Get The App

વિજ્ઞાન અને અવિજ્ઞાનને પરિભાષિત કરતું અધ્યાત્મ!

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
વિજ્ઞાન અને અવિજ્ઞાનને પરિભાષિત કરતું અધ્યાત્મ! 1 - image


- સનાતન તંત્ર -પરખ ઓમ ભટ્ટ

- સમષ્ટિમાં જે ઉલ્લાસપૂર્ણ, આનંદપૂર્ણ, ઉમંગમય છે એ સઘળું મા છે

સ મસ્ત દેવતાગણ જ્યારે બે હાથ જોડીને મા દુર્ગા સમક્ષ ઊભા છે અને એમને પોતાનું સ્વરૂપ ઉજાગર કરવા અંગે પ્રાર્થના કરી રહ્યા છે, ત્યારે મહાદેવી પોતાના બ્રહ્માંડીય સ્વરૂપ વિશે વિગતવાર જણાવે છે. આગળ જઈને આ મહિમાગાથા ઓળખાઈ 'દેવી અથર્વશીર્ષમ્' તરીકે! પહેલાં ત્રણ વિધાનોમાં જ એમણે ઉજાગર કરી દીધું કે વેદોએ જેને પરબ્રહ્મની ઉપમા આપી છે, તે મા સ્વયં છે! પ્રકૃતિ અને પુરુષથી બનતાં જગતની અધિાત્રી તેઓ સ્વયં છે! સચરાચર બ્રહ્માંડમાં શૂન્ય અને અશૂન્ય સઘળું તેઓ સ્વયં છે! ત્રિપુરનાં રહસ્યોનું વર્ણન એમણે આ ત્રણ વિધાનો થકી કરી આપ્યું. આ સિવાયનું બધું તો માત્ર વિવેચન કહી શકાય. પહેલાં ત્રણ વિધાન થકી એમણે જે રહસ્ય ઉજાગર કર્યા, એને વિસ્તારમાં સમજાવવા માટે મહાદેવી આગળ કહે છે,

अहमानन्दानानन्दौ ।

अहं विज्ञानविज्ञाने ।

अहं ब्रह्माब्रह्माणी वेदितव्ये ।

માએ અહીં સ્વયંને 'આનંદ' અને 'અનાનંદ'ની ઉપમા આપી. સમષ્ટિમાં જે ઉલ્લાસપૂર્ણ, આનંદપૂર્ણ, ઉમંગમય છે એ સઘળું મા છે; પરંતુ એની સાથોસાથ સૌથી મહત્ત્વપૂર્ણ બાબત જણાવી કે 'અનાનંદ' પણ હું છું! સુખ-દુ:ખ, પીડા-કષ્ટ, વ્યથા, વિયોગ સઘળું મા છે. શ્રી ઓમ સ્વામી લિખિત અંગ્રેજી પુસ્તક 'ધ એન્શિયન્ટ સાયન્સ ઑફ મંત્ર'માં તેમણે સર્વપ્રથમ મહાકલ્પ દરમિયાન બ્રહ્માંડમાં શક્તિનો પ્રવેશ કઈ રીતે થયો એ અંગે મૂળ કથા વર્ણવી છે. ભગવાન સદાશિવ સુદીર્ઘકાળ સુધી ચિંતામણિગૃહમાં સમય પસાર કરીને કૈલાશ જવા તત્પર થયા, ત્યારે મહાદેવીને જિજ્ઞાસા થઈ કે આખરે ચિંતામણિગૃહથી પણ સવિશેષ કહી શકાય એવી કઈ સુવિધા કૈલાશ પર છે, જે પામવા માટે મહાદેવ સમય-સમયાંતરે ત્યાં જઈને ધ્યાનસ્થ થાય છે? અંતે, મહાદેવે એમની સમક્ષ સૃષ્ટિના સંચાલન અંગેનાં રહસ્યો ઉજાગર કર્યા. મહાદેવીએ એમની સમક્ષ દુ:ખ, પીડા, કષ્ટનો અનુભવ કરવાની માંગણી કરી, ત્યારે પ્રથમ મહાકલ્પને અંતે આદિ પરાશક્તિએ દક્ષ પ્રજાપતિને ત્યાં દેવી સતી તરીકે અવતાર ધારણ કર્યો. જગતની સર્વ પ્રકારની આધિ-વ્યાધિ-ઉપાધિઓને એમણે પંચમહાભૂતથી બનેલાં શરીરમાં રહીને અનુભવી. એ 'અનાનંદ' વચ્ચે રહીને પણ એમને પોતાનું ગંતવ્યસ્થાન ભૂલાયું નહીં.  

