દીકરી તો ઘરનો દીવો .
- આજકાલ-પ્રીતિ શાહ
- એક દિવસ એવો આવે કે જ્યારે પુત્રીજન્મ થાય ત્યારે સહુના ચહેરા પર એક જ પ્રતિભાવ આવે અને તે છે ચહેરા પર આનંદ અને સ્મિત
હ રિયાણાના જિંદ જિલ્લાના બીબીપુર ગામમાં સાધારણ પરિવારમાં સુનિલ જાગલાનનો જન્મ થયો હતો. અભ્યાસ કરીને ગણિતના શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. પોતાના ગામ અને સમાજની પરિસ્થિતિને કઈ રીતે સુધારવી તેની એના મનમાં સતત મથામણ ચાલ્યા કરતી. લૈગિંક ભેદભાવ જોઈને દુ:ખ થતું. પોતાની માતા અને બહેનને એણે દુ:ખી થતા જોયા હતા.
અંતે સુનિલ જાગલાને ૨૦૧૦માં સરપંચની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો. ૨૯ વર્ષનો જુવાન સરપંચ બને, તે અમુક લોકોને પસંદ નહોતું. પરંતુ સુનીલના શિક્ષણ અને ઈમાનદારીને કારણે બીબીપુરમાં સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યો. 'ગાંવ બને શહર સે સુંદર' નામનું અભિયાન ચલાવ્યું. પંચાયત નામની વેબસાઇટ બનાવી. તેમાં ગામનો ઇતિહાસ અને સ્થળોની વિગત આપવામાં આવી. હવે લોકો તેને 'હાઇટેક સરપંચ' કહેવા લાગ્યા, પરંતુ એમના જીવનનો વળાંક આવ્યો ૨૦૧૨માં. ૨૦૧૨ની ૨૪ જાન્યુઆરીએ એટલે કે નેશનલ ગર્લ ચાઇલ્ડ ડેના દિવસે સુનીલના ઘેર પુત્રીનો જન્મ થયો. નર્સે પુત્રીજન્મના સમાચાર આપ્યા, ત્યારે સુનીલ પાસે આભાર માનવાના શબ્દો નહોતા. તેની પાસે થોડા પૈસા હતા તે એને આપી દીધા અને આનંદ સહ આભાર માન્યો, પરંતુ નર્સે પૈસા લેવાની ના પાડતાં કહ્યું કે, 'ડૉક્ટર ગુસ્સે થશે. જો તમારે ઘેર પુત્રજન્મ થયો હોત તો અમે આ પૈસા લેત'.
આ સાંભળતાની સાથે જ સુનીલનો આનંદનો ઉભરો શમી ગયો. સુનીલે ગામમાં મીઠાઈ વહેંચી તેથી ગામલોકો એમ સમજ્યા કે તેમના ઘેર પુત્રનો જન્મ થયો છે, પરંતુ જ્યારે ખબર પડી કે પુત્રીનો જન્મ થયો છે, ત્યારે સહુ કહેવા લાગ્યા, 'કોઈ બાત નહીં, અગલી બાર લડકા હોગા.' આ સાંભળ્યા પછી સુનીલ જાગલાન વધુ મીઠાઈ લઈ આવ્યા અને એક મહિના સુધી ગામમાં મીઠાઈ વહેંચી. આ ઘટના પછી તેઓ હેલ્થકેર સેન્ટર પર ગયા અને એમણે જાણ્યું કે ૨૦૧૧ના સર્વે પ્રમાણે હરિયાણામાં એક હજાર પુરુષોએ ૮૩૨ સ્ત્રીઓનું પ્રમાણ હતું. સુનીલે નક્કી કર્યું કે હવેની ગ્રામસભાની મિટિંગમાં આ પ્રશ્ન પર સ્ત્રીઓ સાથે ચર્ચા કરવી, પરંતુ પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓને નિર્ણયમાં સામેલ કરવામાં આવતી નહોતી એટલું જ નહીં પણ ગ્રામસભા ચાલતી હોય, ત્યારે સ્ત્રીઓે ઘૂમટો તાણીને ત્યાંથી પસાર થઈ જતી. સુનીલે ખાપ પંચાયતમાં સ્ત્રીઓ હાજર રહે તે માટે તેનાં પત્ની અને બહેન દ્વારા પ્રયત્નો કર્યા. તેના પરિણામ સ્વરૂપે ૨૦૧૨માં ભારતની પ્રથમ મહિલા ગ્રામસભા યોજાઈ, પણ તેના ઘેરા અને દૂર દૂર સુધી પ્રત્યાઘાત પડયા. ત્યારબાદ ખાપ પંચાયતનું આયોજન કર્યું અને ભારતમાંથી બે હજાર સ્ત્રીઓ હાજર રહી!
