જ્ઞાનના મેળવણથી ફાટેલા દૂધમાં પોતાની ચાસણી ભેળવીને ખાટા દહીંને બદલે મીઠાં રસગુલ્લાં બનાવે એ ગુરુ!

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
જ્ઞાનના મેળવણથી ફાટેલા દૂધમાં પોતાની ચાસણી ભેળવીને ખાટા દહીંને બદલે મીઠાં રસગુલ્લાં બનાવે એ ગુરુ! 1 - image


- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- ગુરુ 'સીઝન' નથી પણ 'વિઝન' છે. ગુરુતત્વની સાચી વ્યાખ્યા શું હોઈ શકે? જિંદગીમાં  અસલી સદગુરુની પરખ કેવી રીતે થાય? ખરા ગુરૂ ક્યારે મળે? અને ના મળે તો શું કરવું?

ટીચર્સ ડે અને ગુરુ પૂણમા વચ્ચે શું તફાવત?

બધા જ્ઞાન આપનારા શિક્ષક કહેવાય, પણ ગુરુ નથી કહેવાતા. ગુરુ એ કહેવાય છે જે માત્ર જ્ઞાન નહિ પણ જીવન દ્રષ્ટિ આપે. આચાર અને વિચારની સાચી દિશા આપે. વિવેકબુદ્ધિ આપે કે શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ. આગળ વધવાની સમજણ આપે અને આનંદ માણવાનું ડહાપણ આપે એ ગુરુ. શબ્દના અર્થ મુજબ માનસિક અંધારાને દૂર કરી, નિરાશ નાસીપાસ જીવને સંઘર્ષ માટે પ્રેરણાનું બળ આપે તે ગુરુ. તમને એમના બંધનમાં બાંધીને પરાધીન રાખે નહિ, પણ તમારી ભીતર પડેલા તેજને ઢંઢોળી તમને તમારી જ શક્તિઓનો અહેસાસ કરાવીને સ્વતંત્ર કરે એ ગુરુ. કોઈ અઘરા લાગતા રહસ્યને સરળ બનાવીને તમારી અનુભૂતિને વિસ્તારે કે મૌન સંવાદમાં તમને શાંતિ અને ચૈતન્યનો અહેસાસ કરાવે તે ગુરુ. 

બધા ગુરૂ શિક્ષક હોય છે, પણ બધા શિક્ષકો ગુરુ જ હોય એવું જરૂરી નથી. મહાભારતના રચયિતા વેદવ્યાસ ગુરુ છે ને કૃષ્ણ તો જગદગુરુ છે, પણ દ્રોણાચાર્ય ઉત્તમોત્તમ વિદ્યા આપનાર કુશળ મેધાવી હોવા છતાં ગુરુ નથી. કોઈ વિદ્યાર્થીને એના જન્મ કે આર્થિક કક્ષાના આધારે દૂર રાખતા આચાર્ય ગુરુ નથી. ભેદ રાખે ને ભાવ ના રાખે એ ગમે એવા પ્રજ્ઞાવાન વિદ્વાન હોય, પણ ગુરુ નથી. જેનામાં સત્ય, પ્રેમ અને કરુણા ના હોય એ મહાન હોઈ શકે, માણસ ના હોઈ શકે ! માણસાઈ ચૂકી જાય એવા સ્વઘોષિત ગુરુઓ મૂળ તો લઘુ હોય છે મતિમાં. કોઇ ટૂરના ગાઈડ જે તે સ્થળની રસપ્રદ વિગતો આપે, પણ એથી એ ગુરુ નથી બની જતા. પણ સેંકડો વર્ષ પહેલાંની કોઈ કિતાબ આપણા મનના બંધ દરવાજા ખોલી દે ને હોઈએ એથી વધુ નવા બનાવે તો એ ગ્રંથ ગુરુ જરૂર બની જાય ! 

