જૂઠા ગુરુનો કરીએ તત્કાળ ત્યાગ! .
- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
- 'જે ગુરુથી અજ્ઞાન દૂર ન થાય અને હૃદયની શંકા દૂર ન થાય એવા ગુરુને ખોટા સમજો અને એવા જૂઠા ગુરુને છોડવામાં સહેજે ય વાર ન લગાડશો.'
ભૂ તકાળની ભાવનાઓ પર વર્તમાનમાં આચરણના કિલ્લા રચી શકાતા નથી. આપણા શાસ્ત્રો અને ઉપદેશકોએ ગુરુમહિમાની ઘણી વાતો કરી, પણ હકીકતમાં આજે બાબાઓની દુનિયા જોઈએ છીએ, ત્યારે ખ્યાલ આવે કે ગુરુમહિમાની ભાવનાની છડેચોક, આઘાતજનક હત્યા થઈ છે. ક્યાંક ગુરુ પોતાના ચમત્કારોનો મહિમા ફેલાવે છે, તો ક્યાંક અશક્યને શક્ય કરી દીધાનાં જાદુગરી ખેલની વાત કરે છે, ક્યાંક અંધશ્રદ્ધાળુઓનો ગાડરિયો પ્રવાહ ધસમસતો દોડી રહ્યો છે, તો ક્યાંક માત્ર રૂઢાચારને કારણે બંધ આંખે અને ચિત્તે ગુરુશરણ સ્વીકારવામાં આવે છે.
આપણે સંત કબીરના એ દોહાનું વારંવાર સ્મરણ કરીએ છીએ,
'ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગું પાય
બલિહારી ગુરુદેવ કી, ગોવિંદ દીન્યો બતાય.'
આમાં 'દીન્યો' એટલે 'દેખાડયો' શબ્દ મહત્વનો છે. ગુરુ એ માત્ર ઇશ્વરને બતાવનારો છે, ઇશ્વર સુધી પહોંચવાનો માઈલ સ્ટોન છે, પરંતુ આ દોહાનો એવો ખોટો અર્થ કર્યો કે, 'ગુરુ એ જ ગોવિંદ છે.' કૃષ્ણ, રામ કે મહાવીરને ભૂલીને માઈલસ્ટોનને આરાધ્ય કરી દીધાં ! પણ કબીરનો એ દોહો ભૂલી ગયા કે જેમાં સંત કબીર કહે છે.
'જો ગુરુ તે ભ્રમ ન મિટે, ભ્રાન્તિ ન જિવકા જાય,
સો ગુરુ ઝૂઠા જાનિયે, ત્યાગત દેર ન લાય.'
'જે ગુરુથી અજ્ઞાન દૂર ન થાય અને હૃદયની શંકા દૂર ન થાય એવા ગુરુને ખોટા સમજો અને એવા જૂઠા ગુરુને છોડવામાં સહેજે ય વાર ન લગાડશો.
આજે વર્તમાન સમયે ભોળા ભક્તોને ભ્રમમાં નાખનારા બાબાઓનો કોઈ પાર નથી. ભૂતકાળનું મહિમાગાન વર્તમાનનો માપદંડ બની શકે નહીં, વર્તમાન પરિસ્થિતિ જોતાં કેટલીક બાબતો અને વિગતો અત્યંત આઘાતજનક છે. વિશ્વના દેશોમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર પર નજર રાખનારી ટ્રાન્સ્પરન્સી ઇન્ટરનેશનલ નામની સંસ્થાએ ૨૦૧૬ના એના અહેવાલમાં જાહેર કર્યું કે એશિયા પ્રશાંતના કોઈ દેશો કરતાં ભારતમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર પ્રવર્તે છે. એમના કહેવા પ્રમાણે ભારતમાં પોલીસતંત્ર સૌથી વધુ ભ્રષ્ટ છે. પંચ્યાસી ટકા જેટલા પોલીસ તંત્રના કર્મચારીઓ ભ્રષ્ટતા આચરે છે. ચોર્યાસી ટકા સરકારી અધિકારીઓ ભ્રષ્ટ છે. એનો અર્થ એ થયો કે સરકારી સેવાઓ આપનારાઓમાંથી બે તૃતિયાંશથી વધારે એટલે કે દસમાંથી સાત લોકો લાંચરૂશ્વત લે છે. આ બધા આંકડાને વળી આ લેખ સાથે શી નિસબત ? એની નિસબત એ કે આ સર્વે પ્રમાણે ઇકોતેર ટકા લોકોએ એમ કહ્યું કે લગભગ મોટા ભાગના ધાર્મિક નેતાઓ ભ્રષ્ટ છે.
