પર્યાવરણ છે પ્રાણ મારો .

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
પર્યાવરણ છે પ્રાણ મારો                                             . 1 - image


- આજકાલ-પ્રીતિ શાહ

- પ્રત્યેક દેશ પાસે પોતાના નાગરિકો માટે પર્યાપ્ત ભોજન માટે અન્નનું ઉત્પાદન કરવાની ક્ષમતા હોવી જોઈએ. તે જ ઊગાડો જે તમે ખાઈ શકો અને તે જ ખાઓ જે તમે ઊગાડી શકો

દ ક્ષિણ-પૂર્વી એશિયાનો એક નાનકડો દેશ તિમોર-લેસ્ત, જે આજે પૂર્વી તિમોર તરીકે પણ ઓળખાય છે. આ દેશના એક ખેડૂત પરિવારમાં યૂજેનિયો લેમોસનો જન્મ થયો. ગૃહયુદ્ધ અને ઇન્ડોનેશિયાના આક્રમણથી તબાહ થયેલા તિમોર-લેસ્તની ભૂમિ પર ઉછરેલા લેમોસને દુનિયાની હિંસક વાસ્તવિકતાનો પરિચય નાનપણથી જ થયો. ૧૯૭૫માં લેમોસ  ત્રણ વર્ષના હતા, ત્યારે ઇન્ડોનેશિયાએ તિમોર-લેસ્ત પર હુમલો કર્યો હતો. લેમોસનો પરિવાર નાસીને જંગલમાં આવ્યો અને ત્યાં જ રહેવા લાગ્યો.  જ્યારે પરિસ્થિતિ અસહ્ય બની ત્યારે પિતાથી પરિવારનું દુ:ખ સહન ન થતા તેઓ ઘનઘોર જંગલની બહાર નીકળવા માટેનો માર્ગ શોધવા નીકળ્યા અને ઇન્ડોનેશિયાના સૈનિકોએ તેમને પકડી લીધા તે પછી તેમના કોઈ સમાચાર ન મળ્યા. એક બાજુ જંગલમાં રહેલા લોકોથી ભૂખ સહન થતી નહોતી તો બીજી બાજુ સૈનિકો ગામોમાં લોકોનું લોહી વહાવી રહ્યા હતા. ચોતરફ મૃત્યુનો ભય ફેલાયેલો હતો.

આ સમય દરમિયાન કારમી ભૂખને કારણે લેમોસની નાની બહેનનું મૃત્યુ થયું. ત્રણેક વર્ષ પછી 'સર્ચ ઓપરેશન' સમયે જંગલમાં છૂપાયેલા ઘણા લોકોને પકડયા અને તિમોર-લેસ્તની રાજધાની દિલીમાં લઈ આવ્યા. આમાં એક લેમોસનો પરિવાર પણ હતો. અહીં આવીને લાગ્યું કે એક નાઇટમૅર પસાર થઈ ગયું, પરંતુ દુ:ખ તો પડછાયાની જેમ સાથે જ હતું. વર્ષો સુધી કંદમૂળ ખાઈને જીવન ટકાવી રાખ્યું હતું, તો હવે અનાજ કેવી રીતે ફાવે? ભોજનમાં આવેલા પરિવર્તનને કારણે લેમોસના નાના ભાઈને ડાયેરિયા થઈ ગયા અને તેનું મૃત્યુ થયું. છ વર્ષની નાની ઉંમરમાં લેમોસે પરિવારના જ ત્રણ-ત્રણ વ્યક્તિનાં અકાળ, દુ:ખદ મૃત્યુ જોયાં, પરંતુ માતાએ લેમોસને પ્રેમ અને હૂંફ આપીને જાળવી લીધો. આઠ વર્ષની ઉંમરે લેમોસે સ્કૂલે જવાનું શરૂ કર્યું, પરંતુ સ્કૂલમાં ઇન્ડોનેશિયાઈ ભાષામાં અભ્યાસ કરાવવામાં આવતો હતો. જે લેમોસને આવડતી નહોતી, તેથી પહેલા ધોરણમાં જ એ નાપાસ થયો, માતાની ધીરજ અને વિશ્વાસને કારણે તેણે અભ્યાસ ચાલુ રાખ્યો. તેણે યુનિવર્સિટીમાં ખેતી વિષયક અભ્યાસમાં ઉચ્ચ ડિગ્રી હાંસલ કરી. યુનિવર્સિટીના અભ્યાસકાળ દરમિયાન કપાતાં જંગલો અને ખેતીમાં રસાયણોના ઉપયોગ વિરુદ્ધ ચાલતા સક્રિય આંદોલનમાં સામેલ થવાની તક મળી. આ આંદોલને તેમને પર્યાવરણ પ્રત્યે જાગ્રત બનાવ્યા. દેશની ચાળીસ ટકા વસ્તી ગરીબી રેખા નીચે જીવતી હતી, તેમણે જોયું કે તેઓએ જે કૃષિ પદ્ધતિ વિશે અભ્યાસ કર્યો છે, તે તેના દેશના ખેડૂતો માટે બિલકુલ યોગ્ય નથી. તેઓ કૃષિક્ષેત્રે પરિવર્તન લાવવા ઇચ્છતા હતા, ૧૯૯૯માં તેમની મુલાકાત ઑસ્ટ્રેલિયાના 'પર્માંકલ્ચરિસ્ટ' સ્ટીવ ગ્રાંટ સાથે થઈ. તેઓ તિમોરમાં પર્માકલ્ચર વિશે શીખવવા આવ્યા હતા. પર્માકલ્ચર એ ટકાઉ ખેતી છે, જેમાં રસાયણોનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી.

