Get The App

આપણી પૃથ્વીને ઠંડક આપો! .

Updated: Jan 20th, 2024


Google NewsGoogle News
આપણી પૃથ્વીને ઠંડક આપો!                                    . 1 - image


- આજકાલ-પ્રીતિ શાહ

- 'અમારું લક્ષ્ય વૈશ્વિક સંગઠનો સાથે મળીને એક અબજ નાગરિકોના જીવનમાં જલવાયુ કાર્યવાહીને એકીકૃત કરવાનું છે, જેથી આપણે સહુ મળીને દુનિયાને ઠંડી કરી શકીએ'

૧૯ ૯૮માં પૂણેમાં જન્મેલી પ્રાચી શેવગાંવકર સ્કૂલનો અભ્યાસ પૂરો થયા પછી ઘણા યુવાનોની જેમ પોતાની કારકિર્દી અંગે અવઢવમાં હતી. એન્જિનિયરીંગનો અભ્યાસ કરવાનું વિચારતી હતી, એ સમયે એક દિવસ સ્કૂલમાં શિક્ષકે જીવનમાં શું બનવું છે તે વિશે લખવા આપેલો કાગળ તેને મળ્યો. તેમાં પ્રાચીએ લખ્યું હતું 'મેક એન ઇમ્પેક્ટ'. બસ, આ બાબત તેને સ્પર્શી ગઈ અને એન્જિનીયર થવાને બદલે પૂણેની સિમ્બોયસિસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં માસ કોમ્યુનિકેશન કોર્સમાં પ્રવેશ મેળવી લીધો. તેના અભ્યાસકાળ દરમિયાન વિદ્યાર્થીઓ અને એના જીવનનાં સ્વપ્ન વિશે એક ટૂંકી ફિલ્મ બનાવવાની હતી. તે માટે પૂણેની ઝૂંપડપટ્ટીમાં રહેતા બાર વર્ષના કિશોરને તેણે પૂછયું, 'તને તક આપવામાં આવે તો તારી કઈ ઇચ્છા તું પૂરી કરવા માગે છે ?' તેણે તરત જ જવાબ આપ્યો, 'ગત વર્ષની જેમ મારા ઘરમાં પૂરના પાણી ન આવે.'

પ્રાચી માટે આ જવાબ આંચકો આપનારો અને આંખ ઉઘાડનારો હતો. પ્રાચી આ અંગે વિચારવા લાગી. જ્ઞાનેશ્વર બોડકેની અભિનવ ફાર્મર ક્લબ અને નલિની શેખરની બઁગાલુરુમાં કચરો વીણનારા લોકો માટે કામ કરતી હસિરુ દાલા સંસ્થા સાથે સ્વયંસેવક તરીકે કામ કરવાનો તેને અનુભવ હતો. એ જલવાયુ પરિવર્તન વિશે વિચારવા લાગી. આ સમસ્યામાંથી બહાર નીકળવાનો વૈશ્વિક લક્ષ્યાંક ૨૦૫૦ સુધીનો છે તેમ જાણ્યું. હવે તો ત્રીસ વર્ષ જ બચ્યા છે, તેથી સમય વહી જાય તે પહેલાં આના ઉકેલ માટે કંઈક કરવું જોઈએ. તેમ વિચારીને આ વિષયમાં વિશેષ વાંચન અને સંશોધન કરવાનું શરૂ કર્યું.

તેણે એના માતા-પિતાને વાત કરી, તો તેઓને આનંદ એ વાતનો થયો કે પુત્રી એક સમજદાર જવાબદાર નાગરિક બની ગઈ છે. કુટુંબીજનોએ અને પ્રાચીએ તેમના દ્વારા ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન દસ ટકા ઓછો થાય તેવી પ્રતિજ્ઞા લીધી. તેણે બે મહિના સઘન અભ્યાસ કરીને સંશોધન કર્યું. મિત્રો, પાડોશીઓ અને સગાંઓને રસ પડયો અને તેઓ તેમાં ભાગ લેવા ચાહતા હતા. કેટલાક લોકો જલવાયુ પરિવર્તનનાં પરિણામોથી સજાગ હતા, પરંતુ તેના ઉકેલ માટે શું કરવું, ક્યાંથી શરૂઆત કરવી તેની ખબર નહોતી. 

