Get The App

લોહિયાળ લુખ્ખાગીરી વી, ધ વાયોલન્ટ પીપલ ઓફ ઈન્ડિયા...!

Updated: Oct 20th, 2024


Google NewsGoogle News
લોહિયાળ લુખ્ખાગીરી વી, ધ વાયોલન્ટ પીપલ ઓફ ઈન્ડિયા...! 1 - image


- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- આજે એવી હાલત છે કે પ્રાચીન વારસામાંથી શૃંગારરસની આપણે એલર્જી કેળવી છે, પણ જુનવાણી જડતાથી હિંસાહોળી બાબતે ઘરમાં કે બહાર શરમ આવતી નથી!

- દક્ષ પ્રજાપતિ અને વીરભદ્ર 

દિ વાળી નજીક આવે એમ કપડાં, સાફસફાઈ, ભેટસોગાદો, પ્રવાસો, સજાવટ, મિષ્ટાન્નો વગેરેની સાથે થનગનાટ થાય ફટાકડાનો. સુપ્રીમ કોર્ટના અવાસ્તવિક આદેશના ફરી એક વાર દેશભરમાં ધજાગરા ઉડશે એ નક્કી છે. આવો ફજેતો સ્વાભાવિક છે, કારણ કે કાયદાના પાલકો પણ એમના પાલ્યો (બાળકો) માટે ડયુટી પૂરી કરીને ફટાકડા લઈ જવાના હોય ! ફાઈન, આતશબાજી તો જગતભરમાં થાય છે. પણ શેરી ગલીઓમાં પરમિશન વિના નહિ. ચોક્કસ કન્ટ્રોલ્ડ સ્થાનોએ. ફટાકડાનું ચોકલેટ જેવું છે. નાનપણથી જ ગમી જાય. ભોંયચકરી, અનાર, ફુલઝર, વાયર, તારામંડળ, રોકેટ... મોજ પડી જાય ધીંગામસ્તી  કરતી કંપની સાથે ફોડવાની. ચીનમાં શોધાયેલા પતંગ ને ફટાકડા આબાદ રીતે ભારતીય પર્વમાં ભળી ગયા છે. ( ફટાકડા ભારતમાં શોધાયાંના વાઇરલ શ્લોકો પાછોતરા ને હસ્તપ્રતમાં વિવાદાસ્પદ પુરાણોના છે. જેના અનુવાદો વળી હનુમાન ચાલીસામાં નાસા જેટલું અંતર છે, એવા ગપ્પની જેમ લાકડે માંકડું જોડી કરાય છે ).

એની વે, ફટાકડા વિના દિવાળી શોભે નહિ. પણ એની ખરી મજા આતશબાજી છે. દુનિયામાં એનો દબદબો છે. તડાફડી સુધી તો બરાબર. પણ આપણે ત્યાં વધુમાં વધુ અવાજવાળા કાન બહેરા કરે એવા ભયાનક ઘોંઘાટવાળા ફટાકડા ફોડવાની ઘેર ઘેર હોડ લાગે છે. ધુમાડા સાથે ધ્વનિપ્રદૂષણ. પર્યાવરણની વાત જવા દો તો પણ દેખીતી રીતે વધુ ને વધુ મોટા ધડાકા દેખાદેખીમાં લોકો પોતાના ઈગોના એક્સટેન્શન તરીકે કરે છે. ઘણી વાર બીજાને બતાવી ને દબાવી દેવા. ઘણી જગ્યાએ તો ફટાકડાની રીતસર ફેંકાફેંકી થાય છે સામસામી. રમત રમતમાં દાઝવાના ને બીજા રોગોના કિસ્સા ઘણા આવે છે. પણ જીદ ભડાકા અને તોફાની ફેંકાફેંકી કે રોડ પર કે પાડોશમાં કોઈને પરેશાન કરવાની ઓછી નથી થતી. આ નિર્દોષ લાગતી પ્રવૃત્તિ એટલે સહજ લાગે છે, કે આપણા સામાજિક માળખામાં હિંસાને સાહજિક સ્વીકૃતિ છે. સ્ક્રીન પર સ્કિનવાળા સેક્સથી ભડકી જનારા ચોખલિયા વાયોલન્સ બાબતે ખાસ્સા ઉદાર હોય છે ! પ્રજા તરીકે આપણને એક્શન નડતું નથી, રોમાન્સ ખટકે છે! 

