ડાયાબિટીસથી કિડનીને જોખમ
- હેલ્થકેર-ડો.સંજીવ ફાટક
આ પણા શરીરમાં જમણી બાજુ એક અને ડાબી બાજુ એક એવી રીતે બે કિડની આવેલી છે. કિડની સતત રીતે કાર્યરત રહી શરીરમાં બનતા બિનજરૂરી અને ઝેરી પદાર્થોને પેશાબ દ્વારા દૂર કરે છે, શરીરમાં પ્રવાહીનું સંતુલન જાળવે છે અને ક્ષાર જેમકે સોડિયમ, પોટેશિયમ વગેરેનું નિયમન કરે છે, બ્લડ પ્રેશરના નિયમન માટે, રક્તકણોના ઉત્પાદન માટે અને હાડકાની તંદુરસ્તી જાળવવા માટે પણ કિડની બહુ ઉપયોગી છે.
લોહીનું શુદ્ધિકરણ કરી પેશાબ બનાવવાનું કામ કરતા કિડનીના સૌથી નાના યુનિટને નેફ્રોનના નામે ઓળખવામાં આવે છે. દરેક કિડનીમાં આશરે ૧૦ લાખ જેટલા નેફ્રોન આવેલા હોય છે. નેફ્રોન ગ્લોમેલુરસ અને ટયુબ્યુલસમાંથી બને છે. ગ્લોમેલુરસ એટલે કે કિડનીની ગળણી, તે ૧૨૫ મિલીલીટર પ્રવાહી દર મિનિટે ગાળે છે એટલેકે ૨૪ કલાકમાં પ્રાથમિક તબક્કે ૧૮૦ લીટર પેશાબ બને છે. ગ્લોમેલુરસમાંથી બનતો ૧૮૦ લીટર પેશાબ ટયુબ્યુલસમાં આવે છે જેમાંથી ૯૯% પ્રવાહીનું Reabsorption થાય છે. Reabsorption થયા બાદ આશરે દિવસમાં દોઢથી બે લીટર જેટલો વધારાનો કચરો તેમજ વધારાના ક્ષારો પેશાબ દ્વારા દૂર કરવામાં છે.
ડાયાબીટીસ અને કિડની
લાંબા સમયથી ડાયાબિટીસ હોય અને ખાસ કરીને જો ડાયાબિટીસ કાબૂમાં ન હોય તો તેવા દરદીઓને સુગર ને લીધે કિડનીની નાની નળીઓને નુકસાન થાય છે. આના કારણે પેશાબ દ્વારા પ્રોટીન લીક થવાની શરૂઆત થાય છે. ત્યારબાદ પ્રોટીનનું લીકેજ વધી જાય તો કીડનીની કાર્યક્ષમતા પર અસર થાય છે અને creatinine વધવા માંડે છે, ટૂંકમાં કિડની ફેલ થવાની શક્યતા રહે છે. આ રીતે ડાયાબિટીઝના કારણે થતા કિડનીના નુકસાનને ડાયાબીટીક કીડની ડિસીસ અથવા ડાયાબીટીક નેફ્રોપથીના નામે ઓળખવામાં આવે છે. કિડની ફેલ થવાના કારણોમાં ડાયાબીટીસ સૌથી મહત્ત્વનું કારણ છે.
ડાયાબિટીઝના દર્દીઓને જોખમ
Type 1 ડાયાબિટીસના દર્દીને લાંબા સમયથી ડાયાબિટીસ હોય તો. Type 2 ડાયાબિટીસના દર્દીઓને, વારસાગત કારણો હોય, હાયપરટેન્શન, કોલેસ્ટેરોલ વધારે રહેતું હોય,ધૂમ્રપાનનું વ્યસન હોય કે વજન વધારે હોય તો તે કારણસર પણ કીડની પર અસર થઈ શકે છે.
પ્રારંભિક લક્ષણો
જો દર્દી સમયસર નિયમિત રીતે પેશાબમાં પ્રોટીન અને ખાસ કરીને microalbuminની તપાસ કરાવે તો આનું વહેલું નિદાન થઈ શકે છે. ત્યારબાદ જો પ્રોટીન લીકેજ વધતું જાય તો દર્દીને પેશાબ કરે ત્યારે ફીણ વળતું હોય તેમ જણાય છે. પછી ધીમે ધીમે કિડની વધારે બગડતી જાય તેમ મોઢે અને પગ પર સોજા આવે છે, સુગર એકાએક ઘટવા માંડે.
કયા ટેસ્ટ કરાવવા જોઇએ?
સૌ પ્રથમ તો પેશાબમાં પ્રોટીન જાય છે કે નહી તે જાણવા માટે urine albuminની તપાસ અને એ જો નોર્મલ હોય તો urine microalbuminની તપાસ કરાવવી જોઈએ. તદુપરાંત લોહીમાં creatinine ની તપાસ અને તેના પરથી eGFRનું માપ કાઢવું જોઈએ.જો કીડની પર અસર થયેલી માલૂમ પડે તો લોહીમાં હિમોગ્લોબીન, electrolytes અને uric acidની તપાસ તથા કિડનીની સોનોગ્રાફી પણ કરાવવી જોઇએ.
ડાયાબિટીસના દર્દીઓને જો કિડની પર અસર થયેલી હોય તો તેવા દર્દીઓને હૃદયરોગ થવાનું જોખમ પણ વિશેષ રહેલું હોય છે તેથી જો ડોક્ટરને જરૂરી લાગે તો હૃદયની તપાસ પણ અવશ્ય કરાવવી જોઈએ.
કિડનીની તકલીફથી કેવી રીતે બચી શકાય?
બ્લડ સુગર, બ્લડપ્રશર,કોલેસ્ટેરોલ, વજનને કાબૂમાં રાખો
ડાયાબિટીસની સારવારમાં વપરાતી SGLT-2 inhibitors (Dapagliflozin, Empagliflozin વગેરે) કિડની માટે પણ ઉપયોગી છે.
બ્લપ્રેશરને કાબૂમાં રાખવા વપરાતી ACEI/ARB પ્રકારની દવાઓ પણ કિડની માટે ખૂબ ઉપયોગી છે.
નવી દવાઓ જેમકે Finerenone ઉપયોગી સાબિત થઈ છે.
બને ત્યાં સુધી Pain killerle દવાઓ જેમકે Ibuprofen, Diclofenac વગેરેનો ઉપયોગ ટાળો.
ખોરાકમાં મીઠાની અને માત્રા ઓછી લો જોકે શાકાહારી વ્યક્તિએ પ્રોટીનની માત્રા ખાસ ઓછી કરવાની જરૂર નથી.