વડોદરે રાજા રવિ વર્મા .
- રસવલ્લરી-સુધા ભટ્ટ
- રાજાના મોજ શૉખની જણસોનું કૃષ્ણાર્પણ
યુગો પુરાણી આપણી સંસ્કૃતિ અને અતિપ્રાચીન આપણી જીવન શૈલી; એમાં સાહિત્ય અને વિવિધ કલાના સંગમની વાત જ ન્યારી. એમાંય રાજ્ય વ્યવસ્થા અને સમાજ રચનાનો મુદ્દો જુદો. કોઈ એક ચોક્કસ માળખામાં રાજ કાજ નિયમિત ચાલતા અને યથા રાજા તથા પ્રજાના નિયમો ચોપડે ચડેલા નહોતાં છતાં વ્યવસ્થિત, સુચારૂ રૂપથી બધા જ વ્યવહારો નિયમિત રૂપે ચાલતા રહેતા. દેશમાં રાજાશાહી હતી ત્યાં સુધી દરેક રાજ્ય, કસબા, ગામ, શહેર પ્રાંતને પોતપોતાનો આગવો વહીવટ હતો. રાજા પોતાની સમૃદ્ધિ વધારતા રહેતા, અન્ય રાજ્યો સાથેના વૈમનસ્યનો પોતાની આગવી રીતે નિકાલ પણ કરતા. 'રામરાજ્ય'થી માંડીને વિલીનીકરણ અને રાજાશાહીની સમાપ્તિ સુધીના સમયગાળામાં દેશના અનેક રાજાઓએ સર્વાંગી વિકાસ સાધ્યો હતો અને પોતાના રાજ્યોની સીમાનો વિસ્તાર પણ કર્યો હતો. એ સમયે અનેક રાજાઓ રૈયતને પૂરો ન્યાય આપતા એન પ્રજાનાં સુખ-દુ:ખના સાથી રહેતા. આથી વધીને કેટલાક રાજાઓએ પોતાની મિલકત તો વધારી પરંતુ સાથે સાથે પ્રજાકલ્યાણનાં અનેક પ્રકલ્પો પાર પાડયા. વડોદરા રાજ્યના ગાયકવાડ વંશના રાજાઓએ શિક્ષણ, કન્યા શિક્ષણ, કલાવારસો, સંસ્કૃતિ, ભાષા અને એને લગતી પ્રવૃત્તિઓ ઉપર ભાર મૂકી તેમના તાબામાં આવેલા ગામો શહેરોને ઊંચા આણ્યાં. પોતાની અંગત માલિકીની ચીજ-વસ્તુઓ જણસોને જાહેર વપરાશ અને દર્શન માટે ખુલ્લી મૂકી.
ભારતીય સ્ત્રીઓને મૉડેલ બનાવવાનો પ્રથમ પ્રયાસ
પૌરાણિક પાત્રો દુષ્યંત, શકુંતલા, નળ, દમયંતી, ઋષિ મુનિઓ, મેનકા જેવી અપ્સરાઓ, પાર્વતી, સીતા, ઇત્યાદિનાં તેમણે ભપકાદાર ચિત્રો બનાવેલાં. પાશ્ચાત્ય ટેકનિક અને સંયોજન સહ શુદ્ધ ભારતીય વિષયો શૈલી અને થીમ મુજબનાં ચિત્રોમાં તેઓ માહિત હતા. રાજા રવિ વર્માને સૌંદર્ય અને મોહકતાની ઘેલછા હતી. ઘરઘરમાં કેલેન્ડરના માધ્યમથી પહોંચેલા આ ચિત્રકારના કામ ઉપર ચિત્રલોકના દાદા સાહેબ ફાળકે જેવા માંધાતાઓ આફરિન હતા. રોજિંદા જીવનમાંથી પણ તેઓ પાત્ર શોધતા સર્જકતાની કોઈ સીમા નથી. તેમની ઉપર તો કેરાલાના શાસ્ત્રીય નૃત્ય કથકલીનો પણ ઘણો પ્રભાવ હતો. પેઇન્ટિંગમાં પોતાની આગવી નૂતન શૈલીનું સર્જન તેમણે કરેલું. આજ દિન સુધી કલાજગતમાં તેમની કળા 'હૉટ' ગણાય છે. ઝીણી નિરીક્ષણ શક્તિ અને તેની અભિવ્યક્તિની સૂઝવાળા રાજા રવિવર્માએ જે ચિત્રો વડોદરાના તેમના સ્ટુડિયો 'ચિત્ર શાળા'માં બનાવ્યાં