***

'બધા જ યુદ્ધ કરવામાં કાબેલ લડવૈયાઓ વિવિધ શસ્ત્રોથી સજ્જ છે.'

સદીઓથી ભારતમાં આઘ્યાત્મિક ચેતનાના સર્વોચ્ચ ગ્રંથ તરીકે મશહૂર ભગવદ્ ગીતાના પ્રથમ અઘ્યાયના નવમા શ્લોકની આ કડી છે. ગીતા, એન્ડ એવરીવન નોઝ, કોઈ નદી કિનારે આવેલા આશ્રમના શાંત વાતાવરણમાં નહિ, પણ ભયાનક સંગ્રામના બૅકડ્રોપમાં કહેવાઈ છે. એમાં ય અગિયારમા અઘ્યાયમાં 'કાલોસ્મિ લોકક્ષયકૃત્પ્રવૃદ્ધો લોકોન્સમાહર્તુમિહ પ્રવૃત્ત:' તો સ્વયમ્ ચૈતન્યનું આત્મનિવેદન છે. 'વિશ્વનો વિનાશ કરનારો હું કાળ છું, અને લોકોનો સંહાર કરવાની પ્રવૃત્તિમાં જ ગુંથાયેલો રહું છું !' અને આ કાળનું વર્ણન એવું તો ભયાનક છે કે, સમજ્યા વિના સંસ્કૃત ગોખી નાખતી પબ્લિક જો એ સમજે તો કાચાપોચા હૃદયવાળાના નીરવ શાંતિમાં એનો જપ કરવા જતાં છાતીના પાટિયા બેસી જાય ! 'યથા પ્રદીપ્ત જ્વલનં પતંગા વિશન્તિ નાશાય સમૃદ્ધવેગા:'- જેવા વર્ણનો - જેમ ફુદું આગની જ્વાળામાં તીવ્ર વેગથી ધસે એમ તમારા વિકરાળ મુખમાં લોકો જથ્થાબંધ મૃત્યુ માટે ધસમસી રહ્યા છે !

અર્જુન જેવો યોદ્ધો પણ ભયથી થથરીને મૂળ સ્વરૂપમાં આવવા વિનંતી કરી બેસે એવા આ કરાલકાળ સ્વરૂપને તત્ત્વદર્શન સાથે હજારો વર્ષોથી વણી લેનારી અને પચાવી લેનારી પ્રજા માટે હિંસા, વાયોલન્સ નવી નવાઈની વાત નથી. મહાભારત તો વાર્તા જ વેર, બદલા, રિવેન્જની છે ! ભગવદ્ ગીતાના અનુવાદક અલબત્ત, અહિંસાની આરાઘ્યમૂર્તિ ગણાય એવા ગાંધીજી પણ કહી ચૂક્યા હતા : ''જો આપણા હૃદયમાં હિંસા છુપાયેલી હોય તો નપુંસકતાને છાવરવા અહિંસાના અંચળા તળે લપાઈ જવાને બદલે હિંસક બનવું સારું !''

પ્યારા બાપુ, છે જ! આપણા ભારતીયો સ્વભાવે ડરપોક પણ પ્રકૃતિએ હિંસક છે. વી, ધ વાયોલન્ટ પીપલ ઓફ ઇન્ડિયા!

***

સાચું ભારત ગામડાઓમાં વસે છે.

આ વાક્ય એટલી બધી વખત આપણા લમણામાં બચપણથી ઝીંકવામાં આવે છે કે, જો એ કાળો ડામર રોડ હોત તો ઘસાઈ ઘસાઈને આરસની તકતી બની જાત. હા ભાઈ, માની લીધું કે સાચું અને આખું ભારત ગામડામાં વસે છે, એની ભાગ્યે જ આપણે ત્યાં વાસ્તવિક ચર્ચા પણ થતી હોય છે.

