95 ટકા માંદગીમાં જીવનશૈલી બદલવાથી પરિણામ મળે છે
- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી
ચો માસાની વિદાય અને શિયાળાનું આગમન એ એક એવાં સમય છે જ્યારે મચ્છરો અને વિષાણુંઓ ફૂલ ફોર્મમાં હોય છે. આવા સમયે આહાર-વિહાર પર ધ્યાન ના આપો તો માંદગી નિશ્ચિત છે. કુદરતે બનાવેલું આ મશીન અદ્ભૂત છે. આ બાયોલોજીકલ મશીન સૂર્યની એનર્જી, ખોરાક અને પ્રાણવાયુથી ચાલે છે. તેનામાં એક બિલ્ટ-ઈન હિલર સિસ્ટમ છે જેને આપણે ઇમ્યુન સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ.
આ સિસ્ટમ બહારની કોઈ પ્રોટીનિક એન્ટ્રીથી સહેજ જોખમાય છે અને રોગના હળવા ચિન્હો દેખાય છે. આ સાથે જ આપણે ડૉક્ટરનો સંપર્ક કરીએ છીએ. નિયમ પ્રમાણે એન્ટિબાયોટિક, એન્ટિહિસ્ટામાઈન, પેઈન કિલર, સ્ટીરોઈડ વગેરે ઔષધો શરીરમાં દાખલ થાય છે.
એક નિષ્ણાંતના મતે આ બહારની દખલગીરી (ઇન્ટરવેન્શન) માણસને આ પૃથ્વી પર લાંબો સમય જીવાડી શકતી નથી. આ બહારની મેડિકલ દખલગીરી રાહત આપે છે. રોગો કાબૂમાં આવે છે પણ ભાગ્યે જ મટે છે (ડાયાબિટીસ, બ્લડ પ્રેસર, કેટલાંક કેન્સર વિગેરે). આ દવાઓ અને અનેક ઇન્વેસ્ટિગેશન સાંત્વના આપે છે.
આજનું હાઈ-ટેક મેડિકલ વર્લ્ડ આપણને એવું માનતા કરે છે કે રોગ શરૂઆતના સ્ટેજમાં હોય ત્યારે કાબૂમાં લઈ શકાય છે આ ક્લેઈમ શંકાસ્પદ છે. તમને જ્યારે રોગના ચિન્હો દેખાય ત્યારે જ ડૉક્ટર પાસે જવું જોઈએ. મોટા ભાગની માંદગી કુદરતી રીતે જ સારી થાય છે.
કૂતરા-બિલાડાને પેટમાં દુ:ખે ત્યારે કુદરત પાસે જાય છે. ઘાસ ખાય છે, ઊલ્ટી કરે છે અને ઝેરી તત્ત્વો બહાર ફેંકી પેટને ચોકખું કરી દે છે.
આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ. દવા લઈએ છીએ. પેથોલોજીકલ, રેડિયોલોજીકલ તપાસ કરાવીએ છીએ આ વિસિયસ સર્કલ ચાલ્યા કરે છે.
'ધેર ઈઝ એન ઈલ ફોલોઇંગ એવરી પિલ.' અર્થાત્ દરેક દવા સાથે સાઈડ ઈફેક્ટ આવે છે અને પછી સાઈડ ઈફેક્ટની દવા આવે છે !
૧૭૭૩માં વિએનામાં વેસ્ટર્ન ટેક્સ્ટ બૂક ઓફ મેડિસિન બહાર પડી હતી. જેના લેખક ચાર્લ્સ ચર્ચિડ્સ કહે છે કે હૃદયરોગ, બ્લડપ્રેસર અને ડાયાબિટીસ જેવા રોગો મગજની તીવ્ર હિલચાલથી થાય છે. તેને માટે લોહીની સંકોચાતી નળીઓ જવાબદાર છે.
સારવારનો શ્રેષ્ઠ પ્લાન જે એમણે લખ્યો છે તે...જીવવાની પદ્ધતિ બદલો, મગજને શાંત રાખો અને એને ખલેલ ન પહોંચવા દો.
અકસ્માત થાય ત્યારે સર્જરીથી જિંદગી બચાવી શકાય. વેસ્ટર્ન હાઈ-ટેક મેડિકલ તમને ત્યાં મદદ કરશે પરંતુ અન્ય માંદગીમાં ૯૫ ટકા કેસમાં જીવનશૈલી બદલીને, મગજને શાંત રાખીને અને યોગ, ધ્યાનથી તંદુરસ્તી મેળવી શકાય છે. પ્રસ્તુત વિચારધારા પદ્મભૂષણ વિજેતા ડૉ. હેગડેથી પ્રેરીત છે.