પ્રાચીને પોતાના અભ્યાસકાળ દરમિયાન ઇન્ટર્નશિપ કરવાની હતી, તેના બદલે  આ એપ પર કામ કરવાની મંજૂરી મેળવી, પરંતુ આ કામ એટલું સહેલું નહોતું. સૌથી મોટી મુશ્કેલી વ્યક્તિગત કામની માત્રા કેવી રીતે નક્કી કરવી તે હતું. ઘણા વિકલ્પો પર વિચાર કર્યો. એપને પ્રમાણભૂત બનાવવા માટે બીટા પરીક્ષણ કર્યું. તે માટે કાલેજના બસોથી વધારે વિદ્યાર્થીઓની મદદ લીધી. આજકાલ ઘણા લોેકો દિવસ દરમિયાન લીધેલા ખોરાક અને કેટલી કેલરી ખર્ચ કરી તે માપે છે, એ જ ધારણા પર આધાર રાખીને પ્રાચીએ કામ કર્યું. તેની ડિઝાઇન અને અન્ય કાર્ય કરવામાં ત્રણ વર્ષનો સમય લાગ્યો અને 'કૂલ ધ ગ્લૉબ' એપ ૨૦૨૦ના ડિસેમ્બરમાં શરૂ કરવામાં આવી. આમાં મહિનાનું તેમજ વાર્ષિક લક્ષ્ય આપવામાં આવે છે. ઉપયોગકર્તા દૈનિક જીવનમાં સામેલ એવી આશરે એકસોથી વધુ ક્રિયા દ્વારા બચત કરી શકે છે. જેમકે કોઈની ઑફિસ તેના ઘરથી દસ કિમી. દૂર હોય અને તે કારને બદલે સાઇકલનો ઉપયોગ કરે, તો મહિને ૨.૩ કિલો કાર્બન ડાયોક્સાઇડની બચત કરે છે. જો દિવસમાં બે કલાક ટી.વી. બંધ રાખવામાં આવે તો બારસો ગ્રામ તેમજ એક કિલો વજનની બે સાડી ન ખરીદે તો દસ કિલો ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન બચે છે. વપરાશકર્તાઓએ શું કરવું અને શું ન કરવું તે એપમાં દર્શાવવામાં આવે છે અને તે જોઈ શકે છે કે એણે કેટલું લક્ષ્ય હાંસલ કર્યું. કદાચ કોઈને વ્યક્તિગત રીતે આ બાબત સામાન્ય લાગે, પરંતુ તેનો સામૂહિક પ્રભાવ અસાધારણ છે.

'કૂલ ધ ગ્લૉબ' એપનો પ્રસાર થાય તે માટે વીડિયો દ્વારા અભિયાન ચલાવ્યું. એ સોશિયલ મીડિયા પર વાઇરલ થયું. ક્લાયમેટ ચેન્જ અવેરનેસ પ્રોગ્રામ કર્યો, ત્યારે નવ વર્ષની એક છોકરીએ પ્રાચીને કહ્યું કે તે પણ આ અંગે કંઈક કરવા ઇચ્છે છે, પરંતુ તેની પાસે ફોન નથી. તો બીજી એક વ્યક્તિએ જણાવ્યું કે આ એપ સાથે જોડાયા પછી તે કારને બદલે સાઈકલ લઈને ઑફિસે જાય છે અને થોડા મહિનામાં જ સાઠ કિલો કાર્બન ઓછો ઉત્પન્ન થવા દીધો છે. આવા પ્રતિભાવો મળે ત્યારે પ્રાચીનો ઉત્સાહ વધે છે. એકસોથી વધારે દેશોના ચોવીસ હજાર લોકોએ મળીને દસ લાખ કિલો ગ્રીન હાઉસ ગેસ ઉત્પન્ન થવા દીધો નથી. ઈકોપ્રેન્યોર પ્રાચી શેવગાંવકરને ઇન્ટરનેશનલ એડવર્ટાઇઝિંગ એસોસિયેશન દ્વારા ઓલિવ ક્રાઉન ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવી છે. ફિનલન્ડના પૂર્વ પ્રધાનમંત્રી અને વૈશ્વિક નેતાઓ સાથે જલવાયુ નેતૃત્વ ગઠબંધનના સલાહકાર બોર્ડમાં નિયુક્ત થનારી એ પ્રથમ ભારતીય છે.

