Get The App

મૌનને માટે શ્રેષ્ઠ સમય છે રાત્રીના 8.45 થી 9.00નો!

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
મૌનને માટે શ્રેષ્ઠ સમય છે રાત્રીના 8.45 થી 9.00નો! 1 - image


- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર

- જેમ નાવ ડૂબતી હોય, ત્યારે અંદર બેઠેલા માણસો કિનારે પહોંચવા માટે તલસાટ ધરાવતા હોય. સંતાન ખોવાઇ ગયું હોય અને એને પાછું મેળવવા માટે મા જેવી આતુરતા હોય...

આ પણી નૂતન પ્રકારની વિશિષ્ટ સત્સંગ સભા ચાલી રહી છે, જેમાં કોઈ સંત, સાધક કે યોગીએ આપેલા જીવનનાં કૂટપ્રશ્નો અને અધ્યાત્મનાં ગહન સવાલોનો ઉત્તર આપણે શોધી રહ્યા છીએ. એ સંતના સર્વ ઉપદેશોનો સાર પામવાનો આ પ્રવાસ છે. એક અર્થમાં કહીએ તો, ગાગરમાં સાગર પામવાનો આ પ્રયત્ન છે. દેશની સમર્થ આધ્યાત્મિક પ્રતિભાઓનાં ચિંતનનો અર્ક પામવાનો અહીં પ્રયાસ કરવામાં આવ્યો છે.

સામાન્યપણે સત્સંગમાં કોઈ સંત, મહાત્મા કે ઉપદેશક બોલે અને અન્ય સહુ કોઈ સાંભળે, પરંતુ અહીં આપણે એક એવો અનોખો સત્સંગ યોજ્યો છે કે એ મહાત્માઓએ આપેલાં વિશિષ્ટ અને મૌલિક અધ્યાત્મ-મોતીઓનો પરિચય પામીને આપણે આપણા જીવનને એના પ્રકાશથી ઝળહળતું કરીએ. આપણી આ યાત્રામાં આપણે હવે પૂજ્યશ્રી શ્રીમા આનંદમયી મા પાસે પહોંચીએ છીએ. આ સંદર્ભમાં આપણને ભારતના મનિષી શ્રી ગોપીનાથ કવિરાજનું સ્મરણ થાય છે. આ મહાપંડિત માના પ્રથમ દર્શને જ એમની અલૌકિકતાથી પ્રભાવિત થઈને બોલી ઊઠયા 'મેં આજે જે પ્રત્યક્ષ જોયું છે, એના વિશે એટલું જ કહી શકું કે એના જેવી બીજી કોઈ વસ્તુ આ જગતમાં છે જ નહીં. આજ સુધી એનું આવું દર્શન મને ક્યારેય થયું નહોતું, એ સઘળું પ્રત્યક્ષ બન્યું, કિંતુ એ પ્રત્યક્ષ હતું કે સ્વપ્ન હતું એ મારાથી કહી શકાતું નથી.'

એવી જ રીતે એક વાર ઇ.સ.૧૯૬૩માં શ્રીમા આનંદમયીનો ચૌદમો સંયમ-સપ્તાહ ઉજવાઈ રહ્યો હતો. એ સમયે સવારની બેઠકમાં પ્રવેશતાં મા આનંદમયીએ કહ્યું કે,'સંયમ-સપ્તાહમાં જલવૃષ્ટિ ન થઈ. શ્રીમદ્ ભાગવતની કથામાં તો જલવર્ષાનો ઉલ્લેખ આવી ગયો, પણ અહીં કેમ બધું કોરું રહ્યું.' અને પછી તેઓ વ્યાસપીઠ પર બિરાજ્યા. પૂજા, પ્રવચન અને મૌનવ્રત શરૂ થયું. થોડાં જ સમયમાં આકાશમાં વાંદળાં ઘેરાયાં, પવન ફૂંકાયો, મૂશળધાર વરસાદ પડવા લાગ્યો, છતાં કોઈ મંડપમાંથી ઊઠયું નહીં. મા આનંદમયી બિરાજમાન હતા, તેની ઉપરનું કંતાન ચીરાઈને એમના પર ધોધમાર પાણી પડવા લાગ્યું, છતાં તેઓ શાંત, સ્થિર અને અલિપ્ત બેઠા. મૌનવ્રતનો ભંગ કઈ રીતે થાય ? ભલે પ્રકૃત્તિ ગમે તેટલો પ્રકોપ દાખવે !

એ પછી એમણે બધાને બહાર ચાલ્યા જવાનું કહ્યું. છેલ્લે પોતે ઉભા થયા અને ત્યારબાદ બંગલામાં જવાના પગથિયાં પર પગ મૂક્યો અને મંડપનો એક ભાગ તૂટી પડયો. સહુને લાગ્યું કે શ્રીમા બહાર આવે તેની રાહ જોતા હતા અને એમણે કહ્યું કે,'આ શરીરે બે હાથ જોડયા હતા, એ રાધાનાં હતા કે ભગવતીનાં એ ચોક્કસ ન થયું, પણ આ બે હાથે મહા મૌનના એક કલાક સુધી વરસતા વરસાદમાં મંડપને અદ્ધર પકડી રાખ્યો હતો. એને નીચે પડવા દીધો નહીં.' આ વાત સાંભળીને સહુ આશ્ચર્ય પામ્યા.