તે ત્રીસેય ચિત્રો આજે લક્ષ્મી વિલાસ પેલેસમાં આવેલ મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમમાં પોતાની ખાસ દીર્ઘામાં વિદ્યમાન છે. એ અસલ ચિત્રો, રૂપચિત્રોની એક ઝલક : કેટલાક નમૂનાઓનું રસદર્શન : મહારાણી ચિમનાબાઈ સયાજીરાવ III જાજરમાન વ્યક્તિત્વ ઠસ્સાદાર પૉઝ, મરાઠી નવવારી સાડી, મોતીનાં આભૂષણ, પગે સોનાની સાંકળી-તોડા. રાજ ઘરાનાને શોભે તેવા ઘેરા રંગો, મુખભાવ શાંત, ચિત્રમાં સોનેરી કિનાર તાંજોર શૈલી સમાન.
મહારાજા સયાજીરાવ III રાજ્યાભિષેક પ્રસંગ. મરાઠાવેશ, હીરામોતીના દાગીના, સોનેમડીઆભા, ઘેરા રંગના વસ્ત્રો અને મુખ પર ખુમારી છતાં નમ્રતા. રાજકુમાર ફતેહસિંહરાવ સયાજીરાવ III ના સુપુત્ર-રાજકુમાર ચહેરા પર નાજુકાઈ ઠાઠમાઠ સાથે શોભે.
'કૈસરે હિંદ'થી નવાજિત
વાત છે વડોદરાના મહારાજા સયાજી રાવ ત્રીજાની. એમના રાજ્યાભિષેક વખતે એ પ્રસંગનું દસ્તાવેજીકરણ ચિત્રો કરવા માટે એમણે દક્ષિણ ભારતના ત્રાવણકોરના કુલિન રાજ પરિવારમાં જન્મેલા બહુઆયામી વ્યક્તિત્વ ધરાવતા કુંવર કલાકાર રાજા રવિવર્માને વડોદરા તેડાવ્યા. દેશ-વિદેશમાં તેમની કૃતિઓનાં માન-પાન સ્થાન અને સરાહનાની કીર્તિ ફેલાયેલી જ હતી. તેમને લક્ષ્મી વિલાસ પેલેસ પરિસરમાં અલાયદા સ્વતંત્ર સ્ટુડિયોની સગવડ કરી આપી. ત્યાં નિર્માણાધીન મહેલની શોભા વધારતા પૌરાણિક ચિત્રો તેમણે બનાવ્યાં. યુરોપિયન યથાર્થવાદને ભારતીય પરિપ્રેક્ષ્યમાં ઉતારીને તેમણે નવાં શિખરો સર કર્યાં. મૈત્રીભાવ અને પ્રેમયુક્ત વર્તાવ કરનારા મહારાજાએ આ કલાકારને પોતાની રીતે પાંગરવા દેવાનું વલણ દાખવેલું આથી મોટા ગજાના ચિત્રકાર રાજા રવિ વર્માએ જળરંગ અને તૈલ રંગનાં ચિત્રો ઉપરાંત શિલ્પકળા ઉપર પણ નજર દોડાવેલી. એમની ઉપર 'ફ્યૂઝન યુરોપિયન એકેડેમિક આર્ટ'ની અસર હતી. શુધ્ધ ભારતીય લાગણીસભર અને ઉદાહરણીય કળા પ્રત્યેનો તેમનો પક્ષપાત પણ જાણીતો હતો. સામાન્ય જનને પરવડે એવાં ચિત્રો તેઓ લિથોગ્રાફીની મદદથી તૈયાર કરાવતા. હિંદુ દેવી દેવતાઓનાં લોકપ્રિય ચિત્રોના તેઓ ઘડવૈયા હતા. રામાયણ, મહાભારત, પુરાણો આધારિત ચિત્રો એ એમની ઓળખ છે. મદુરાઈમા ચિત્રકળાનો પાયો નંખાયા પછી તેમણે રામાસ્વામી નાયડુ નામના ગુરુ પાસેથી વૉટર કલરની તાલીમ અને અંગ્રેજ રૂપચિત્રકાર થિયોડોર જેન્સન પાસેથી ઑઇલ પેઇન્ટિંગની તાલીમ લીધેલી. અનેક આંતર રાષ્ટ્રીય એવોર્ડઝ એમણે મેળવેલા. વિષયની શોધમાં તેઓ ભારત ભરમાં ઘૂમી વળેલા.
