પાખંડી બાબાઓના ગોરખધંધા : સમાજ માટે જાગૃત થવાનો સમય

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
પાખંડી બાબાઓના ગોરખધંધા : સમાજ માટે જાગૃત થવાનો સમય 1 - image


- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- લોકોને મૂર્ખ બનાવી પોતાનું બેંક બેલેન્સ તગડું કરતાં આ ઢોંગીબાબાઓ પોતાની ખરડાયેલી છબી સુધારવામાં પણ પાવરધા છે સવાલ એ છે કે લોકો ક્યાં સુધી છેતરાતા રહેશે ...

હિ ન્દુ સંસ્કૃતિમાં પ્રાચીનકાળથી ગુરુને ગોવિંદ કરતાંય ચડિયાતું સ્થાન આપવામાં આવ્યું છે. જ્ઞાન, ધ્યાન, યોગ, ભક્તિ અને નિષ્કામ કર્મની શિક્ષા આપી ગુરુ જ તેના શિષ્યને ભગવાનના દર્શન, ઈશ્વરની અનુભૂતિ કરાવી શકે એવી પુરાણ કાળથી દ્રઢ થયેલી માન્યતા આજે પણ અકબંધ છે. ફરક માત્ર એટલો જ કે આજે મીઠી વાણીથી આપેલા ઉપદેશ-પ્રવચનને શિક્ષા માની  લેવામાં  આવે છે. આજે ગુરુ કહેવડાવવા પ્રવચન કરવાની કાબેલિયત અને સાધુનો વેશ પૂરતાં છે. જે વ્યક્તિ ભગવા અથવા શ્વેત વસ્ત્રો ધારણ કરી સેંકડો હજારોના ટોળાને માત્ર વકતૃત્વની કાબેલિયત થકી એકઠાં કરી શકે, એક જ સ્થળે જકડી રાખી શકે. તે નિર્વિઘ્ને ધર્મ ધૂરંધર, પરમ પૂજ્ય (ધ.ધૂ.પ.પૂ.) બની શકે. કયાં પૌરાણિક હિન્દુસ્તાનના મહાજ્ઞાની, દૂરંદેશી, નિર્ભય, નિર્લેપ અને તટસ્થ સંત-મહાત્મા અને ક્યાં આજના બની બેઠેલાં દંભી, અપરાધીઓને પણ સારા કહેવડાવે એવા, ભગવા ચોલા હેઠળ છુપાયેલા દુષ્ટ ધ.ધૂ.પ.પૂ.ઓ.

તાજેતરનો દાખલો લઇએ ઉત્તર પ્રદેશના હાથરસ ખાતે જુલાઈના પ્રથમ સપ્તાહમાં સત્સંગ પછી થયેલી ધક્કામુક્કી અને નાસભાગમાં ૧૨૩ વ્યક્તિના મોત નીપજ્યા હતા. જેમાં મોટાભાગે સ્ત્રીઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ દુર્ઘટના પછી તરત જ બાબા ભોલે ઉર્ફે નારાયણ સાકાર હરિ તેમની ૧૫-૨૦ મોટરોના કાફલા સાથે ફરાર થઈ ગયા હતા.

એક સામાન્ય કોટવાલથી લઈને રૂ. ૧૦૦ કરોડનો આસામી બનેલો નારાયણ સાકાર હરિ ઉર્ફે સૂરજપાલ હાલમાં યુ.પી.અને આસપાસના રાજ્યોમાં કુલ મળીને ૨૪ વૈભવી આશ્રમ ધરાવે છે. જમીનના વિશાળ પ્લોટ પર વસેલા કેટલાંક આશ્રમ તો મોટા રિસોર્ટને પણ ટક્કર મારે તેવાં છે. 

હજુ તો ભોલેનાથ બાબા (હાથરસ)ની પાપલીલાની ચર્ચા થાય છે ત્યાં જ કાનપુર નજીકના એક નાના ગામમાં આશ્રમ ધરાવતા બોટલવાલા બાબાની બોલબાલા વધી રહી છે. પોતાને મહાકાલી માતાનો ભક્ત ગણાવતા આ સાધુ (હરિઓમ મહારાજ) એવો દાવો કરે છે કે તેમને માતાજીના આશીર્વાદ છે. તેઓ પ્લાસ્ટિકની એક બોટલમાં ભરેલું પાણી ભક્તોને પીવા આપે છે. તેમનો એવો દાવો છે કે કેન્સર, ટીબી કે બીજી ગમે તેવી અસાધ્ય બીમારી ધરાવનાર માણસ પણ આ ચમત્કારિક પાણી પીએ તો તેનો રોગ મટી જાય છે. આ બાબા પોતાના આશ્રમને શક્તિપીઠ ગણાવે છે. જોવાની વાત એ છે કે ભોલેબાબા બીજા સાધુ-બાવાની માફક ભગવા કે શ્વેત વસ્ત્ર ધારી નહોતા. મોટે ભાગે તે સફેદ પેન્ટ-શર્ટ અને ક્યારેક તો ટાઇ પહેરીને સત્સંગમાં આવતા.