લેમોસે વિચાર્યું કે આવી ઘણી બાબતો પહેલેથી જ એમની પારંપરિક સંસ્કૃતિમાં હતી. તેઓ સ્ટીવ ગ્રાંટ પાસેથી શીખ્યા અને એમના જીવનને એક નવી દિશા મળી. તેમણે ૨૦૦૧માં 'પર્માટિલ' (પર્માકલ્ચર તિમોર-લેસ્તે) નામના સંગઠનની સ્થાપના કરીને ત્રણ કાર્યક્રમોથી શરૂઆત કરી. યુવા પ્રશિક્ષણ કાર્યક્રમ, સ્કૂલ ગાર્ડન કાર્યક્રમ અને પાણી તેમજ પ્રાકૃતિક સંસાધન મેનેજમેન્ટ કાર્યક્રમ. લેમોસ પાસે તેના માટે કોઈ ફંડ નહોતું, તેથી પોતાની ગિટાર લઈને મોટરસાઇકલ પર નીકળી પડતા અને યુવાનોને પર્માકલ્ચર અને પોતાનાં મૂલ્યો અંગે સમજાવતા. આયરીશ સરકાર અને ઑસ્ટ્રેલિયાની વિક્ટોરિયા યુનિવર્સિટીએ સ્કોલરશિપ આપી પછી તેની વાત પર ગંભીરતાથી ધ્યાન આપ્યું. ૨૦૦૮માં પહેલી શિબિર કરી તેમાં ચારસો લોકોએ ભાગ લીધો અને પછી ધીમે ધીમે સંખ્યા વધતી ગઈ. આ શિબિરોમાં પ્રાકૃતિક ખાતર બનાવતા, બીજને સંરક્ષિત કરતાં, નર્સરી તૈયાર કરતાં, વાંસ અને લાકડીનાં ઘર બનાવતા શીખવવામાં આવે છે.

લેમોસની ૨૦૧૩માં દિલી યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા તરીકે નિમણૂક થઈ અને સરકારમાં પણ ઘણી જવાબદારી સોંપવામાં આવી. આજે દેશની સેંકડો સ્કૂલોએ સ્કૂલ ગાર્ડન કાર્યક્રમ અપનાવ્યો છે. વિદ્યાર્થી બગીચાની સંભાળ લેતા, ખાતર બનાવતા, શાકભાજી ઊગાડતા અને પાણીનો સંગ્રહ કરતાં શીખે છે. ૨૦૧૫થી આ કાર્યક્રમને સરકારી સ્કૂલોના પાઠયક્રમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેર જિલ્લામાં એક હજાર જળસંગ્રહ તળાવ છે અને ત્રણસો ઝરણાંને પુનર્જીવિત કર્યા છે. લેમોસ પુરસ્કૃત ગાયક, ગીતકાર અને સંગીતકાર છે. સંગીતના માધ્યમથી લાખો યુવાનોને પોતાની સંસ્કૃતિ સાથે જોડીને પર્યાવરણપ્રેમી બનાવ્યા છે. તેઓ માને છે કે પ્રત્યેક દેશ પાસે પોતાના નાગરિકો માટે પર્યાપ્ત ભોજન માટે અન્નનું ઉત્પાદન કરવાની ક્ષમતા હોવી જોઈએ. તે જ ઊગાડો જે તમે ખાઈ શકો અને તે જ ખાઓ જે તમે ઊગાડી શકો.