વર્ષોથી આપણા સાહિત્યકારો અને ફિલ્મવાળાઓએ ભારતીય ગામડાનું એક હાઇરિઝોલ્યુશન મલ્ટીમેગા પિક્સેલ ફૂલ એચ.ડી. એવું 'ફૂલગુલાબી' ચિત્ર જ દેખાડયા કર્યું છે. 'મેરે દેશમેં પવન ચલે પુરવાઈ'ના ગીતોમાં ઉકરડામાંથી આવતી માથું ફાટી જાય એવી દુર્ગંધની વાત નથી. 'મેરે દેશ કી ધરતી સોના ઉગલે, ઉગલે હીરે મોતી'ના પોકારોમાં કોલસાની ખાણમાં ઓગળી જતા કાળા મજૂરોના ખારા પરસેવાનું ચિત્રણ નથી. 'ગોરી તેવા ગાંવ બડા પ્યારા, મૈ તો ગયા મારા'માં બણબણતી માખીઓ કે કરડતા મચ્છરો કે ગંદા પાણીથી મરી જવાની વાત નથી.

એવું નથી કે ગામડામાં પ્યાર મહોબ્બત જેવું કંઈ છે જ નહિ પણ આ જ ગામડાઓમાં ઇશ્ક કરવાના 'ગુના'સર સર્વોચ્ચ અદાલતને અવગણીને પ્રેમીઓને જલાવી દેનારી ભાભાઓની પંચાયત હોય છે. આ જ ગામડાઓમાંથી ભારતીય રાજકારણને એનાકોન્ડા અજગર જેવા હાડકાનો ચૂરો કરી દેનારો ભરડો લેનારો જ્ઞાતિવાદ આવ્યો છે. આ જ ગામડાઓમાં ગાયની ડોકે વાગતી ઘંટડીઓના મંજુલ ઘ્વનિની સાથે નીચી જાતિના લોકોને જંતુ ગણીને અસ્પૃશ્યતાના અપમાનમાં રહેવાની કર્કશ કાગારોળ જન્મી છે ! ગામડાની દેહાતી પ્રજા ગમાર હોય છે, પણ એટલે એ ડાહીડમરી કે પવિત્ર નથી થઈ જતી. અશિક્ષિત કે અર્ધશિક્ષિત રહીને એમાંના ઘણા સ્થાનિક દાદાઓના વેઠિયા મંજૂર કે ખંડિયા ગુલામની જેમ જીવે છે. ભોળાભટાક કહેવાતા કેટલાય ગ્રામવાસીઓ ગેંગ બનાવીને લૂંટારું બને છે, પેટ્રોલ- કેરોસીન કે વીજળીની ચોરી કરે છે, સસ્તા, ઉઘાડા મનોરંજન પાછળ સીટીઓ મારે છે, ફેક્ટરીમાંથી ચકચકિત આવેલા રેલ્વેના કોચને થુંકદાની, પાયખાનું અને કચરાટોપલી બનાવી દે છે. જુગારખાના અને કૂટણખાના ચલાવે છે, આડા સંબંધો માટે મધરાતે વંડી ઠેકી જાય છે. માતેલા સાંઢ જેવા અકોણાઈથી ઠસોઠસ લુખ્ખાઓને રાભડા જેવા બનાવી, નજીકના શાંત શહેરી વિસ્તારોમાં એક્સપોર્ટ કરે છે. એમાંથી મિરઝાપુર બ્રાન્ડ તમંચા કે શાર્પશૂટરો આવે છે. સામૂહિક હત્યાકાંડ પણ થાય છે ને બળાત્કારીઓ પણ ઉભરાય છે !