પ્રાચી કહે છે કે, 'અમારું લક્ષ્ય વૈશ્વિક સંગઠનો સાથે મળીને એક અબજ નાગરિકોના જીવનમાં જલવાયુ કાર્યવાહીને એકીકૃત કરવાનું છે, જેથી આપણે સહુ મળીને દુનિયાને ઠંડી કરી શકીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કોપ-૨૬માં ૨૦૭૦ સુધીમાં શૂન્ય ઉત્સર્જન હાંસલ કરવાની વાત કરી છે એ એક લાંબી અને કઠિન યાત્રા છે, પરંતુ અસંભવ નથી. વિકસિત દેશોની સરખામણીમાં આપણા દેશનું પ્રતિ વ્યક્તિ ઉત્સર્જન ઘણું ઓછું છે. સમાજના દરેક ભાગમાં સતત, સામૂહિક અને સંક્રામક પ્રયત્નોથી લક્ષ્ય હાંસલ કરી શકાશે. તમે શા માટે નિષ્ફળ જાઓ છો, તેના સો કારણ વિચારવાને બદલે એક નાના પ્રયત્નમાં વિશ્વાસ રાખીને શરૂ કરવું જોઈએ. વિશ્વના ઇતિહાસમાં મોટા પરિવર્તનો સાધારણ વ્યક્તિના સામૂહિક પ્રયત્નોથી જ થયા છે.'

રમકડાંની 'એલિફન્ટ' એપ

એક સંશોધન પ્રમાણે બાળકો અઢાર દિવસથી વધુ એક જ રમકડાં રમતા નથી. ગુટકા કે પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકી શકાય, પરંતુ રમકડાં પર પ્રતિબંધ મૂકી શકાય નહીં

