Get The App

કુછ યાદ ઇન્‍હેં ભી કર લો...

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
કુછ યાદ ઇન્‍હેં ભી કર લો... 1 - image


- એકનજરઆતરફ-હર્ષલપુષ્કર્ણા

- જુલાઈ 1999 ~ જુલાઈ 2024 : કાર‌ગિલ યુદ્ધનાં 25 વર્ષ નિમિત્તે તોલો‌લિંગના મોરચે લડેલા યુવાન યોદ્ધાઓને શા‌બ્‍દિક સલામ

- આલ્‍ફા કંપનીના સેકન્‍ડ-ઇન-કમાન્‍ડ કેપ્‍ટન ‌વિજયન્‍ત થાપર પહેલાં આઘાતથી અને પછી આક્રોશથી એવા સમસમી ઊઠ્યા કે શત્રુ તરફ ત્રાડ નાખતા બોલ્‍યા, ‘ભાગ જાઓ, કા‌ફિરોં... તુમ ક્યા લડોગે?...’

શ્રીનગરથી લેહના અધરસ્‍તે દ્રાસ નામનું ગામ આવે છે. પા‌કિસ્‍તાન સામે ૧૯૯૯માં ખેલાયેલા કાર‌ગિલ યુદ્ધનું ‌વિશાળ સ્‍મારક ત્‍યાં બનેલું છે, જેના ‌વિજય પથ કહેવાતા રસ્‍તે પગપાળા આગળ વધો ત્‍યારે ‌બિલકુલ સામે ભારતનો ‌તિરંગો છટાભેર લહેરાતો જોઈ હૃદયના ધબકારા જરાક વાર માટે વધી જાય. શરીરમાં ગરમી આવે અને અંગ્રેજીમાં જેને goosebumps/ ગૂસબમ્‍પ્સ કહેવાય તે રુંવાટા ખડા થઈ ગયાની લાગણી જન્‍મે.

ઊંચા સ્‍તંભ પર ફરકતા ‌તિરંગાના બેકગ્રાઉન્‍ડમાં એક ગગનચુંબી પર્વત પર અંગ્રેજીમાં તોલો‌લિંગ લખ્યું છે. વાસ્‍તવમાં તે કોઈ એક પર્વતનું નામ નથી. બલકે, તેની અડખેપડખે ખભેખભા ‌મિલાવીને ઊભેલા પહાડોની શૃંખલા તોલો‌લિંગ કહેવાય છે. કાર‌ગિલ સ્‍મારકથી ઊભા ઊભા એ પહાડોની ચોટી પર નજર કરો તો સમજાઈ જાય કે અહીંથી જેમ પર્વતોનાં ‌શિખર દેખાય એ જ પ્રમાણે ‌શિખરોથી પણ દ્રાસનો મેદાની પ્રદેશ સ્‍પષ્‍ટ દેખાતો હોવો જોઈએ. આથી જ એ‌પ્રિલ-મે, ૧૯૯૯ દરમ્‍યાન પાક સૈ‌નિકો તથા ઘૂસણખોરો તોલો‌લિંગના ‌શિખરોમાં અડ્ડો જમાવીને બેસી ગયેલા. શ્રીનગર-લેહને જોડતા હાઈ-વે પર હંકારતા ભારતીય લશ્‍કરનાં વાહનોને લક્ષ્‍યાંક બનાવી સપ્‍લાય લાઇન તોડી નાખવી, ધોરીમાર્ગ કબજે લઈ લેવો અને લદ્દાખને કાશ્‍મીરથી છૂટું પાડી દેવું એવી વ્‍યૂહાત્‍મક યોજના પા‌કિસ્‍તાનના જનરલ પરવેઝ મુશર્રફે ઘડી કાઢી હતી.

લશ્‍કરી દૃ‌ષ્‍ટિએ જોતાં યુદ્ધની બાજીમાં મુશર્રફનો પ્‍લાન હુકમનો એક્કો હતો, પણ તેને જોકરમાં તબદીલ કરી દેવા માટે ભારતીય સેનાએ ‘ઓપરેશન ‌વિજય’ હેઠળ મહા લશ્કરી અ‌ભિયાન ઉપાડ્યું.

