રશિયાના ભાલા ફેંક લેજન્ડ માકારોવની દેખરેખમાં હવે નીરજની કારકિર્દી આગળ વધશે
- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- માકારોવ 15 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ઓલિમ્પિકમાં બે કાંસ્ય જીતવાની સાથે વર્લ્ડ ચેમ્પિયનશિપ પણ જીતવાની સિદ્ધિ ધરાવે છે : 12 વર્ષ રશિયાના નેશનલ ચેમ્પિયન તરીકેનો તાજ ધરાવતા માકારોવના પિતા એલેક્ઝાન્ડર પણ ઓલિમ્પિક ચંદ્રક વિજેતા
'ખુદ અમે તો ન પહોંચી શક્યા મંઝિલે, વાટ કિંતુ બીજાને બતાવી દીધી'
- બેફામ તરીકે જાણીતા કવિ બરકત વિરાણીની જાણીતી ગઝલની પંક્તિ પોતાની જિંદગીમાં રહી ગયેલા અભાવનો ઉપયોગ બીજાની જિંદગીમાં અજવાળું કરવાની સોનેરી સલાહ આપી જાય છે. સફળતાના સૌથી અસરકારક રસ્તાની જાણ હંમેશા નિષ્ફળતા મેળવનારની પાસે જ હોય છેે, કારણ કે નિષ્ફળતાની સાથે સાથે અનુભવ તો મળે જ છે, પણ સફળતાને પામવાની ઝંખનાની અધૂરપ પણ ફાંસની જેમ ડંખ્યા કરતી હોય છે. આ જ અહેસાસ બીજાને સફળતા સુધી પહોંચાડવા માટે મદદ કરવાનો માર્ગદર્શક બનવાનો જુસ્સો પુરો પાડે છે અને તેના થકી જ નવો ઈતિહાસ રચાતો હોય છે.
ભારતને ઓલિમ્પિક અને વિશ્વ એથ્લેટિક્સના સર્વોચ્ચ શિખરે પહોંચાડનારા ભાલા ફેંકના ખેલાડી નીરજે તેના નામની જેમ જ સ્વર્ણિમ સફળતાને પગલે એટલું તેજ રેલાવ્યું છે કે, તેની પ્રતિભા અને સિદ્ધિઓથી કોઈ અજાણ નથી. એક ખેલાડીને કારકિર્દી દરમિયાન જે ગુરુશિખરો સર કરવાની તમન્ના હોય તેવા ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપના સુવર્ણચંદ્રકો નીરજના ગળાને સુશોભિત કરી રહ્યા છે. જોકે, ભારતનો આ સીમાચિહ્નરુપ સિતારાનો ભાલો હજુ ક્યારેય ૯૦ મીટરના સ્વપ્નિલ આંકને પાર કરી શક્યો નથી. નીરજની કારકિર્દીમાં જે એક જ સિદ્ધિનું ખાલી રહેલું ખાનું છે તે આ ૯૦ મીટરનું અંતર છેે અને હવે તેને આ અંતર પાર કરવા માટે રશિયાના ભાલા ફેંકના ધુરંધર સર્ગેઈ માકારોવ મેદાને પડવા માટે તૈયાર છે.
નીરજની સાથે સાથે ભાલા ફેંકની રમતમાં આગવું કાઠું કાઢી રહેલા ભારતીય ખેલાડીઓના કોચ તરીકે માકારોવની નિયુક્તિ લગભગ નિશ્ચિત બની ચૂકી છે. રશિયાના આ ધુરંધર ખેલાડીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પણ આગવું પ્રભુત્વ ધરાવતી રહી છે. માકારોવે ભાલા ફેંકના ખેલાડી તરીકેની ૧૬ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં પાંચ વખત ૯૦ મીટરથી વધુનો થ્રો કરવામાં સફળતા હાંસલ કરી છે.