પુરાણકાળમાં આપણા ઋષિ-મુનિઓ ભગવાં અને શ્વેત વસ્ત્રો ધારણ કરતાં. કદાચ ત્યારથી જ ચાલી આવતી આ પરંપરા આજદિન સુધી યથાવત્ છે. પણ અફસોસની વાત એ છે કે કળિયુગના સાધુ-સંતોએ આ પવિત્ર ગણાતા વેશને અભડાવી દીધો છે. વાસ્તવમાં શયતાનો સાધુનો ચોલો ચડાવીને પાપલીલા આચરી રહ્યાં છે. છતાં ભારતની ભોળી પ્રજા માત્ર ભગવાં કે શ્વેત વસ્ત્રો અને બની બેઠેલા સંતોના વાણીપ્રવાહના વહેણમાં તણાઈને અંતે વમળમાં સપડાતી રહે છે.

પોતાને સંત કહેવડાવતા આસારામબાપૂ એક સગીર કન્યા પર બળાત્કાર કરવાના આરોપ હેઠળ જેલના સળિયા ગણી રહ્યાં છે. બેંગલોર પાસે આવેલા બિડાની સ્થિત જ્ઞાનપીઠ ચેરિટેબલ ટ્રસ્ટના સ્વામી નિત્યાનંદને વર્ષ ૨૦૧૦માં સ્થાનિક ટીવી ચેનલે એક તમિળ અભિનેત્રી સાથેે કઢંગી અવસ્થામાં દર્શાવતા વિડિયો ફૂટેજ રજૂ કરીને હલચલ મચાવી દીધી હતી. આ વર્ષમાં જ આ કહેવાતા સ્વામીની એક ભૂતપૂર્વ મહિલા અનુયાયીએ બેંગલોર પોલીસમાં સ્વામી સામે જાતીય સતામણીને લગતી ફરિયાદ નોંધાવી હતી. નિત્યાનંદની ધરપકડ કરવામાં આવી હતી પણ ૫૩ દિવસ પછી તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.

સમાજ શાસ્ત્રીઓ કહે છે કે ભારતમાં કહેવાતા અથવા બની બેઠેલા ગુરૂઓ, બાબાઓ, સાધુઓ કે સંતો પોતાના લાખો-કરોડો અનુયાયીઓ પર ભારે પ્રભુત્વ ધરાવે છે. પરિણામે તેમના મગજમાં રાઈ ભરાઈ જાય છે. મહત્વની કે આંચકાજનક વાત એ છે કે ઉચ્ચ શિક્ષિત લોકો પણ આવા બાબાઓના વાણીપ્રવાહમાં તણાઈ જાય છે. એન્જિનિયર બનેલો યુવાન હોય કે મહિલા સોફટવેર એન્જિનિયર હોય, તેમના જેવા હજારો ઉચ્ચ શિક્ષિત યુવક-યુવતીઓ નિત્યાનંદ પાછળ ઘેલાં થઈ ગયા હતા. 

વર્ષ ૨૦૦૬માં વિકાસજોશી, એટલે કે સ્વામી વિકાસાનંદને ૬૦ જેટલી અશ્લીલ સીડી સાથે પકડવામાં આવ્યાં હતાં. જબલપુરમાં ભારે વગ ધરાવતા વિકાસાનંદને એક હોટેલમાંથી ઝડપવામાં આવ્યાં ત્યારે તેઓ ત્રણ સ્ત્રીઓ સાથે હતા અને તેમાંની એક છોકરી સગીર હતી. તેમની ધરપકડ કરનાર પોલીસ અધિકારી કહે છે કે વિકાસાનંદને તેમના અનુયાયીઓ 'સાહબ' કહીને  સંબોધતા. તેઓ તેમના ભક્તગણને પ્રવચન અને આશીર્વાદ આપતાં. વિકાસનંદ એવો દાવો કરતાં કે તેમની પાસે રહેલી તાંત્રિક શક્તિથી તેઓ મનુષ્યમાત્રના દુ:ખ-દર્દ હરી શકે છે. આશ્ચર્યની વાત એ છે કે ઉચ્ચ શિક્ષિત લોકો પણ તેમની વાતમાં ભોળવાઈ જતાં. જોકે પાપનો ઘડો ફૂટયો એટલે છેવટે જબલપુર ફાસ્ટ ટ્રેક કોર્ટે ૨૦૧૦માં આરોપી ઠરાવીને  જેલના સળિયા પાછળ ધકેલી દીધાં હતા.

