્રી તરીકે જન્મ થતાં ગામના રિવાજ પ્રમાણે માતા-પિતાએ તેનું નામ અંતિમ પાડયું, એ જ અંતિમ આંતરરાષ્ટ્રીય ચંદ્રકો જીતીને પેરીસ ઓલિમ્પિકમાં કમાલ દેખાડવા થનગની રહી છે

દ રેક વેળાએ શરુઆત ક્યારેય કોઈના હાથમાં હોતી નથી. કોઈને ઢાળ મળી જાય, તો કોઈને કપરા ચઢાણ મળે. એકની સામે ઈરાદા અને મહેનતને બુલંદ રાખવાનો પડકાર હોય તો બીજાની સામે લય અને દિશાને જાળવી રાખવાનો ! જોકે, બંને પરિસ્થિતિમાં સાતત્ય અને એકાગ્રતા એ પાયાની શરત બની રહે છે અને તેના સહારે જ નિર્ધારિત લક્ષ્યને હાંસલ કરી શકાય છે. તેમાંથી એકાદના અભાવને લીધે પણ ઘણી વખત સફળતાથી હોઠ અને પ્યાલા જેટલું અંતર રહી જતું હોય છે. પડકારો ઝીલીનેે અને પરિસ્થિતિના બંધનોમાંથી ઉંચે ઉડી જવાની ઝંખના એવી સિદ્ધિ સુધી પહોંચાડી દે છેે, જે વ્યક્તિ માટે જ નહીં, તેના સમગ્ર પરિવાર, વિસ્તાર અને દેશ માટે પણ ગૌરવરુપ બની જાય છે.

હરિયાણાના નાનકડા ગામમાં જન્મેલી મહિલા પહેલવાન અંતિમ પંઘાલે સાતત્ય અને એકાગ્રતાના સહારે જ આંતરરાષ્ટ્રીય કુસ્તીમાં આગવું કાઠું કાઢયું છે. બાળપણથી જ પ્રતિકૂળ સંજોગો અને વિષમ પરિસ્થિતિના તોફાનોનો સામનો કરવાની આદત ધરાવતી અંતિમ પંઘાલે કુસ્તીમાં એવો કમાલ કરી દીધો છે કે, માત્ર ૧૯ વર્ષની વયે તે જુનિયર કુસ્તીમાં તો વિશ્વવિજેતાનો ખિતાબ ધરાવે છે, સાથે સાથે સિનિયર કુસ્તીમાં પણ ૫૩ કિલોગ્રામના વજન વર્ગમાં તે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ટોચની ત્રણ પહેલવાનોમાં સ્થાન હાંસલ કરી ચૂકી છે. આ સફળતાના પગલે તેને ૨૦૨૩માં જ વિશ્વની ઝડપથી ઉભરતી મહિલા કુસ્તીબાજ તરીકેનું સન્માન પણ પ્રાપ્ત થઈ ચૂક્યું છે.

વર્ષ ૨૦૨૩માં ચીનના હાંગઝોઉ શહેરમાં આયોજીત થયેલી એશિયન ગેમ્સમાં પણ તેને કાંસ્ય સફળતા મળી હતી અને આ સિવાય પણ અન્ય સ્પર્ધાઓમાં ચંદ્રક વિજેતા તરીકેનું સન્માન તેને પ્રાપ્ત થઈ ચૂક્યું છે. અંતિમ પંઘાલ પેરીસમાં યોજાનારા ઓલિમ્પિકના મહારમતોત્સવમાં ભાગ લેનારી ભારતની ફ્રીસ્ટાઈલ કુસ્તીની ટીમમાં સામેલ છે અને તે તમામ પહેલવાનોમાં સૌથી યુવાન પણ છે. પેરીસ ઓલિમ્પિકમાં આ વખતે ઈતિહાસમાં પહેલીવાર પહેલવાનો તેમના દેખાવ અનુસાર ક્રમાંક આપવામાં આવ્યા, જેનાથી ટાઈટલ જીતવા માટે કોણ કેટલું પ્રબળ દાવેદાર છે, તે જાણી શકાય. અંતિમને આ અનુસાર ચોથો ક્રમ મળ્યો છે. તેનો અર્થ એ કે અંતિમ પેરીસ ઓલિમ્પિકમાં ચંદ્રક જીતવાના પ્રબળ દાવેદારોમાં સામેલ છે કારણ કે ચોથા ક્રમની પહેલવાન હોવાથી તે સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લેશે, તેમ આયોજકો માની રહ્યા છે અને કુસ્તીમાં સેમિ ફાઈનલમાં પ્રવેશનાર હાર્યા બાદ પણ રીપેચાર્જની રાહ થકી કાંસ્ય સુધી પહોંચવાની તક રહેતી હોય છે. 

