યંત્ર-મંત્ર-તંત્ર સાધકની ચેતનાને ઉચ્ચ સ્તરે લઇ જઇને અલૌકિક સિદ્ધિઓ આપે છે

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
યંત્ર-મંત્ર-તંત્ર સાધકની ચેતનાને ઉચ્ચ સ્તરે લઇ જઇને અલૌકિક સિદ્ધિઓ આપે છે 1 - image


- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- મંત્ર કોને કહેવાય તે વિશે શાસ્ત્રોએ સુંદર સ્પષ્ટીકરણ આપ્યું છે. 'મંત્રિ ગુપ્ત ભાષણે' વ્યાખ્યા દર્શાવે છે કે ગુપ્ત ભાષણ અને મનન કરવા યોગ્ય સિદ્ધાંતને મંત્ર કહે છે.

પ્રા ચીન કાળના આપણા ઋષિઓ કેવળ યજ્ઞા-યાગાદિ કરનારા કર્મકાંડીઓ જ નહોતા, તે આધ્યાત્મિક, રહસ્યવાદી વિજ્ઞાનીઓ પણ હતા. તે ચેતના, આત્મા અને મનની દિવ્ય શક્તિઓના જાણકાર હતા અને તેમનો ઉપયોગ કરવાની બાબતમાં પણ નિપુણ હતા. તેમણે અસ્તિત્વના પરમ સત્ય સ્વરૂપ બ્રહ્મને પોતાની ઉચ્ચતર ચેતનાની અનુભૂતિની સ્થિતિમાં ગ્રહણ કરી એને મંત્ર રૂપે મૂર્ત કર્યું હતું એટલે જે ઋષિઓને 'મંત્ર-દ્રષ્ટા' કહેવામાં આવે છે. તેમણે પરમ સત્ય સ્વરૂપ પરમ તત્ત્વને જોયું, તેનો સાક્ષાત્કાર કર્યો એટલે એ દ્રષ્ટા કહેવાયા. ઋષિઓએ તે જોયું અને જાણ્યું કે આત્મ-શક્તિ આંતર-બાહ્ય બન્ને સ્તરો પર પ્રભાવ ઉત્પન્ન કરે છે. તેમણે અનુભવથી એ જાણ્યું કે વિચાર ઊર્જા અને વાણી શક્તિથી અસંભવ કાર્યો કરી શકાય છે. 

શતપથ બ્રાહ્મણમાં કહેવામાં આવ્યું છે 'વાગેવ વિશ્વા ભુવનાનિ જજ્ઞો વાચ ઇતિ સર્વમમૃતં યચ્ચ મર્ત્યમ્ ।। વાક આ સૃષ્ટિનું મૂળ તત્ત્વ છે. તે મર્ત્યલોકનું અમૃત છે.' અથર્વવેદના પહેલા કાણ્ડના અઢારમા સૂક્તના ત્રીજા શ્લોકમાં કહેવાયું છે - 'યત્ ત આત્મનિ તન્વાં ઘોરમસ્તિ... સર્વે તત્ વાચાપહન્યો વયમ્ દેવસત્ત્વા સવિતા સુદયતુ ।। તમારા આત્મા, મન અને શરીરમાં જે અનિષ્ટ વિકાર છે તેને અમે મંત્રોથી પવિત્ર થયેલી અમારી વાણીથી નષ્ટ કરી દઈશું. એનાથી શુધ્ધ અને સ્વસ્થ બનીને તમે પ્રભુ કૃપાને પાત્ર બની જશો.'