આ વાત જેટલી આઘાતજનક લાગે છે, એટલી જ આજના સમયમાં વિચારણીય પણ લાગે છે. શું જેનું આચરણ શુદ્ધ ન હોય, એને ગુરુ માની શકાય ખરા ? એને સંત ગણી શકાય ખરા ? આચરણની શુદ્ધિ કેટલા ગુરુઓ જાળવી શકતા હશે ? એમના મોટા-મોટા પ્રોજેક્ટમાં ખર્ચાતા કરોડો રૂપિયામાં ધનની શુદ્ધિ હશે ખરી ? એમની વાહવાહ કરતા સમારંભોમાં થતો ખર્ચો વિવેકહીન તો હોય છે, પરંતુ એથીય વિશેષ એમાં ભ્રષ્ટાચાર છુપાયેલો હોય છે. માત્ર ધ્યેયશુદ્ધિ જ નહીં, સાધનશુદ્ધિ પણ જરૂરી છે. ક્યાંક તો એવું લાગે કે સંત અને શાહુકારની જુગલબંધી ચાલે છે. શાહુકાર સંતને નાણાં આપે અને સંત શાહુકારને પ્રતિષ્ઠા આપે.
આને પરિણામે આજે કેટલેક સ્થળે ધર્મએ ઘણું વરવું સ્વરૂપ ધારણ કર્યું છે. ધર્મ આત્મલક્ષી છે, ભીતરમાં જવાની એક પ્રક્રિયા છે. આ બધું ભલે કહેવાતું હોય, પરંતુ ધર્મના એ આંતરસ્વરૂપને ભૂલીને એના બાહ્યરૂપને જ સતત ફૂલહાર અને જયજયકાર થતો હોય છે. એને પરિણામે જે તે ગુરુના કાર્યક્રમોમાં જામતી જનમેદનીની ભીડ, ગુરુના ચમત્કારિક જીવન વિશેની કથાઓ કે સંતની માળા કે પ્રસાદીનો પ્રભાવની જ ચર્ચા ચાલતી હોય છે. અંતરયાત્રાની તો કોઈ વાત હોતી જ નથી.
વળી, પોતાના ધાર્મિક સમૂહને એકસૂત્રે બાંધી રાખવા માટે એ અવારનવાર જુદાં જુદાં આયોજનો કરતા હોય છે. રાજકીય નેતા જેમ પ્રજામાં પોતાની છબી સતત તરતી રાખવા માટે પ્રવાસ કરે છે, તેવું સંતની બાબતમાં બને છે. વળી આ આયોજનોને પણ થોડા રંગીન અને રોમાંચક રૂપ આપીને જનમનરંજનમાં એને પરિવર્તિત કરતા હોય છે. આને માટે યોજાતા સમારંભોમાં પર્યાવરણની કોઈ ફિકર થતી નથી અને લોકમેદનીને બાંધી રાખવા માટે ભવ્ય ભોજન સમારંભોનાં આયોજનો થાય છે. એ વિચારવા જેવું છે કે પૂજ્યશ્રી મોટાના આશ્રમ દ્વારા યોજાતા કાર્યક્રમોમાં માત્ર ખીચડી અને શાક આપવામાં આવે છે અને પૂ.પાંડુરંગ આઠવલેના સ્વાધ્યાય પરિવારમાં સ્વાધ્યાયી પોતાના ઘેરથી પોતાનું ભોજન લઈ જાય છે. જ્યારે બીજે બધે તો પ્રસાદના નામે છપ્પન ભોગ ધરાવે છે. ભારતની પ્રજા ઉત્સવપ્રિય છે, પણ એના સંતો સૌથી વધુ ઉત્સવપ્રિય હોય છે.