તેમના આ યોગદાન બદલ ૨૦૨૩નો રેમન મેગ્સેસે ઍવૉર્ડ અર્પણ થયો તે સમયે વિશ્વના નેતાઓને કહ્યું, 'તેઓ માત્ર વેપારના લાભ માટે ન વિચારે, પર્યાવરણ પરના પ્રભાવ અંગે પણ વિચારે. વિશ્વ નાગરિકના રૂપમાં આપણે જે કંઈ કરીએ છીએ તેનો બીજા પર પ્રભાવ પડે છે. આપણી પાસે એક વાતાવરણ, એક પાણી, એક હવા છે.'

રોમીતાનો બુલંદ આત્મવિશ્વાસ

અન્યની વાત પર ધ્યાન ન આપવું. લોકો કહે કે એક મહિલા થઈને શું કરી શકો ? પરંતુ નિરાશ થયા વિના પોતાની કારકિર્દી પર ધ્યાન આપવું. 

પર્યાવરણ છે પ્રાણ મારો                                             . 2 - imageક લ્પના કરો કે જે ક્ષેત્રમાં તમારે તમારી કારકિર્દી બનાવવી છે, તેમાં જ તમને મનગમતી નોકરી મળી જાય. અત્યંત ઉત્સાહપૂર્વક નોકરી પર હાજર થઈએ અને ત્યારે જ મેનેજર કક્ષાની વ્યક્તિ તમને ઘેર જતા રહેવાનું કહે, તો શું થાય ?

સમુદ્ર પ્રત્યે અત્યંત આકર્ષણ ધરાવતી રોમીતા બુંદેલાને ડેનિશ શિપિંગ ઍન્ડ લોજિસ્ટિક કંપનીમાં નોકરી મળી. એ ડિસેમ્બર ૨૦૧૭માં મેરસ્ક જહાજ પર નોકરી કરવા ગઈ. સિંગાપુરથી ઉપડનારા આ જહાજમાં તેણે પોતાની સૂટકેસ મૂકી, ત્યારે તેને સાવ ઠંડો આવકાર મળ્યો. પુરુષપ્રધાન ક્ષેત્રમાં ક્યારેય આવી રીતે કોઈ સ્ત્રીને જોઈ નહોતી, તેથી મેનેજરે તેને કહ્યું, 'અહીં તું શું કરી રહી છે ? આ નોકરી તારે માટે નથી. હજી જહાજ બંદર પર જ ઊભું છે. તું ઘેર પાછી જઈ શકે છે.' નોકરીના પ્રથમ દિવસે જ આવા શબ્દો સાંભળીને રોમીતા સહેજે ડગી નહીં. તેણે આ જહાજ પર વીસ પુરુષોની વચ્ચે ચાર મહિના વીતાવવાના હતા. તેણે આત્મવિશ્વાસ સાથે કામ શરૂ કર્યું. પોતાના કામની કુશળતા દ્વારા એણે લોકોના પૂર્વગ્રહો દૂર કર્યા અને ફરિયાદ કરવાની કોઈ તક આપી નહીં. ચાર મહિનાને અંતે મેનેજરે તેની પ્રશંસા કરતા કહ્યું કે, 'તારું કામ જોયા વિના મેં મૂલ્યાંકન કર્યું, તે મારો ખોટો નિર્ણય હતો.'

ભારતની પ્રથમ ઇલેક્ટ્રો ટૅક્નિકલ ઑફિસર (ઈ.ટી.ઓ.) બનનારી રોમીતા નાનપણથી ભારતીય નૌસેનામાં કામ કરવાના સ્વપ્નાં જોતી હતી, પરંતુ તેમાં તેને સફળતા મળી નહીં, તેથી કોઈ અન્ય વિકલ્પની શોધ ચલાવી. તે કહે છે કે એ જહાજ પર રહેવા માગતી હતી. નવથી પાંચ વાગ્યાની નોકરી તેને પસંદ નહોતી. એ તો એવી નોકરી ઇચ્છતી હતી કે જેમાં દુનિયાભરની યાત્રા કરી શકે. મહારાષ્ટ્રના જલગાંવના ભુસાવળમાં રહેતી રોમીતાએ ઇલેક્ટ્રીકલ એન્જિનીયર બન્યા પછી ઈ.ટી.ઓ. બનવા માટે શિપિંગ કોર્પોરેશન ઑફ ઇન્ડિયામાં પ્રવેશ મેળવ્યો, પરંતુ કોઈ કારણસર તેની બેચ કૅન્સલ થઈ. તેથી પૂણેની તોલાની મેરીટાઈમ ઇન્સ્ટિટયૂટમાં પ્રવેશ મેળવીને ચાર મહિનાનો કોર્સ કર્યો. આ કોર્સમાં ચાળીસ વિદ્યાર્થીઓમાં તે એક માત્ર મહિલા હતી. ચાર મહિનાના કોર્સ પછી જહાજ પર આઠ મહિનાની તાલીમ લેવાની હોય છે. 