આ અધરસાઇડ ઓફ વિલેજીઝ કોઈ બતાવે, તો પણ આપણે એને 'ડાર્ક' કહી દઈએ, એટલી હદે આપણે ગ્રામીણ- મઝદૂર વિસ્તારોના રોમેન્ટિસિઝમથી આંધળા બનેલા છીએ. અરે પણ આ 'ડાર્કનેસ' નથી- રિયાલિટી છે. મારી- તમારી આસપાસની રિયાલિટી ! એનો કલરટોન જ કાળો- ભૂખરો- રાખોડી છે, તો એવો જ ઝીલાવાનો ને, કોઈ ફિલ્ટર કર્યા વિના એનું વાસ્તવિક ચિત્ર ઝડપે ત્યારે !

અને સદ્નસીબે અગાઉ 'શક્તિ: ધ પાવર', 'દબંગ' કે 'આક્રોશ' (નવું) કે 'પીપલી લાઇવ' જેવા છૂટાછવાયા પ્રયાસો પછી હવે આપણા ટેલેન્ટેડ ફિલ્મમેકર્સે અહીં નજર, સોરી કેમેરા માંડયો હતો થોડા વર્ષો પહેલા. ગંગાજલ કે અપહરણ કે ઓમકારા કે ઇશ્કિયાના પ્રકાશ ઝાઓ અને વિશાલ ભારદ્વાજોની પંગતમાં પતરાળીઓ હજુ પડતી જાય છે. શેખર  કપૂરની બેંન્ડિટ ક્વીન, સુશાંતની ફ્લોપ ગયેલી 'સોન ચિરૈયા', તિગ્માંશુ ઘુલિયાની 'પાનસિંહ તોમર', હબીબ ફૈઝલની 'ઇશ્કજાદે', પ્રભુ દેવાની 'રાઉડી રાઠોર' અને દિબાકર બેનરજીની 'શાંઘાઈ' જેવી ફિલ્મોમાં ગામડુ ગમી જાય એવું ગુલાબી નહિ, કંપારી છૂટે એવું કથ્થાઈ છે. અને આ બધામાં શિરમોર એવી ફિલ્મ (બીજી રીતે જોઈએ તો સાઉથ ઇન્ડિયન રક્તચરિત્રનું નોર્થ ઇન્ડિયન વર્ઝન વિથ સ્ટેડી કેમેરાવર્ક એન્ડ કલરફૂલ કરેક્ટર્સ, માઇન્ડ બ્લોઇંગ, મ્યુઝિક એન્ડ ડેરિંગ ડાયલોગ્સ) અનુરાગ કશ્યપની સત્યઘટના પર આધારિત ગેંગ્સ ઓફ વાસેપુર હતી !

હવે તો લોકો ઓટીટી પર છૂટથી લોહીના ફુવારા ઉડાડતો અંગ્રેજીમાં  'ગોરી' કહેવાય   એવો કન્ટેન્ટ નાસ્તો કરતા કરતા એન્જોય કરે છે. સાઉથની મોટા ભાગની ફિલ્મો તો ઘોર હિંસક હોય છે. મેગા બ્લૉકબસ્ટર બનેલી પુષ્પા કે કેજીએફ તો જાણીતા નામો થયા. સાઉથની દર બીજી ફિલ્મો વીરરસના નામે ઘોર હિંસક હોય છે. લોકેશ કનકરાજ જેવા કેટલાય ડાયરેકટર એના સ્પેશ્યલિસ્ટ છે. એ વાત પર હવે ખૂલીને આંગળી લોહીઝરતી લાલ અન્ડરલાઇન કરે છે કે આપણે શાંત શહેરીજનો નથી, પણ 'રોબસ્ટ રૂરલ' છે. વાયોલન્સ અને વેન્ડેટા (હિંસા અને પ્રતિશોધ) આપણા દિમાગી ચેતાતંતુઓ સાથે એકાકાર થઈ ગયા છે. કાનૂન તોડનારા હિંસક ડાકુઓ કે ગેંગસ્ટરો અહીં અનેક સમાજોના હીરો છે. વીરનાયકો જ નહિ, ચૂંટણીના વિજેતા ઉમેદવારો છે! 