આજકાલ ગુરુઓનો રાફડો ફાટયો છે દુનિયામાં. મેનેજમેન્ટના કોર્સ કરાવનારને કે ટિકિટ શો રાખી મોટીવેશન ગોખેલા પારકા સૂત્રો ખુદ અપગ્રેડ થયા વિના રિપિટ કરનારને ય ગુરુ કહેવાય છે. દોઢ મિનિટની રીલમા કૂકિંગની કોઈ રેસિપી આપનાર કે ફેશનનો કોઈ મેક અપ બતાવનારને પણ ગુરુ કહેવાય છે!  બિચારા ખરા વિદ્યાગુરુઓનો કોઈ ભાવ નથી પૂછતું અને બિઝનેસ કે સ્પોર્ટ્સ, પોલિટિકસ કે પોડકાસ્ટ કરનારા ગુરુપદે ગોઠવાઈ જાય છે. જિંદગીની સમસ્યાઓની પૂરી સમજ ના હોય એવા છોકરડા છોકરડીઓ તંત્રમંત્રની હાટડીઓ પશ્ચિમના વિજ્ઞાને શોધેલા યંત્ર મારફતે ગુરુ બનીને ફોલોઅર્સ પેદા કરે છે. જેમને વિડીયોની લાઈકસ જોઈ કિક લાગે છે, એ મોહમાયાના ત્યાગ તણા ગુરુજ્ઞાનની દુકાનો માંડીને બેઠા છે. ધર્મના નામે સંપત્તિના વિવાદો, શોષણની ફરિયાદો અને ખુદના આડંબરની યાદો ભેગી કરનારા ગુરુઓ પોતાની પૂજા કરાવડાવે છે. આ બધા કરતાં તો ચૂપચાપ જોઈએ એ વિગત કે વિડિયો કે ફોટો કે વોટેવર હાજર કરતા ગૂગલગુરુને વંદન કરી લેવા સારા ! 

ગુરુનો અહમ રાખ્યા વિના, કંઠી બાંધ્યા વિના, પ્રેમભાવે સમાજને સમજ આપે, તે સાચા ગુરુ. આપણે ત્યાં અસલી ગુરુ છે તો નકલી ગુરુઓ પણ છે, જે મીડિયા કે પ્રચારનો ઉપયોગ કરી, આપણને મુરખ બનાવે છે. સોશિયલ નેટવર્કના જમાનામાં બધા જ લોકો પોતાની જાતને એકસ્પર્ટ માનવા લાગ્યા છે. જેન્યુઈન  અલગારી ગુરુ ઢંકાતા જાય છે. બનાવટી, નકલી એકસ્પર્ટ પાંચ- પંદર લીટી લખીને કે બીજાની કોપી કરીને વોટસએપ, ફેસબૂક ઉપર મૂકીને પોતાની જાતને સુપરગુરુ માનવા લાગે છે.

ગુરુ મોટીવેટર છે. જે પ્રેરણા આપે, ગુરૂ નેવીગેટર છે, જે રસ્તો બતાવે, ગુરુ લીડર છે. નેતા છે, જે તમારી આગળ ચાલીને તમારા સંકટને નિવારે. ગુરુ પ્રોગ્રેસીવ હોય, તે હંમેશા આગળનો જ વિચાર કરે, ગુરુ શિખર પર ચડાવે, પણ અત્યારના નકલી ગુરુઓ આગળને બદલે પાછળ ધકેલે છે. જેણે કોઈ નક્કર કામગીરી કરી નથી, જેણે કાંઈ તપ કર્યું નથી, તેવા લોકો ટીવી, મોબાઈલના જોરે અંધશ્રધ્ધા કે જૂનવાણી કે જૂની સદીની પછાત વાતો કરી સમાજને ઉંધા રસ્તે ચડાવે છે. આધુનિક્તાને, સહજ સૌંદર્યને, કળા અને વિજ્ઞાનને, વૈશ્વિક અખિલાઇ સાથે ઇશ્ક મહોબ્બત અને આનંદહાસ્યને સ્વીકારે નહિ એવા દંભી  કે સંકુચિત ગુરુ સાચા નહિ પણ કાચા. 

રીડર બિરાદર હકીમ રંગવાલાએ એક ગુરુ પૂર્ણિમાએ વિચારશીલ પીસ લખેલો ઓનલાઇન. મમળાવો.  

'ધારો કે, કોઈ માણસને દોડવીર યુસેન બોલ્ટ પહેરતો એ કંપનીના એ જ શ્રેણીના રનિંગ શૂઝ મળી જાય તો એ માણસ યુસેન બોલ્ટની જેવું દોડી શકે ? સરળ જવાબ છે, ન જ દોડી શકે. કારણ કે ગમે તેવા કિંમતી સગવડતા ધરાવતા શૂઝ પણ કોઈ માણસને દોડવાની શક્તિ આપી શકતા નથી, પણ જો માણસે તન તોડીને વરસોની મહેનત કરી હોય તો કિંમતી શૂઝ એને થોડીક સગવડ આપી શકે છે દોડવા માટે.