ઇલેક્ટ્રીકલ અધિકારીએ જહાજ પર ઇલેક્ટ્રીક, ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમેશન સિસ્ટમનું કામ સંભાળવાનું હોય છે. આમ તે વીજળીના તાર કે કેબલને સંભાળે છે. જહાજ પર બધું જ સ્વચાલિત હોય છે, તેથી ઇલેક્ટ્રીકલ અને ઇલેક્ટ્રોનિક સાધનો, પાવર મેનેજમેન્ટ સિસ્ટમ, કંટ્રોલ અને ઓટોમેશન સિસ્ટમ, મરીન અને ડેક સુરક્ષાના સાધનો, લાઇટિંગ સિસ્ટમ, રેફ્રીજરેશન અને વેન્ટીલેશનને સંભાળવાનું હોય છે. જહાજ પર કામ કરનારનું જીવન કઠિન હોય છે. ત્રણ-ચાર મહિના સુધી જહાજ પર રહેવાનું અને તેટલો સમય પરિવાર અને મિત્રોથી દૂર રહેવું પડે છે. આ કોઈ સહેલી વાત નથી.

એના જીવનમાં સૌથી મોટો પડકાર તો કોરોના મહામારી સમયે આવ્યો. તેઓ નવ મહિના સુધી ચીનમાં ફસાયેલા રહ્યા. ૨૦૨૦માં તેની માલવાહક જહાજ પર નોકરી હતી, ત્યારે બધી ફ્લાઇટ બંધ હોવાને કારણે જહાજ પર જ રહેવું પડયું. પીપીઈ કિટ અને માસ્ક પહેરવો પડે અને પચાસથી પંચાવન સેન્ટીગ્રેડ તાપમાનમાં એન્જિન રૂમમાં કામ કરવું પડે. જહાજ પર સહુનું જીવન નરક બની ગયું હતું અને સહુ માનસિક યાતનામાંથી પસાર થઈ રહ્યા હતા, પરંતુ એ માને છે કે જીવનમાં આગળ વધવું હોય તો સખત પરિશ્રમ કરવો પડે. એક નાવિક તે નાવિક છે, તેમાં કોઈ લૈગિંક ભેદભાવ ન હોય શકે. તેના પરીશ્રમને તેની કારકિર્દીમાં ઝડપથી પ્રગતિ કરાવી. ચાર વર્ષમાં તે ઇટીઓમાંથી સિનિયર ઇટીઓ બની અને પછી ઈલેક્ટ્રીકલ સુપ્રિટેન્ડન્ટ બની. ૨૬ વર્ષની ઉંમરમાં મેરસ્કમાં તે પહેલી મહિલા સુપ્રિટેન્ડન્ટ બની. આટલી નાની ઉંમરમાં તેણે ચોસઠ જહાજોને સંભાળ્યા છે. મેરસ્ક પછી ૨૦૨૩માં તે કાર્નિવલ યુ.કે.માં જોડાઈ. ક્રૂઝ ઉદ્યોગમાં તે ત્રીજી મહિલા ઇટીઓ હતી. વ્યાપારી જહાજ કરતાં ક્રૂઝમાં વધારે કર્મચારીઓ હોય છે. જેમાં મહિલાઓ પણ હોય છે અને તેનો સમય પણ ત્રણ મહિનાનો હોય છે. 

આ સમય દરમિયાન તેનું વિભિન્ન દેશોની યાત્રા કરવાનું સ્વપ્ન પૂરું થયું. નોર્વેજિયન અને બાલ્ટિક ક્રૂઝમાં ગઈ. બહુ સુંદર કેરિબિયન ક્રૂઝમાં કામ કર્યું. બારબાડોસ, એન્ટીગુઆ, મધ્ય પૂર્વ અને યુરોપ જોયું. નોકરીમાં સૌથી વધારે આનંદ દુનિયાના જુદા જુદા દેશો, એની સંસ્કૃતિ, એના વ્યંજનોની મજા માણવામાં આવે છે. એક વખત ક્રૂઝમાં પાસઠ દેશનાં લોકો મુસાફરી કરતા હતા. ભુસાવલની રોમીતા બુંદેલા આજે વિશ્વયાત્રી બની ચૂકી છે. રોમીતા બુંદેલા કહે છે કે અન્યની વાત પર ધ્યાન ન આપવું. લોકો કહે કે એક મહિલા થઈને શું કરી શકો ? પરંતુ નિરાશ થયા વિના પોતાની કારકિર્દી પર ધ્યાન આપવું. મહિલા બધું જ કરી શકે જે પુરુષ કરી શકે છે, કદાચ એનાથી પણ વધારે !


Google NewsGoogle News