મારામારી એ આપણું સ્ટેપલ ફૂડ છે. લોકો વાહન અથડાય તો ધોકાવાળી કરે છે. ઘરમાં બાળકો કે સ્ત્રીઓ પર ફડાકાવાળી કરવાને મર્દાનગી ઘણા માને છે. આપણા તમામ પ્રાચીન ગ્રંથો કે પાળિયાઓ પાછળ બ્રુટલ એન્ડ ક્રુઅલ વાયોલન્સની રક્તસરિતા બે કાંઠે ઉછળતી વહેતી હોય છે. ચેલૈયાનું માથુ અહીં ખાણિયામાં છૂંદાય છે. રક્તબીજનું લોહી મહાકાળી ખપ્પરમાં ભરે છે. મહિષ નામના રાક્ષસી પાડાનો દુર્ગા ખડગના એક ઝાટકે વધ કરે છે. સ્ત્રી શૂપર્ણખાના રામ-લક્ષ્મણ નાક- કાન વાઢી લે છે! હનુમાનજીની ગ્રાફિક નોવેલ બને તો એમાં પરાક્રમોની વાયોલેન્ટ વોરિયર સ્ટોરી ચીતરાય! દુશ્મનના લોહીથી ચોટલો બાંધતી દ્રૌપદી કે કળથી કૃષ્ણના સાળા રૂક્મિનું માથુ છૂંદતા બલરામ છે. કુવલ્યાપીડ હાથીને મુઠ્ઠીથી મારતા ટીનએજર મોહન છે. આપણો સાંસ્કૃતિક વારસો બિલકુલ અહિંસક નથી. એટલે તો હિંસા રોકવાનો ઉપદેશ આપતા બુદ્ધ અને મહાવીર વધુ પૂજનીય થયા. મહાભારતના અંતે વેદવ્યાસ પોકારીને યુદ્ધની નિરર્થકતા કહે છે. શાસ્ત્રોમાં શાંતિપાઠ બહુ બધા છે, અર્થાત ત્યારના સમાજમાં અશાંતિ ને માથાકૂટ વધુ હશે કે આ ઉપદેશ પાકો કરાવવો પડે ! કદાચ એટલે જ અહિંસાનો બોધ આપનારા બુદ્ધ, મહાવીર, ગાંધીજીના અનેક થોથા અનુયાયીઓ શારીરિક હિંસાથી દૂર રહી, ભરપૂર માનસિક હિંસા કરે છે. ઝેરીલા, દ્વેષીલા પ્રવચનોથી લઈ વ્યક્તિગત શોષણ અને સંસ્થાઓ પર એકહથ્થુ પક્કડ સુધીની અમુક કિસ્સામાં બીજાનો ઉપયોગ કરી આડખીલીનો કાંટો કઢાવવા સુધીની છૂપી હિંસા !

આવું સ્વીકારવું આપણને કઠે છે પણ સારા- ખરાબની ચર્ચા વિના જોઈએ, તો આ સત્ય છે. જગતના કેટલાય દેશોમાં સૌંદર્યવાન નર-નારીની અંગપ્રદર્શન કરતી તસવીરો રેગ્યુલર, ન્યુઝપેપર, વેબસાઇટ, મીડિયામાં કોઈ છોછ કે સેન્સરશિપ વિના મૂકાય છે, અને હોબાળો નથી થતો. આપણે ત્યાં આ બાબતે ઓસ્ટ્રેલિયાના જંગલોની આગ જેવો ભડકો ફાટી નીકળે છે. પણ દુનિયાનું મીડિયા જે રજૂ કરતા સો વાર વિચાર કે ફિલ્ટર કરે એવી ત્રાસવાદ, અકસ્માત કે મારામારીની ઘટનાઓમાં વિકૃત લાશો કે અંગ-ઉપાંગોના ટુકડાઓના વિઝ્યુઅલ્સ આપણે બેધડક છાપી- વાંચી- બતાવી- જોઈ શકીએ છીએ.  બાળકો મરે યુદ્ધમાં તો એ યુક્રેનના હોય કે રશિયાના, ઇઝરાયેલના હોય કે પેલેસ્ટાઇનના... 