આ જ વાત 'ગુરુ'ને પણ લાગુ પડે છે. ગમે તેવા મહાન ગુરૂ પણ કોઈ માણસ એમને ગુરુ તરીકે સ્વીકારીને એમના ગુણગાન ગાતો રહે અને એમની પૂજા અર્ચના, પ્રાર્થના કરતો રહે તો પણ આ દુનિયાનો કોઈ ગુરુ એવા ભક્તની અંદર આંતરિક શક્તિ ઉપરથી નાખી શકતા નથી જ, પણ કોઈએ આંતરિક શક્તિ પોતાની જાત મહેનતે વરસોની સાધના પછી મેળવેલી હોય તો ગુરુ એવા શિષ્યને પોતાના અનુભવથી મેળવ્યું હોય એ 'માર્ગ' તરફ ઈશારો કરી શકે, અને આવા સાચા ગુરુના માર્ગદર્શનથી શિષ્ય સત્યની કરીબી ઝાંખી કરી શકે. બાકી દરેક માણસે પોતાની તરસ, તડપ અને મહેનત પર જ આધાર રાખવો પડે, અને જો એ તરસ, તડપ અને મહેનત સાચી દિશાની હોય તો સાચા ગુરુ આપોઆપ મળી રહે છે.

આ દુનિયામાં રામને હનુમાન નથી મળતા પણ હનુમાનને રામ મળી રહે છે કારણ કે એમની પોતાની આંતરિક શક્તિઓ ઉજાગર કરવા હનુમાનજીએ વરસોની સાધના કરી છે. એ જ રીતે કૃષ્ણને અર્જુન નથી મળતા પણ અર્જુનને કૃષ્ણ ગુરુ તરીકે એની મહેનતના બદલાના ઈનામમાં મળી રહે છે. આનંદને બુદ્ધ મળે છે અને અલીને મહંમદ પેગમ્બર મળી જાય છે.

અસંખ્ય માણસો કૃષ્ણ, રામ, બુદ્ધ કે મહંમદ પેગમ્બરને પોતાના ગુરુ તરીકે ઓળખાવે છે અને ક્રિયાકાંડોમાં રત રહે છે પણ એમાંના કોઈ અર્જુન કે આનંદ નથી બની શકતા, કારણ કે માનવશ્રેષ્ઠ મહાત્માઓને પોતાના રાહબર, ગુરુ કહી દેવાથી કઈ માણસ પોતે મહાન બની જતો નથી પણ પોતાની જાત સાથે જાગરણ કરીને અખૂટ મહેનત કરીને જ કોઈપણ માણસને સાચા ગુરુ ઈનામ તરીકે મળે છે એ જ કુદરતી વ્યવસ્થા છે.'

જેબ્બાત. ગુરુઓના પણ મહાગુરુ ઓશો રજનીશ તો એમ કહેતા કે 'આપણે ત્યાં જે શિષ્યો ગુરુને ગોતવા નીકળી પડે છે. મોટા ભાગના એ બધા અધૂરિયા કે અક્કલ વગરના હોય છે. એમની વ્યાખ્યા ને કસોટીમાં ફિટ થાય એવા પોતાની જેવા ઔસત યાને એવરેજ ગુરુ એમને ગમી જાય છે. એમને લક્ષણ સાથે મતલબ નથી, લાભ સાથે છે. વિચાર પારખતા નથી, વ્યવહાર જોઈને પ્રભાવિત થઈ જાય છે. ઉસ્તાદ જાદૂગરોને સંત માની લે છે. એમના વિલાસ માટે ગુરુની કૃપા ઝંખે છે. વિકાસ માટે નહી ! ખરા ગુરુ એમ મળે નહી, એવા ગુરુ મેળવવા હોય તો પહેલાં શિષ્ય બનવાની તૈયારી ને સમજ કેળવો. તમે ખાલી પાત્ર બનો તો કોઈ ગુરુ અચાનક આવીને તમને ભરી દેશે. ત્રાજવાં ફગાવી દો તમારા દુન્યવી માપદંડના. સહજ, સરળ, સુંદર, શાંત, સ્મિતસભર બનો. પરમાત્મા બહાર નથી. તમારી અંદર છે. ગુરુ તો બસ એક તબલાની થાપ કે બાંસુરીના સૂર છે. જેના થકી તમારા પગ ને દિલ ડોલવા લાગે. પછી મિત્ર ના બની શકે એવા ગુરુને પણ હટાવી પોતાની યાત્રા જાતે કરો !'