આવા જ અન્ય એક ધુતારાની વાત કરીએ તો પોતાને ઇચ્છાધારી સંત સ્વામી ભીમાનંદ મહારાજ ચિત્રકુટવાલે કહેવડાવતા દિલ્હીના શ્રીમૂર્ત દ્વિવેદી છ છોકરીઓ સાથે ઝડપાયા હતા. આ છ યુવતીઓમાંની બે એરહોસ્ટેસ હતી. આંચકાજનક વાત એ છે કે તેમને આશ્રમમાંથી કુટણખાનું ચલાવવા બદલ ઝડપવામાં આવ્યાં હતાં.

અહીં પ્રશ્ન એ થાય કે આટલાં બધાં 'ગુરૂ'ઓ સેક્સ લીલા કરતાં જ શી રીતે પકડાય છે? આના જવાબમાં સમાજશાસ્ત્રીઓ કહે છે કે અનુયાયીઓની ગુરૂઓ પ્રત્યેની આંધળી ભક્તિ આવા કાંડમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તેઓ તેમની વાણીથી એટલા બધા અંજાઈ જાય છે કે તેમને સચ્ચાઈ નજરે નથી પડતી. વળી ભારતની ભોળી (મૂર્ખ) પ્રજા હમેશાંથી ચમત્કારને નમસ્કાર કરતી આવી છે. તેથી જ્યારે આવા લબાડો કોઈક 'ચમત્કાર' કરી બતાવે ત્યારે તેમના અનુયાયીઓની સંખ્યાનો કોઈ પાર નથી રહેતો. અને બધાને પોતાના દુ:ખ-દર્દનો અંત પોતાના ગુરૂમાં જ દેખાય છે.

'ગોડ એન્ડ ગોડમેન ઓફ ઈન્ડિયા' પુસ્તક લખનાર વિવેચક ખુશવંત સિંહ માને છે કે મોટાભાગના ગુરુઓ ભગવા વસ્ત્રો હેઠળ, વગર મહેનતે અગણિત સંપત્તિ એકઠી કરનારા લોકો હોય છે. તેમાંય જો તેઓ 'વાણી વિલાસ'માં પાવરધા હોય તો તેઓ તેમના મક્સદમાં એકદમ સફળ રહે છે. આ અધ્યાત્મ ગુુરુઓ પાસે હિન્દુ સંસ્કૃતિનું ઊંડુ જ્ઞાન નથી હોતું. તેમને આ જ્ઞાન સાથે ઝાઝી લેવાદેવા પણ નથી હોતી. કારણકે આ બાબાઓ કે સાધુઓના ભક્તોને પણ હિન્દુ-ધર્મ-સંસ્કૃતિનું ઝાઝુ જ્ઞાન નથી હોતું.

ધર્મ ગુરુઓનો ડંકો વાગવાનું એક કારણ છે તેમના રાજકીય સંપર્કો. રાજનીતિજ્ઞાો સાથે અધ્યાત્મ ગુરુઓના ગાઢ સંબંધોનો સિલસિલો ૭૦ના દશકથી શરૂ થયો હતો. યોગ ગુરુ ધીરેન્દ્ર બ્રહ્મચારી ઈન્દિરા ગાંધીના નીકટના વર્તુળમાં ખાસ સ્થાન ધરાવતા હતા. જ્યારે ૯૦નો દાયકોે ચંદ્રાસ્વામીની નામે રહ્યો હતો.

ધીરેન્દ્ર બ્રહ્મચારીના દેશભરમાં સંખ્યાબંધ આશ્રમ હતા. પોેલીસે તેમના જમ્મુ ખાતેના કેન્દ્રમાંથી શસ્ત્રો પકડી પાડયા હતા. તેમની ઉપર સ્પેનથી ગેરકાયદે બંદૂકના ભાગ આયાત કરવાનો આરોપ પણ મુકવામાં આવ્યો હતો. 