દુનિયાને જેટલી અરેરાટી થાય છે, એટલી આપણને નથી થતી. એટલે ઘાતક અકસ્માતોના બનાવો પણ થોડા મહિના બાદ લોકો ભૂલી જાય છે ને આરોપીઓ છૂટી જાય છે. લાશો વધુ જોઈને સંજુ સેમસનના સ્કોરની જેમ આંકડા બને છે, અજંપો નહિ ! એ એટલું કોઠે પડી ગયું છે કે એનો અહેસાસ પણ નથી થતો એડલ્ટસ ઓન્લી અહીં સેક્સ પૂરતું જ લાગુ પડતું સર્ટિફિકેટ છે, વાયોલન્સ પૂરતું નહિ! માટે કિલ જેવી ફિલ્મો ફટાફટ પાસ થાય, પણ ઓહ માય ગોડ ટુ સેક્સ એજ્યુકેશનની વાત કરે તો ૨૭ કટ્સ અપાય! બાવન કટ પછી પણ ડર્ટી પિક્ચર ટીવી પર બતાવવાની સરકારે એક સમયે મંજૂરી નહોતી આપી !

દેશી માણસો વારંવાર શાબ્દિક શસ્ત્ર જેવી ગંદી મા બહેનની કે અશ્લીલ ગાળનો અહીં છૂટ્ટે હાથે પ્રયોગ કરે છે. વન મોર પ્રુફ ઓફ વાયોલેન્ટ બિહેવિયર રાજકોટ હોય કે અમદાવાદ નધણિયાતા ચરિયાણમાં ઉધમ મચાવતા ગોધાની જેમ ચાલતા વાહનચાલકો એનામાં છૂપાયેલા વાયોલન્સનું પ્રદર્શન કરે છે. સુરત હોય કે કંડલા ફાટક પાસેના ટ્રાફિક જામમાં પણ ધણધણતી હોર્નની ચિચિયારીઓ પણ આપણી વાયોલન્ટવૃત્તિનું પ્રદર્શન છે. નાની નાની વાતોમાં ઉશ્કેરાટ અને શેરીઓમાં રસ્તા પર અને વાતેવાતે થતી છુટ્ટા હાથની (પબ્લિક જેનાથી ટેવાઈ ગઈ છે તેવી) મારામારી ને ગાળાગાળી એટલી રોજીંદી ઘટનાઓ છે કે એના સમાચારો બનતા નથી કે પોલિસ કેસ થતા નથી. પોલિસ પણ થર્ડ ડિગ્રી ટોર્ચરના તારસપ્તક વિનાનો કોમળ સૂર ગાવા માટેનું ગળું જ કેળવી શકતી નથી. કારણ કે ધોકાના ચમત્કાર વિના રીઢા ગુનેગારો મોઢું ખોલતા નથી. 

આક્રમક તેવર ધરાવતા ઘણાખરા પશ્ચિમી દેશો બેહદ હિંસક અને ઝનૂની બને છે, પણ યુદ્ધકાળમાં ! બાકી તો વોલ્ટ ડિઝની સ્ટુડિયો એકવીસમી સદીના દસકાઓ પછી પણ - બાળકો માટેની અને એ ય એનિમેશન ફિલ્મમાં લોહી રેડાતું બતાવવું કે નહિ તેની લાંબીલચક ચર્ચાઓ કરે છે ! આપણે તો શાંતિકાળમાં ય સતત હિંસક રમખાણો કે નાનીસરખી ઓવરટેઇક કરવી, બહેન કે દીકરીને બીજા સાથે પ્રેમ કરતા જોઈ જવી, પાનનો ઓર્ડર આપ્યો  ને માન ના મળવું જેવી વાતમાં ખૂન કરી નાખીએ છીએ, છતાં ય સાયકો કહેવાતા નથી ! જો પશ્ચિમની ચિંતા વાયોલેન્ટ વિડિયો ગેઇમ્સ હોય, તો આપણી તો પ્રત્યેક પ્રાચીન વાર્તાઓ- લોકકથાઓમાં લોહીના ફુવારા ઉડાડતું, માથા કાપીને ધડ લડે એવું શૌર્ય અને શત્રુઓને ભાજીમુળાની જેમ કાપતું વાયોલેન્સ છે જ. હિસાબ બરાબર ! ફોર્મમાં પ્રાઈવસીને લીધે છૂપા સાયકો કિલર્સ હોય છે. આપણે પ્રેમમાં પણ કટકા કરીને ફ્રિજમાં ભરનારા ને બળાત્કાર કરી ક્રૂર હત્યા કરનારાઓની ભરમાંરમાં ઉછાળો આવ્યો છે. 