એક બીજી ધારણા એવી છે કે અમે ધાર્મિક સંત છીએ, વેદાંતી છીએ અથવા તો જ્ઞાની છીએ, તેથી સમાજે ઘડેલાં નીતિ-અનીતિના નિયમોથી પર છીએ. આ નીતિ-અનીતિ કે ધર્મ-અધર્મની વાતો તો સામાન્ય લોકો માટે છે તેમ કહેવામાં આવે છે. પોતે તો એ બધાથી પર છે. માત્ર કુમારિકાઓને જ આસપાસ રહેવા દેતા ભોલે બાબાની વાત જાણીતી છે. હકીકતમાં અનીતિ કે અધર્મ અને વેદાંત કે કોઈપણ ધર્મ વચ્ચે ઉત્તર ધુ્રવ અને દક્ષિણ ધુ્રવ જેટલું મોટું અંતર છે. એ વ્યક્તિ બ્રહ્મચારી હોય કે પછી વૈરાગ્યધારી હોય, એ પુરુષ હોય કે સ્ત્રી હોય, એ વેદાંતી હોય કે પછી મહાજ્ઞાની હોય, પરંતુ એ નીતિથી પર હોતો નથી. આની ઉપેક્ષાને કારણે આને પરિણામે થયેલી પરિસ્થિતિથી આપણે વાકેફ છીએ. અખબારોમાં સંતોના અનાચારો અને ભ્રષ્ટાચારો અવારનવાર સાંભળવા મળે છે. જે સંત એવું માનતો હોય કે એની વિભૂતિમત્તાને આવા કોઈ બંધનો સ્પર્શી શકતા નથી, તો માનવું કે એ સંત ખરેખર યથાર્થ જ્ઞાન સમજ્યા જ નથી.
રામ, બુદ્ધ કે મહાવીરનું જીવન જુઓ તો ખ્યાલ આવે કે એમના આચરણમાં પણ એમની ઊંચાઈ પ્રગટ થતી હતી. એમની આધ્યાત્મિકતા પ્રગટ થતી હતી. કટપૂતના નામની વ્યંતરી મહાવીરને પરેશાન કરે છે. ભગવાન બુદ્ધ પર કોઈ થૂંકે, તો પણ એમના વ્યવહારમાં કોઈ પરિવર્તન આવતું નથી. આ તબક્કે ઉપદેશ અને આચરણ વચ્ચેનો ભેદ સમજવાની જરૂર છે. વ્યક્તિના ઉપદેશને જ સર્વસ્વ માનીને એના આચરણની ઉપેક્ષા થાય તે અયોગ્ય છે. એક અર્થમાં સંતના સંતત્વને પામવાની કૂંચી જ એમનું આચરણ છે.
ઉપદેશની પાછળ પોપટિયું જ્ઞાન હોય, વાંચેલા શાસ્ત્રોનું દોહન હોય, કથારસ ટૂચકાઓ કે ધારદાર કાવ્યપંક્તિઓ હોય. આ બધું 'આયાત' થઈ શકે છે અને પોતાના ઉપદેશ દ્વારા એ લોકહૃદયમાં ભાવસંચલન કરી શકે છે ખરા ? મહત્ત્વની બાબત તો ગુરુનું આચરણ છે. એની સાધના કેવી છે ? એનો સ્વભાવ ક્યા પ્રકારનો છે ? એનામાં સેવાની ભાવના કેટલી રહેલી છે ? અને એ કેટલો નિસ્પૃહી છે ? આ બધી બાબતો ગુરુના આચરણમાં પ્રગટ થાય છે અને માટે જ આ આચરણ એ ગુરુના ગુરુતત્વને પારખવાની કસોટી છે.