મંત્ર કોને કહેવાય તે વિશે શાસ્ત્રોએ સુંદર સ્પષ્ટીકરણ આપ્યું છે. 'મંત્રિ ગુપ્ત ભાષણે' વ્યાખ્યા દર્શાવે છે કે ગુપ્ત ભાષણ અને મનન કરવા યોગ્ય સિદ્ધાંતને મંત્ર કહે છે. નિરુક્ત કહે છે - મંત્રા મનાત્ ગુપ્ત ભાષણ અને મનનું રહસ્ય એટલે મંત્ર. 'પ્રપંચ સાર તંત્ર'માં પણ કહેવામાં આવ્યું છે -'મનનાત્ સર્વ ભાવાનાં ત્રાણાત્ સંસાર સાગરાત્ । મંત્ર રૂપા હિ તદ્ધક્તિ:।। મનન ત્રાણ રૂપિણી મન, મનન, ભાવનાઓ અને સમસ્ત જગતનું રક્ષણ કરનારી શક્તિનું નામ મંત્ર છે' તે મૂળમાં એક હોવા છતાં પ્રયોગમાં અનેક થઇ જાય છે. વાક્ શક્તિ એ મંત્રમાં રહેલી દિવ્ય બ્રહ્મચેતનાની શક્તિ છે. મંત્ર એક એવો આદેશ છે જેના ઉચ્ચારણથી કોઈપણ જડ વસ્તુ કે ચેતન પ્રાણી પર પ્રભાવ પડે - તે મંત્ર ઉચ્ચારણ કરનારના કહ્યા પ્રમાણે કામ કરવા લાગે. વાણીનું શબ્દનું નામ પણ બ્રહ્મ છે. આ શબ્દ બ્રહ્મ પણ મંત્ર છે. વાણૈ મંત્ર: । વાગ્વિદ્યા અને વિચાર વિદ્યાનું નામ મંત્ર. શાસ્ત્રમાં વ્યાખ્યા છે - 'મનનાત્ ત્રાયતે ઇતિ મંત્ર: એટલે કે મનન કરવાથી જે આપણને બચાવે, આપણુ રક્ષણ કરે તેનું નામ મંત્ર.'

આધ્યાત્મિક ગ્રંથોમાં અવારનવાર 'યંત્ર, મંત્ર, તંત્ર' એ ત્રણ શબ્દોનો એક સાથે પ્રયોગ કરાતો જોવા મળે છે. યંત્ર શબ્દ 'યમ્' ક્રિયાપદ પરથી બન્યો છે જેનો અર્થ થાય છે. ધારણ કરવું કે સંગ્રહિત કરવું. યંત્ર એટલે ધારણ કરનાર વસ્તુ કે વાહન. સાદા શબ્દોમાં કહીએ તો યંત્ર એટલે મિકેનિકલ મશીન. યંત્રને આપણે ભૌતિક ક્લેવર કહી શકીએ.

એ પછી આવે તંત્ર. તંત્ર એટલે પૂર્ણ વ્યવસ્થાનું માળખું. બીજા શબ્દોમાં સુયોગ્ય ગોઠવણી એટલે તંત્ર. મંત્રના પ્રયોગોની રીતે તંત્ર એ મહત્ત્વનો ભાગ છે. મંત્રના પ્રયોગોથી મસ્તિષ્ક અને ચેતનાનો વિસ્તાર કરાવવામાં આવે છે. તંત્રમાં મંત્ર એક એવો દિવ્ય ધ્વનિ કે શબ્દ હોય છે જે સાધકની ચેતનાનું ચિહ્ન બને છે. આમ તો પ્રત્યેક ધ્વનિ ચેતનાના જ સ્પંદનો છે. મંત્ર ખાસ પ્રકારના પરિણામ ઉત્પન્ન કરવા પ્રયોગ કરાયેલા એક વિશેષ પ્રકારના ધ્વનિઓનો જ સમુચ્ચય હોય છે. આ વિભિન્ન તત્ત્વો તથા વસ્તુઓ, વિભિન્ન માનસિક પ્રણાલીોનું પ્રતિનિધિત્વ કહે છે અને મનુષ્યના મસ્તિષ્ક એન સ્નાયવિક સંસ્થાનના સંપૂર્ણ ક્લેવરને પ્રભાવિત કરે છે. મસ્તિષ્કના આંતરિક ભાગો અને માનવીય ચેતનામાં થનારી જાગૃતિ માટે ધ્વનિની શક્તિ, ધ્વનિનો વર્ણ, આવૃત્તિ, ગીત અને તાપક્રમ જવાબદાર હોય છે. મંત્રોનો જુદા જુદા પ્રકારે ઉપયોગ કરી શકાય છે. એનો શ્વાસ પ્રક્રિયા નિયમન-પ્રાણાયામ અને મનોમાર્ગ દ્વારા પ્રયોગ કરી શકાય છે.