મૂળભૂત રીતે આપણે ઇન્ટોલરન્ટ, સહનશીલતા ઝટ ખોઈ બેસતો સમાજ બનાવવા જઈએ છીએ. ઉગ્ર અને ગરમમિજાજનો સમાજ આટલી બધી ઉભરાતી વસતિમાં માણસના જાનની કોઈ કિંમત નથી. સમાચારો વાંચો, અહીં પચ્ચીસ- પચાસ હજાર જેવી મામૂલી રકમમાં તો કોઈનો જીવ લેનારા ભાડૂતી ખૂનીઓ મળી જાય છે ! અહિંસા માનવજાતનું ઘેનમાં આવતું સપનું હશે પણ હોશમાં તો હિંસાની બેહોશી જ છવાઈ જતી હોય છે. સુંવાળા લોકો આંખ મીંચીને પોતાની અલાયદી દુનિયા વસાવે છે. પણ એમાં પત્ની કે રોજેરોજ વાતેવાતમાં ધીબેડી નાખતી જંગલી પશુ જેવો પતિ કે બાળકોને ઢોરમાર ફટકારતા માતાપિતાઓ અહીં સાવ જ સાહજીક અને સ્વાભાવિક ગણાય છે.

માનવ જાતને જંગલમાંથી નગરમાં આવ્યે હજી થોડા હજાર વર્ષો જ થયા છે. વી આર એનિમલ્સ બેઝિકલી. થિકિંગ, સ્માઇલિંગ, ક્રાઇંગ, ફિલીંગ, લવિંગ એન્ડ સોશ્યલ બટ, સ્ટિલ એનિમલ્સ. પૃથ્વીના સ્ટેડિયમમાં ગ્લેડિયેટર્સની જેમ આપણે રક્તપાત કરીએ છીએ, તો આપણામાં એ 'પ્રોગ્રામ' કરનાર જાણે એ દૂર બેસીને નિહાળે છે. ઉપરથી શાંત દેખાતા ભારતવર્ષમાં ભીતર રાતીચોળ આગઝરતી હિંસા ખદબદે છે અને એ સાચું ભારત ધીરે ધીરે ઓટીટી ને મોબાઈલ વિડિયોમાં પ્રગટ થઈ રહ્યુ છે. ગાળ, છરી, ઘોડા, ગોળીનું વિન્ટેજ વાયોલન્ટ ઇન્ડિયા ! અહીં સંસ્કૃતિ ને સંસ્કારના નામે એના રેઢિયાળ રખોપિયા  કોઈ આધુનિક સ્ત્રીના ફોટા કે વિડિયો નીચે કેવી હલકી ને ગલીચ મેલી મેલી માનસિકતાનો માલિકીભાવ દર્શાવતી કોમેંટ્સ ચરકે છે, એ રોજ જોવા મળે છે ! ફિલ્મોમાં પણ રોમેન્ટિક ગીતો હવે બગીચાઓમાં નહિ બકગ્રાઉન્ડમાં ગવાય છે !