શ્રીમા આનંદમયીએ મહાત્મા ગાંધીજીને તેમના આવનારા મૃત્યુની તાકીદ કરી હતી, તો સુભાષચંદ્ર બોઝને દેશની સેવા સાથે ભીતરના પ્રદેશની સેવા કરવા કહ્યું હતું. ભૂતપૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ પાસે એમણે ચોક્કસ સમય માટે એક અખંડ ક્ષણની માગણી કરી હતી, તો જમનાલાલ બજાજને એમના સાન્નિધ્યમાં ઘણી શાંતિ સાંપડતી હતી. શ્રીમા આનંદમયીએ ઔપચારિક શિક્ષણ લીધું નહોતું, પરંતુ બ્રહ્મ સાથે તાદાત્મ્ય અનુભવીને પોતે આત્મજ્ઞાની હોવાનો જગતને પરિચય આપ્યો.

માત્ર તેર વર્ષની વયે એમના લગ્ન રમણી મોહન ચક્રવર્તી સાથે થયા હતા. એ સમયે એમનું નામ નિર્મળા સુંદરી હતું અને એકવાર રમણી મોહનને પાસે બેસાડી એમના મસ્તક પર બ્રહ્મરંધ્રનો સ્પર્શ કર્યો અને તેઓ શાંત થઈ ધ્યાનસ્થ બની ગયા. સહુ મૂંઝાઈ ગયા, કેટલાક તો ધૂ્રસકે ને ધૂ્રસકે રડવા લાગ્યા, ત્યારે નિર્મળા સુંદરીએ રમણી મોહનને સ્પર્શ કરી સભાન કર્યા અને રમણી મોહન ધ્યાનદશાની પરમ આનંદની અનુભૂતિ પામી ધન્ય થઈ ગયા. એમના પતિ રમણી મોહને ૧૯૨૨ના ડિસેમ્બરમાં એમણે નિર્મળા સુંદરી પાસે દીક્ષા લીધી અને એમના પ્રથમ ભક્ત બન્યા. એ રમણી મોહન ચક્રવર્તી પાછળથી ભોળાનાથ બાબા તરીકે પ્રસિદ્ધ થયા. નિર્મળા સુંદરીને સમય જતાં મા આનંદમયી તરીકે સહુ ઓળખવા લાગ્યા. તેઓ પોતાના નામનો અર્થ સ્પષ્ટ કરતા કહેતાં, 'ભગવતીનું ચિરંતન નામ આનંદમયી છે, દરેક વસ્તુમાં આનંદમયી વિદ્યમાન છે.'

પોતાના સમયનાં સમર્થ યોગીઓ અને સંતો પણ શ્રીમા આનંદમયીને આદર આપતા હતા. તેઓ જ્યાં ગયા ત્યાં એમના ભક્તો આશ્રમ સ્થાપતા હતા, પણ આનંદમયી માને માટે તો સમગ્ર વિશ્વ એજ એમનો આશ્રમ હતું. પચાસ વર્ષ સુધી એમણે દેશનું પરિભ્રમણ કર્યું. એમના પાવનદર્શનથી અનેક ધન્ય બન્યાં. એમણે પ્રવચન ન કર્યો, પરંતુ કીર્તનને પ્રોત્સાહન આપ્યું. ધર્મ, સંપ્રદાય અને જ્ઞાતિને પાર જઈને એમણે પ્રત્યેક લોકોને શાંતિ આપી. એમના દર્શનનો લાભ આ લેખકને પણ મળ્યો હતો. એ સમયે જોવા મળ્યું કે,'ભીતરમાં રોગની તીવ્ર વેદના હોવા છતાં ચહેરા પર પ્રસન્નતાના ધોધ સમાન હાસ્ય જોવા મળ્યું.'

શ્રીમા આનંદમયીએ મૌનનો મહિમા કર્યો. તેઓ પોતાના ભક્તો પાસે સતત મૌનની માગણી કરતા. તેઓ કહેતા કે,'રોજ ચોવીસ કલાકમાંથી પંદર મિનિટ મૌનનો સમય રાખવો જોઈએ.' ક્યારેક તો એમ કહેતાં, 'મને તમારા મૌનની ભિક્ષા આપો.' તેઓ કહેતાં કે, 'સમયમાં કશું પરિવર્તન આવવાનું નથી, પણ તમારે શક્ય તેટલો વાક્સંયમ રાખવાનો છે. આને માટે તમે કોઈ પણ અવસ્થામાં હો, પછી ઘરમાં હો કે ઘરની બહાર હો, રસોડામાં હો કે હોસ્પિટલમાં હો, યાત્રામાં હો કે રોગીની સેવામાં હો, જે કોઈ અવસ્થામાં હો, તે સમય દરમિયાન તમે મૌનસાધના કરો.'