જુલાઈ, ૨૦૨૪નો મ‌હિનો ‘ઓપરેશન ‌વિજય’ની જ્વલંત સફળતાની પચ્‍ચીસમી ‌જયં‌તિનો છે. આ ‌નિ‌મિત્તે તોલો‌લિંગ મોરચે ખેલાયેલા એક ભીષણ તેમજ યુદ્ધની બાજી ભારતની તરફેણમાં બદલી દેનાર સંગ્રામને અહીં તાજો કર્યો છે. આગામી વર્ણન ભારતના સપૂતોના શૌર્યને શા‌બ્‍દિક સલામી વત્તા તેમના સર્વોચ્‍ચ બ‌લિદાનને નતમસ્‍તક અંજ‌લિ છે.

■■■

દ્રાસ પર તેમજ શ્રીનગર-લેહ હાઈ-વે પર 24x7 નજર રાખવા માટે પા‌કિસ્‍તાને તોલો‌લિંગ શૃંખલાની જે અમુક ટેકરીઓ પર અડ્ડો જમાવેલો તેમાંની એક માર્પોલા નામની હતી. સમુદ્ર સપાટીથી લગભગ ૧૬,પ૦૦ ફીટ ઊંચે તેનું ‌શિખર ત્રણ પેટા ટેકરીઓ વડે બનેલું હતું. એકનું નામ lone/ લોન ‌હિલ; બીજીનું knoll/ નોલ ‌હિલ; ત્રીજી Three Pimples/ થ્રી ‌પિમ્‍પલ્‍સ તરીકે એટલા માટે ઓળખાતી કે તેનાં ભૌગો‌લિક ફીચર્સ ચહેરા પર થયેલા ખીલ (‌પિમ્‍પલ) જેવાં હતાં.

ત્રણેય ટેકરી પર પા‌કિસ્‍તાની સૈનિકો તથા ઘૂસણખોર કબાલીઓ AK-47 રાઇફલ્‍સ, ભારે તેમજ હળવી મશીન ગન્‍સ, મોર્ટાર તોપો, રોકેટ લોન્‍ચર્સ, હેન્‍ડ ગ્રેનેડ વગેરે જેવાં શસ્‍ત્રો લઈને ગોઠવાઈ ગયા હતા. પહાડી પથ્થરોના ચણતર વડે બનેલા મજબૂત બંકર્સના ખોબલા જેવડા ગોખલામાંથી તેઓ ફાય‌રિંગ કરી શકે, જ્યારે સામી તરફથી આવી શકતા ભારતીય ફાય‌રિંગ સામે તેમને જાડી દીવાલોનું કવચ મળી રહેતું. આકાશી માર્ગે આપણા લડાકુ ‌વિમાનો તથા હે‌લિકોપ્‍ટરો ત્રણેય ટેકરીના બંકરોને ‌મિસાઇલ વડે ભૂંજી શકે—અને એવો પ્રયત્‍ન કરવામાં પણ આવ્યો. પરંતુ પા‌કિસ્‍તાની રોકેટ લોન્‍ચર્સે આપણા હે‌લિકોપ્‍ટરને ભર આકાશે વીંધી નાખ્યું એ પછી ભારતીય વાયુ સેનાએ થોડોક સમય હવાઈ હુમલા પર રોક લગાવી દીધી હતી.

સાડા સોળ હજાર ફીટની ઊંચાઈએ પહોંચવું, ત્રણેય ટેકરીઓ (નામે: લોન, નોલ અને થ્રી ‌પિમ્‍પલ્‍સ) સુધી ગુપચુપ આગળ વધવું, શત્રુની નજરે ચડી ગયા પછી તેની અંધાધૂંધ ગોળીબારીથી તેમજ ગ્રેનેડ ધડાકાઓથી બચવું, બંકરમાં પેસેલા અકેક શત્રુને વીણી વીણીને ખતમ કરવો એ બધું અશક્યની હદે અઘરું કામ હતું. આમાં ભારતના પક્ષે વ્‍યાપક જાનહા‌નિ થાય એ નક્કી વાત હતી. છતાં ભારતીય લશ્‍કરે ‌મિશન ઇમ્‍પો‌સિબલનો મર‌ણિયો દાવ ખેલવાનું નક્કી કર્યું. આમેય મોતનો ખેલ ખેલવા ‌સિવાય બીજો કોઈ ‌વિકલ્‍પ જ ક્યાં હતો?