વાહ ! ઓશોના સાવ સામે છેડે ઉભેલા મહાત્મા ગાંધી પણ અહીં જાણે એકમત છે. ગાંધીજીના ગુરુ તરીકે શ્રીમદ રાજચંદ્રથી ગોપાલકૃષ્ણ ગોખલે સુધીના નામો લેવાય છે. પણ એ બધા સાથેનો એમનો સંવાદ વાંચો તો ખ્યાલ આવે કે આદર આપતા હોવા છતાં ને કશુંક શીખ્યા હોવા છતાં ગાંધીજીએ એ કોઈને પોતાના ગુરુ નહોતા માન્યા ! હા, રસ્કિન, થોરો, તોલ્સતોય જેવા લેખકો કે ગીતા, બાઇબલ, કુરાન જેવા ધર્મપુસ્તકોમાંથી ગાંધી ઘણું શીખ્યા. પણ એમનો એક જ ગુરુ હતો. એમનો અંતરાત્મા ! આત્મ દીપો ભવ ! પરમાત્મા બહાર કોઈના ટેકે શોધવાનો નથી પણ અંદર જ જાતે ઓળખવાનો છે, એ એમની ખરી આધ્યાત્મિક સમજ હતી ! આપણે સમર્પિત થવાનું નરસિંહ મહેતાની જેમ. આપોઆપ ખુદ શામળિયો આવશે સામેથી ! 

    

આપણે તો આ બધાને ગુરૂ માનીએ. દત્તાત્રેયની જેમ જ્યાંથી તેજીને ટકોરો પડયો એ ગુરુઓને નવકાર મંત્રની જેમ વંદન કરી લઈએ. જૂલે  વર્ન પણ ગુરુ ને મિર્ઝા ગાલિબ પણ. શેરલોક હોમ્સ પણ અને ઓસ્કાર વાઈલ્ડ પણ. સ્ટીવન સ્પીલબર્ગ ને વોલ્ટ ડિઝની, જે.કે. રોલિંગ અને રમણલાલ સોની, આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને લિયોનાર્દો દ વિન્ચી, એમ. એસ. ધોની અને એમ. એફ. હુસેન, ટ્વિંકલ ખન્ના અને શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન અને સલીમ જાવેદ, વિક્ટર હ્યુગો અને પાઉલો કોએલ્હો, કવિ કાલિદાસ અને મહર્ષિ વાલ્મીકિ, વેદ વ્યાસથી ઓશો અને ગાંધીથી મોદી, મેઘાણીથી મુકુલ આનંદ સુધીના કેટલાય ગુરુ કર્યા છે, મમ્મી પપ્પા તો ખરા જ. લાગી છૂટે ના, યાદી ખૂટે ના...પણ આમાં ગુરૂ કરતાં મહત્વનું છે ગુરુતત્વ. ગુરુપણાનું સત્વ. એ નરસિંહ મહેતાથી નટરાજ શિવના સંગમની જેમ કોઇમાં સાક્ષાત અનુભવાયું હોય તો એ છે સનાતનના સોના જેવા સદગુરુ મોરારિબાપુ. કબીર  કહેતા એવા વિધિમુક્ત વિધાનના એ સાધુ છે. સંપૂર્ણ સહજ. કોઈ અભિનય કે આડંબર નહિ. સર્વનો સ્વીકાર પણ સંગ્રહ કશાનો નહિ. જેમની હાજરીમાં આપણે લઘુ ના થઈએ એ સર્વોત્તમ ગુરુ. બાપુનો પ્રભાવ હોવા છતાં આ સ્વભાવ છે. એ નાનાને મોટા કરે છે. પ્રિય બાપુ શું કહે છે ગુરુતત્વ બાબતે ? માનસરોવરમાંથી ભરેલી આચમની વાંચો :

