સદ્ગુરુનું સ્થાન : અંત:કરણનું સિંહાસન
- આજે ગુરુ પૂર્ણિમાનું પર્વ : શ્રીરંગ અવધૂતના 'અમર આદેશ' અને 'અમર જાહેરાત'ને પથદર્શન તરીકે જોઈએ
- હોરાઈઝન-ભવેન કચ્છી
- અવધૂત સન્યાસી હતા તો પણ તેમના માતાને નારેશ્વર આશ્રમમાં સાથે જ રાખ્યા. માતાની તેઓ સુપ્રીમ કોર્ટ તરીકે ઓળખ આપતા
- શ્રી રંગ અવધૂત મહારાજે 'અમર જાહેરાત'ની જેમ 'અમર આદેશ' પણ આપ્યો છે.તે જીવનમાં ઉતારીશું તો જ્ઞાન કે દર્શન માટે બીજે ક્યાંય જવાની જરૂર નહીં પડે. 'અમર આદેશ' પરસ્પર દેવો ભવ:
એક બીજાના પોષક બનો, શોષક નહિ.
એકબીજા તરફ દેવદ્રષ્ટિથી જોતા શીખો, દાનવ દ્રષ્ટિથી નહિ.
દરેકે દરેક વ્યક્તિમાં રહેલ દેવત્વ - દૈવી અંશને પિછાનો.
એક બીજાનું મંગળ ઈચ્છી જગતમાં માંગલ્ય વરસાવો.
વિચાર વાણી અને વર્તનમાં એકતા આચરો.
વાંછો તો સર્વ કલ્યાણ વાંછો,માત્ર સ્વકલ્યાણ નહિ.
તારક બનો મારક નહિ, ઉપકારક બનો, અપકારક નહિ.
મુખમાં અવિનાશી ભગવાન નામ, હાથે સર્વમંગલ કામને હૈયે હનુમાન શી અડગ હામ રાખી આગળ ધપે જાઓ,ધપે જાઓ. વિજય તમારો છે. વિજય તમારો છે.
એક બીજાને આશીર્વાદ આપો,અભિશાપ નહિ.
ખાઓ તો સ્વકષ્ટાર્જીત ખાઓ.
બોલો તો સત્ય બોલો અસત્ય નહિ, કરો તો સત્કર્મ કરો, દુષ્કર્મ નહિ.
જુઓ તો પોતાના દોષ જુઓ, ગાઓ તો બીજાના ગુણ ગાઓ.
ભલું ઇચ્છો ભૂંડું નહિ, રૂડું કરો કૂડું નહિ.
પ્રત્યેક પ્રતિ સહિષ્ણુતા કેળવો વિદ્વિષતા નહિ.
બોલો થોડું કરો વધારે, માથું ઠંડુ રાખો ગરમી હાથપગમાં પ્રગટાવો.
આ જે ગુરુ પૂર્ણિમાનું પાવન પર્વ છે તે નિમિત્તે દત્તાત્રેય અવતાર શ્રી રંગ અવધૂત મહારાજ નું સ્મરણ કરીએ.
મોટેભાગે તો ગુરુ તરીકે પૂજાતી હોય તેવી વ્યક્તિ તેમના અનુયાયીઓને પ્રભાવિત કરવા એવો પ્રચાર જ કરતા હોય કે 'હું જ તમારો ભગવાન,હું જ તમારો ઉધ્ધારક છું.' પણ જેઓ ખરા અર્થમાં સદગુરુ તરીકે પૂજાવા યોગ્ય છે તેવા શ્રી રંગ અવધૂત મહારાજે એમ ન કહ્યું કે મને ગુરુ માનો.ગુરુ શિષ્ય પરંપરા તેમણે રાખી જ નહીં. હા, તેમણે દરેક વ્યક્તિને સદગુરુ કેવા હોવા જોઈએ તે અંગે તેમના જે વિચારો જણાવ્યા છે તેના પર નજર નાંખીએ.