રહસ્યમય વાત એ છે કે સૃષ્ટિચક્ર જ કર્મચક્રને વ્યાખ્યાયિત કરે છે. પ્રકૃતિસ્વરૂપા પાસેથી અહીં એ વાતની સ્પષ્ટતા મળે છે કે તેઓ સ્વયં કર્મચક્રમાંથી બાકાત નથી. મહર્ષિ ભૃગુએ એમના અર્ધાંગિની ઉષ્ણા અથવા કાવ્યમાતાનું મસ્તક સુદર્શન વડે ધડથી અલગ કરવા બદલ જ્યારે ભગવાન વિષ્ણુને શાપ આપ્યો, ત્યારે એનું નિર્વહન કરવા માટે પ્રકૃતિસ્વરૂપાએ પણ માતા સીતા અને રૂક્મણિ/રાધા તરીકે અવતાર ધારણ કરીને કર્મચક્રનો ભાગ બનવું પડયું. તેઓ પણ સૃષ્ટિગત દુ:ખોમાંથી બાકાત ન રહી શક્યાં! એ વાતનું સંજ્ઞાત્મક નિરૂપણ એટલે જગન્માતાનું આ વિધાન अहमानन्दानान्दौ ।

તત્પશ્ચાત્, વિજ્ઞાન અને અધ્યાત્મ બંનેને વ્યાખ્યાયિત કરતાં કહે છે કે તેઓ જ સ્વયં વિજ્ઞાન અને અવિજ્ઞાન છે! નાસ્તિક, માત્ર વિજ્ઞાન થકી સાબિત થયેલાં સિદ્ધાંતોમાં વિશ્વાસ ધરાવનારા બૌદ્ધિકો, ધર્મ-અધ્યાત્મને અવગણનારા અથવા ધૂત્કારભરી દ્રષ્ટિએ જોનારા રેશનલ્સ/લોજિકલ લોકો માટે આ વિધાન આંખ ઉઘાડનારું છે. રોચક વાત એ છે કે આઈન્સ્ટાઈન કહીને ગયા, 'વિજ્ઞાનની સીમારેખા જ્યાં પૂર્ણ થાય છે, ત્યાંથી અધ્યાત્મની સીમારેખા શરૂ થાય છે!' સદીનાં મહાનતમ વૈજ્ઞાનિકનું આ વિધાન વિજ્ઞાનની મર્યાદા દર્શાવે છે. નિકોલા ટેસ્લાથી માંડીને અગણિત વૈજ્ઞાનિકો માટે વિ+જ્ઞાન (વિશિષ્ટ જ્ઞાન) એ વાસ્તવમાં વણદીઠી અદ્રશ્ય શક્તિ પાસેથી અચાનક ડાઉનલાડ થયેલી કમ્પ્યુટર-ફાઈલ સમાન જ્ઞાન હતું! 'યુરેકા' મૉમેન્ટ એનું એક ઉદાહરણ ગણી શકાય. ન્યુટનના મસ્તક પર સફરજન પડવું એ બીજી ઘટના! આધ્યાત્મિક ભાષામાં જેને 'સાધના' કહે છે, તેને વિજ્ઞાનની ભાષામાં 'સંશોધન' કહેવાય છે. અંતે તો, બંનેમાં સિદ્ધિ પ્રાપ્ત થાય જ છે. જેવી રીતે સાધક અને સાધના એક થઈને અંતે ચિરકાળ સુધી સાધ્યના ભાવમાં સ્થિત રહે છે, એવી જ રીતે વૈજ્ઞાનિક અને તેનું સંશોધન ચિરકાળ સુધી અમર બની જાય છે.  

તથાકથિત બૌદ્ધિકો જેને 'અવિજ્ઞાન' અર્થાત્ અધ્યાત્મ (જ્યાં તર્ક નહીં, પરંતુ શ્રદ્ધાનું વર્ચસ્વ વધારે છે એ વિસ્તાર) માને છે, તેના વિશે પણ માએ તો એક નાનકડા વિધાન થકી કહી દીધું કે 'હું જ વિજ્ઞાન અને અવિજ્ઞાન છું!'

વિજ્ઞાન અને અવિજ્ઞાનને પરિભાષિત કર્યા પછી મા સમષ્ટિનો સાર આપતાં કહે છે કે બ્રહ્મા અને બ્રહ્માણી હું સ્વયં છું! વિજ્ઞાન અને અવિજ્ઞાન, આસ્તિક અને નાસ્તિક, શ્રદ્ધા અને અશ્રદ્ધાની જન્મદાત્રી અર્થાત્ બ્રહ્મા અને બ્રહ્માણી તેઓ સ્વયં છે. ધ્યાનથી સમજીએ તો મા અહીં મર્મસભર અટ્ટહાસ્ય કરી રહ્યાં છે! આ વિશ્વને સમજવા જેટલી બૌદ્ધિક ક્ષમતા, માનવમૂલ્યો અને ભાવનાઓને સમજવા જેટલું સામર્થ્ય, અભિપ્રાયો બાંધી શકવાની સ્વતંત્રતા અને એના આધાર ઉપર જીવન જીવી શકવાની શક્તિ ક્યાંથી આવી? એ ્રબ્રહ્માંડમાંથી, જેની વિધાત્રી સ્વયં જગદંબા છે!


Google NewsGoogle News