આત્મનિષ્ઠ કે પ્રભુનિષ્ઠ સંત સર્વત્ર આત્મદર્શન અને પ્રભુદર્શન કરતા હોય છે. આવા ગુરુનું આચરણ સાવ જુદું હોય છે. એ વ્યક્તિના રૂપ, આકર્ષણ કે સૌંદર્યને બદલે એના આત્માને ઓળખતા હોય છે. વળી પ્રત્યેક પરીસ્થિતિમાં એ સતત જાગ્રત રહીને વર્તન કરતા હોય છે. અત્યંત તીવ્ર દૃષ્ટિએ પોતાના મનના ભાવોનું પૃથક્કરણ કે વિશ્લેષણ કરતા હોય છે અને કોઈ નાનામાં નાની ક્ષતિ હોય તો તે શોધીને સુધારી લેતા હોય છે. પળનો પણ પ્રમાદ નહીં હોવાથી આસક્તિ એમના જીવનકિલ્લા પર કોઈ હુમલો કરી શકતી નથી. આજે આવા આસક્તિ વિનાના ગુરુઓ ભાગ્યે જ નજરે પડે છે.
માત્ર વાસના કે દેહના આકર્ષણની જ વાત નથી, પરંતુ સંપત્તિ, સત્તા અને પદનું પણ આકર્ષણ હોય છે. ત્યારે સાચા ગુરુ અહર્નિશ આત્મકસોટી કરતા રહેશે અને તેથી જ ઉપદેશની ભવ્યતા સાથે આચરણની ભવ્યતા જોઈએ. સામાન્ય વ્યક્તિને માટે જે નીતિ-નિયમોનું પાલન હોય છે, તે સંતને માટે તો અનિવાર્ય હોય છે, બલ્કે એને તો એનાથી પણ આગળ વધીને સંત પોતાના આચરણની એક ઊંચાઈ હાંસલ કરવી જોઈએ. એ ચોક્કસ.
મનઝરૂખો
યુવાવસ્થામાં ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થનારા રિચર્ડ એટનબરોના મનમાં ગાંધીજી પર એક ફિલ્મ બનાવવાનો વિચાર જાગ્યો. પોતાના આ વિચારને સાકાર કરવા માટે અવિરત પ્રયત્ન આદર્યો. મહાત્મા ગાંધીજીના જીવન પર ચલચિત્રનું નિર્માણ કરવા માટે અભ્યાસ, આયોજન, પાત્રવરણી, સેટિંગ્સ જેવી બાબતોમાં ઝીણવટ દાખવી. આ ફિલ્મનિર્માણમાં ખાસ્સાં વીસ વર્ષ વીતી ગયાં. આને માટે પચાસ વખત ભારતનો પ્રવાસ ખેડવો પડયો. પૈસા ખૂટયા ત્યારે ઈન્દિરા ગાંધીને સ્ક્રિપ્ટ મોકલી અને એમણે પાંચ કરોડ રૂપિયાની મદદ અપાવી.
આટલો બધો પુરુષાર્થ કરવા છતાં વાંકદેખુઓ રિચર્ડ એટનબરોને સવાલ પૂછતા હતા કે, 'જે વ્યક્તિએ આખું જીવન સાદાઈથી ગાળ્યું, એવા ગાંધીને માટે આટલી મોંઘી ફિલ્મ બનાવાય ખરી ?'
પરંતુ રિચર્ડ એટનબરો ફિલ્મની કોઈ પણ બાબતમાં સમાધાન કરવા ચાહતા નહોતા. એમને માટે પૈસાની ગણતરી મહત્ત્વની ન હતી. પણ મહાત્મા ગાંધીજીનો સંદેશ જનહૃદય સુધી પહોંચે, તે મહત્ત્વનું હતું. 'ગાંધી' ફિલ્મ સમયે અનેક વિવાદો વચ્ચે ઘેરાયેલા રિચર્ડ એટનબરો કહેતા કે એમનું આખું જીવન જ પ્રતિકૂળતાઓ વચ્ચે વીત્યું છે.
આ ફિલ્મ પહેલાંનું એમનું જીવન પ્રતિકુૂળતાઓથી ઘેરાયેલું રહ્યું હતું. આથી મુશ્કેલીઓ એમને મૂંઝવી શક્તી નહોતી. આ સંદર્ભમાં તેઓ ૧૯૪૫માં અભિનેત્રી શિલા સીમ સાથે કરેલા લગ્નના પ્રસંગની વાત કરતાં કહેતા.