ધીમે ધીમે પંચાયતમાં સ્ત્રીઓ આવવા લાગી. કન્યા ભ્રૂણહત્યા, દહેજ, ઘરેલુ હિંસા જેવા નારીલક્ષી મુદ્દા ચર્ચાવા લાગ્યા. સુનીલ જાગલાને 'નિગરાની રખના' અભિયાન ચલાવ્યું, જેના અંતર્ગત ગર્ભવતી સ્ત્રીઓ પર નજર રાખવામાં આવતી કે જેથી તેઓ ગર્ભપરીક્ષણ કરાવવા ન જાય. એણે ગેરકાયદેસર ચાલતા સોનોગ્રાફી અને ક્લિનિક બંધ કરાવ્યા. ૨૦૧૪માં બીજી પુત્રીના જન્મ સમયે સુનીલે જાહેર કર્યું કે તેમનું કુટુંબ પૂર્ણ થયું છે જેથી કરીને ગામના લોકોમાં એ સંદેશો જાય કે પુત્ર વિના પુત્રીઓ સાથે આનંદથી જીવન જીવી શકાય છે. ૨૦૧૦થી ૨૦૧૫ના પોતાના સરપંચના કાર્યકાળ દરમિયાન 'લાડો પુસ્તકાલય' અને 'લાડો પંચાયત'ની સ્થાપના કરીને સ્ત્રીઓને અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કરી. 'બેટી પઢાઓ' અભિયાનને કારણે અનેક માતા-પિતાએ પુત્રીના નાની ઉંમરમાં લગ્ન કરવાને બદલે તેને વધુ ભણાવી. ૨૦૧૫માં 'સેલ્ફી વિથ ડૉટર' અભિયાન ચલાવ્યું, જેની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવામાં આવી. સુનીલ જાગલાને બીબીપુરના મૉડલને અન્ય ગામડાંઓ અને રાજ્યમાં લાગુ કરવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સાથે કામ કર્યું. તેઓ પ્રણવ મુખરજી ફાઉન્ડેશનના સિનિયર કન્સલ્ટન્ટ બન્યા. તેઓ બીબીપુરના ગ્રામવિકાસ મૉડલને સમગ્ર ભારતમાં પહોંચાડવા માગે છે. તેમણે તેમના કામથી હરિયાણા, ઉત્તરાખંડ અને રાજસ્થાનના હજારો ગામોમાં જાગૃતિ આણી છે. હરિયાણાની સામાજિક સમસ્યાઓ પર બનેલી 'સનરાઇઝ' નામની ડોક્યુમેન્ટરીમાં સુનીલ જાગલાનની વાત છે. આ ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે અને આશરે સિત્તેર દેશોમાં દર્શાવવામાં આવી છે. સુનીલ જાગલાને મહિલાઓની જિંદગીમાં તો પરિવર્તન આણ્યું, પણ તેની સાથે સાથે પોતાના ગામને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી. સુનીલ જાગલાન માને છે કે તેઓ એક સામાન્ય મનુષ્ય છે. સ્ત્રીઓની વેદનાએ એમના જીવનમાં પરિવર્તન આણ્યું છે. તેમની એક જ ઇચ્છા છે કે એક દિવસ એવો આવે કે જ્યારે પુત્રીજન્મ થાય ત્યારે સહુના ચહેરા પર એક જ પ્રતિભાવ આવે અને તે છે ચહેરા પર આનંદ અને સ્મિત.
