Get The App

બજારમાં.... .

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
બજારમાં....                                             . 1 - image


- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર

- કાવ્યનાયક બજારમાં બોર લઈને બેઠો છે, પણ બૂમો નથી પાડતો, બોલતો પણ નથી. શબરીની જેમ બોર ચાખી ચાખીને લાવ્યો છે. આવાં અમૃતતુલ્ય બોર વેચાશે ખરા? 

બોરાં લઈ બેઠો છું બજારમાં

ગામ નાનું માણસ ઝાઝું

તે બોરીઓ ભરી ભરીને

ઠલવાયાં છે બોર ખચોખચ સૂંડલાઓમાં

બોલે છે તે બોર વેચે છે

બૂમો પાડે તે વધુ બોર વેચે છે

ગાઈ-વગાડી ગાજે તે ટપોટપ બોર વેચે છે

કોઈ પેટીવાજું વગાડી દોડાદોડ કરે

કોઈ જોડકણાંનો શોર મચાવે

કોઈ ટુચકાઓ વેરે છે

કોઈ તો વળી તાળીઓ પાડી ઠૂમકા દેતો

નાચી લે છે

રંગબેરંગી ચળકતાં પડીકાંમાં વીંટાળેલાં

બોર વચ્ચે ઠળિયા

ને પાકાં હેઠળ અધકાચાં સડી ગયેલાં

ક્યાંક ક્યાંક તો

શરમ મૂકી

ભેળાભેળા કાંકરા પણ વેચાય છે

ભોળિયું લોક હોંશે-હોંશે

મુઠ્ઠેમુઠ્ઠાં બોર ખરીદી હરખાતું જાય છે

તોલ તાજગીમાં ગોલમાલથી

બજાર ઊભરાય છે

ને સહુને બોર વેચવા છે

હુંય મારાં બોર લઈ આવ્યો છું ને

ચાખી ચાખી

એકેક બોર અલગ કરતો જતો

બેઠો છું બજારમાં

ચૂપચાપ

- કમલ વોરા

હકડેઠઠ બજાર ભરાઈ છે. બોરીઓ ભરીને બોર ઠલવાયાં છે. વૈકુંઠ નાનું ને વૈષ્ણવ ઝાઝા. ખરીદદાર ઓછા ને દુકાનદાર વધારે. બોલે તેનાં બોર વેચાય છે, બૂમો પાડે તેનાં વધુ વેચાય છે, ગાય-વગાડે તેનાં ટપોટપ વેચાય છે. પછીની પંક્તિઓ વાંચો: કોઈ દુકાનદાર જોડકણાં સંભળાવે છે ને કોઈ ટુચકા! અર્થાત્ કવિ માત્ર બોરની વાત નથી કરતા!

એક કાર્યક્રમના દસ-વીસ લાખ લેનારા હિંદી 'કવિ'ઓ હોય છે. કેટલાંક વાદ્યકારો લઈને આવે તો કેટલાંક ટુચકા સંભળાવે. કોઈ 'રજૂઆતના બાદશાહ' હોય, તો કોઈ માગી-ભીખીને દાદ ઉઘરાવે. ખોટ જો હોય તો બસ કવિતાની. ફક્ત ગાઈને રીઝવનાર શાયરો વિશે મરીઝે કહ્યું છે :

શાયર છું મારી રીતથી બોલીશ હું ગઝલ

બુલબુલ તો હું નથી કે ફક્ત કંઠ દાદ લે

લોકસભામાં બોલાતા ગઝલના શેર જોકસભા જેવા અને ખટારા પાછળ લખાતા શેર ખટારા જેવા હોય છે. બોરની ભેગાં કાચાં બોર, ઠળિયાં ને ક્યારેક તો કાંકરા પણ પધરાવી દેવાય છે. આવી રચનાઓનો અહીં ઉપહાસ કરાયો છે. (કોઈ પેટીવાજું વગાડી દોડાદોડ કરે, કોઈ જોડકણાંનો શોર મચાવે, કોઈ ટુચકાઓ વેરે, કોઈ તાળીઓ પાડી ઠૂમકા દઈ નાચી લે.)

લોક તો ભોળિયાં. બહુ ઓછાંને કવિતાની સમજ હોય, પણ દાદ દેવામાં શૂરાપૂરા. (હોંશે હોંશે હરખાતા જાય.) 'ત્વમ કિમપિ કાવ્યાનામ્ જાનાતિ વિરલો ભુવિ.'

અહીં કાવ્યમાં વળાંક આવે છે. કાવ્યનાયક બજારમાં બોર લઈને બેઠો છે, પણ બૂમો નથી પાડતો, બોલતો પણ નથી. શબરીની જેમ બોર ચાખી ચાખીને લાવ્યો છે. આવાં અમૃતતુલ્ય બોર વેચાશે ખરા? ઉત્તર વાચકે આપવાનો છે. 'સુકવિ પ્રશંસા અને કુકવિ નિંદા' ની સંસ્કૃતમાં તો પરંપરા રહી છે. કમલ વોરાને તાજેતરમાં 'નરસિંહ મહેતા એવોર્ડ' પ્રાપ્ત થયો. આ કાવ્ય તેમના સંગ્રહ 'અનેકએક'માંથી લેવાયું છે.

ભવાનીપ્રસાદ મિશ્રે આ ભાવને સ્પર્શતું ગીત લખ્યું છે :

જી હાં હુજૂર, મૈં ગીત બેચતા હૂં

મૈં તરહ-તરહ કે ગીત બેચતા હૂં

મૈં કિસિમ-કિસિમ કે ગીત બેચતા હૂં

જી, માલ દેખિયે દામ બતાઉંગા,

બેકામ નહીં હૈં કામ બતાઉંગા

જી પહલે કુછ દિન શર્મ લગી મુઝકો

પર બાદ-બાદમેં અક્લ જગી મુઝકો

જી લોગોંને તો બેચ દિયે ઈમાન

જી આપ ન હોં સુનકર જ્યાદા હૈરાન

મૈં સોચ-સમઝકર આખિર

અપને ગીત બેચતા હૂં

જી હાં હુજૂર, મૈં ગીત બેચતા હૂં


Google NewsGoogle News