‘વીર ભોગ્‍ય વસુંધરા’ જેનો મુદ્રાલેખ છે અને ‘રાજા રામચંદ્ર કી જય!’ જેનો યુદ્ધનારો છે તે રાજપૂતાના રાઇફલ્સની (ટૂંકમાં, RAJ RIF) લગભગ અઢીસો વર્ષ લાંબી વીરગાથાને હવાલદાર પીરુ ‌સિંહ જેવા પરમવીરોએ પોતાના રક્ત વડે લખી હતી. વીરગાથામાં શૌર્યનું વધુ એક પ્રકરણ હવે કાર‌ગિલ યુદ્ધમાં લખાવા જઈ રહ્યું હતું. રાજપૂતાના રાઇફલ્સની 2nd RAJ RIF બટા‌લિઅનને ‌મિશન માટે પસંદ કરવામાં આવી. બટા‌લિઅનના કમાન્‍ડિંગ ઓ‌ફિસર લેફ્ટનન્‍ટ-કર્નલ એમ. બી. ર‌વિન્‍દ્રનાથે ચુનંદા અફસરો/જવાનોની બે કંપની રચી.

■ સો થી સવાસો યોદ્ધાઓની બનેલી આલ્‍ફા/A કંપનીના કમાન્‍ડર મેજર પદ્મપા‌ણિ આચાર્ય હતા. કેપ્‍ટન ‌વિજયન્‍ત થાપરને સેકન્‍ડ-ઇન-કમાન્‍ડનો ચાર્જ સોંપાયો. ‌મિશન દરમ્યાન મેજર આચાર્ય ઘવાય કે શહીદ થાય તો આખી કંપનીને માર્ગદર્શન આપવાની જવાબદારી આપોઆપ કેપ્‍ટન થાપરના ‌શિરે આવે.

■ બીજા સોએક શેર‌દિલોની બનેલી ડેલ્‍ટા/D કંપનીના વડા મેજર મો‌હિત સક્સેના અને સેકન્‍ડ-ઇન-કમાન્‍ડ કેપ્‍ટન નેકઇઝુકો કેંગુરસી હતા. મૂળ નાગાલેન્‍ડના કો‌હિમા નગરવાસી કેપ્‍ટન નેકઇઝુકો કેંગુરસીને સાથી જવાનો ‘નીમ્‍બૂ’ સાહબ એવા હુલામણા નામે બોલાવતા.

મેજર આચાર્યની આલ્ફા/A કંપનીએ નોલ ‌હિલ પર અને મેજર મો‌હિતની ડેલ્‍ટા/D કંપનીએ લોન ‌‌‌હિલ પર હલ્‍લો બોલાવ્યા પછી આખરે થ્રી ‌પિમ્‍પ્લસને પણ શત્રુમુક્ત કરવાની હતી.

■■■

તારીખ જૂન ૨૮, ૧૯૯૯. સમય રાતના આઠ વાગ્યાનો. તોલો‌લિંગના પહાડી મોરચે સનસનાટીભર્યું સાહસ ખેલવા માટે આલ્‍ફા અને ડેલ્‍ટા ટીમ તૈયાર હતી. ટુકડીના દરેક જવાને શસ્‍ત્રસરંજામ + ખાધાખોરાકીનો બારેક ‌કિલોગ્રામનો બોજો પોતાની પીઠે લાદ્યો. આટલા ભારેખમ બોજા સાથે તેમણે પહાડનું તીવ્ર આરોહણ કરવાનું, મોઢે ફીણ લાવી દેનારો સખત ને સતત શારી‌રિક શ્રમ કરવાનો અને પછી શત્રુ જોડી બાથ ભીડવા માટેની તાકાત બચાવી રાખવી એક કંઈ જેવી તેવી વાત નહોતી.

