Get The App

તમારા મનમાં રહેલા ભયને ભગાડવો છે?

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
તમારા મનમાં રહેલા ભયને ભગાડવો છે? 1 - image


- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- પોતાને જે પ્રકારનો ભય લાગે છે એને એક આકાર આપવો જોઈએ, તો એને સતત પરેશાન કરતો ભય નાનો થઈ જશે. એ પછી ભયના મૂળ સુધી જવું જોઈએ...

ત મને શેનો ભય લાગે છે ? કોને ભય લાગે છે ? સ્થિતિ તમને ભયભીત બનાવે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં સહુ કોઈ પોતાને લાગતા ભયની વાત કરશે. ભૂતકાળની ઘટનાને પરિણામે કોઈના મનમાં ભય જાગ્યો હોય છે, તો કોઈના મનમાં ડરામણો અનુભવ થવાથી ભય લાગતો હોય છે. કેટલાક પર્વતની ઊંચાઈએ જઈને ફફડતા હોય છે, તો કેટલાકનાં ગાત્રો વેરાન સ્થળ જોઈને ધૂ્રજવા લાગે છે. ઘણાને પરીક્ષાનો અને કૂતરાનો ભય લાગતો હોય છે. કેટલાક નિષ્ફળતાની શંકાથી ભયભીત બનીને આત્મહત્યા કરતા હોય છે. પ્રૌઢ વ્યક્તિને સદાય એ ભીતિ રહેતી હોય છે કે જો તેનો જીવનસાથી વિદાય પામશે તો એનું જીવન એવું જીર્ણશીર્ણ થઈ જશે. કેટલાક ભય ભૂતકાળમાંથી જાગતા હોય છે, તો કેટલાક પોતાનાં કાર્યો અને કુકર્મોથી જાગતા હોય છે, તો કેટલાક ભવિષ્યની ચિંતામાંથી સર્જાતા હોય છે.

વ્યક્તિ ભય પામે છે, ત્યારે એના શરીર અને મનના ભાવોમાં પણ પરિવર્તન આવતું હોય છે. આવો ભય નિરંકુશ બને, ત્યારે ફોબિયામાં રૂપાંતરિત થાય છે. વ્યક્તિ પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેસે છે અને ક્યારેક એને પરિણામે કરુણ મૃત્યુ પામે છે. આપણા દેશમાં તો બાળકને જન્મથી જ ભય 'પાવામાં' આવે છે. એને ભૂતનો ભય, ડાકણનો ભય, પોલીસનો ભય, બાવાનો ભય એમ જુદાં જુદાં ભય બતાવવામાં આવે છે, પણ એ બતાવનારને ખ્યાલ હોતો નથી કે એનાથી બાળકના શરીર અને મન પર કેવી ઘેરી અને વિપરીત અસર પડે છે !

વળી ભય ક્યાં એક પ્રકારનો હોય છે ? કોઈને વિમાનમાં બેસવાનો ભય હોય છે, તો કોઈ લીફટમાં બેસવાથી ડરે છે. કોઈને ઈન્જેક્શન અને સિરીંજનો ભય પણ લાગતો હોય છે. એ પોતે તો ઈન્જેક્શનથી ડરતા હોય છે, પરંતુ બીજા ઈન્જેક્શન લેતા હોય, ત્યારે પણ ભયભીત થઈને આંખો મીંચી દેતા હોય છે. એમના મન પર ઈન્જેક્શનનો ભય એટલો બધો છવાઈ ગયો હોય છે કે બ્લડ ટેસ્ટ કરાવવા જવું એ પણ એને માટે મુશ્કેલીનો પહાડ ઓળંગવા જેવું બની જાય છે.

કોલેજિયન યુવતી રેખા (નામો બદલ્યાં છે)ને હંમેશા એવી લાગણી રહેતી કે એ ઉદ્ધત અને બૂરી આદતો ધરાવનારા યુવાનના પ્રેમમાં પડશે અને એ રીતે એ પોતે જ પોતાની જિંદગીને તબાહ કરી નાખશે ! આ કાલ્પનિક ભય એના મન પર એવો તો છવાઈ ગયો કે જ્યારે એ અભ્યાસ કરવા બેસે, ત્યારે પેલા 'ફેન્ટસી લેન્ડ'માં પહોંચી જતી હતી, જ્યાં બૂરી આદતો ધરાવતા યુવક સાથે પ્રેમ કરીને એની જિંદગી બરબાદ થતી હોય તેવાં દિવાસ્વપ્નો આવતાં હતાં અને તેને પરિણામે એના અભ્યાસમાં ખલેલ પડતી હતી.