વર્ષ ૧૯૯૬ના એટલાન્ટા ઓલિમ્પિકથી શરુ કરીને ૨૦૦૮ના બેઈજિંગ ઓલિમ્પિક સુધી યોજાયેલા રમતોના સતત ચાર મહાકુંભમાં માકારોવે ભાગ લીધો હતો. તેમણે વર્ષ ૨૦૦૦માં સીડનીમાં અને ૨૦૦૪માં એથેન્સમાં આયોજીત થયેલા ઓલિમ્પિક રમતોત્સવમાં કાંસ્ય સફળતા હાંસલ કરી. તેની કારકિર્દીની વિશિષ્ટ સિદ્ધિ તેના વર્લ્ડ ચેમ્પિયન બનવા સાથે જોડાયેલી છે. વર્ષ ૨૦૦૩માં જ્યારે પેરિસના સેંટ ડેેનિસમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું, જેમાં માકારોવે ૩૦ વર્ષ અને ૧૬૫ દિવસની ઊંમરે ૮૫.૪૪ મીટરના થ્રો સાથે વર્લ્ડ ચેમ્પિયન તરીકેનો ખિતાબ હાંસલ કર્યો હતો. તેણે કારકિર્દીમાં કુલ મળીને આઠ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો, જેમાંથી ૨૦૦૩માં તે ચેમ્પિયન બન્યો અને ૨૦૦૫માં તેને ૮૩.૫૪ મીટરના થ્રો સાથે રનરઅપ ટાઈટલથી સંતોષ માનવો પડયો હતો.
રશિયાના નેશનલ ચેમ્પિયન તરીકે ૧૨ વખત જીત હાંસલ કરતાં આગવો દબદબો પ્રસ્થાપિત કરનારા માકારોવે વર્લ્ડ કપ, યુરોપીયન ચેમ્પિયનશિપ, ડાયમંડ લીગ, વર્લ્ડ એથ્લેટિક્સ ફાઈનલ, ગોલ્ડન લીગ તેમજ યુરોપીયન ટીમ ચેમ્પિયનશિપ સહિતની વિવિધ પ્રતિષ્ઠિત સ્પર્ધાઓમાં ચંદ્રકોનો ઢગલો ખખડી દીધો. વર્ષ ૧૯૯૬થી લઈને ૨૦૧૨ સુધી લગલગાટ ૧૬ વર્ષ સુધી ભાલા ફેંકમાં સર્ગેઈ માકારોવનું નામ આતરરાષ્ટ્રીય સ્તરે ગુંજતું રહ્યું હતુ. જોકે, માકારોવની કારકિર્દી તેની પ્રતિભા પ્રમાણેની ઊંચાઈને હાંસલ ન કરી શકી કારણ કે તે ભાલા ફેંકના લેજન્ડ્સ - ચેક રિપબ્લીકના યાન ઝેલેઝ્ની અને બ્રિટનનો સ્ટીવ બેકલીનો સમકાલીન રહ્યો હતો. આમ છતાં, ૨૦૦૩માં તેણે ધુરંધરોને મહાત આપીને વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.
રશિયા જ્યારે સંયુક્ત રશિયા તરીકેની ઓળખ ધરાવતું હતુ, ત્યારે મોસ્કો નજીક આવેલા પોડોલ્સમાં તેનો જન્મ થયો હતો. સર્ગેઈને કિશોરવસ્થામાં જ સ્થાનિક નિયમાનુસાર સૈન્યની તાલીમ આપવામાં આવી. તે ખુબ જ કુમળીવયનો હતો, ત્યારે જ તેને માતાથી વિખુટા પડવું પડયું અને તેની જવાબદારી તેના પિતા એલેક્ઝાન્ડર માકારોવે જ ઉઠાવી. એલેકઝાન્ડર પોતે ભાલા ફેંકના અચ્છા ખેલાડી હતા અને તેઓએ ૧૯૮૦માં તેમના ઘરઆગંણે યોજાયેલા મોસ્કો ઓલિમ્પિકમાં ૮૯. ૬૪ મીટરના થ્રો સાથે રજત ચંદ્રક જીત્યો હતો. અમેરિકા સહિતના દેશોએ ૧૯૮૦ના મોસ્કો ઓલિમ્પિકનો બહિષ્કાર કર્યો હતો. ઓલિમ્પિકની સફળતાને પગલે એલેક્ઝાન્ડરને રશિયામાં ભારે માન-સન્માન મળ્યું અને પિતાના પગલે જ સર્ગેઈ માકારોવે પણ ભાલા ફેંકમાં જ કારકિર્દી ઘડવાનું શરુ કર્યું.