અટેક ટુકડીઓ નીકળી એ સાથે દ્રાસમાં તૈનાત ભારતીય તોપખાનાંએ આ‌ર્ટિલરી ફાયર યુ‌નિટની તોપોનાં નાળચાં લોન ‌હિલ, નોલ ‌હિલ તથા થ્રી ‌પિમ્‍પલ્‍સની ‌દિશામાં તાક્યાં. સતત ૧૨૦ ‌મિ‌નિટ વણઅટક્યું ફાય‌રિંગ કર્યું. અંધારામાં ગોળીબાર જેવા હુમલામાં જે થોડાઘણા ઉપદ્રવી કીટકો નાશ પામ્‍યા તે ખરા! અટેક ટુકડી માટે એટલું કામ ઓછું!

ખુશ્‍કીદળની કાળમુખી તોપો બારુદી ગોળા ઓકતી રહી એ દરમ્‍યાન આલ્‍ફા અને ડેલ્‍ટા કંપનીના બહાદુરોએ આરોહણ શરૂ કરી દીધું. રા‌ત્રિના અંધકારમાં જ ‌મિશનનો ફેંસલો લાવી દેવાનો હતો, એટલે માર્ગમાં શ્વાસ ખાવા માટે બે ઘડી થોભવું પાલવે ન‌હિ. વજનદાર પીઠથેલો પ્‍લસ રાઇફલ અને હેન્‍ડ ગ્રેનેડ જેવાં હ‌થિયારોના બોજા સાથે બંને કંપનીઓના અફસરો/જવાનો ઊંચે ચડતા ગયા. કલાકો બાદ આખરે એવા સ્‍થળે આવ્યા કે જ્યાંથી તારા-ચંદ્રના પ્રકાશમાં થ્રી ‌પિમ્‍પલ્‍સનું ઊપસેલું ઢીમચું દેખી શકાતું હતું. ટેકરી પર ઊભેલા પા‌કિસ્‍તાની ઘૂસણખોરોની ઝાંખી આકૃ‌તિ પણ દેખાતી હતી.

અહીંથી બંને કંપનીઓ એકમેકથી ‌વિરુદ્ધ ‌દિશામાં વળી. મેજર પદ્મપા‌ણિ આચાર્યની આલ્‍ફાએ ડાબી તરફનો, જ્યારે મેજર મો‌હિત સક્સેનાની ડેલ્‍ટાએ જમણી તરફનો માર્ગ લીધો. પોતપોતાના લક્ષ્‍યાંકથી પાસે પહોંચી ત્‍યાં તો કોણ જાણે શી રીતે, પણ દુશ્‍મનને તેમના આગમનની ગંધ આવી ગઈ. હેવી મશીન ગનનાં તથા મોર્ટાર તોપોનાં નાળચાં તેણે ખોલી નાખ્યાં.

