Get The App

જ્ઞાનપ્રાપ્તિની ઉત્કટતા .

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
જ્ઞાનપ્રાપ્તિની ઉત્કટતા                                               . 1 - image


- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- અનુભવો પણ ગુરુ જ છે. ભૂતકાળ પણ ગુરુ છે. સમય પણ ગુરુ છે. અલબત્ત, એને ગુરુ માનનારો એમાંથી કંઈક જ્ઞાન ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. આ ક્ષમતાનો જ મહિમા છે

કો ઈ કોઈને જ્ઞાન આપી શકતું નથી. જ્ઞાન આપનાર હોય, પણ જ્યાં વિદ્યાર્થીનો સ્વપ્રયત્ન ગેરહાજર હોય તો ત્યાં જ્ઞાન મળતું નથી. આપણા ધર્મગ્રંથો જ્ઞાનદાતા છે જ, પણ આપણે જ્ઞાની થઈ શક્યા નથી. સમગ્ર માનવજાત એ જ્ઞાનનો પૂર્ણ લાભ લઈ શકી નથી. માણસજાતનું  આધ્યાત્મિક-નૈતિક ધોરણ ઊંચે આવવાને બદલે ક્રમશ: ઘટતું અનુભવાય છે. એ શું સંકેત કરે છે ? સદ્ગ્રંથો, ઉપદેશકો, ગુરૂઓની સંખ્યા વધારવાથી જ્ઞાનનો વિસ્તાર થાય એ ભ્રમ છે,  માનવજાતિ પોતે જ્યાં સુધી તૈયાર ન થાય ત્યાં સુધી પરિણામ પ્રાપ્ત થાય નહીં. મહાભારતકાર વ્યાસજીએ કહેલું - 'હું ઊંચા હાથ કરીને બૂમો પાડીને કહું છું કે ધર્માચરણ કરો, તેથી જ સુખ મળશે. પણ મારું કોઈ સાંભળતું નથી.' આમ જ્ઞાન આપનાર ગુરુ હોવા છતાં જ્ઞાન દઈ શકાતું નથી. જ્ઞાનગ્રહણ કરવાની અભિલાષા, તેને યોગ્ય પાત્રતા અને જ્ઞાન દ્વારા આત્મકલ્યાણની સાધના હોવી એ આવશ્યક છે. જ્ઞાનની પિપાસા વગર ગુરુનું ઔચિત્ય સમજી શકાતું નથી.

ગુરુની મહત્તા ત્યારે જ સમજાય છે જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરવાની ઉત્કટ ઇચ્છા હોય અને તે પ્રાપ્ત કર્યા વગર કળ ન વળે. નોકરી મેળવવા માટે જ ડિગ્રી પ્રાપ્ત કરવા માગતા વિદ્યારસ વગરના વિદ્યાર્થીઓને જેમ શિક્ષકો પ્રત્યે માન કે સદ્ભાવ હોતાં નથી તેમ તેમને શિક્ષકોની મહત્તા સમજાતી નથી તે જે માણસોને શુકપંડિત થઈ ગુરુપદ મેળવી વ્યવહારિક સુખી સ્થિતિ પ્રાપ્ત કરી ચેલા મૂંડવાની વૃત્તિ છે, પરંતુ જેને ભવરણમાંથી છૂટી જવા તીવ્ર તાલાવેલી નથી, જેને સાંસારિક સુખભોગો પ્રત્યે કંટાળો ઉપજ્યો નથી, મોક્ષમાર્ગની જેને ઉત્કંઠા નથી તેને પણ ગુરુની મહત્તા સમજાતી નથી. ગુરુ આપે, પણ ઝીલનારો સજ્જ હોવો જોઈએ.  