'એ લગ્નના દિવસે હું જ્યારે લગ્ન અંગેની પ્રતિજ્ઞા બોલતો હતો, ત્યારે પાછળ બોમ્બ-ધડાકા થતા હતા. અને એના મોટા અવાજોને કારણે હું જોરથી બૂમ પાડીને મારી પત્નીને કહેતો હતો, હું તને પત્નીના રૂપે કબૂલ કરું છું.'
'જ્યારે લગ્નના સમયે આવી મુશ્કેલીઓ આવે ત્યારે સામાન્ય જીવનમાં તો આવે જ ને !' એમ કહીને રિચર્ડ એટનબરો પ્રતિકૂળતાઓને પાછી ધકેલી દેતા હતા.
ક્ષણનો સાક્ષાત્કાર
નિંદા, કટુતા અને ધિક્કારનું એક ચક્ર વ્યક્તિના ચિત્તમાં ઘુમતું હોય છે અને જ્યારે કોઈ એ સંદર્ભમાં વાત નીકળે કે તરત જ એ ચક્રમાંથી વિષ ધસમસતું પ્રગટવા માંડે છે. એક મિત્રને એના પિતાના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું, ત્યારે એણે સ્વાસ્થ્યની વાત કરવાને બદલે પિતાની કંજુસાઈની વાત શરૂ કરી. એમનાથી થતી પરેશાની ગણી-ગણીને કહેવા લાગ્યો. એમને કારણે એનો ઘરસંસાર કેવો બળી ગયો છે, એનો બળાપો કાઢ્યો. વીલમાં કશું નહીં આપીને કરેલા ઘોર વિશ્વાસઘાત અને દાખવેલી નિર્દયતાની વાત કરી.
આ મિત્રની સ્થિતિ એવી છે કે જે કોઈ એને ફોન કરે તે તરત જ નિંદા અને ૃધૃણાનાં ઝેરથી ભરેલું એનું ચક્ર ચાલવા લાગે. એક વાર કહ્યા પછી બીજી વાર ફોન કરો, તો પણ એ જ બધી અગાઉની નફરત રીપિટ થવા લાગે. આ સમયે એનો અવાજ ઉશ્કેરાટથી બદલાઈ જાય, એમ થાય કે હવે મોબાઈલ પર એનો જ્વાળામુખી ફાટી નીકળશે. એ જ દલીલો ચાલુ થઈ જાય અને એ જ ઉશ્કેરાટ. હકીકતમાં એ મિત્રએ પિતાની નિંદા કરવા માટે જેટલો પ્રયાસ કર્યો, તેનાથી થોડો પ્રયાસ પણ પિતા સાથે સમજાવટ કે સમાધાનથી કર્યો હોત તો આવી પરિસ્થિતિનું સર્જન થયું ન હોત. એના પિતાએ કેવી કપરી આર્થિક પરિસ્થિતિ વચ્ચે એને અભ્યાસ કરાવ્યો અને આગળ વધાર્યો એનું કદીય સ્મરણ કરતો નથી.
આ સંદર્ભમાં વ્યક્તિએ પારસ્પરિકતાનો નિયમ યાદ રાખવો જોઇએ. તમારી સાથે જે થાય તેવું તમે ઇચ્છો છો, તેવું તમે અન્યની સાથે કરો છો ખરા ? કે પછી અન્યને માટે તમારા માપદંડ જુદા છે અને પોતાને માટેનાં માપદંડ સાવ અલગ છે. હકીકતમાં એ વ્યક્તિને સ્થાને પોતાને મૂકીને વિચારવાથી ઘણી સમસ્યાઓ ઉકલી જાય છે. બીજાની દૃષ્ટિએ જગતને જોવું તેને અનેકાંતવાદ કહે છે. એવી અનેકાંત દૃષ્ટિ આવે તો આવા કેટલાય નિંદા, હેઇટ, તિરસ્કાર કે અપમાનનાં પ્રસંગો ટાળી શકાય. એમાં પણ જો કરુણા અને ક્ષમાનું તત્વ ભળે તો તો એ નિંદાનું વિષચક્ર અમૃતચક્ર બની જાય.