ગોળીઓની બૌછારથી બચવા માટે આપણા સૈનિકોએ ખડકોની ઓથ લીધી, પણ દુર્ભાગ્‍યે આકાશી માર્ગે પડતું મૂકતા મોર્ટાર તોપગોળા ઘાતક નીવડ્યા. ‌વિસ્‍ફોટના પગલે ચોમેર પ્રસરતી લોખંડની ધગધગતી કરચોએ હવાલદાર એસ. સેંગાર, હવાલદાર સત્‍યબીર ‌સિંહ, નાયક આનંદ ‌સિંહ, લાન્‍સ નાયક સતપાલ ‌સિંહ, લાન્‍સ નાયક ‌વિક્રમ ‌સિંહ જેવા કેટલાક જવાનોનો ભોગ લીધો ત્‍યારે આલ્‍ફા/A કંપનીના કમાન્‍ડર મેજર પદ્મપા‌ણિ આચાર્ય પામી ગયા કે આવી રીતે એક જ સ્‍થળે લપાયેલા રહેવાથી જાનહા‌નિ ‌સિવાય કશું ન મળે. ટુકડીના આગેવાન હોવાના નાતે જવાનોને ‌હિંમત-જોશ આપવાની તથા લડી લેવાનું જોમ આપવાની જવાબદારી તેમના ‌શિરે હતી. આથી મેજરે પોતાનો જીવ દાવે લગાડ્યો. શત્રુ તરફથી સન...સન.. કરતી આવી રહેલી ગોળીઓની તથા મોર્ટાર તોપોના ગોળાની પરવા કર્યા ‌વિના મેજર આચાર્ય સામી છાતીએ શત્રુ તરફ ધસ્‍યા. આ દૃશ્‍યે આલ્‍ફા કંપનીના બીજા જવાનોનું શેર લોહી ચડાવ્યું. મેજરની પાછળ તેઓ પણ શત્રુ તરફ ધસવા લાગ્યા. ‘રાજા રામચંદ્ર કી જય!’ના બુલંદ પોકારોથી સૌએ વાતાવરણ ગુંજાવી દીધું. મોત નજર સામે દેખાતું હોય ત્‍યારે તેની તરફ સામે ચાલીને જવા માટે કેટલી ‌હિંમત જોઈએ! કેટલું સો‌લિડ મનોબળ જોઈએ! આ બંને ગુણોથી છલકાતા રાજપૂતાના રાઇફલ્‍સના સપૂતો શૌર્ય, ફરજપાલન અને સરફરોશીનો ધડો લેવા જેવો દાખલો બેસાડી રહ્યા હતા.

સૌથી મોખરેના મેજર આચાર્યએ તેમની મશીન ગન વડે કેટલાક શત્રુઓને ઢાળી લીધા. મોર્ટાર ગોળાની લોખંડી કરચો તેમના પેટમાં ખૂંપી ગઈ હતી. રક્તની સરવાણી ફૂટતી હતી, પણ જાણે કશું બન્‍યું ન હોય તેમ જખમની પરવા કર્યા ‌વિના તેઓ આગળ વધ્‍યા. લોહીનો વ્‍યય થતાં શરીરમાં અશ‌ક્તિ આવી હતી અને આંખે અંધારા ચડતાં હતાં. છતાં સલામ એ નરબંકાને કે ફરજમાંથી ‌વિચ‌લિત ન થયા. ઊલટું, ડગલાં ભરીને આગળ વધવું અશક્ય બન્‍યું તો જમીન પર પેટે ઘસડાતા શત્રુ બંકર પાસે પહોંચ્‍યા. સાઇડ પોકેટમાં ભરાવેલી હેન્‍ડ ગ્રેનેડ હાથમાં લીધી, દાંત વડે તેની ‌‌પિન ખેંચી અને બંકર તરફ ઘા કરી દીધો.

શત્રુની ‌કિલ્‍લેબંદીમાં (અને તેના મનોબળમાં પણ) પહેલું ફાંકું પડ્યું, પણ એ પરાક્રમ જેમણે કરી બતાવ્યું એ મેજર પદ્મપા‌ણિ આચાર્ય જીવિત ન રહી શક્યા. દેશકાજે જાનનું સર્વોચ્‍ચ બ‌લિદાન આપીને વીરગ‌તિ પામ્‍યા, જે બદલ તેમને મરણોપરાંત મહાવીર ચક્ર મળવાનો હતો. આલ્‍ફા કંપનીના આગેવાનની ‌વિદાયે જવાનોમાં સોપો પાડી દીધો. સેકન્‍ડ-ઇન-કમાન્‍ડ કેપ્‍ટન ‌વિજયન્‍ત થાપર પહેલાં આઘાતથી અને પછી આક્રોશથી એવા સમસમી ઊઠ્યા કે શત્રુ તરફ ત્રાડ નાખતા બોલ્‍યા: 

‘ભાગ જાઓ, કા‌ફિરોં... તુમ ક્યા લડોગે?...’

