હાઈ બ્લડપ્રેશરની સારવાર .
- હેલ્થકેર-ડો.સંજીવ ફાટક
અગઉ આપણે હાઈ બ્લડ પ્રેેશર એટલે કે હાઇપરટેન્શન ના કારણો વિશે વાત કરી આજે આપણે એની સારવાર વિશે વાત કરીશું.
હાઇપરટેન્શનના દર્દીએ કઈ તપાસ કરાવવી જોઈએ?
સૌપ્રથમ તો બેથી ત્રણ વખત બ્લડ પ્રેશર માપીને હાઈબ્લડપ્રેશર છે કે કેમ તેનું નિદાન સચોટપણે કરાવવું જોઈએ. ત્યારબાદ હાઇપરટેન્શન કયા કારણસર થયું તે જાણવા માટે જો ડોક્ટર ને જરૂરી લાગે તો કિડની માટે ક્રિએટીનની તપાસ, યુરિનમાં પ્રોટીન જાય છે કે નહીં તેની તપાસ અને કેટલાક કેસમાં કિડનીની સોનોગ્રાફી તેમજ કિડનીને લોહી બરાબર મળે છે કે નહીં તેની ડોપલરની તપાસ કરાવવી જોઈએ. હાઈબ્લડપ્રેશરની અસર તમારા હૃદય પર થયેલી છે કે નહીં તે જાણવા માટે કાર્ડિયોગ્રામ (ECG) તેમજ કેટલાક કેસમાં 2D ECHOની તપાસ પણ કરાવવી જોઈએ. સામાન્ય રીતે હાઇપરટેન્શનના ઘણાખરા દર્દીને સાથે ડાયાબિટીસ અથવા કોલેસ્ટ્રોલ વધુ હોવાની પણ શક્યતા હોય છે તેથી તેની તપાસ પણ અવશ્ય કરાવી લેવી જોઈએ. તદુપરાંત ડોક્ટરને જરૂરી લાગે તો હિમોગ્લોબીન, યુરિક એસિડ અને શરીરમાં ક્ષારની માત્રા-સોડિયમ અને પોટેશિયમની તપાસ કરાવવી હિતાવહ છે.
હાઈપરટેન્શનની સારવાર ક્યારે લેવી જોઈએ?
સામાન્ય રીતે બ્લડપ્રેશર જો બે કે ત્રણ વખત થોડુંક વધારે આવે(૧૩૦/૮૦) અથવા એક જ વખત ખૂબ વધારે આવે(૧૬૦/૧૦૦) તો સારવાર તરત જ ચાલુ કરી દેવી જોઈએ. હાઈબ્લડ પ્રેશરની સારવારમાં દવાઓ ઉપરાંત જીવનશૈલીનો બદલાવ પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.
જીવનશૈલીમાં કયા ફેરફાર કરવા જોઈએ?
(૧) ખોરાક : ખોરાકમાં શાકભાજી, કઠોળ, આખા અનાજ અને ફળોનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવો જોઈએ. સોડિયમની માત્રા એટલે કે મીઠાની માત્રા બને એટલી ઓછી લેવી જોઈએ. સામાન્ય રીતે હાઈબ્લડપ્રેશરના દર્દીએ આખા દિવસમાં પાંચ ગ્રામ કરતા ઓછું મીઠું એટલે કે ૨૩૦૦ મિલિગ્રામ કરતાં ઓછું સોડિયમ લેવું જોઈએ ખોરાકમાં પોટેશિયમ ની માત્રા વધારે લેવી જોઈએ એટલે કે પોટેશિયમ વાળા ફળો જેમ કે નારંગી, મોસંબી, નાળિયેર પાણી વગેરે વિશેષ પ્રમાણમાં લેવા જોઈએ.
(૨) નિયમિત વ્યાયામ : હાઈબ્લડપ્રેશરના દર્દી માટે નિયમિત વ્યાયામ ખૂબ જ ઉપયોગી છે. દરરોજ ૩૦ મિનિટ ચાલવું કે બીજી કોઈ કસરત કરવી સલાહ ભરેલી છે. યોગાસન અને પ્રાણાયામ પણ બ્લડ પ્રેશરને કાબુ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.
(૩) વજનનું નિયમન : જે વ્યક્તિનું વજન વધારે હોય તે વજન ઓછું કરે તો તેનાથી પણ બ્લડપ્રેશરમાં સારો એવો ફાયદો
થાય છે.