ભારતની મહિલા કુસ્તીમાં છેલ્લા કેટલાક વર્ષોથી ફોગાટ બહેનોનું પ્રભુત્વ રહ્યું છે. જોકે છેલ્લા બે વર્ષથી ભારતીય કુસ્તીમાં પહેલવાનો અને સત્તાધીશો વચ્ચે ટકરાવની સ્થિતિ જોવા મળી ચૂકી છે. આ ઉપરાંત ભારતીય કુસ્તી સંઘને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વહિવટી કારણોસર નાલેશીનો સામનો કરવો પડી ચૂક્યો છે. તમામ વિવાદો અને અનિશ્ચિતતાના વાતાવરણ છતાં અંતિમ પંઘાલે તેની એકાગ્રતાને ભંગ થવા દીધી નથી અને આ જ બાબત તેને પેરીસ ઓલિમ્પિકમાં તેની તમામ હરિફો કરતાં ચડિયાતી સાબિત કરી શકે તેમ છે.

પેરીસ ઓલિમ્પિકમાં ભારતીય રમત જગતની સ્વર્ણિમ આશા સમાન યુવા પહેલવાન અંતિમ પંઘાલની વિશેષતા એ રહી છે કે, તે જ્યારે જ્યારે કુસ્તીની મેટ પર (આધનિક કુસ્તી અખાડાને બદલે મેટ પર રમાય છે) ઉતરી છે, ત્યારે ત્યારે તેણે હંમેશા તેના નામના અર્થથી તદ્દન વિપરિત દેખાવ કરી બતાવ્યો છે. હિસ્સારના ભગના નામના ગામમાં ખેતી અને પશુપાલન કરતાં રામ નિવાસ પંઘાલ અને ક્રિશ્ના કુમારીના ઘરમાં ચોથું પારણું પણ પુત્રીનું બંધાયું. પુત્રીનું નામ શું રાખવું તેની ચર્ચા થઈ. ગામમાં એવી પરંપરા હતી કે, જે ઘરમાં એકાદ-બેથી વધુ પુત્રી જન્મે પછી વધુ પુત્રી ન જન્મેે તે માટે છેલ્લી પુત્રીનું નામ અંતિમ પાડવામાં આવે. રામ નિવાસ અને ક્રિશ્નાએ પણ આ જ પરંપરાને આગળ ધપાવતા પુત્રીનું નામ અંતિમ પાડયું. જોકે તે સમયે તેમને ખબર નહતી કે, આ અંતિમ એક દિવસ દુનિયાની ભલભલી પહેલવાનોને પાછળ રાખીને અવ્વલ બની જવાની છે !

પરિવારમાં સરિતા, મીનુ અને નિશા પછી અંતિમનો ચોથો ક્રમ હતો. ગ્રામ્ય પરિવેશમાં આર્થિક અને સામાજીક મર્યાદાઓની વચ્ચે પંઘાલ પરિવારની ચારેય બહેનોનો ઊછેર થયો. સૌથી મોટી સરિતાને કબડ્ડીમાં રસ હતો. આ કારણેે તેમણે સરિતાને ઘરથી ૨૦ કિલોમીટર દૂર આવેલા હિસ્સારના મહાવીર સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરવાની વ્યવસ્થા ગોઠવી આપી હતી. સરિતાએ ઝડપથી કબડ્ડીમાં આગવી મહારત હાંસલ કરી અને હરિયાણા તરફથી રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લીધો. નાનકડી અંતિમને મોટી બહેનનો કબડ્ડીનો યુનિફોર્મ ખુબ જ આકર્ષતો અને આ કારણે તે ઘણી વખત બહેનની સાથે સ્ટેડિયમમાં જવાની જીદ કરતી. 

આખરે એક દિવસ સરિતા અંતિમને તેની સાથે સ્ટેડિયમ લઈ ગઈ અને ત્યાં મહિલા કુસ્તીબાજોને તૈયાર કરતાં રોશની દેવીના માર્ગદર્શનમાં તેને તાલીમ માટે મુકી. અંતિમે અત્યંત ઝડપથી કુસ્તીમાં આગવી કુશળતા હાંસલ કરી લીધી. પિતા રામ નિવાસ અને માતા ક્રિશ્ના ને લાગતું નહતુ કે, અંતિમ કુસ્તીમાં લાંબો સમય ટકી શકશેે, પણ તેની લગન જોઈને તેઓએ પુત્રીને આગળ વધતા ન અટકાવી. સરિતા અને અંતિમને પ્રેક્ટિસ માટે દરરોજ ૨૦ કિલોમીટરનું અંતર કાપવું પડતુ અને આ કારણે માતા-પિતા પરેશાન રહેતા. આખરે તેમણે ગામ છોડીને હિસ્સારના ટ્રેનિંગ સેન્ટરની નજીક જ રહેવા જવાનું નક્કી કર્યું.

પુત્રીઓની કારકિર્દીને ઊની આંચ ન આવે એ માટે રામ નિવાસે તેમની દોઢ એકર જમીનની સાથે કેટલીક ભેંસો પણ વેચી નાંખી અને બાકીના ઢોરઢાંખરને લઈને હિસ્સારમાં સ્ટેડિયમની નજીક રહેવા જતાં રહ્યા. આ સમયે ગામના ઘણા લોકોએ રામ નિવાસને આવા આંધળુકિયા ન કરવા સમજાવવાની કોશીશ કરી, પણ પુત્રીઓના ભવિષ્યનો વિચાર કરીને તેઓ તેમના નિર્ણય પણ મક્કમ રહ્યા. 