રણમોરચે સામી છાતીએ આગળ ધપી આગેવાનીનું ઉત્‍કૃષ્‍ટ ઉદાહરણ આપી ગયેલા ઉપરી અફસરની અધૂરી જવાબદારીને આગળ વધારવાનું કામ હવે ત્રેવીસ વર્ષીય કેપ્‍ટન ‌વિજયન્‍ત થાપરનું હતું. નોલ/ Knoll ‌હિલની ચોકીમાં બેઠેલા ઘૂસપ‌ેઠિયા પા‌કિસ્‍તાનીઓ સામે તેઓ ‌હિંમતભેર લડ્યા, બૂરી રીતે ઘવાયા, લોહીલુહાણ થયા, તો પણ આગેકૂચ અટકાવી ન‌હિ. નોલ ‌હિલ પર કબજો જમાવી દીધા પછી આગામી લક્ષ્‍યાંક થ્રી ‌પિમ્‍પલ્‍સ તરફ આગળ વધ્‍યા. એક તબક્કે તેમની અને શત્રુ વચ્‍ચે માંડ ૧પ મીટરનું અંતર રહ્યું—અને ત્‍યારે દુશ્‍મનની મશીન ગનમાંથી વછૂટેલી ગોળી તેમની ખોપરી વીંધતી આરપાર નીકળી ગઈ. રણભૂ‌મિમાં પોતાના લોહી વડે અપ્રતિમ સાહસકથા લખીને કેપ્‍ટન થાપરે ૨૩ વર્ષની ભર જુવાનીએ દેશકાજે આંખો મીંચી લીધી. આ શહીદનું દેશ પર ચડેલું ઋણ અલ્‍પાંશે ફેડવા માટે તેમને મરણોપરાંત વીર ચક્ર એનાયત કરવામાં આવનાર હતો.

■■■

નોલ ‌હિલ કબજે લેવાઈ એ દરમ્‍યાન લોન/ Lone ‌હિલના મોરચે પણ ઘમસાણ મચ્‍યું હતું. અહીં કેપ્‍ટન નેકઇઝુકો કેંગુરસી ઉર્ફે કેપ્‍ટન ‘નીમ્‍બૂ’ દુશ્મનોના દાંત ખાટા કરી રહ્યા હતા. પેટ તથા પેડુમાં મોર્ટાર ગોળાની લોખંડી કરચો વાગી હતી. તબીબી સારવાર ન મળે તો તેમનું બચવું લગભગ અસંભવ હતું. પરંતુ હો‌સ્‍પિટલના ‌બિછાને આરામ કરતા પોઢી રહેવાને બદલે  ‌‌તિરંગો ઓઢી લેવા માગતા ૨૨ વર્ષીય એ યુવાન અફસર લક્ષ્‍ય પ્રાપ્‍ત કર્યા ‌વિના હાર માને તેમ નહોતા. પેટના જખમમાંથી રક્તપાત ધીમો પાડવા માટે તેમણે કમરપટ્ટો કસોકસ બાંધી દીધો. લોન ટેકરી પર પહોંચવા માટેનું અં‌તિમ આરોહણ હજી બાકી હતું, જેમાં પગનાં જોડાં બાધારૂપ બનતાં હતાં. ખડક પર જોઈએ તેવી ‌ગ્રિપ આવતી નહોતી. આથી કેપ્‍ટન ‘નીમ્‍બૂ’એ જોડાં તથા મોજાં ઉતારી દીધાં. સાડા સોળ હજાર ફીટની ઊંચાઈએ રાતના અઢી વાગ્યાના તે સમયે વાતાવરણનું તાપમાન શૂન્‍ય નીચે ૧૬ અંશ સે‌લ્‍શિઅસ હતું. ખડકો બરફની લાદી જેવા ઠંડાગાર હતા, પણ કેપ્‍ટન ‘નીમ્‍બૂ’એ પેટના જખમની જેમ પગનો ‌હિમડંખ પણ અવગણ્યો.

