તમારી ગાળ મારી સફળતાનું સૂત્ર બન્યું
- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- 'તો સંદીપ ગાડી નિકાલો ઔર હમે થોડા અહમદાબાદ ઘુમાઓ... શહર કે બારે મેં ઔર થોડે યહાં કે હાલાત કે બારે મેં બતાઓ.. સુબોધ તુમ ભી સાથ ચલો.'
'સં દીપ આજથી આગામી એક અઠવાડિયા સુધી ગાડી બરાબર સાફ કરજે અને ડીઝલ ચેક કરાવી લેજે. દિલ્હીથી કોઈ અધિકારી આવવાના છે. આઈપીએસ છે. હાયર પોસ્ટિંગ ઉપર છે. કોઈ કેસની તપાસ માટે જાતે આવે છે. આગામી અઠવાડિયું દરરોજ આપણે તેમની સાથે જ રહેવાનું છે.' - પી.આઈ સુબોધે પોતાના ડ્રાઈવર કોન્સ્ટેબલને કડક આદેશ આપ્યો.
'સર તમે ચિંતા ના કરતા ગાડી ચકાચક રાખીશું, સાહેબને ફેરવીશું અને મજા પણ કરાવીશું. સાહેબ એવા ઓળઘોળ થઈ જશે કે જતાં જતાં તમારા પ્રમોશનની ભલામણ પણ કરતા જશે.'- સંદીપે ખુશ થઈને કહ્યું અને પીઆઈ પણ હસી પડયા.
લગભગ બપોરે બે વાગ્યે જે આઈપીએસ આવવાના હતા તેઓ મણિનગર પોલીસ સ્ટેશને પહોંચી ગયા. અમદાવાદના મહત્ત્વના વિસ્તારમાંથી એક એવા મણિનગરનું પોલિસ સ્ટેશન એટલે ધમધમતું સ્ટેશન. અહીંયા લોકોની અવરજવર વધારે અને સ્ટાફ પણ મોટો. તેમના આવતાની સાથે જ પીઆઈએ પોતાની કેબિન તેમને સોંપી દીધી અને પોતે સામેની તરફ આવી ગયા.
'જય હિંદ મિશ્રા સર. માય સેલ્ફ પીઆઈ સુબોધ. આ આપણા હેડ કોન્સ્ટેબલ, આ દસ કોન્સ્ટેબલ, પેલા રાઈટર અને આ સંદીપ આપનો ડ્રાઈવર, કમ કોન્સ્ટેબલ, કમ પ્યૂન, કમ તમારે જે બનાવવું હોય તે...' - પીઆઈ બોલ્યા અને તેમની કેબીનમાં હાજર તમામ લોકો હસવા લાગ્યા. સંદીપને થોડું માઠું લાગ્યું અને તેણે માથું નીચું નમાવી દીધું. મિશ્રા સાહેબે તેની નોંધ લીધી પણ ત્યારે કંઈ બોલ્યા નહીં.
'તો સંદીપ ગાડી નિકાલો ઔર હમે થોડા અહમદાબાદ ઘુમાઓ... શહર કે બારે મેં ઔર થોડે યહાં કે હાલાત કે બારે મેં બતાઓ.. ચલો એક ડ્રાઈવ હો જાયે... સુબોધ તુમ ભી સાથ ચલો.' - મિશ્રા સાહેબે કહ્યું અને તરત જ સંદીપ અને સુબોધ બહાર નીકળ્યા. ત્રણેય ગાડીમાં ગોઠવાયા અને સંદીપે ગાડી હંકારી દીધી.
ગાડીએ પહેલાં મણિનગરનું એક ચક્કર કાપ્યું અને સંદીપ તથા સુબોધે વિવિધ જગ્યાઓ અને દુકાનો તથા અન્ય બાબતોની માહિતી આપી. બજાર અને તેની તાસીર વિશે જણાવ્યું. અહીંયા રહેતા લોકોની મેન્ટાલિટી વિશે સમજ આપી. ત્યારબાદ ગાડી રિવરફ્રન્ટ તરફ જવા લાગી. સરદાર બ્રિજ ઉતરીને ગાડી રિવરફ્રન્ટમાં એન્ટર થઈ. રિવરફ્રન્ટ તો ત્યારે નવો નવો ડેવલપ થયો હતો. લોકોની અવરજવર શરૂ થઈ ગઈ હતી પણ એટલી નહોતી.
એક શાંત જગ્યાએ મિશ્રા સાહેબે ગાડી સાઈડમાં કરાવી. ત્રણેય નીચે ઉતર્યા અને મિશ્રા સાહેબે રામબાગ સ્યુસાઈડ કેસની વિગતોની વાત શરૂ કરી. પીઆઈ સુબોધ તો મિશ્રા સાહેબ પાસેની જાણકારીથી ડઘાઈ ગયો. તેની પાસે આટલી બધી ડિટેઈલ હતી જ નહીં. તેની પાસે બચવાનો પણ કોઈ પ્લાન નહોતો.