'સદગુરુનો અર્થ જીવંત આદર્શ "Living ideal" -એવો સમજવાનો.એ આદર્શ આપણી નજરે અનુભવીએ તો આપણને એ કક્ષા શક્ય છે એની ખાતરી થાય એટલે જીવનમાં હારી જનારાને, હતાશા કે નિરાશ થનારાને એવા જીવંત આદર્શ નજર સામે જોવાથી ઓછી વત્તી હિંમત આવે, પ્રોત્સાહિત થઈને પુરુષાર્થ કરવાનું બળ મળે અને હાલી ગયેલી શ્રધ્ધા સ્થિર થવા પામે. જેમ એક અનુભવી નિષ્ણાત દાક્તરને જોતા જ દર્દીમાં એક પ્રકારની શ્રધ્ધા જન્મે છે અને તેનો બધો રોગ એ દાક્તરને મુખે બે શબ્દો સાંભળતાં જ જતો રહે છે તેમ એ જીવંત આદર્શને પોતાની આંખ સામે હરતો ફરતો જોતા ભવરોગીના અંતરમાં શાંતિ અને સમાધાનનો સંચાર થવા પામે છે.
જીવંત સત્પુરુષની અવેજીમાં કોઈ સમાધિસ્થ મહાપુરુષ પર જો ચિત્ત સ્થિર થાય અને એમાંથી આપણને સદા પ્રેરણા મળ્યા કરે તો એવી વ્યક્તિને અંત:કરણના સિંહાસન પર સદગુરુપદે બિરાજમાન કરવામાં જરાયે વાંધો નથી. વળી,એ વ્યક્તિ અમુક જાતિ, વય,દેશ કે કાળની હોવી જોઈએ એવું પણ નથી. સત્પુરુષ એ બધા બંધનો - સાંસારિક, માયિક, વ્યાવહારિક બંધનોથી પર છે. ગુરુભાવ એ અંત:કરણનો ધર્મ છે એટલે હૃદયની ભાવના જ્યાં સંલગ્ન થાય, જેના સ્મરણ માત્રથી હૃદયવિણાના તાર ઝણઝણી ઊઠે, જેના ચિંતનથી શાંતિ અને સમાધાન, શાતા અને સાત્વિક આનંદનો અનુભવ થાય, ગમે તેવા હલબલાવી નાંખે એવા ઝંઝાવાતોમાં પણ જેમની હૂંફથી આપણને લાગ્યા કરે કે આપણા ઉપર સમર્થ મહાપુરુષનો પંજો છે અને આપણે સુરક્ષિત છીએ એવી અંતરમાં એક પ્રકારની અડોલ, સ્વયંભૂ શ્રદ્ધા રણક્યા કરે એવી કોઈ પણ જીવંત કે સમાધિસ્થ વ્યક્તિને ગુરુપદે સ્થાપિત કરવામાં કલ્યાણ છે.'
શ્રી રંગ અવધૂત મહારાજ જ્યારે તેમનાથી પ્રભાવિત સમુદાયથી ઘેરાઈ જતા ત્યારે કહેતા કે 'હું નથી કીર્તનકાર કે નથી વ્યાખ્યાનકાર, નથી લેખક કે નથી ઉપદેશક, નથી શાસ્ત્રી કે નથી પંડિત, નથી મને પ્રવચન કરતાં આવડતું કે ભાષણ કરતા.. મારા જેવા મેં કયાંક કહેલું તેમ, જેની પાસે સામર્થ્ય અને ઐશ્વર્યમાં માત્ર મીંડું છે, શૂન્ય છે, એવા અકિંચન
'પૂજ્યશ્રી પાછળ ફાંફાં મારવાનું છોડી દઈ સ્વાત્મામાં જેટલા જલદી સ્થિર થાઓ તેટલું તમારે ને મારે બંને માટે શ્રેયકર છે.'