बाह पकरी कढी लीन्हे अखुने,

अब बोलत मेरी बिरथा जानी ।

अपना नाम जपाया ।

નાનકદેવ કહે છે કે, મારી વ્યથા, મારી ગ્લાનિ, મારી પીડા, મારું દર્દ કશું મેં વ્યક્ત ન કર્યું; મેં કશું કહ્યું નહીં; મારી વણબોલાયેલી વ્યથા એમણે જાણી લીધી. એ જ છે ઠાકુર. એ જ છે ગુરુ. તારી સામે મારા હાલ છે. મારે બોલવાની જરૂર નથી. આ બહુ મોટી ઓળખ છે ઠાકુરની, ગુરુની કે જે આપણી વણબોલાયેલી પીડાને જાણી લે છે !

ગુરુના ઘણા પ્રકાર છે. એક તો કુલગુરુ હોય. અમુક કુળનો ગુરુ હોય. અમુક રાજગુરુ હોય છે. સમ્રાટો પણ જેને ગુરુ કહેતા હોય; એની શીખ માનતા હોય. અમુક ધર્મગુરુ હોય છે. 

બધાથી ધીરે ધીરે ઓવરટેક કરતાં-કરતાં જેની સાધના એવા મુકામે પહોંચે, એવા પડાવે પહોંચે ત્યારે સમાજ એને સદગુરુ તરીકે પોકારે છે. મારી દ્રષ્ટિએ આખી રવિ-ભાણ ધારા સદગુરુ છે. મારી દ્રષ્ટિએ ભાણસાહેબ સદગુરુ છે. 'સદ્' શબ્દ તો મધ્યકાલીન સંતોને લગાડવો પડયો, કારણ કે ખોટા ગુરુઓ આવ્યા! બાકી ઉપનિષદ તો 'ગુરુ' શબ્દનો જ ઉપયોગ કરે છે. ઘણા ધર્મ છે. એમાં જે જે મહાપુરુષો આવ્યા એ ધર્મગુરુ હોઇ શકે, પણ સદગુરુ હોય કે કેમ, એ મને ખબર નથી. ધર્મગુરુ પૂજ્ય હોય છે, સદગુરુ પ્રિય હોય છે. ધર્મગુરુને પૂજવો જ પડે. દંડવત્ કરવા જ પડે. નહીંતર લાઠી તો એની પાસે હોય જ છે ! ધર્મ સિદ્ધાંત આપશે, આપવા જોઇએ. સદગુરુ સત્ય આપશે. સદગુરુ એની પાસે અગ્ર ભાગમાં જે 'સદ્' છે એ જ આપણને આપી દે. લે, આ 'સદ્' લઇ જા. સદગુરુ હોય એ બધું હોય. 

એ ધર્મ સમજાવે ને ભ્રમ ભાંગે ને મર્મોનું જ્ઞાન આપે ને એ બધું કરે. સદગુરુ હોય એ બધું કરી શકે. સદગુરુ હોય એને બોલિંગ પણ આવડતી હોય, બેટિંગ પણ આવડતી હોય અને ફિલ્ડિંગ પણ આવડતી હોય, વિકેટકીપિંગ પણ આવડતું હોય. એને બધું જ આવડે. અમ્પાયરિંગ સોંપો તો એ કામ પણ કરી શકે. એ ટીમનો કપ્તાન પણ બની શકે. છેલ્લો અગિયારમો ખેલાડી પણ બની શકે. એ ક્ષેત્રપાલ-રક્ષક પણ બની શકે. 'ઓલ ઇન વન' બની શકે. હાથીનાં પગલાંમાં બધાં પગલાં સમાઇ જાય. 