***

મહાનગર મુંબઇમાં ૧૯૭૦ના દાયકામાંં શરૂ થયેલી દાણચોરી ૧૯૮૦માં ગેંગવોરમાં પલટાઈ ગઈ ને ૧૯૯૦ના દાયકામાં ત્રાસવાદ સુધી પહોંચી ગઈ ! ફિલ્મોમાં એના વિષયો ખૂટતા નહોતા. ઘણી ફિલ્મોનું તો ફાઇનાન્સ પણ અંડરવર્લ્ડનું રહેતું. પ્રવાહ પલટાયો. ઇન્ટરનેટના હાઈ ટેક જમાના પહેલા એનકાઉન્ટર સ્પેશ્યલિસ્ટ પોલીસવાળાઓ તૂટી પડયા. બ્લેક મનીની કેડીઓ પર ડિજિટલ દુનિયા 'હાવી' થતી ગઈ. ગેંગવોર અને જાણીતી વ્યક્તિઓ પર ગોળીબાર ફિલ્મોમાં દેખાતો ભૂતકાળ થઈ ગયો. રામગોપાલ વર્મા પણ તેલુગુમાં સેક્સી ફિલ્મો બનાવવા લાગ્યા અને સંજય દત્તને કોમેડી રોલ મળવા લાગ્યા. 

પણ ખુદ પણ નેચરલી કોઈ ને કોઈ ગોરખધંધામાંથી જ સામ્રાજ્ય જમાવનાર ને બાંદ્રામાં હોય ત્યાં રહેતા ફિલ્મસ્ટારો સાથેના ઘરોબામાં ફેમસ થનાર બાબા સિદ્દીકીના કથિત  રૂપથી બિશ્નોઇ ગેંગ દ્વારા મર્ડરથી પાછું મુંબઈમાં ગેંગવોરના ઓછાયા પડઘાયા છે ! હવે નામો ફરી ગયા છે. નેતાઓ તો કાયમ ખૂન કરાવવા માટે પંકાયેલા છે. પંજાબ ને કાશ્મીરમાં હિંસાહોળીની નવી નથી. ઇન્ટિરિયર સાઉથ કે નક્સલી જંગલના એરિયામાં પણ. યુપી બિહાર તો રીતસર ગુંડારાજની ફેકટરી છે. પોલિટિકલ કનેક્શનને લીધે પોલીસ પણ પાંગળી લાગે છે. 

આમાં 'ગરીબી અને અન્યાય સૌથી મોટી હિંસા છે.' કહેનાર મહાત્મા ગાંધી કેટલા વિચક્ષણ નાડપારખુ હતા એ સમજાય. ભારતની તાસીર કાયદો હાથમાં લઈને જાતે ન્યાય તોળતી વેરની વસૂલાત ટાઇપ એંગ્રી ફાઈટની છે, એ સમજીને ભવિષ્યમાં સ્વરાજ તો એકહથ્થુ  રાજાશાહીને બદલે સામાન્ય માણસનો અવાજ ઉઠાવતી કાયદાથી ચાલતી લોકશાહીનું આવશે એમ એ ઈચ્છતા હતા ને એમની મહેનતથી એવું થયું પણ ખરું. એમાં ડરપોક પ્રજા હિંસક  દબંગોથી દબાઈને ના જીવે એ હેતુથી એમણે કોંસ્ટન્ટ કેમ્પેઇન થકી ચુસ્ત અહિંસા માટે પ્રજાને કેળવવા કોશિશ કરી. એને લીધે થોડો ફરક તો પડયો. પણ એ છતાં આવી હાલત છે કે પ્રેમની ના પાડનાર છોકરીને કહેવાતો પ્રેમીની જાહેરમાં છરી મારી દે કે પત્ની પતિનું ખૂંન કરી નાખે અને ૭૦% ભારત તો સત્તાવાર ચોપડે  માંસાહારી છે - તો એ બોખા ડોસા વિના તો કેવું જંગલરાજ હોત ! ખૂનમાં જ ખૂંખાર વાયોલન્સનો વારસો ઘાતકી રીતે જ્ઞાતિવાદ, કોમવાદ, સંસ્કૃતિ કે પરંપરાના નામે ૨૧મી સદીના ૨૫ વર્ષે પણ ઉછળતો હોય ત્યાં ફરજીયાત બાંસુરી સાથે સુદર્શન શીખવું ને રાખવું પડે ! 

ફાસ્ટ ફોરવર્ડ

'માણસે જગતમાં જેટલા અધર્મ કર્યા છે, એમાં સૌથી વધુ ધર્મના નામે કર્યા છે !' (સ્વ. નગીનદાસ સંઘવી )


Google NewsGoogle News