શ્રી રંગ અવધૂત મહારાજ તેના દર્શને આવનારને ઘણી વખત કહેતા કે 'શ્રદ્ધા અને ભક્તિ ભાવમાં એવી વ્યાખ્યા સાથે પુરુષાર્થ કરવાથી જ દૂર ન થઈ જતા કે મારે તો કંઈ કરવાનું જ ન હોય ભગવાન કે ગુરુ રાખે તેમ રહીશું. ખરેખર તો એક જુલમગાર તેના ગુલામ પાસેથી નિર્દયતાથી કામ લે છે તેમ તમારે લક્ષ્ય પાર પાડવા માટે પુરુષાર્થ કરતા રહેવાનો છે. મેં મારા શરીર પાસેથી એવી રીતે જ કામ લીધું છે.' માની લો પ્રારબ્ધ થકી કે, ગુરુ અને ભગવાનની કૃપાથી કોઈ ફળ પાકે તે સમગ્ર બીજથી ફળની પ્રક્રિયા માટે પુરુષાર્થ કરવો જ પડશે. ફર્ક એટલો જ છે કે બીજી વ્યક્તિ અથાગ પ્રયત્ન છતાં ફળ ન પામે અને તમને પુરુષાર્થથી ફળ પ્રાપ્તિ થાય. પણ,એમ નિષ્ક્રિય બેઠા રહીને ખોળામાં ફળ આવીને નહીં પડે.
શ્રી રંગ અવધૂત મહારાજનો જન્મ ગોધરામાં ૧૮૯૮માં થયો હતો અને તેમણે ૧૯૬૮માં હરદ્વારમાં દેહ છોડયો હતો. તેમની સાધના કહો કે તપોભૂમિ તે નારેશ્વર હોઇ તેમની અંતિમ ક્રિયા ત્યાં જ થઈ.એક જમાનાનું જંગલ આજે તો નર્મદા કિનારે આવેલ મંદિર તરીકે આકાર પામ્યું છે. ભગવાન દત્તાત્રેય ત્રિમૂર્તિનું સ્વરૂપ છે. તેઓ ગુરુઓના ગુરુ મનાતા હોઇ ગુરુ પૂર્ણિમાના કેન્દ્ર સ્થાને આ ભગવાન જ છે.
શ્રીપાદ વલ્લભ, નૃસિંહ સરસ્વતી, સ્વામી સમર્થ (અક્કલ કોટ), ગજાનન મહારાજ, વાસુદેવાનંદ સરસ્વતી (સમાધિ ગરુડેશ્વર, નર્મદા, ગુજરાત) દત્તાત્રેયના અવતાર મનાય છે.એમ તો શિરડીના સાંઈ બાબા પણ આ જ શ્રેણીમાં આવે.
વાસુદેવાનંદ સરસ્વતી મહારાજે (૧૮૫૪- ૧૯૧૪) જ બાળક પાંડુરંગ (શ્રીરંગનું સંસારી નામ)ને ઓળખી કાઢી તેના માતા પિતાને જણાવ્યું હતું કે આ મારૂ આધ્યાત્મિક બાળક છે. તે દત્તાત્રેયનો અવતાર છે. સમય જતાં તેની દિવ્યતા બહાર આવશે.
શ્રીરંગ અવધૂતને પોતાનામાં જ સમાવી લેતી ભક્તિ પ્રેમ અવધૂત મહારાજ (લીંચ,કલોલ), બાલ અવધૂત મહારાજ (માતર) અને નર્મદાનંદ મહારાજે (ઉછાલી) કરી અને અવધૂતની કૃપાદ્રષ્ટિ અને પાત્રતા તેમને મળી જેના લીધે તેઓ પણ અવધૂતની સિધ્ધિ તરીકે પૂજાય છે.
નારેશ્વર ઉપરાંત હવે તો ખેડા નજીક આવેલ માતરમાં પણ રંગ અવધૂતનું શિખર ધરાવતું વિશાળ મંદિર અને બાલ અવધૂતજીની સમાધિ આવેલી છે. શ્રી રંગ અને બાલ અવધૂતના દુર્લભ ફોટાઓનું પ્રદર્શન દર્શનાર્થીઓ માટે ક્યાંય જોવા ન મળે તેવું આકર્ષણ છે. આ આશ્રમમાં સપરિવાર કે ગુ્રપમાં દર્શન કરવા જવા માટે પ્રવાસ કરવા જેવો છે. ઉછાલીમાં રહેવાની વ્યવસ્થા સાથે મંદિર બન્યું છે. આજે સરખેજ અને ભાગવત વિદ્યાપિઠ મંદિરમા પણ ગુરુ પૂર્ણિમા હોઇ પાદુકા પૂજનનો પર્વ ઉજવાશે.