હું તો કોઇનો ગુરુ નથી. મારે દાદાગુરુ છે, પણ હું કોઇનો ગુરુ નથી. મારાં બધાં ફ્લાવર્સ છે. મારા શ્રોતા બધાં ફૂલ છે અને એ ફૂલવાડીનો હું માલિક નથી, માળી છું ગુરુકૃપાથી. લોકો એમ કહે ને કે ભાઇ, અમારી પાસે આટલા માણસો છે. એનાથી ભૌતિક પ્રભાવ પડશે. ભૌતિક સફળતા પણ મળશે, અવશ્ય, પરંતુ જેના માટે આપણે આવ્યા છીએ આ ધરતી પર. આપણને ઇશ્વરે મૂક્યા છે એ મૂળ વસ્તુ ક્યાંક ચુકાઇ જશે. બીજાનો દ્વેષ કરવા માટે આપણે કદમો ઉપાડીએ છીએ, એ આપણા માટે કુપંથ છે. એટલું ધ્યાન રાખીએ કે મારું મન કોઇ દિવસ કુપંથે ન જાય. સાવધાની રાખીએ બસ અને એ સાવધાની રાખવા માટે કોઇ ગુરુપદની જરૂર છે કે સમયે-સમયે મને ને તમને સાવધાન કરે. ફરી એક વખત ત્યાં જઇને પાછો ફરી જાઉં, સદગુરુ એ ડિગ્રી નથી, વૃત્તિ છે. એ સદ્ગત્તિનું નામ છે સદગુરુ.'

તો રીડરબિરાદર, ગુરુ શબ્દ ભારતમાં આધ્યાત્મિક અર્થમાં લેવાય છે કારણ કે, આ સંસ્કૃતિ એવું સ્વીકારે છે કે કશુંક ગેબી ગૂઢ છે, જેની અસીમ શક્તિ છે. જેની ચેતના પામવા તો ઠીક, જોવા માટે પણ કોઈક અનુભવીની આંગળી ઝાલવી પડશે. જીવન પોતે પણ એક ગુરૂ છે. ક્યારેક ગુરુને શિષ્ય બગાડે તો તો ક્યારે ચેત મછંદર ગોરખ આયા કહીને જગાડે ! જીવતા તો ઠીક, મરતા શીખવાડે એ સદગુરુ ! કોઈ યોગ્ય વ્યક્તિ ના મળે તો કંઠી બાંધ્યા વિના કરવા જેવા ગુરુ કોણ? સાહિત્ય અને કળા. સર્જન અને મનોરંજન. આપણે યુનિવર્સિટીના નહિ, પ્રકૃતિની મલ્ટીવર્સિટીનો આજીવન વિદ્યાર્થી થવું. વિશ્વ મારું વિદ્યાલય, અસ્તિત્વ મારું અધ્યાપક. જ્ઞાન પણ ગુરુભાવ કરતા મિત્રભાવે વહેંચવું ગમે. તો પછી સિનેમા થિયેટર પણ 'આશ્રમ' લાગે ને રૂપ પણ પૂજા લાગે. પહેલા પૂછેલા સવાલનો આખરી જવાબ આટલો જ :

શીખવે તે શિક્ષક, 

જીવે તે ગુરુ.

ફાસ્ટ ફોરવર્ડ 

બાળક ને મેં ગુરુ કીધો,

પછી જીવન રસ મેં પીધો!

ક્ષણમાં હસવું મન મૂકી ને,

આંસુ લૂછવું બધું ભૂલી ને,

પડવું આખડવું મોજથી,

પે'લો ઘૂંટ એ શીખનો પીધો!

બાળકને મેં ગુરુ કીધો!

કરવી કિટ્ટા કરવી બુચ્ચા,

મનમાં આવે ના ભાવ કોઈ લુચ્ચા,

સરળ હૃદયનો સ્વભાવ મેં કીધો,

બીજો ગુણ તે આ મેં લીધો,

બાળકને મેં ગુરુ કીધો!

બોલાવે પ્રેમથી તો જાઉં દોડી

ના હોય પ્રેમ તો ભાગું હાથ છોડી,

ખુદની મરજી ખુદની રીત

ત્રીજો ગુણ આવો લીધો,

બાળક ને મેં ગુરુ કીધો!

મન પડે ત્યાં મીંચુ આંખ,

સપનાથી થવું રળિયાત,

વ્યર્થની ચિંતા મૂકવી આઘી,

ચોથો ગુણ મેં આને કીધો,

બાળકને મેં ગુરુ કીધો!

ગુરુ પૂર્ણિમાએ કીધા વંદન,

કોમળ સ્પર્શ ના મીઠા સ્પંદન,

બાળ ગુરુને અભિનંદન,

કઠોર ભાવોને ધક્કો દીધો,

બાળકને મેં ગુરુ કીધો!

બાળક ને મેં ગુરુ કીધો,

પછી જીવન રસ મેં પીધો!

- મેહુલ ભટ્ટ


Google NewsGoogle News