mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ચૂંટણી જંગમાં રાજકારણીનો રોલ ભજવતા કલાકારો અને ક્રિકેટરોનો કાફલો .

Updated: Apr 21st, 2024

ચૂંટણી જંગમાં રાજકારણીનો રોલ ભજવતા કલાકારો અને ક્રિકેટરોનો કાફલો . 1 - image


- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- એક કલાકારના સેક્રેટરીએ જણાવ્યું હતું કે 'મારા બોસે પણ ચૂંટણીપ્રચારમાં જવાનું હોવાથી દોઢ મહિના માટેના તમામ શૂટિંગ કેન્સલ કરવાનો નિર્ણય કર્યો છે.

ને તા અને અભિનેતામાં આમ જુઓ તો ખાસ કોઈ  તફાવત હોતો નથી. નેતા પ્રજાનો સેવક હોવાનો ડોળ કરી પોતાનું ઘર ભરે છે તો અભિનેતા પ્રજાનું મનોરંજન કરવાના મિષે પોતાનું પેટ ભરે છે. બેઉ એકબીજાથી અલગ ક્ષેત્રમાં રચ્યાપચ્યા રહેતા હોવા છતાં ચૂંટણી આવે ત્યારે ખભેખભા મિલાવીને કામ કરે છે.

તેમાંય છેલ્લાં કેટલાંક વરસોથી જ્યારે ચૂંટણી આવે ત્યારે રાજકારણીઓ સામે ચાલીને કલાકારોને પોંખવા જાય છે. ચૂંટણી ઝૂંબેશમાં પ્રચારયુદ્ધમાં નેતા કરતા અભિનેતા વધુ માણસોને આકર્ષી શકે છે.  એ સીધુંસાદું ગણિત ધ્યાનમાં રાખી નેતાઓ ચૂંટણી ટાણે કલાકારોને અચ્છોવાના કરે છે.

એક તરફ કેટલાક કલાકારો  સામે ચાલીને ચૂંટણી ટિકિટ મેળવવા લોબિંગ કરી રહ્યા છે તો બીજી તરફ જાણીતા લોકપ્રિય કલાકારોને પોતાના પક્ષમાં ખેંચવા રાજકારણીઓ ફિલ્ડિંગ ભરી રહ્યા છે. જોકે આ બધામાં નાણાંની રેલમછેલ પણ એટલી જ વ્યાપક પ્રમાણમાં થઈ રહી છે.  છેલ્લી ચૂંટણીમાં  ઊત્તર મુંબઈની બેઠક પર ગોવિંદાને કોંગ્રેસે ફરી ટિકિટ ન ફાળવી એટલે અભિનેત્રી નગ્માએ ટિકિટ માગી. પણ તેમાં સફળ ન થઈ એટલે તે સમાજવાદી પક્ષની છાવણીમાં આંટો મારી આવી.  

આ  સિવાય ચુલબુલ અભિનેત્રી  કંગના રનૌતને હિમાચલ  પ્રદેશના મંડીથી તો યુ.પી.ના  મેરઠમાં 'રામ' અરુણ ગોવિલ ભાજપના માટે ચૂંટણી  લડી રહ્યાં છે.  આ  સિવાય ભોજપુરી કલાકારો  મનોજ તિવારી તથા  રવિ કિશન પણ ભાજપની  ટિકિટ પર ચૂંટણી લડી રહ્યાં છે.  પોેતાની ઓળખ છુપાવવાની શરતે એક કલાકારે જણાવ્યું હતું કે આગામી બે મહિના માટે મેં મારા તમામ એક્ટિંગ શિડયુલ પાછળ ઠેલી દીધા છે કેમ કે ચૂંટણીપ્રચાર માટે મને કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં આ કલાકારે જણાવ્યું હતું કે મને બે મોટા રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રવાસની ઓફર કરવામાં આવી છે, પણ કોેની પ્રચારસભા ગજાવવી એ મેં હજુ સુધી નક્કી કર્યું નથી. આ નક્કી થતાં મારે બે મહિનાનો સમય તો ફાળવવો જ પડશે.'

એક કલાકારના સેક્રેટરીએ જણાવ્યું હતું કે 'મારા બોસે પણ ચૂંટણીપ્રચારમાં જવાનું હોવાથી દોઢ મહિના માટેના તમામ શૂટિંગ કેન્સલ કરવાનો નિર્ણય કર્યો છે.