ગુરુ વિના જ્ઞાન અસંભવ છે. એ ઉક્તિનો અર્થ ગુરુનો મહિમા કરે છે, પણ ખરેખર જ્ઞાન લેનારની સજ્જતા એટલી જરૂરી જ છે. ગુરુ કોઈ વ્યક્તિ વિશેષ નથી પણ જ્ઞાનાત્મક છે. જ્ઞાન પ્રત્યેની ભક્તિ જ ખરી ગુરુભક્તિ છે. કેવળ વ્યક્તિની ભક્તિમાં દેહભક્તિ છે અને એટલે જ ગુરુતત્ત્વ પર સાધક શિષ્યની દ્રષ્ટિ રહેવી જોઈએ. એવો નિર્દેશ કરવામાં આવ્યો છે. ગુણીજનની જાતિનો નહીં, પણ એના ગુણોનો મહિમા થાય છે.

જ્ઞાન મેળવવાની બે પદ્ધતિ જાણીતી છે. એક ગુરુ દ્વારા અને બીજી સ્વપ્રયત્નોથી જ્ઞાન મેળવવું. બાળકને જન્મની સાથે સમાજવિમુખ રાખીએ તો ? એને ન બોલતાં આવડે, એને ન કપડાં પહેરતા આવડે. ન એ ખેતી કરી શકે, ન એ જ્ઞાન મેળવી શકે. સમાજ, અનુભવ, પૂર્વજો જ્ઞાનદાતા છે. તે બધા ગુરુ છે. વિદ્યાભેદને અંગે ગુરુના પ્રકારભેદ છે, પણ ગુરુ વિના કોઈ પણ વિદ્યામાં સિદ્ધિ મળવી શક્ય નથી. તો બીજી બાજુ, ભગવાન બુદ્ધ અને ઈશુ ભગવાને જ્ઞાનપ્રાપ્તિ સ્વપ્રયત્ને પ્રાપ્ત કરી હતી. ગૌતમ બુદ્ધને વૃદ્ધત્વ, રોગ, મૃત્યુ જેવાં દ્રશ્યો જ્ઞાન આપી ગયાં છે. ઈશુ ભગવાને સ્વપ્રયત્ને ઉપદેશ પામી લીધો છે. એમનાય કોઈ ગુરુ વાંચવામાં આવ્યા નથી. ગોપીઓને કૃષ્ણભક્તિનું જ્ઞાન કોણે આપેલું ? શુકદેવજી પણ જન્મજાત જ્ઞાની હતા. એ લોકો સ્વપ્રયત્ને જ્ઞાન પ્રાપ્ત કરી ચૂક્યા છે. જેઓ ગુરુ વિના જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે તેમની પાત્રતા ઊંચા પ્રકારની છે અને ઊંચા પ્રકારની પાત્રતા હોવાને કારણે તેઓ ગુરુ વિના જ્ઞાન પ્રાપ્ત કરી શક્યા છે, એનો બીજો અર્થ એમ પણ થાય કે જે ગુરુ થકી જ્ઞાન પ્રાપ્ત કરે છે તે ઊતરતી પ્રતિભાવાળા હોય છે.

બંને પ્રકારનાં દ્રષ્ટાંતોમાં સૂક્ષ્મ રીતે તો ગુરુનો મહિમા છુપાયેલો છે, પણ જે આપણા ધ્યાનમાં આવવી જોઈએ તે વાત એ છે કે જ્ઞાનપ્રાપ્ત કરવાની ઇચ્છાવાળો જ્ઞાનપિપાસુની સજ્જતાનું મહત્ત્વ છે. જેને જ્ઞાન મેળવવું છે તે ગમે ત્યાંથી ગમે તે રીતે મેળવી લેશે. ગુરુ વગર અને ગુરૂ દ્વારા પણ. એને જ્ઞાન મેળવવું છે એટલે તે ગમે તેને - ગમે ત્યારે ગુરુ બનાવી તેમાંથી જ્ઞાન મેળવી લેશે...

અનુભવો પણ ગુરુ જ છે. ભૂતકાળ પણ ગુરુ છે. સમય પણ ગુરુ છે. અલબત્ત, એને ગુરુ માનનારો એમાંથી કંઈક જ્ઞાન ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. આ ક્ષમતાનો જ મહિમા છે. જ્ઞાન તો છે જ, એ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીની ઉત્કટતાનો જ મહિમા થવો ઘટે...આપણા વિદ્યાર્થીઓ એટલા ઉત્કટ છે ખરા ?


Google NewsGoogle News