જ્યારે કૌશિક નામના એક યુવાન પાસે સઘળી આવડત હતી. એનો રીઝ્યુમ પણ પ્રભાવશાળી હતો. એને કારણે એને કંપની તરત જ ઈન્ટરવ્યુમાં બોલાવતી, પરંતુ ઈન્ટરવ્યુ સમયે એની જીભ ભયથી થોથવાવા લાગતી. એને પૂછાતા પ્રશ્નનો ઉત્તર આવડતો હોવા છતાં એ જવાબ આપી શકતો નહીં. જોકે આવી સ્થિતિ યાસ્મિનની હતી, જે કોલેજની મૌખિક પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નોનો ઉત્તર જાણતી હોવા છતાં એટલી બધી નર્વસ થઈ જતી કે એ જવાબ આપી શકતી નહોતી. ધુ્રજતી, ગભરાઈ જતી, ડૂસકાં ભરવાં લાગતા કૌશિક અને યાસ્મિન બંને આ પૃથ્વીના ગ્રહ પર મોટાભાગની વ્યક્તિઓ જેના કારણે ભયભીત છે એવો ભય ધરાવતા હતા. જાહેરમાં જવાબ આપવો કે બોલવું એ આ દુનિયા પરનો સૌથી મોટો ભય છે.

ખુદ મહાત્મા ગાંધીજી પણ પ્રારંભમાં જાહેર પ્રવચન આપતા મુંઝાઈ ગયા હતા. અબ્રાહમ લિંકનની પણ આવી જ દશા થઈ હતી. આ વિષયના તજ્જ્ઞા પ્રા. અર્પણ યાજ્ઞિાકે આ ભયને સૂરજમુખી સાથે સરખાવ્યો. એમણે કહ્યું કે, 'સૂરજમુખીનું ફૂલ એ ઘણું સંકુલ પુષ્પ છે અને એમાં બીજા ઘણાં નાનાં નાનાં ફૂલો સમાયેલાં હોય છે. એ જ રીતે જાહેર વક્તવ્ય આપતી વખતે બીજા ઘણા નાનાં નાનાં ભય એમાં સમાવેશ પામે છે. જેમકે ભૂલી જવાનો ભય, બોલતી વખતે ભૂલ કરી બેસવાનો ભય, પોતાના વક્તવ્યથી બીજાને નિરાશા થશે તેનો ભય, શ્રોતાઓની અપેક્ષાઓને સિદ્ધ નહીં કરી શકવાનો ભય અથવા તો બોલતા બોલતા ફમ્બલિંગ થઈ જવાનો ભય ઘણાને પરેશાન કરે છે. ઘણાને માટે તો જાહેર વક્તવ્ય પહેલાના એક કલાક પૂર્વે ચિત્તમાં વિશ્વયુદ્ધ ખેલાતું હોય છે. વ્યવસાય માટેનાં ઈન્ટરવ્યુમાં ઘણી વાર ઓછી આવડત ધરાવતો ઉમેદવાર એની છટાદાર અભિવ્યક્તિકલાથી સફળ થતો હોય છે.'