આ મૌન એ કોઈ ધર્મ કે સંપ્રદાયમાં સીમિત વાત નથી, પરંતુ કોઈ પણ ધર્મમાં માનતી વ્યક્તિ આ મૌન કરી શકે છે. એમાં બંધન છે ચોક્કસ સમયનું અને આ રીતે વાણીનાં સંયમથી આધ્યાત્મિક માર્ગે ચાલવાનું શરૂ થાય છે. ભટકતા મનને એકાગ્ર કરવા માટે અર્થાત્ અમન થવા માટે મૌન જરૂરી છે.

ક્યા સમયે મૌન ધારણ કરવું જોઈએ કે પછી કોઈ પણ સમયે મૌન રાખી શકાય ? એ પ્રશ્નનાં ઉત્તરમાં તેઓ કહેતાં કે,'રાત્રે ૮.૪૫ થી ૯.૦૦નો સમય એ મૌન માટે સૌથી યોગ્ય સમય છે. આ સમયે મૌન કરનારને સવિશેષ ફાયદો થાય છે. પંદર મિનિટનું આ મૌન સહેજે ખંડિત થવું ન જોઈએ અને આ પ્રકારે જો મૌન રાખવામાં આવે તો વ્યક્તિ સમષ્ટિની શક્તિ સાથે સ્પર્શ પામી શકે છે.'

આમ તેઓ ચોક્કસ સમયે મૌન રાખવાનો આગ્રહ રાખતા હતા. વાણીનો સંયમ એ મનની ક્રિયા છે અને મનની ગંભીરતા જેમ જેમ વધતી જશે, તેમ તેમ ક્રિયા શિથિલ થશે. મન જો વિષયોનાં ચિંતનમાં ખૂંપેલું હશે તો એવી પરિસ્થિતિમાં મૌનથી જે લાભ મળવા જોઈએ, તે મળી શકશે નહીં. ક્રોધ આવે, ત્યારે મૌન રાખો, પરંતુ સમય મળતાં એ ક્રોધ ફાટી નીકળશે, પણ જો મનને ભગવાનમાં જોડયું હશે તો એ ધીરે ધીરે આગળ વધતું જશે અને દેહ અને મનની શુદ્ધતા પામતું જશે. વિષય-વાસનાનાં ચિંતનથી શક્તિનો ક્ષય થાય છે અને તેવે સમયે મૌન રહેવાને બદલે બોલવાથી એને 'રિલિઝ'મળે છે. નહીં તો એ પ્રકારનું મૌન ઇંદ્રિયો પર આઘાત કરે છે અને પરિણામે વ્યક્તિની બીમાર થઈ જવાની સંભાવના વધુ રહે છે.

જ્યારે વ્યક્તિ અંતર્મુખ ગતિ કરે, ત્યારે બીમારી એની પાસે ફરકતી નથી. એના ભગવદ્ ચિંતનને કારણે ગ્રંથિઓ છૂટી જાય છે અને તેથી એણે જે પ્રાપ્ત કરવાનું છે તે પ્રાપ્ત કરી શકે છે. આ મૌનથી વિગ્રહનો આપોઆપ નાશ થાય છે અને યોગની વૃદ્ધિ થાય છે. વળી સાધકનો યોગક્ષેમ અર્થાત્ એની જીવન જરૂરિયાતો પણ એને આપોઆપ આવીને મળે છે. અહીં તહીં મનને દોડાવવાની એને જરૂર રહેતી નથી અને સૌથી મોટી વાત એ છે કે જ્ઞાન એ સ્વયં પ્રકાશ છે. કોઈના પ્રભાવથી એ ઉદય પામતું નથી. બલ્કે એ પોતાના સ્વભાવથી આપોઆપ જ આવિર્ભૂત થાય છે. આ રીતે શ્રીમા આનંદમયીએ મૌનનો મહિમા કર્યો.

એમના ઉપદેશોમાં પણ નામ મહિમા, મૌન સત્સંગ અને સંયમ એ મોખરાના સ્થાને મળે છે અને આ રીતે એમણે એક સ્થળે કહ્યું છે,'ભગવાનને મળવું છે ?' આ સાંભળીને ઘણાં હા પાડે છે, પરંતુ હકીકત એ છે કે એ બધાં મન અને પ્રાણથી ઝંખના કરે તો જરૂર મળે. આ ઝંખના કેવી હોય છે ? જેમ નાવ ડૂબતી હોય, ત્યારે અંદર બેઠેલા માણસો કિનારે પહોંચવા માટે તલસાટ ધરાવતા હોય. સંતાન ખોવાઇ ગયું હોય અને એને પાછું મેળવવા માટે મા જેવી આતુરતા હોય, શ્રીમા આનંદમયી કહે છે કે,'એવા ભાવથી તમે ભગવાન પાસે જાવ તો એ જરૂર મળશે.'


Google NewsGoogle News