રો જિંદા જીવનની ઘટમાળમાં સતત ડૂબેલા પરિવારમાં જ્યારે સંતાનનું આગમન થાય છે, ત્યારે કુટુંબમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ છવાઈ જાય છે અને પછી તો સહુના જીવનનું કેન્દ્ર એ બાળક બની જાય છે. મુંબઈમાં રહેતા સૌરભ જૈન આમ તો સી.એ. થયેલા છે, પરંતુ તેઓ કહે છે કે એક પુત્રીના પિતા બન્યા પછી એમના જીવનનો પરિપ્રેક્ષ્ય બદલાઈ ગયો, પોતાને વિશે વિચારવાનો દ્રષ્ટિકોણ સમૂળગો બદલાઈ ગયો. દરેક માતા-પિતાના જીવનમાં બને છે તેમ તેની પુત્રી જ તેમની દુનિયા બની ગઈ. શરૂઆતમાં તો બાળક બોલે નહીં તેથી તેની સાથે કેવી રીતે અનુસંધાન સાધવું તેની કંઈ સમજ ન પડે, પણ એ થોડી મોટી થતાં તેમને વિચાર આવ્યો કે રમકડાં અને પુસ્તકો દ્વારા પરસ્પર કોઈ અભિવ્યક્તિ સાધી શકાય અને એ રીતે તેની સાથે કલાકો સુધી રહી શકાય. બાળકો કંઈક જાણે, સમજે અને શીખે તેવાં રમકડાંની તેમણે શોધ ચલાવી. તેમણે જોયું કે ઈકો-ફ્રેન્ડલી રમકડાં મેળવવા મુશ્કેલ હતા. પ્લાસ્ટિકનો, રબરનો કે રંગનો એવો ઉપયોગ કરવામાં આવ્યો હોય કે તે બાળકને અને પર્યાવરણને નુકસાનકર્તા બને. સૌરભ જૈનનો જન્મ અને ઉછેર એક વ્યવસાય કરતાં કુટુંબમાં થયો હતો, તેથી ઘણી વખત તેમને વ્યવસાય કરવાનો વિચાર આવતો હતો, પરંતુ સી.એ. થયા પછી તે દિશા તરફ વિચાર્યું નહીં. હવે તે એક પિતા તરીકે આ અંગે ગંભીરતાથી વિચારવા લાગ્યા. તે પોતાના કામમાંથી થોડો સમય કાઢીને રમકડાંની શોધ કરતા, ત્યારે તેને વિચાર આવ્યો કે નોકરી અને ઘરની જવાબદારી સંભાળતા એવા કેટલાય માતા-પિતા હશે કે જેઓ પોતાનાં બાળકો માટે ઓછો સમય ફાળવી શકતા હશે. ધીમે ધીમે તે આ અંગે વિચારવા લાગ્યા અને એમાંથી જન્મ થયો 'ધ એલિફન્ટ' (The EleFant)નો. જે બાળકો માટેના રમકડાં ભાડે આપે છે. આ વિચાર એમના મનમાં ૨૦૨૨માં આવ્યો, પરંતુ તેને અમલમાં મૂકવા માટે ઘણાં પાસાંઓનો વિચાર કરવાનો હતો. કેવાં પ્રકારના રમકડાં આપવાં, સર્વિસ કેવી રીતે આપવી, કેટલા પૈસા લેવા અને સૌથી મહત્ત્વનું એ હતું કે બાળકો માટે આ રમકડાં માત્ર મનોરંજન ન બની રહેતાં તેમાં એમનું ચિત્ત પરોવાય અને કંઈક શિક્ષણ મેળવે.

આ બધા વિચાર સાથે સૌથી પહેલાં તો તેમણે મનોવિજ્ઞાનીઓ, બાળરોગના નિષ્ણાતો અને સ્કૂલના ભૂતપૂર્વ અનુભવી આચાર્યોનો સંપર્ક સાધ્યો અને જાણ્યું કે બાળકો માટે કેવાં પ્રકારનાં રમકડાં ઉત્તમ ગણાય. કઈ ઉંમરે કેવા પ્રકારના રમકડાં એમને આપવાં જોઈએ. તેમને તો બધા માતા-પિતા જેનાથી પરેશાન છે, તેનો ઉકેલ આપવો હતો, કારણ કે એમ મનાય છે કે ગમે તેવું રમકડું હોય, પરંતુ બે કલાક રમ્યા પછી ઘરમાં તે ગમે ત્યાં પડયું હોય છે. તમે સતત નવાં રમકડાં આપી શકતા નથી. તે પર્યાવરણની દ્રષ્ટિએ અને કિંમતની દ્રષ્ટિએ પણ પોષાય તેમ નથી. 'ધ એલિફન્ટ' એપ રમકડાંની લાઇબ્રેરી જેવું કામ કરે છે. જેટલા પૈસામાં રમકડાં ખરીદો છો, તેટલા પૈસામાં જ રમકડાં અને પુસ્તકો બદલવાની સ્વતંત્રતા મળે છે. પહેલાંના જમાનામાં બાળકો મોટા થતાં તેના રમકડાં કે કપડાં કાકી, મામી, માસી કે અન્ય સગાંવહાલાંના ઘરે આપવામાં આવતા અને તે ઘરનાં બાળકો તેનો ઉપયોગ કરતા હતા. હવે કુટુંબો નાના થતાં આવું ક્યાંય જોવા મળતું નથી અને કેટલાક તેને પસંદ પણ નથી કરતા. આવી પરિસ્થિતિમાં માતા-પિતા તરફથી આ એપને સારો આવકાર મળી રહ્યો છે. આજે અઢીસો જેટલા ગ્રાહકો છે અને દરરોજ આશરે બે હજાર લોકો તેને ડાઉનલોડ કરે છે. ઘણા માતા-પિતા કે જેમને પોતાનાં બાળક માટે રમકડાં લેવા જવાનો સમય નથી મળતો તેવા માતા-પિતા એટલે ખુશ છે કે રમકડાં ખરીદવામાં જેટલો સમય જાય તેટલો સમય તેઓ બાળકો સાથે રહી શકે છે.