૭૧ વર્ષના વૃદ્ધા રેખાબહેનને છેલ્લાં ૫૫ વર્ષથી રૂનો ભય લાગે છે. તેઓ યુવાન હતા, ત્યારે એક ઘટનાને કારણે એમનામાં આ ભય પેસી ગયો અને હજી એ ભય એમને સતત પરેશાન કરે છે અને તેઓ પોતાનું કામ બરાબર કરી શકતાં નથી. જ્યારે બેંકમાં કાર્ય કરતા યોગેશભાઈને જીવનમાં મોટર મેળવવાનું સ્વપ્ન હતું. એમનું સ્વપ્ન તો સિદ્ધ થયું. ડ્રાઈવિંગ લાયસન્સ પણ મળ્યું અને પોતે મોટર ચલાવી શકે તેમ છે, તેમ છતાં એમના મનમાં રહેલો છૂપો ભય એમને મોટર ચલાવવા દેતો નથી. એમને એવું લાગે છે કે જો એ રસ્તા પર એમની મોટર લઈ જશે, તો સામેથી કોઈ મિસાઈલ ત્રાટકે, એ રીતે ઓટોરિક્ષા એમની મોટર પર ત્રાટકશે અને મોટરનો ખુડદો બોલાવી દેશે. આમ મોટર ખરીદવાનું સ્વપ્ન સિદ્ધ થયા છતાં તેઓ મોટર ચલાવી શકતા નથી. કદાચ તમે એમને સમજાવો કે અકસ્માત ક્યાં, ક્યારે અને કેમ થશે એનો કોઈની પાસે અંદાજ નથી. અકસ્માતનું કોઈ પ્લાનિંગ હોતું નથી, તેમ છતાં તેઓ આ ભયથી પરેશાન રહે છે.

માતાને પોતાના સંતાનો વિશે મનમાં આવા ભય પેસી ગયા હોય છે. બાર ટાવર ધરાવતી અને ચૂસ્ત સલામતીવાળા ગેટ ધરાવતી સોસાયટીમાં રહેતી માતા રાગિની એના આઠ વર્ષના પુત્ર કુશને ફ્લેટના ગ્રાઉન્ડમાં રમવા જવા દેતી નથી, કારણ કે એના મનમાં એના પુત્ર વિશે એક અજ્ઞાત ભય છે કે એ રમતો હશે અને ખૂબ ઝડપે કોઈ બસ કે ટ્રક આવીને એને કચડી નાખશે! 

નોંધપાત્ર બાબત એ છે કે આ સોસાયટીની ચૂસ્ત સલામતીમાં કોઈ અજાણી વ્યક્તિ પણ પ્રવેશી શકે તેમ નથી, ત્યારે પૂરવેગથી કઈ રીતે બસ કે ટ્રક આવે, પરંતુ આજે માતાનાં એ ભયને કારણે એના પુત્ર કુશને ન તો સોસાયટીમાં ખેલાતી ક્રિકેટ, ફૂટબોલ, બેડમિન્ટન જેવી રમતોમાં ભાગ લેવાની તક મળે છે, ન તો એ રમત ખેલતા છોકરાઓ સાથે મૈત્રી થાય છે. કેટલાક ભય રમૂજી હોય છે. ઘણાને ગરોળી અને વંદાની બીક લાગતી હોય છે, તો કેટલાક પ્રેસરકૂકરની સીટીથી ડરી જતા હોય છે. આવા ભયને પરિણામે થાય છે શું ?

એ વ્યક્તિનું જીવન ભયથી નિયંત્રિત થઈ જાય છે. એ કોઈ વિચાર કરે, મહત્ત્વનાં નિર્ણયો કરે કે પછી પોતાનાં કાર્યો અને પ્રવૃત્તિઓ કરે, ત્યારે પેલો ભય એમાં ફેરફાર કરતો રહે છે. આવી વ્યક્તિના વિચારો બંધિયાર બની જાય છે. એ અમુક પ્રવૃત્તિ કરવાનું મોકૂફ રાખે છે અને અમુક દિશામાં એ વિચારી શકતો નથી. ભયને કારણે એનો જીવન-વ્યવહાર પલટાઈ જતો હોય છે અને સામાન્ય રીતે જેનાથી એ ભયભીત હોય તે સ્થિતિ, વ્યક્તિ કે પ્રસંગથી ભાગવાની-નાસવાની કોશિશ કરે છે. આને કારણે એનું મન નિર્બળ બને છે અને એ મુક્ત રીતે વર્તી શકતો નથી. આ ભયનો સામનો કરવા માટે સૌથી પહેલી વાત તો એ છે કે વ્યક્તિએ પોતે જ એને પરાજય આપવા કટિબદ્ધ બનવું જોઈએ. પોતાને જે પ્રકારનો ભય લાગે છે એને એક આકાર આપવો જોઈએ, તો એને સતત પરેશાન કરતો ભય નાનો થઈ જશે. એ પછી ભયના મૂળ સુધી જવું જોઈએ અને ક્યારેક એમ પણ ખ્યાલ આવે કે એક સમયે જે બાબતનો ભય લાગ્યો હતો, તે આજે સહેજે ભયભીત કરતી નથી અને આમ ભયની પૂરી ચિકિત્સા કરવી જોઈએ અને પછી એને જીતવાનો પડકાર ફેંકવો જોઈએ. વ્યક્તિ જેટલી પરાવલંબી એટલી એ વધુ ભયભીત. આથી જ આપણે ત્યાં સ્વાવલંબનનું મહત્વ છે. એ સ્વાવલંબન અને સ્વ-નિર્ભરતા જ વ્યક્તિને નિર્ભય બનાવી શકે અને અભય આપી શકે.