દેખો મેરા જાદુ કા પિટારા
દરેક વ્યક્તિએ કચરો ઓછો ઉત્પન્ન થાય તેવો પ્રયાસ કરવો જોઈએ અને મોટાભાગના કચરાનું મેનેજમેન્ટ જાતે કરવું જોઈએ તો ઘણા પ્રશ્નો હલ થઈ શકે.
એ ક વ્યક્તિ પર્યાવરણ માટે શું કરી શકે તેનું જીવંત ઉદાહરણ શેફાલી દુધબડે છે. શેફાલીએ નાગપુર પાસે આવેલ ભંડારા શહેરમાં સ્કૂલનું શિક્ષણ લીધું અને ગોંદિયા શહેરમાંથી આર્કીટેક્ચરમાં સ્નાતકની ડિગ્રી મેળવી. ઉચ્ચ અભ્યાસાર્થે હૈદરાબાદ ગયા અને નાગપુર આવીને વસ્યાં. ફ્રીલાન્સ આર્કિટેક તરીકે કામ કરતાં શેફાલી દુધબડે નાનપણથી જ કુદરત પ્રત્યે પ્રેમ ધરાવે છે. નાના અને માતા પાસેથી જ એવા સંસ્કાર મળ્યા કે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતાં કરતાં પર્યાવરણને બચાવવા માટે નાનામાં નાનો પ્રયત્ન કરવો.
શેફાલી પોતાના બાળપણને યાદ કરતાં કહે છે કે તેઓ જ્યારે નાના હતા, ત્યારે તેમના દાદા બહારથી ઉપયોગમાં લઈ શકાય તેવા કાગળ, પ્લાસ્ટિક લાવતા અને તેમાંથી વસ્તુ બનાવતા. તેઓ માનતા કે જો આપણે આપણું ઘર ચોખ્ખું રાખીએ છીએ તો આસપાસ ગંદકી શા માટે રાખવી ? આવા સંસ્કારમાં ઉછરેલા શેફાલી વ્યક્તિગત સ્તરે કચરાનો યોગ્ય નિકાલ કરતા હતા અને પોતાના ઘરનો નેવું ટકા કચરાનો કોઈને કોઈ રીતે ઉપયોગ કરે છે. તેમના ઘરમાંથી માત્ર દસ ટકા કચરો જ લેન્ડફિલમાં જાય છે. તેને માટે તેઓ કચરામાંથી રીસાઇકેબલ અને નોન-રીસાઇકેબલ કચરાને છૂટો પાડે છે. ભીના કચરામાંથી ખાતર બનાવે છે. નાનાં ગામમાં કચરો, ઝાડ પરથી ખરેલાં પાંદડા, રસોડાનો કચરો, આ બધું ખાડામાં નાખીને ખાતર બનાવવામાં આવતું હતું. તેથી શેફાલીએ પોતાના ઘરની પાછળ એક ખાડો બનાવ્યો છે. એમાં ફૂલ, પાંદડા, ફ્રૂટની અને શાકભાજીની છાલ, ચાની પત્તી જેવો લીલો કચરો તેમાં નાખીને ખાતર બનાવે છે. દોઢેક મહિનામાં ખાતર તૈયાર થઈ જાય છે અને તેને પોતાના ટેરેસ ગાર્ડનમાં ઉપયોગમાં લે છે.
શેફાલી જ્યારે બહાર જાય ત્યારે પોતાની સાથે સ્ટીલ બોટલ, કાપડ કે પેપરની બેગ, પેપર સ્ટ્રો સાથે રાખે છે જેને તે 'જાદુ કા પિટારા' કહે છે. આ બધી વસ્તુ સાથે રાખવાનું કારણ એટલું જ કે પ્લાસ્ટિકથી બચવું મુશ્કેલ હોય છે, તેથી તે પોતાની જરૂરિયાતની વસ્તુ પોતાની સાથે જ રાખે છે. એ આના દ્વારા રીડયૂસ, રીયુઝ, રીસાઇકલ અને રીફ્યુઝનો સંદેશો આપે છે. અખબારમાંથી પેપર બેગ બનાવીને મેડિકલ અને પ્રોવિઝન સ્ટોરમાં આપે છે. શાકભાજી અને ફૂલ વેચવાવાળાને પણ પેપર કટિંગ આપે છે. બઁગાલુરુની એક એન.જી.ઓ. દ્વારા ચિલ્ડ્રન મુવમેન્ટ ફૉર સિવિક અવેરનેસ કાર્યક્રમ ચાલે છે, તે અંતર્ગત સ્કૂલોમાં જઈને બાળકોને સિવિક ટ્રેઇનિંગ આપે છે. તેમના કહેવા પ્રમાણે દરેક વ્યક્તિ પ્રતિદિન અડધો કિલોથી એક કિલો જેટલો કચરો ઉત્પન્ન કરે છે.