'સર ચાય પિયંગે યા કોફી... હમ યહીં બેઠતે હૈ... સંદીપ લે આયેગા.... નાસ્તા કરના હો તો ભી લે આયેગા... આરામ સે બાત કરતે હૈ...' - સુબોધે વાત બીજે વાળવા પ્રયાસ કર્યો.
'યાર ચાય પીલાદો... યે બહોત અચ્છી બાત કહી... ઔર હાં... મેં ઔર સંદીપ બૈઠતે હૈ.. તુમ જાકર આઓ.. મુઝે લગતા હૈ તુમ ઈસ કેસ કે બારે મેં થોડા અનકમ્ફર્ટેબલ હો.' - મિશ્રા સાહેબે કહ્યું અને સુબોધ શાનમાં જ સમજી ગયો. સંદીપ પાસેથી ગાડીની ચાવી લીધી અને ચા-નાસ્તો લેવા નીકળી ગયો.
'સંદીપ તુમ આદમી અચ્છે લગે લેકીન પુલિસ કી નૌકરી સિર્ફ અચ્છા બનને સે નહીં ચલતી. કામ ભી કરના પડતા હૈ... યે સ્યુસાઈડ કેસ કે બારે મેં જાનતે હો..' - મિશ્રાએ પોતાની આગવી આદતમાં સંદીપ સાથે વાત શરૂ કરી. સંદીપે ત્યારબાદ જે માહિતી આપી તે જાણીને મિશ્રા સાહેબ ડઘાઈ ગયા. સંદીપ પાસે એવા નાના નાના અને મહત્ત્વના ક્લૂ હતા જેના ઉપર પોલીસના કોઈ અધિકારીઓની નજર ગઈ જ નહોતી. તેમણે બધાની નોંધ કરી અને ત્યારબાદ બંનેની જોડી આ કેસ ઉપર કામ કરતી ગઈ.
મિશ્રાએ સુબોધને સાઈડ લાઈન કરી દીધો. સંદીપને લઈને દરરોજ નીકળી જાય અને સાંજ સુધી ફરે. રાત્રે બંને સાથે જમે અને છૂટા પડે. સુબોધ અને અન્ય લોકો સંદીપની મજાક ઉડાવે. આઈપીએસ સંદીપકુમાર કહીને તેની ઠેકડી ઉડાડે. મિશ્રા સાહેબે જ્યારે કેસની તમામ વિગતો મેળવી લીધી ત્યારે તેમણે પાછા જવાનું નક્કી કર્યું.
તે દિવસે પોલીસ સ્ટેશનમાં જ નાનકડી પાર્ટી ગોઠવાઈ અને બધાએ સાંજે ડિનર સાથે કર્યું. મિશ્રાજીએ બધાની સાથે વાતો કરી અને રાત્રે ફ્લાઈટનો ટાઈમ થયો ત્યારે સંદીપને કહ્યું કે તેમને એરપોર્ટ મુકી જાય. સંદીપ તેમને મુકવા જતો હતો ત્યારે સુબોધે ધીમે રહીને કહ્યું, આઈપીએસ સંદીપકુમાર હવે ફરી ડ્રાઈવિંગ કરતા જોવા મળશે. મિશ્રાજીએ સાંભળ્યું અને સુબોધની સામે જોયું. તેની બોલતી બંધ થઈ ગઈ. બંને ગાડીમાં બેસીને એરપોર્ટ જવા રવાના થઈ ગયા.
'સર એક બાત પુછું... આઈપીએસ કેસે બનતે હૈ...' - મિશ્રાજીને એરપોર્ટ ઉપર ડ્રોપ કરવા દરમિયાન સંદીપે સવાલ કર્યો અને તેમણે તેને એક મહિના બાદ દિલ્હી બોલાવ્યો.
સંદીપ દિલ્હી પહોંચી ગયો અને તેમને મળીને તમામ વિગતો લીધી અને આઈપીએસની તૈયારીઓ શરૂ કરી દીધી. આ વાતની સુબોધને જાણ થઈ તો તેણે પોલિસ સ્ટેશનના અન્ય કર્મચારીઓની સાથે મળીને સંદીપની વધારે ઠેકડી ઉડાડવાની શરૂ કરી.
'આઈપીએસ સંદીપ જાઓ મણીનગર સ્ટેશનેથી સમોસા લઈ આવો.. આઈપીએસ સંદીપ જાઓ ચા લઈ આવો... આઈપીએસ સંદીપ જાઓ જમવાનું લઈ આવો..' - સુબોધ સતત આ રીતે સંદીપને અપમાનિત કરતો હતો. સંદીપને આઘાત લાગ્યો હતો પણ તે વધારે મક્કમ થતો જતો હતો.