ક્ષણનો સાક્ષાત્કાર

સંપત્તિ વ્યક્તિને ત્રણ રીતે આનંદ આપી શકે છે. એક તો માનવી ધનપ્રાપ્તિ કરવા માટે રાત-દિવસ મહેનત કરતો હોય છે. પહેલાં તો રોટી, કપડાં અને મકાનની વેતરણ કરવી અને પછી ધન એકઠું કરવું. નસીબ યારી આપે કે પુરુષાર્થ ફળે એટલે વ્યક્તિ ધનવાન બને છે. સંપત્તિથી વ્યક્તિને વ્યક્તિ ત્રણ પ્રકારની પ્રાપ્તિ થઈ શકે. એક તો પોતે મેળવેલા વિશાળ ધનભંડારની પાછળ કરેલી મહેનતનું એ વારંવાર સ્મરણ કરે છે. કેવી ગરીબ અને સામાન્ય સ્થિતિમાંથી આગળ વધીને એ માલેતુજાર બન્યો, એનો આનંદ, ગર્વ કે ગૌરવ અનુભવે છે. બીજો આનંદ એ કે એની પાસે ધન જેમ જેમ એકત્ર થતું જાય, તેમ તેમ એના આનંદમાં વૃદ્ધિ થાય છે ધનપ્રાપ્તિનો ત્રીજો આનંદ એ કે એ સંપત્તિનું તમે કોઈ સેવાકાર્ય માટે દાન કરો. આ તબક્કે ધનપ્રાપ્તિ એ ખાતર જેવી છે. ખેતરમાં ખાતરનો મોટો ઢગલો પડયો હોય તો એની દુર્ગંધ ચારેબાજુ ફેલાઈ જાય, પરંતુ જો એ ખાતરને આખાય ખેતરમાં થોડું થોડું નાખવામાં આવે, તો જમીન ફળદ્રુપ બને અને મીઠાં-મધુરાં ફળ આપે. આ રીતે જ્યારે વ્યક્તિ દાન આપે છે, ત્યારે એના આત્મામાં અનેરો આનંદ જાગે છે. પહેલા માત્ર પોતાના સ્વાર્થનો વિચાર કરતો હતો. દાન આપતી વખતે એ બીજાનો વિચાર કરે છે. સંપત્તિની પ્રાપ્તિની શક્તિ ઘણી વ્યક્તિઓને વરેલી હોય છે, પરંતુ એ સંપત્તિને મુક્ત કરવાની શક્તિ વિરલા જ ધરાવતા હોય છે.

વળી ઘણીવાર વ્યક્તિ સંપત્તિ મેળવ્યા પછી એવો વિચાર કરે છે કે આટલી સંપત્તિ મેળવવાના પ્રયત્નમાં મારે કેટલું બધું ગુમાવવું પડયું ! જો જીવનમાંથી સુખ, સંપ, ઊંડા, આરામ અને નિરાંત આટલી બધી ગુમાવવી પડશે, એનો ખ્યાલ હોત તો એ ધનવાન વિચારતો હોય છે કે આ સંપત્તિની પ્રાપ્તિ માટે એણે આટલા બધા પ્રયત્નો કર્યા ન હોત. આથી ગરીબી કે અભાવવાળા સમયને જ વ્યક્તિ પોતાના જીવનનો શ્રેષ્ઠ સમય માનતી હોય છે.


Google NewsGoogle News