(૪) વ્યસનોનું વ્યંજન : તમાકુ, સિગરેટ તેમજ દારૂનું સેવન બ્લડપ્રેશર વધારવામાં જવાબદાર હોય છે તેથી વ્યસનોથી દૂર રહેવું હાઈબ્લડપ્રેશર માટે સલાહભર્યું છે.
(૫) માનસિક તાણનું નિવારણ : માનસિક તાણ પણ બ્લડપ્રેશર વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે તેથી ધ્યાન, પ્રાણાયામ કે બીજી રિલેક્સેશન ટેકનિક પણ બ્લડપ્રેશર કાબુ કરવામાં મહત્વની છે.
બ્લડપ્રેશરની દવા હંમેશા નિયમિતરૂપે અને નિયત સમયે લેવી જોઈએ. ખાધા પહેલા લેવી કે ખાધા પછી લેવી તે મહત્વનું નથી. બ્લડપ્રેશર નોર્મલ થઈ જાય તો પણ ડોક્ટરની સલાહ વગર બ્લડપ્રેશરની દવા બંધ કે ઓછી ન કરવી જોઈએ.
બ્લડ પ્રેશર ની સારવારમાં કઈ દવાઓ વપરાય છે?
DIURETICS: એટલે કે Thiazide, Chlorthalidone જેવી દવાઓ શરીરમાંથી વધારાના ક્ષાર અને પાણીનો નિકાલ કરે છે અને તેથી બ્લડપ્રેશર કાબુ કરવા માટે મહત્વનો ભાગ ભજવે છે ક્યારેક આ દવાઓના કારણે સોડિયમ ઘટી જવું અથવા યુરિક એસિડ વધી જવું જેવી આડઅસર થઈ શકતી હોય છે.
ACE INHIBITORS : જેમકે Lisinopril, Ramipril-વગેરે દવાઓ બ્લડપ્રેશર કાબુ કરવા ઉપરાંત હૃદય અને કિડની માટે પણ વિશેષ ઉપયોગી છે. ક્યારેક આ દવાઓથી સૂકી ઉધરસ થઈ શકે છે.
ARB: જેમકે Losartan, Telmisartan-આ દવાઓ પણ બ્લડ પ્રેેશર કાબુ કરવા માટે વિશેષ ઉપયોગી છ. પ્રમાણમાં ઘણી જ સુરક્ષિત છે અને ડાયાબિટીસના મોટાભાગના દર્દીઓને આ દવા આપવામાં આવતી હોય છે.આ દવાઓ પણ હૃદય રોગ અને કિડની માટે ખૂબ ઉપયોગી છે.
CALCIUM CHANNEL BLOCKER : જેમકે Amlodipine, Cilnidipine-આ દવાઓ પણ બ્લડપ્રેશર કાબુ કરવા માટે મહત્વની છે. આ દવાથી કેટલીક વાર પગે સોજા આવી શકે અથવા પેઢા નો સોજો થઈ શકે છે.
BETA BLOCKERS: જેમકે Metoprolol, Bisoprolol-વગેરે આ દવાઓ હૃદયના ધબકારા અને કાડયાક આઉટપુટ ઘટાડીને બ્લડપ્રેશરને કાબુ કરવાનું કામ કરે છે હૃદય રોગના દર્દીઓ માટે આ દવા ખૂબ ઉપયોગી છે.
આ ઉપરાંત ઘણા કેસમાં આ બધી દવાઓ લેવા છતાં કાબુમાં ન આવે તો Clonidine, Prazosin અને Spironolactone જેવી દવાઓ પણ બ્લડ પ્રેશરને કાબુ કરવા માટે વાપરવામાં આવતી હોય છે.
સામાન્ય રીતે બ્લડપ્રેશરની સારવાર એક દવા અથવા એક સાથે બે દવાઓના મિશ્રણથી કરવામાં આવે છે. દવા ચાલુ કર્યા પછી નિયમિત રૂપે બ્લડપ્રેશરની તપાસ કરાવતા રહેવી જોઈએ અને તેમજ જીવનશૈલીમાં ફેરફાર ચાલુ રાખવા જોઈએ .
અંતે મહત્વની વાત એ છે કે હાઇપરટેન્શનના દર્દીએ સારવાર ખૂબ જ નિયમિત લેવી જોઈએ દવા કોઈ પણ હિસાબે ભૂલી ન જવી જોઈએ . આ દવાઓથી લો-બીપી થઈ જતું નથી તેથી જો પ્રેશર નોર્મલ હોય તો દવા બંધ કરી દેવી એ બહુ મોટી ભૂલ કહેવાય.