શ્રીરંગ અવધૂત એક એવા સંત છે જેમણે તેમની માતા રૂકમમ્બાને વચન આપ્યું હતું કે ભલે હું સન્યાસી પણ તમારી કાળજી લેનાર કોઈ નહિ હોઇ ત્યારે તમારે મારી સાથે રહેવાનું. જ્યારે મોટા ભાઈ નારાયણનું નિધન થયું તે પછી તેમની માતા તેમના નિધન સુધીના વર્ષો શ્રીરંગ અવધૂત જોડે નારેશ્વરમાં જ રહ્યા એટલું જ નહિ જ્યાં જ્યાં શ્રીરંગના મંદિર હોય ત્યાં તેમના માતાની તસવીર પણ જોઈ શકાય. શ્રીરંગ તેમની માતાને સુપ્રીમ કોર્ટ તરીકે ઓળખાવતા.જ્યારે તેમની માતાની તબિયત કથળી છે તેવા સમાચાર તેને મળતા તો તેઓ દૂરના જે ગામે હોય ત્યાંથી તરત જ નારેશ્વર દોડી આવતા હતા. તેઓ કહેતા કે આદિ શંકરાચાર્ય જો માતાના અગ્નિ સંસ્કાર માટે પણ આવે તો મારી તો તેમની પાસે શું વિસાત.
શ્રીરંગ અવધૂત મહારાજે અંદાજે ૧૯૦૦૦ દોહરાઓ સાથે 'ગુરુ લીલામૃત', 'અવધૂતી આનંદ' જેવો ભજન સંગ્રહ, 'રંગતરગ'- મરાઠી અભંગ, 'રંગ હૃદયમ', પત્ર મંજુષા જેવા સર્જન મુખ્ય છે. શ્રીરંગ અવધૂત લિખિત 'દત્ત બાવની' તો હવે ખાસ્સી પ્રચલિત બની છે. તેઓ કહેતા કે ભક્તિ એવી કરો કે શ્વાસે શ્વાસે દત્ત નામનું સ્મરણ જોડી દો.
ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે પણ જેમાં પણ શ્રધ્ધા હોય તેમને સમર્પિત રહીને આત્મ જ્ઞાનનું લક્ષ્ય પામીએ તેવી શુભેચ્છા..
'અવધૂત ચિંતન ગુરુદેવ દત્ત.'
શ્રી રંગ અવધૂત મહારાજે એક 'અમર જાહેરાત' પણ પથદર્શનની પ્રેરણા માટે લખી છે
જોઈએ છે! જોઈએ છે!
જોઈએ છે!
કોણ?
ઉપદેશકો
કેવા!
વાણી શુરા નહિ,પણ વર્તન શૂરા
માત્ર શબ્દોથી શીખ દે તેવા નહિ,
- પણ આચરણથી ઉદબોધે તેવા.
પરોપદેશે પાંડિત્ય કરે તેવા નહિ
પણ પોતાની જાતને ઉપદેશે તેવા.
બધાના ગુરુ થાવા દોડે તેવા નહિ,
પણ સર્વેના શિષ્ય થવા મથે તેવા.
શ્રોતાઓનું વિત્તહરણ કરે તેવા નહિ
પણ વેદના હરે તેવા.
ઉધાર આદર્શવાદી નહિ પણ,
રોકડ વાસ્તવવાદી.
સ્વપ્નસેવી નહિ, જાગ્રત જીવી.
પગાર શો મળશે?
આત્મસંતોષ, અમર આનંદ,શાશ્વત શાંતિ.
અરજી કયાં કરવી?
અંતરના ઊંડાણમાં.
કામ પર ક્યારે ચઢવું?
નિશ્ચય પાકો થાય ત્યારે અબઘડી.
હાજર ક્યાં થવું?
જ્યાં હો ત્યાં જ. સર્વત્ર.
અરજી સ્વિકાર્યાના જવાબ?
ઉરનો ઉલ્લાસ.
અરજી કોને કરવી ?
અંતરાત્મા - અવધૂતને