સમગ્ર પ્રક્રિયાની વાત કરતા ૩૪ વર્ષના સૌરભ જૈન જણાવે છે કે, 'બાળકોમાં જ્ઞાન વધે અને તેમનો વિકાસ થાય તેના પર વિશેષ ધ્યાન આપીએ છીએ. વિજ્ઞાન, ટૅક્નૉલૉજી, એન્જિનિયરીંગ, ગણિતને લગતા રમકડાં, બોર્ડ ગેઇમ, આર્ટ, સ્ટ્રક્ચર બનાવતી રમત, સાઉન્ડ બુક્સ રાખીએ છીએ. તે ઉપરાંત બાળકનો શારીરિક અને ભાવનાત્મક વિકાસ થાય, સામાજિક-પર્યાવરણલક્ષી સમજ વધે તેવો પ્રયત્ન કરવામાં આવે છે.' શરૂઆતમાં માતા-પિતાના મનમાં વપરાયેલાં રમકડાં પોતાના બાળક માટે વાપરવામાં ખચકાટ થતો હતો, પરંતુ જે લોકો આ ટીમમાં કામ કરે છે તેઓ પણ માતા-પિતા જ હોવાથી સ્વચ્છતાનો પૂરો ખ્યાલ રાખવામાં આવે છે. આજે તેઓ રમકડાં આપતી સિત્તેર કંપની સાથે જોડાયા છે 'ધ એલિફન્ટ' ત્રણ પ્રકારના પ્લાન આપે છે. ગાર્ડન પ્લાનના મહિને સાડા સાતસો રૂપિયા છે જેમાં બે વખત બે રમકડાંની ડીલીવરી કરવામાં આવે છે. એસ્ટેટ પ્લાનમાં હજાર-બારસો રૂપિયામાં મહિને નવ રમકડાં મેળવી શકો અને ફોરેસ્ટ પ્લાનમાં સોળસો રૂપિયામાં વીસ રમકડાં મેળવી શકાય. કોઈ રમકડું પસંદ પડે અને પાછું ન આપવું હોય તો તેની કિંમત આપી શકાય અથવા તો તે કંપનીની લિંક પણ આપવામાં આવે છે જેથી નવું ખરીદી શકો. રમકડું તૂટી જાય તો તેના પણ નિયમો આપવામાં આવે છે. સૌરભ જૈન રમકડાં ફરી વાપરવાનો આગ્રહ રાખે છે, કારણ કે આજે સંસાધનો ઓછા થઈ રહ્યા છે. પ્લાસ્ટિક હોય કે લાકડું તેનો ફરી ઉપયોગ થવો જોઈએ. તેના દ્વારા તેઓ સરક્યુલર ઈકોનોમી પર ધ્યાન કેન્દ્રિત કરીને પર્યાવરણમાં યોગદાન આપવા માગે છે.


Google NewsGoogle News