આખું વર્ષ ભેગું કરેલું પળમાં ખલાસ થઈ જાય છે
- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
- તથાગત બુદ્ધ કહેતા,'આ જીવનમાં-જગતમાં સુખ અને આનંદ બન્ને છે. સુખને જતું કરો તો આનંદ આપોઆપ આવશે.'
માયા સંચ સંગ્રહૈ વહ દિન જાનૈ નહીં ,
સાહસ બરસ કા સબ કરે મરૈ મહુરત માહીં.
- કબીરદાસજી
જીવન મરમી કબીરદાસજી અહીં માનવીય ચિત્તની પ્રાથમિક નબળાઈ ચિંધે છે તેઓ કહે છે કે જે જીવ માયા ભેગી કર્યા કરે છે તેને બિચારાને કાળની સમજ નથી. આખા વરસનું એ ભેગું કરવાની મૂર્ખાઈ કરે છે પણ ઘડીમાં તો ખલાસ થઈ જાય છે.
સાચ્ચે જ જીવન અનિશ્ચિત છે, આવતી પળ કે કાળ અવ્યાખ્ય છે. આપણી સામે સ્વ. રાકેશ ઝુનઝુનવાલાનું દ્રષ્ટાંત છે. તેમના હજારો કરોડના શેર પડયા રહ્યા અને તેઓ પરમ માર્ગે ચાલી નીકળ્યા. સુક્ષ્મ રીતે આનો અર્થ એવો થાય કે સામ્રાજ્ય ટકી જાય છે અને સમ્રાટ ચાલ્યો જાય છે. વરસો પૂર્વે વાંચેલી એક અત્યંત હૃદયસ્પર્શી કથા યાદ આવે છે.
એક પ્રાચીન પર્વત હતો. તેની આસપાસ વસતા લોકોમાં આ પર્વત વિશે અનેક કથા-દંતકથાઓ ફરતી હતી. ખાસ તો તેની અંદર આવેલ એક અદ્રશ્ય બંધ ગુફા અને તેમાં છુપાયેલ એક ખજાના વિશે. લોકો કહેતા કે આ ગુફા સદીઓમાં એકાદ વખત પ્રગટે છે અને ખુલે છે. અને હા, તે પણ નિશ્ચિત રાશિ, નક્ષત્ર, ગ્રહ અને પળે.
એક વખત અનાયાસે જ એક ગરીબ ખેડૂત તેના ખચ્ચર સાથે ત્યાંથી પસાર થતો હતો ત્યારે તે જાદુઈ ગુફા પ્રગટી અને ખુલ્લી ગઈ. ચપટીક વિસ્મય અને ઘણા બધા ડર સાથે તે ખેડૂત ગુફામાં પ્રવેશ્યો. તેણે પણ આ ગુફામાં સચવાયેલ ખજાના વિશે અનેક વાયકાઓ સાંભળેલી. તેણે એમ પણ સાંભળેલું કે આ ગુફા થોડાક સમય માટે જ ખુલ્લે છે. અને પછી તે જાતે જ બંધ થઈ જાય છે. ખેર ! ખેડૂત ત્યાં બે-હિસાબ સોનું, હીરા, માણેક ઝવેરાત જોઈને સ્તબ્ધ બની ગયો. તે તો ઊતાવળે હાથ લાગે તે બધું કોથળો, ખિસ્સા પછેડીમાં ભરવા લાગ્યો અને ખચ્ચર ઉપર પણ ખૂબ ખજાનો લાદ્યો. તે ખચ્ચરને લઇને બહાર નીકળતો હતો ત્યારે રાજીપાથી તેની આંખો ભિંજાઈ ગઈ. ગુફાની બહાર નીકળ્યો ત્યારે તેને ખચ્ચરને હાંકવાનો તેનો દંડુકો અંદર પડયો રહયો તે યાદ આવ્યું. તે ઝવેરાતથી લદાયેલા ખચ્ચરને બહાર છોડીને ગુફામાં હાંફળો-ફાંફળો પાછો ગયો.
બસ, ત્યારે જ રહસ્યમય પળ આવી. ખેડૂત અને ગુફા એકસાથે અદ્રશ્ય થયા. બહાર ખચ્ચર અને ખજાનો બચી રહ્યા. ગામના લોકોએ થોડાક સમય માટે ખજાનો કોનો છે તેવી પૂછપરછ કરી પણ તે બધુ વેંચીને સૌએ પૈસા વહેંચી લીધા. આખરે ગામ સમૃધ્ધ બની ગયું, પેલા કમનસીબના નસીબ થકી.
કમનસીબે, માનવજાત વચ્ચે નિરંતર ભજવાયા કરતી આ શાશ્વત કથા છે. ચાલો આપણે તપાસીએ કે હું એક કમનસીબનું નસીબદાર ગામ છું કે એક નસીબદાર ગામનો કમનસીબ છું. આપણે પણ સ્વયં ને પૂછીએ કે હું કોઈ નાનકડા દંડુકો માટે કોઈ સ્થૂળ કે સૂક્ષ્મ ખજાનો તો ગુમાવતો નથી ને ? તથાગત બુદ્ધ કહેતા, 'આ જીવનમાં-જગતમાં સુખ અને આનંદ બન્ને છે. સુખને જતું કરો તો આનંદ આપોઆપ આવશે.'