આ યુવાન કેપ્‍ટનની પાછળ પાછળ ડેલ્‍ટા કંપનીના બારેક સૈ‌નિકો પણ ઉઘાડા પગે જ ઉપર ચડી ગયા. હવે તેમની ‌બિલકુલ સામે પા‌કિસ્‍તાની સૈ‌નિકો દેખાતા હતા. ઘણાખરા ગાફેલ હતા, એટલે હવાલદાર જયરામે કેપ્‍ટન ‘નીમ્‍બૂ’ને કહ્યું, ‘સા’બ... અચ્‍છા મૌકા હૈ...! દબોચ લેં?’

મોકો મળતાં જ કેપ્‍ટન ‘નીમ્‍બૂ’એ તમામ જવાનોને ફાય‌રિંગનો હુકમ આપી દીધો. શત્રુ બંકરની આસપાસ અફરાતફરી મચી ગઈ. એક પછી એક શત્રુ ઢળતા ગયા તેમ બચી ગયેલા ઘૂસણખોરો ‘અલ્‍લાહ હુ અકબર’ની ચીસો પાડતા નાસભાગ કરવા લાગ્યા. થોડી જ ‌મિ‌નિટોમાં મેજર મો‌હિત સક્સેના શેષ જવાનો સાથે આવી પહોંચ્‍યા, એટલે લોન ‌હિલ પર ભારતીય પકડ ‌નિ‌શ્ચિત થઈ ગઈ.

‌મિશન હજી અધૂરું હતું. થ્રી ‌પિમ્‍પલ્‍સની ‘સાફસૂફી’ બાકી હતી. આલ્‍ફા અને ડેલ્‍ટા કંપનીના જવાનોએ તેના પર સામૂહિક હલ્‍લો બોલાવ્‍યો. સામસામા ગોળીબારની જબરજસ્‍ત રમઝટ જામી, જેમાં દુર્ભાગ્‍યે યુવાન કેપ્‍ટન નેકઇઝુકો કેંગુરસી ઉર્ફે ‘નીમ્‍બૂ’નો ભોગ લેવાયો. શત્રુની ગોળીએ તેમની આંખ વીંધી નાખી. તેજ રફતાર ગોળીના પ્રત્‍યાઘાતથી તેમણે સંતુલન ગુમાવ્યું અને ૨૦૦ ફીટ નીચે પટકાઈને વીરગ‌તિ પામ્‍યા. અલબત્ત, જતાં જતાં રાજપૂતાના રાઇફલ્સની યશકલગીમાં મહાવીર ચક્ર તરીકે વધુ એક છોગું ઉમેરાતા ગયા.

આ તરફ મેજર મો‌હિત સક્સેના તથા સાથી જવાનોએ શત્રુને આકરી લડત આપીને થ્રી ‌પિમ્‍પલ્સ ટેકરી જીતી લીધી. દુશ્‍મનના હાથમાં ગયેલું તોલો‌લિંગનું અત્‍યંત વ્‍યૂહાત્‍મક સ્‍થળ ફરીથી ભારતના હાથમાં આવી ગયું. હજી પાછલી રાતે ‌‌ઇમ્‍પો‌સિબલ જણાતું ‌મિશન આખરે સફળ રહ્યું, જેની કદરરૂપે ખુશ્‍કીદળે મેજર મો‌હિત સક્સેનાની છાતી વીર ચક્ર વડે શોભાવી.

તત્‍કાલીન ખુશ્‍કી સેનાપ‌તિ જનરલ વેદ પ્રકાશ મ‌લિકે તેમના પુસ્‍તકમાં જણાવ્યું છે તેમ, તોલો‌લિંગની ટેકરી પર ખેલાયેલા ‌મિશને યુદ્ધની બાજીમાં ભારત તરફી સુખદ વળાંક આપી દીધો. કાર‌ગિલ યુદ્ધમાં આવા તેમજ આવા ઘણા બધા ‌મિશનોને અંજામ આપનાર યોદ્ધાઓની વીરતા તથા વીરગ‌તિને કદી ન ભુલીએ એ જ જુલાઈ ૨૬ના રોજ આવનારા કાર‌ગિલ ‌વિજય ‌દિવસની સાર્થક ઉજવણી ગણાય.

જય ‌હિંદ! જય ‌હિંદની સેના!■


Google NewsGoogle News