રાજા રવિ વર્મા વિશ્વફલકે
રૂપચિત્રો ઉપરાંત પૌરાણિ પાત્રોનાં ચિત્રો. અહીં મૂકાયેલા પ્રત્યેક ચિત્રની ફ્રેઇમ પણ કલાત્મક. રાધા અને માધવ વયસ્ક રાધાની અનેરી મસ્તી અને બાળ કનૈયો અલ્લડ બન્ને યમુના કિનારે. અહીં રાધાને લક્ષ્મી અવતારે ચિત્રિત કર્યાં છે અને કહાન તો મોરપીંછ મુગટથી શૃંગારિત. અન્ય ચિત્રમાં એકલાં રાધા કુંજવનમાં કૃષ્ણની પ્રતીક્ષા કરતા નવવારી સાડીમાં, આભૂષણથી અલંકૃત, હાથમાં ફળફૂલની થાળી લઇને અને મોં પર પ્રત્યાશાના ભાવ સાથે દેખાય. પાત્રની મુખરેખા, આંખના ભાવ અને રંગ છટા આકર્ષક આ દીર્ઘામાં મોટાભાગનાં ચિત્રો ઑઇલ કલરનાં છે. નળ દમયંતી નિષાદ નરેશ નળ વિદર્ભ કુંવરી દમયંતી, બન્ને અત્યંત સ્વરૂપવાન દીસે છે. કરમે વનવાસ અને પત્નીને છોડીને મહાભિનિષ્ક્રમણ કરતા રાજા વ્યથિત છે, તો રાણી શાંતચિત્તે પોઢેલાં. પાત્રની અંદર ઊંડે ઉતરી જતા રાજા રવિ વર્માની કમાલ તો એ છે કે કથા મુજબ પાત્રોના મુખભાવ, વસ્ત્રો, અલંકાર, રંગ અને આસપાસ પશ્ચાદભૂમાં કુદરતનાં તત્ત્વોનું નિરૂપણ કરતા. અર્જુન-સુભદ્રાના ચિત્રમાં બન્નેનું સાથે રહેવું અને શરમાવું લાસ્યનું નિરૂપણ કલાપ્રેમીને આકર્ષે. 'કૃષ્ણદ્રષ્ટા' ચિત્રમાં દીપકના ઝાંખા પ્રકાશમાં અન્ય સખીઓ સાથે જશોદા કૃષ્ણને નિજ અંકમાં લઇ બેઠાં દેખાય છે જેમાં નર્યો વાત્સલ્યભાવ છલકે છે. શકુંતલાને પાંદડા પર પત્ર લખતી સખીઓ પ્રિયંવદા, મિત્રા વનકન્યા શી શોભે છે. બાળક ભરત વનમાં સિંહના દાંત ગણતા દેખાય એમાં બાળકની નિર્દોષતા અને સિંહની સખ્તી-બન્ને ભાવ માઝા મૂકે છે.
લસરકો : રાજા રવિ વર્માના ચિત્રોમાંથી કળા, સ્થાપત્ય, ઇતિહાસ, ઉદ્યોગ, કાપડ, ઘરેણાં, પ્રકૃતિ આદિની જાળવણીનો હેતુ ઉજાગર થાય છે.