તેણે પ્રિલિમ્સ ક્લિયર કરી અને ફાઈનલ્સમાં અટકી ગયો. બીજી વખત બંને ક્લિયર કરી તો ઈન્ટરવ્યૂમાં લોચા પડયા. હવે તેની પાસે એક જ ચાન્સ વધ્યો હતો. તે ફરી દિલ્હી જઈને મિશ્રા સાહેબને મળી આવ્યો. તેમણે કેટલીક ટિપ્સ આપી અને તેના આધારે તૈયારીઓ કરવાનું કહ્યું.
સંદીપે હવે રિટન એક્ઝામ અને ઈન્ટરવ્યૂ માટે તનતોડ મહેનત શરૂ કરી દીધી. સવારે પીઆઈ સુબોધ ગમે તેવું અપમાન કરે, ગમે તેવા કામ કરાવે પણ સાંજે અને રાત્રે સંદીપ સખત મહેનત કરતો. વિવિધ પુસ્તકો વાંચતો, પોતાના કોચને મળતો, અન્ય આઈપીએસ એસ્પિરન્ટ્સને મળતો. તેમની પાસેથી કંઈ નવંન જાણવાનો પ્રયાસ કરતો.
આ રીતે ત્રીજી વખત તેણે પરીક્ષા આપી દીધી. આ તેનો છેલ્લો એટેમ્પ્ટ હતો. તેણે પોતાનો શ્રષ્ઠ પ્રયાસ કર્યો. બીજી તરફ અંતિમ પ્રયાસ પૂરો કરીને તે ફરી ફરજ ઉપર જોડાઈ ગયો. હવે તેનું અપમાન થવાની ઘટના વધી ગઈ હતી. તે હવે વધારે નિરાશા તરફ ધકેલાતો જતો હતો.
આ દરમિયાન કરાઈ ખાતે પોલીસ ટ્રેનિંગ અને સેલ્ફ ડેવલપમેન્ટના સેમિનારની જાહેરાત થઈ. તે ઉપરાંત નવા પોલીસ અધિકારીઓની નિમણુંક અને તેમને આવકારવાનો કાર્યક્રમ પણ સાથે જ રાખવામાં આવ્યો હતો. અમદાવાદના તમામ પોલીસ સ્ટેશનમાંથી કર્મચારીઓને ત્યાં બોલાવવામાં આવ્યા હતા. બધા જ ત્યાં પહોંચ્યા અને રિફ્રેશમેન્ટ બાદ કાર્યક્રમ શરૂ થયો. આ દરમિયાન મિશ્રા સાહેબ, કેન્દ્રીય ગૃહમંત્રી, રાજ્ય ગૃહમંત્રી, સીએમ, ગૃહ સચિવ સહિતના મંત્રીઓ અને અધિકારીઓ પણ હાજર હતા.
'આઈપીએસ સંદીપ કુમાર જરા ઈધર આના...' - મિશ્રા સાહેબે બુમ મારી અને સંદીપ તેમની તરફ ચાલવા લાગ્યો. તેના પોલીસ સ્ટેશનના સાથી કર્મચારીઓ જોર જોરથી હસવા લાગ્યા. સંદીપ આગળ મિશ્રાજીની પાસે ગયો અને તેમણે તેના કાનમાં કંઈક કહ્યું. સંદીપ હોલની બહાર જવા લાગ્યો.
થોડીવારમાં કાર્યક્રમ શરૂ થયો અને નવા અધિકારીઓ, નવા નિમાયેલા અને ટ્રાન્સફર થયેલા અધિકારીઓ તથા ગુજરાત કેડરના નવા આઈપીએસ અધિકારીના નામની જાહેરાત થવા લાગી.
'ગુજરાત કેડરના નવા આઈપીએસ અધિકારી શ્રી સંદીપ કુમાર ભીલ પ્લીઝ કમ ઓન સ્ટેજ.' - એન્કર દ્વારા જાહેરાત કરાઈ અને સંદીપ સ્ટેજની પાછળની તરફથી આગળ આવ્યો અને ગૃહમંત્રીએ તેનું સન્માન કરીને તેને બિરદાવ્યો. ત્યાં હાજર મણિનગર પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ અને ખાસ તો પીઆઈ સુબોધ ડઘાઈ ગયા. સંદીપ ખરેખર આઈપીએસ થઈ ગયો. ગૃહમંત્રીએ તેને પોતાની લાઈફ અને જર્ની વિશે જણાવવા કહ્યું.
'સર વધારે કંઈ નહીં કહું બસ એટલું જ કહીશ કે એક અધિકારીએ આપેલી ગાળ મારી સફળતાનું સૂત્ર બની ગયું. તેણે જાહેરમાં અપમાન ના કર્યું હોત તો આજે જાહેરમાં સન્માન ન થયું હોત. જય હિંદ' - સંદીપે એટલું કહીને માઈક એન્કરને આપ્યું અને સ્ટેજ ઉપર બેઠેલા મિશ્રાજીના ચહેરા ઉપર સ્મિત રેલાઈ ગયું.