કપાળમાં બન્ને ભ્રમરની વચ્ચે આવેલા આજ્ઞાચક્રને જાગૃત કરી, ક્રિયાન્વિત કરવા માટે પણ ઓમ (ઁ) બીજમંત્રનો ઉપયોગ કરાય છે. શરીરના અન્ય ચક્રો માટે પણ વિશિષ્ટ ધ્વનિરૂપ બીજમંત્રોનો પ્રયોગ કરાય છે. મૂલાધાર ચક્ર માટે લમ્, સ્વાધિષ્ટાન ચક્ર માટે વમ્, મણિપુર ચક્ર માટે રમ્, અનાહત ચક્ર માટે યમ્, વિશુદ્ધિ ચક્ર માટે હમ્ બીજમંત્રોનો ઉપયોગ કરાય છે. યંત્ર, મંત્ર, તંત્ર ઉપચારનું પણ શક્તિશાળી સાધન બની શકે છે. મંત્રો દિવ્ય ધ્વનિઓથી જ તો બનેલા છે. જો સંગીતના સ્વરોથી, રાગના ગાયન-વાદનથી એટલે કે મ્યુઝિક થેરેપીથી રોગો દૂર થઈ શક્તા હોય તો મંત્ર ધ્વનિ એ ધ્વનિનું વધારે ધનીભૂત, સંસ્કારિત અને પ્રભાવોત્પાદક રૂપ છે. મંત્રશાસ્ત્ર એ પ્રાચીન કાળના ઋષિ રૂપ વિજ્ઞાનીઓએ રચેલું ધ્વનિવિજ્ઞાન જ છે. તંત્ર વિશિષ્ટ કાર્યપદ્ધતિ છે જે ચેતનાને ઉચ્ચ સ્તરે લઇ જાય છે.

ભારતના મહાન યોગી વિશુદ્ધાનંદ પરમહંસ અનેક વિજ્ઞાનીઓની હાજરીમાં પદાર્થનું સમૂળગું પરિવર્તન સૂર્ય વિજ્ઞાન અને મંત્ર વિજ્ઞાનથી કરી બતાવતા હતા. તે રીતે પદાર્થનું વિઘટન અને સંઘટન, નષ્ટ થઇ ગયેલી વસ્તુની પુન: ઉત્પત્તિ આ સૂર્યવિજ્ઞાન અને મંત્ર વિજ્ઞાનની મદદથી કરતા હતા. એકવાર એક શંકાશીલ રેશનાલિસ્ટે પોતે જેના પર લાંબુ લખાણ કર્યું હતું એવો કાગળ બધાના દેખતા પૂરેપૂરો બાળી નાંખ્યો. પછી તેની રાખને મસળીને તેનો બારીક ભૂકો કરી તે વિશુદ્ધાનંદજીને આપ્યો અને કહ્યું - 'તમારી વિદ્યાથી આ રાખમાંથી પહેલો જેવો હતો તેવો મારા લખાણવાળો કાગળ પાછો લાવી આપો.' પરમહંસ વિશુદ્ધાનંદજીએ એ પડકાર ઝીલી લીધો. તેમણે કહ્યું - કશાનો નાશ થતો નથી. તેનો તિરોભાવ થાય છે. તે જોવા અને અનુભવવાની સ્થિતિમાં નથી રહેતું, એટલું જ બને છે. એને આ સૂર્યવિજ્ઞાન અને મંત્રવિજ્ઞાનથી આવિર્ભૂત ક્રમમાં લાવવાનું હોય છે. પછી તેમણે તે રાખ પર પોતાના વિશિષ્ટ લેન્સથી સૂર્યના કિરણો પ્રક્ષિપ્ત કરી અજાણ્યા એવા મંત્રનો ઉચ્ચાર કરવા માંડયો. બૌદ્ધિકો અને વિજ્ઞાનીઓની સમક્ષ એ રાખમાંથી કાગળ પ્રગટ થવા લાગ્યો હતો. થોડી પળો બાદ તે એમાં લખાયેલા મૂળ લખાણ સાથે જેવો હતો તેવો પૂરેપૂરો પ્રગટ થઇ ગયો હતો. તેમણે બધાન તે જોવા ચકાસવા આપ્યો હતો અને તે તેના માલિકને આપી દેવામાં આવ્યો હતો જે તેણે કાયમ માટે સાચવી રાખ્યો હતો.


Google NewsGoogle News