ચૂંટણીમાં કલાકારોે પાછળ થતાં નાણાંની રેલમછેલ આટલેથી અટકતી નથી. ચૂંટણી ગજાવી શકે એવા ટોચના કલાકારો માટે તો રાજકીય પક્ષોએ નાણાંની કોથળી ખુલ્લી મૂકી દીધી છે. ફિલ્મ શૂટિંગની જેમ જ ઘણાને તો પ્રતિદિન નાણાં ચૂકવવા સાથે તેમના ડ્રાઈવરને કન્વેયન્સ આપવાની ઓફર કરવામાં આવી રહી છે.

આ વખતે પણ  આવી પડેલી ચૂંટણીમાં બીજા પક્ષો કરતાં વધુ બેઠકો કબ્જે કરવાની હોડ શરૂ થઈ છે. દરેક પક્ષના નેતાઓ સારા, ક્રાઉડ પુલર (ટોળાંઓને આકર્ષી શકે તેવાં) અભિનેતાઓ (અભિનેત્રીઓ પણ ખરી)ને મનાવી, પટાવી રહ્યાં છે. તેમાં અત્યાર સુધી ભાજપ સૌથી સફળ રહ્યો છે. 

ભૂતકાળમાં  ભાજપના ભગવા-લીલા ઝંડાને  વધુ ફરકતો કરવામાં વિજ્યા શાંતિ મહત્ત્વનો ભાગ ભજવ્યો  હતો.  'એંગ્રી યંગ વુમન'ના રોલમાં પડદા પર છવાઈ જતી  અને દક્ષિણ ભારતની સૌથી વધુ કમાણી કરતી લોકપ્રિય હિરોઈન વિજ્યાશાંતિ  છેલ્લી ચૂંટણી વખતે સામે ચાલીને લાલકૃષ્ણ અડવાણીને મળવા તેમના દિલ્હીના નિવાસસ્થાને ગઈ ત્યારે ઘણાને નવાઈ લાગી હતી. કારણ કે આ પૂર્વે તેણે ક્યારેય કોઈ રાજકીય પ્રવૃત્તિમાં રસ લીધો નહોતો. તેલુગુ  દેશમ  પાર્ટી  જયા પ્રદા  અને શારદા જેવી  બબ્બે નામાંકિત અભિનેત્રીઓ પોતાની છાવણીમાં હોવાનો ગર્વ કરતી હતી. 

આંધ્રમાં મોહનબાબુ , પવન કલ્યાણ   ઉપરાંત ગીરી બાબુ, સિવકૃષ્ણા, પ્રસાદ બાબુ વગેરે પણ ભાજપ ભણી ઢળ્યા છે તો  ચંદ્રાબાબુ નાયડુએ ખ્યાતનામ અભિનેતા મુરલી મોહનને પોતાના ભણી ખેંચ્યા છે.  

મોહનબાબુને કોંગ્રેસની  ભ્રષ્ટ રીતીનીતિ જ ગમતી નથી. તેથી તેમણે છેલ્લી ચૂંટણીમાં  રાજ્યમાંથી પ્રામાણિક સાંસદોે ચૂંટી મોકલવા ભાજપ માટે ઑડિયો વિડિયો કેસેટ બનાવી  હતી.   ૧૯૯૬માં જયલલિતાને ઠંડી પાડવા રજનીકાંતે જે સાહસ તામિલનાડુમાં ખેડયું હતું એવી જ હામ   મોહનબાબુએ આંધ્રમાં ભીડી હતી. 

આ બાજુ બોલીવૂડમાંય અનેક નાના મોટા કલાકારો ચૂંટણીના દિવસો નજીક આવતા પોતાનો ઝોક સ્પષ્ટ કરવા લાગ્યા છે.  કેટલીક  ફિલ્મી હસ્તીઓએ રાજકારણમાં સીધું નથી ઝંપલાવ્યું. પરંતુ ચૂંટણી પૂર્વેજ પોતાનો મત જાહેર કરી દીધો છે. જેમ કે પાર્શ્વગાયક ઉદિત નારાયણ, ગાયિકા અનુરાધા પૌડવાલ, સંગીતકાર શ્રવણ રાઠોડ,  અપરા મહેતા,  સુરેન્દ્ર પાલ, અંજન શ્રીવાસ્તવ વગેરે ફિલ્મી હસ્તીઓએ જાહેર કરી દીધું છે કે આજના સંજોગોમાં નરેન્દ્ર મોદી  જેવા અનુભવી અને સ્વચ્છ પ્રતિભા ધરાવતાં નેતા જ વડાપ્રધાન બનવા જોઈએ.

૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના ઉમેદવારોની યાદી ખૂબ ગ્લેમરસ હતી. આ વેળા પણ મમતા બેનરજીના  ટીએમસીના ઉમેદવારોમાં બે ક્રિકેટર અને છ ફિલ્મસ્ટાર સામેલ છે. એક બાજુ ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ રાજકીય પીચ પર પોતાની ઇનિંગ રમવા માટે ઊતરશે તો બીજી બાજુ, શત્રુઘ્ન સિન્હા આસનસોલ બેઠકથી ચૂંટણી લડશે.

આ સિવાય ટીએમસી ઉમેદવારોના લિસ્ટ પ્રમાણે બંગાળી  ફિલ્મસ્ટાર રચના બેનરજી હુગલીની બેઠકથી ચૂંટણી લડશે.

જાદવપુર જેવા મહત્ત્વપૂર્ણ બેઠક પર હાલની સાંસદ મિમી ચક્રવર્તીને બદલે મમતા બેનરજીએ તૃણમૂલનાં યુવાન નેતા અને અભિનેત્રી સયાની ઘોષને પસંદ કરી  છે  ઉપરાંત મમતા બેનરજીની ખાસ મનાતી અભિનેત્રી જૂન માલિયા મિદનાપુર લોકસભા બેઠકથી ટીએમસીના ઉમેદવાર છે. ટોલીવૂડ સુપરસ્ટાર દીપક અધિકારી (દેવ) ઉપરાંત અભિનેત્રી શતાબ્દી રોય વીરભૂમથી તૃણમૂલના ચિહ્ન પર ચૂંટણી લડી રહ્યાં છે. માજી ક્રિકેટ કીર્તિ આઝાદ બર્દવાન દુર્ગાપુરમાં તૃણમૂલના સ્ટાર ઉમેદવાર છે.

વચમાં એવી વાત આવી હતી કે  ભાજપ સિક્કીમમાંથી મશહૂર વિલન કલાકાર ડેની ડેંઝોગપ્પાને ટિકિટ આપવાનો છે. નાના પાટેકર પણ છેલ્લી ઘડીએ ભાજપના પ્રચાર યુદ્ધમાં ઝંપલાવે તેવી શક્યતા છે. તો રાષ્ટ્રીય સંયુક્ત મોરચા વતી રાજ્યસભાની સભ્ય શબાના આઝમી કોંગ્રેસની ચૂંટણીસભાઓને સંબોધશે. પશ્ચિમ બંગાળમાં નૈના દાસ નામની બંગાળી અભિનેત્રી મમતા બેનરજીની તૃણમુલ કોંગ્રેસની સભાઓને સંબોધવાની છે.

ચૂંટણી ટાણે ફિલ્મ કલાકારોની નોંધપાત્ર હાજરી ૧૯૬૭ની સામાન્ય ચૂટણીમાં જોવા મળી હતી. જ્યારે મુંબઈમાંથી ઉમેદવારી નોેંધાવનારા કૃષ્ણ મેનનની તરફેણમાં બે સામ્યવાદી વિચારસરણી ધરાવતા કલાકારો એ.કે.હેંગલ અને બલરાજ સહાનીએ સક્રિયપણે ઝુંબેશ ચલાવી હતી. ત્યારબાદ ૧૯૭૭માં ઈન્દિરા વિરોધી જનતાનો પ્રચંડ જુવાળ ફાટી નીકળ્યો ત્યારે પોતાનો અલગ પક્ષ 'નેશનલ પાર્ટી' સ્થાપનારા દેવઆનંદને અનેક ફિલ્મી હસ્તીઓએ ટેકો આપ્યો હતો. જોકે દેવઆનંદનો આ રાજકીય પ્રયોગ નિષ્ફળ નીવડયો હતો. એક વાતનો ખાસ ઉલ્લેખ કરવો પડશે કે સુનિલ દત્ત અને નરગિસ સક્રિય રાજકારણમાં પ્રવેશનાર પ્રથમ  ફિલ્મ કલાકારો હતા. બંનેએ ૧૯૭૧માં ઈન્દિરા ગાંધી માટે વ્યાપક ચૂંટણી પ્રચાર કર્યો હતો.

રાજકારણમાં પગદંડા જમાવામાં સૌથી વધુ અને સૌથી સફળતા પ્રાપ્ત કરનારા કલાકાર હતા એન.ટી.રામરાવ, ૧૯૮૩માં તેલુગુદેશમ પાર્ટીની સ્થાપના કર્યા બાદ બહુ ઝડપથી તેઓ આંધ્ર રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવી મુખ્યપ્રધાન બન્યા હતા. રાજકારણના થિયેટરમાં એક ફિલ્મી કલાકારે આટલો સારો દેખાવ અગાઉ ક્યારેય કર્યો નહોતો. રામારાવ પોતે તો ૧૯૯૬માં અવસાન પામ્યા પરંતુ રાજકારણનો જે રસાસ્વાદ તેણે તેલુગુ ફિલ્મની હસ્તીઓને કરાવ્યો છે તે કલાકારો આજેય નથી ભૂલ્યા.