શેફાલીએ સરખી વિચારસરણી ધરાવતી સાત મહિલાઓ સાથે ૨૦૧૫માં સ્વચ્છ એસોસિયેશનની સ્થાપના કરી, જે નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને કામ કરે છે. સૌપ્રથમ ત્રણ બાબત પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો, પાંદડા અને અન્ય કચરો બાળવાને બદલે ખાતર બનાવવું અને કચરાને છૂટો કેવી રીતે પાડવો તે શીખવવું. આ અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન બનાવ્યું અને સ્કૂલ, કૉલેજ, ગાર્ડન, જાહેર જગ્યાઓ, હોસ્પિટલ, સરકારી ઑફિસોમાં દર્શાવવામાં આવ્યું, જેથી લોકોમાં જાગૃતિ આવે. શહેર કક્ષાએ કામ કરતાં શેફાલીએ પોતાના વિસ્તારના પાંચ હજાર ઘર પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તેને નામ આપ્યું અન્વીતિ. અન્વીતિ એટલે એક જ લક્ષ્ય પર કામ કરવું અને તેનું એન્વાયર્મેન્ટ પ્રેશર ગ્રૂપ બનાવ્યું. જેમાં દર રવિવારે છ મુદ્દા પર કામ કરવામાં આવતું. પાણી બચાવો, વૃક્ષ વાવવા, કચરાનું મેનેજમેન્ટ, સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ કરવું, ખાતર બનાવવું, મેડિસિનલ પ્લાન્ટ વાવવા. લોકોમાં આ અંગે જાગૃતિ ફેલાવવા માટે એન્વાયર્મેન્ટ પ્રેશર ગ્રૂપમાં જોડાવા માટે સમજાવવા. સમાજમાંથી તમને કંઈ ને કંઈ મળે છે તો સમાજને કંઈક પાછું આપવું જોઈએ તે હેતુથી જોડાવું આવશ્યક છે અને તે સમજાવીને ઝીરો વેસ્ટ સોસાયટી તરફ લઈ જવાનો ઉદ્દેશ છે.
'સેવ ધ લેન્ડ' અંતર્ગત લોકોને હવા,પાણી અને જમીનના પ્રદૂષણ વિશે સમજ આપે છે. શેફાલી અને તેમની પુત્રી સેનેટરી પેડનો નિકાલ કેવી રીતે કરવો તે સ્ત્રીઓને સમજાવે છે. સેનેટરી પેડને અન્ય કચરામાં નાખતા પહેલાં અખબારમાં વીંટાળીને તેના પર લાલ પેનથી નિશાન કરવું જેથી કચરો વીણનારાને ખ્યાલ રહે. આશ્ચર્યની વાત એ છે કે શેફાલી પોતાના વાળને ભેગા કરે છે અને દર મહિને તેને શેમ્પુથી સાફ કરીને વાળને રીસાઇકલ કરતી કંપનીને આપી આવે છે. આજે ૪૬ વર્ષના શેફાલીનું માનવું છે કે એક વખત આ બધી પ્રક્રિયા તમારી જીવનશૈલીનો ભાગ બની જશે પછી મુશ્કેલ નહીં લાગે. દરેક વ્યક્તિએ કચરો ઓછો ઉત્પન્ન થાય તેવો પ્રયાસ કરવો જોઈએ અને મોટાભાગના કચરાનું મેનેજમેન્ટ જાતે કરવું જોઈએ તો ઘણા પ્રશ્નો હલ થઈ શકે.