ચંદ્રસ્વામીએ તત્કાલીન વડા પ્રધાન નરસિંહા રાવની નીકટતાનો લાભ લઈને પોતાનું આગવું સામ્રાજ્ય ખડું કરી દીધું હતું. તેમની ઉપર બ્રિટનમાં રહેતા એક ભારતીય બિઝનેસમેન સાથે એક લાખ અમરિકી ડોલરની છેતરપીંડી કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. બે કરોડ દસ લાખ અમરિકી ડોલરના સેંટ કિટ્સ ઠગાઈના કિસ્સામાં પણ ચંદ્રાસ્વામીનું નામ સંડોવાયું હતું. 

સુપ્રીમ કોર્ટના એક સિનિયર ધારાશાસ્ત્રી કહે છે કે ધર્મગુરુઓ અને રાજકીય નેતાઓની નીકટતા એકમેકની પૂરક છે. રાજકારણીઓ તેમના ગુરુઓને મબલખ નાણાં દાન કરે છે. તેના બદલામાં આ ગુરુઓ તેમને માટે વોટ બેંક ઊભી કરી આપે છે. કદાચ આવા જ કોઇ કારણસર હાથરસના ભોલેબાબા (હિચકારી ઘટના પછી પણ) નો વાળ વાંકો થયો નહોતો.

હરિયાણાનો ડેરા સચ્ચા સોદાનો પ્રમુખ ગુરમીત રામ રહીમ પણ બળાત્કારના કેસમાં દોષીત ઠર્યો હતો અને તેને પણ ૨૦૧૭માં પંજાબની કોર્ટે ૨૦ વર્ષની સજા ફટકારી હતી. તેના પણ હજારો સમર્થકોએ તે સમય ભારે હંગામો કર્યો હતો. હિંસા એટલી ભયાનક હતી કે ૩૮ લોકોના મોત નિપજ્યા હતા. આ કેસમાં તેની દત્તક લીધેલી પુત્રી હનીપ્રીતની પણ ધરપકડ કરાઇ હતી. ગયા વર્ષે ગુરમીત રહીમને પેરોલ પર છોડવામાં આવ્યા હતા.

કૃપાલુજી મહારાજ તરીકે જાણીતા બનેલા રામ કૃપાલ ત્રિપાઠી પર ૧૯૯૧માં નાગપુરમાં બળાત્કાર અને અપહરણના ગુનાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે સાક્ષીઓ ફરી જતાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં હતા. ત્યાર બાદ વર્ષ ૨૦૦૭માં દક્ષિણ ટ્રિનિદાદની ગુયાનાની એક મહિલાએ તેમની વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ કરતાં તેમની અટક કરવામાં આવી હતી. જ્યારે થોડા વર્ષ પહેલાં તેમના ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ પાસે આવેલા અશ્રામમાં થયેલી ધક્કામુક્કીમાં ૬૩ જણનાં મોત નિપજ્યાં હતાં.

મોટા રાજકીય નેતાઓ અને સરકારી અમલદારોમાં નામના મેળવનાર ગુરુ અને જ્યોતિષ સંતોષ માધવનને શોધી રહેલી ઇન્ટરપોલે વર્ષ ૨૦૦૮ના મે માસમાં કેરળના અલાપુઝામાંથી ધરપકડ કરી હતી. 

જોકે આવા બની બેઠેલા સંત-મહાત્માઓની ધરપકડ થાય, જેલ થાય તો પણ બીજા કેટલાંય લેભાગુ બાબાઓ ઉભરતાં જ રહે છે. તાજેતરમાં એવી વાતો બહાર આવી છે કે નારાયણ સાકાર હરિ ઉર્ફે ભોલે બાબા સહિત ૨૦ બાબા પર સકંજો કસતા તેમને બ્લેક લિસ્ટ કરવા તમામ ૧૩ અખાડા વચ્ચે સહમતી સધાઈ છે.

કુંભમેળા પ્રસાશન દ્વારા ઢોંગી બાબાઓને બ્લેકલિસ્ટ કરવાની તૈયારી શરૂ થઈ રહી છે. આ બાબા-સાધુઓને કુંભમેળામાં પડાવ નાખવા. જમીન કે બીજી કોઈ સુવિધા નહીં આપવામાં આવે.


Google NewsGoogle News