ટીવીસ્ટારો પણ રાજકીય મંચ પર ઊભરાવા લાગ્યા. આ બધામાં અમિતાભ બચ્ચનનો સિતારો સૌથી વધુ ઝળક્યો. અલ્હાબાદમાંથી ચૂંટણી તો સિફતથી જીતી ગયા પરંતુ બોફોર્સ તોપના ગોળા ફુટયા તેનાં લાંચ  પ્રકરણમાં એવા ખરડાયા કે રાજકારણના હાંસિયાની ય બહાર ફેંકાઈ ગઈ. ટીવી સિરિયલ 'રામાયણ'ના કલાકારો અરવિંદ ત્રિવેદી, દીપિકા ચિખલીયા અને અરુણ ગોવિલે પણ રાજકારણનો રંગ ચાખી જોયો. નિતીશ ભારદ્વાજ ૧૯૯૬ની લોકસભા ચૂંટણી ભાજપની ટિકિટ પર છેક જમશેદપુરની બેઠક પરથી જીત્યા પરંતુ આ ટેલિવિઝનના કૃષ્ણ ભગવાનની વાંસળી સંસદમાં એકેય વાર વાગી નહિ. સુપ્રસિદ્ધ અભિનેત્રી વૈજયંતિમાલાનો કરિશ્મા પણ વધુ સમય ન ટક્યો. સંસદસભ્ય તરીકે વૈજયંતિની કામગીરીથી 

અસંતુષ્ટ કોંગ્રેસના મોવડીમંડળે આ અભિનેત્રીને ટિકિટ આપવાની  ના પાડી ત્યારે એકવાર તે ભાજપના નેતાઓને પણ મળી આવી હતી. પરંતુ  ભાજપના  વરિષ્ઠ નેતાએ   બહુ રસ ન લીધો એટલે વૈજયંતિમાલા સમજી ગઈ કે રાજકીય ક્ષેત્રે પણ હવે તેના વળતાં પાણી થયાં છે.

૨૦૧૪ માં ધર્મેન્દ્ર રાજસ્થાનમાં ચૂંટણી જંગ જીત્યો હતો. પરંતુ ત્યારબાદ પોલિટિક્સને તિલાંજલિ આપી. પરંતુ હેમા માલિનીએ મથુરામાં  ભાજપનો ભગવો ફરકતો રાખ્યો  છે. જોકે  સની દેઓલ ગઈ ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર જીત્યો હોવા છતાં આ વખતે તેનું પત્તું કપાઈ ગયું છે.

પશ્ચિમ બંગાળમાં ફિલ્મ કલાકાર વિકટર બેનર્જી તથા અર્પણા સેન પણ ૧૯૯૧ની ચૂંટણીમાં રાજકીય રંગે રંગાયા હતા. જોકે ચૂંટણીમાં ઝંપલાવવા જેટલી હિંમત (કે મૂર્ખાઈ) તેમણે દાખવી નહોતી. ઘણાં ખરાં કલાકારો હંમેશા એ અવઢવમાં રહે છે કે ચૂંટણી લડવી કે નહિ. રાજકારણમાં વધુ પડતા સક્રિય થઈ જવાથી ક્યાંક ફિલ્મી કારકિર્દી ધૂળમાં મળીજશે  તેવી ભીતિ તેમને સદા સતાવતી હોય છે.  સામે પક્ષે રાજકીય નેતાઓ પણ જાણતા હોય છે કે  રૂપેરી પડદાના આ તારલાઓ ફિલ્મી પડદે જ ચમકતા હોય છે. વાસ્તવિક દુનિયામાં તેમનીકારી બહુ ફાવતી નથી. તેમાંય રાજકારણની અટપટી દુનિયામાં તો તેઓ લાંબુ ટકી જ ન શકે. સુપરસ્ટાર રાજેશ ખન્ના કોંગ્રેસવતી દિલ્હીમાં પોતાનો સિક્કો જમાવવા નીકળ્યો હતો પરંતુ પાટનગરનું રાજકારણ તેને જરાય ફળ્યું નહીં.  રાજકારણમાં જે ઝળહળતી સફળતા એન.ટી.રામારાવ, એમ.જી.રામચંદ્રન, કે.જયલલિતાને પ્રાપ્ત થઈ એવી સિદ્ધિ બીજા કોઈ કલાકારોને સાંપડી નથી.

Gujarat