સર્ગેઈ માકારોવનું લક્ષ્ય સ્પષ્ટ હતુ અને તેની પાસે પિતાનો બહોળો અનુભવ પણ હતો, જેના કારણે તેેણે બસ માત્રને માત્ર પરસેવો જ પાડવાનો હતો. માકારોવની સિનિયરે પહેલા તો તેના પુત્રને ભાલા ફેંક માટેની વિશિષ્ટ ફિટનેસની તાલીમ આપી. તેના બાવડાંની સાથે કાંડા અને પગ વધુ મજબુત થાય તે માટે સખત પ્રેક્ટિસ કરાવી, જેના પરિણામે માકારોવ તેના સમવયસ્ક ખેલાડીઓની સાથેની સ્પર્ધામાં અવ્વલ રહેતો. જોકે, એલેક્ઝાન્ડર તેને વહેલો સ્પર્ધામાં ઉતારવા ઈચ્છતાં નહતા. પુત્રની આકાશમાં છવાઈ જવાની મહેચ્છા પર લગામ લગાવતા તેઓ કહેતા કે, પહેલા બરોબર મહેનત કરી લે, પછી જો એક વખત તું સ્પર્ધામાં ઉતરવાનું શરુ કરીશ પછી તારી પાસે તૈયારીનો સમય નહીં રહે.
આખરે માકારોવની કારકિર્દીનો પહેલો ચમકારો ૧૯૯૬ના યુરોપીયન કપમાં જોવા મળ્યો, જ્યાં તેણે રજત ચંદ્રક હાંસલ કર્યો અને ત્યાર બાદ રશિયન ચેમ્પિયનનો ખિતાબ મેળવ્યા બાદ ૨૩ વર્ષની ઉંમરે જ એટલાન્ટા ઓલિમ્પિકમાં ભાગ લીધો. આ સાથે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરુઆત થઈ. ત્યાર બાદ તો યુરોપીયન ચેમ્પિયનશિપ, વર્લ્ડ ચેમ્પિયનશિપ સહિતની એથ્લેટિક્સની તમામ મેજર ટુર્નામેન્ટ્સમાં તેણે ચંદ્રક જીતવામાં સફળતા હાંસલ કરી.
વર્ષ ૨૦૧૨માં લંડનમાં યોજાયેલા ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા માટે મારાકોવ ફેવરિટ મનાતો હતો. જોકે આખરી દિવસોમાં ફિટનેસની સમસ્યાના કારણે તેને તે તક જતી કરવી પડી અને તેની ખેલાડી તરીકેની કારકિર્દી પર પરદો પડી ગયો. જોકે, ભાલા ફેંકના ખેલાડી તરીકે છેક ૩૯ વર્ષ સુધી એલિટ એથ્લીટ્સની સ્પર્ધામાં ટકી રહેલા માકારોવનો અનુભવ અને જ્ઞાન ભારતીય એથ્લેટિક્સ જગત માટે બહુમૂલ્ય બની રહેશે, તેમાં કોઈ બેમત નથી. માકારોવે એક ખેલાડી તરીકે કારકિર્દીમાં ઈજાઓ સામે ઝઝૂમતા-ઝઝૂમતાં લડાયક દેખાવ કર્યો છે. જેના કારણે ભાલા ફેંકના ઈતિહાસમાં તેનું સ્થાન આગવું છે.
નીરજ ચોપરાને ૨૦૨૦ના ટોકિયો ઓલિમ્પિકના સુવર્ણચંદ્રકની સાથે સાથે ૨૦૨૩માં વિશ્વવિજેતા અને ૨૦૨૪ના પેરિસ ઓલિમ્પિકમાં રજતચંદ્રક વિજેતા બનાવવામાં પાયાની ભૂમિકા ભજવનારા ક્લાઅસ બાર્તોનિત્ઝે વધતી ઉંમરને કારણે વિદાય લીધી છે. હવે જ્યારે નીરજ સહિત ભારતના ભાલા ફેંકના ખેલાડીઓ ડી.પી. મનુ અને કિશોર જેના તેમજ અન્યો આગવી ઓળખ ઉભી કરી ચૂક્યા છે, ત્યારે માકારોવનું આગમન તેમને નવી ઊંચાઈએ પહોંચાડશે, તે નક્કી છે.