માતા-પિતાએ આપેલા તમામ પ્રકારના ભોગનો અહેસાસ અંતિમને હતો અને આ જ કારણે તેણે કુસ્તીમાં વધુને વધુ મહેનત કરવા માંડી. રોશની દેવીના માર્ગદર્શન અને અંતિમની મક્કમતાનું પરિણામ આખરે આખી દુનિયાને જોવા મળ્યું. વર્ષ ૨૦૧૮માં તેને પહેલીવાર અંડર-૧૫ કેટેગરીમાં રાષ્ટ્રીય સ્પર્ધામાં ચેમ્પિયનનો ખિતાબ મળ્યો અને ત્યાર બાદ તેણે જાપાનમાં અંડર-૧૫ કેટેગરીની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કાંસ્ય સફળતા મેળવી. આ પછી તેણે અંડર-૧૭માં રાષ્ટ્રીય સ્તરની સફળતા મેળવી. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સફળતાને પગલે અંતિમને રાજ્યસ્તરે ઓળખ મળી. ૨૦૨૦માં તેણે જુનિયર એશિયન ચેમ્પિયનશિપમાં સુુવર્ણ અને અંડર-૨૩ની એશિયન ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક હાંસલ કર્યો.

પોતાની સમવયસ્ક હરિફોમાં છવાઈ જનારી અંતિમ હવે તેના કરતાં અનુભવી પહેલવાનોને પણ ધોબી પછાડ આપવા માંડી હતી. કોરોનાના કપરા કાળ પછી ફરી જ્યારેે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા શરુ થઈ, ત્યારે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ માટેની રાષ્ટ્રીય ટ્રાયલ્સમાં તેણે તેના કરતાં ઊંમર અને અનુભવમાં ક્યાંય ચઢિયાતી વિનેશ ફોગાટને હફાવી દીધી. જોકે આખરે તે થોડા માટે હારી ગઈ, છતાં તેેણે રાષ્ટ્રીય સ્તરના તમામ દિગ્ગજોનું ધ્યાન ખેંચ્યું હતુ. 

માત્ર ૧૮ વર્ષની વયે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં સફળતા મેળવનારી અંતિમે આખરે સોફિયામાં યોજાયેલી અંડર-૨૦ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ૫૩ કિ.ગ્રા. વજન વર્ગની સ્પર્ધામાં સુવર્ણ સફળતા મેળવતા ચેમ્પિયનશિપના ઈતિહાસમાં ભારતની સૌપ્રથમ જુનિયર વિશ્વવિજેતા તરીકેનું ગૌરવ હાંસલ કર્યું.  વિનેશની હાજરીને કારણે તેણે ૨૦૨૨માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાની તક ન મળી. 

જોકે ત્યારબાદ કુસ્તીમાં તત્કાલીન પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંઘની સામે ઓલિમ્પિક મેડાલીસ્ટ સહિતના પહેલવાનોએ મોરચો ખોલ્યો. જો કે, અંતિમ તેમાં ન જોડાઈ અને તેણે પ્રેક્ટિસ પર વધુ ધ્યાન કેન્દ્રીત કર્યું. જેના ફળ સ્વરૂપ તેણે ૨૦૨૩માં જુનિયર વર્લ્ડ ચેમ્પિયન તરીકેનો સુવર્ણ તો જાળવ્યો જ સાથે સાથે સીનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતને કાંસ્ય ચંદ્રક અપાવ્યો અને પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે સ્થાન નિશ્ચિત કર્યું. 

૨૦૨૩માં યોજાયેલી હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ૫૩ કિગ્રા વજન વર્ગમાં ભૂતકાળના રેકોર્ડના આધારે અંતિમને બદલે વિનેશ ફોગાટને મોકલવાનું નક્કી થયું. જોકે, ગેમ્સ અગાઉ જ વિનેશ ઈજાગ્રસ્ત બની અને અંતિમને તેના સ્થાને તક મળી. તેણે ભાગ્યને સહારે મળેલી આ તકને ઝડપી લીધી અને કાંસ્ય ચંદ્રક જીતી બતાવ્યો. આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતને ગૌરવ અપાવનારી અંતિમને આખરે પેરીસ ઓલિમ્પિકમાં ૫૩ કિગ્રા વજન વર્ગની સ્પર્ધા માટેે રાષ્ટ્રીય ટીમમાં પસંદ કરવામાં આવી. જ્યારે વિનેશ ફોગાટ ૫૦ કિગ્રા વજનવર્ગમાં સ્પર્ધામાં ઉતરવાની છે. હવે અંતિમના ચંદ્રકોની યાદીમાં ઓલિમ્પિક બાકી રહેલા ચંદ્રકની ખોટ પણ પુરાઈ જશે તે લગભગ નક્કી લાગી રહ્યું છે.


Google NewsGoogle News