Get The App

કાળનું સાક્ષી રૂપકુંડ પોતે કાળની ગર્તામાં સરી જશે?

Updated: Oct 20th, 2024


Google NewsGoogle News
કાળનું સાક્ષી રૂપકુંડ પોતે કાળની ગર્તામાં સરી જશે? 1 - image


- એકનજરઆતરફ-હર્ષલપુષ્કર્ણા

- ગ્‍લોબલ વો‌ર્મિંગની નઠારી અસરો 1,200 વર્ષનો ભૂતકાળ સાચવનાર ઉત્તરાખંડના ભેદી રૂપકુંડ સરોવરને ભૂતકાળ બનાવી દેશે? 

- ભારતના જ ન‌હિ, અમે‌રિકા, ‌બ્રિટન તથા જર્મની જેવા દેશોના પણ ઇ‌તિહાસકારો તેમજ નૃવંશશાસ્‍ત્રીઓ માટે રૂપકુંડ એક એવો કોયડો છે કે જેનો ઉકેલ આજ ‌દિન સુધી જડ્યો નથી. 

‌હિમાલયના ‌શિવ‌ાલિક પર્વતોના ખોળે વસેલા દેહરાદૂનમાં વા‌ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ‌હિમાલયન ‌જિઓલો‌જિ નામની સંસ્‍થા છે. એ‌પ્રિલ, ૧૯૭૬માં ગઠન પામેલા તે એકમનું કાર્યાલય ભલે ચંદ ચોરસ મીટરમાં ફેલાયેલું હશે, પણ કાર્યક્ષેત્ર અત્‍યંત ‌વિશાળ છે. ઉત્તરે કાશ્‍મીરથી લઈને ઉત્તર-પૂર્વે અરુણાચલ પ્રદેશ સુધી લંબાતી ‌હિમાલયની જાજરમાન પર્વતમાળાનો પ,૯પ,૦૦૦ ચોરસ ‌કિલોમીટરનો ‌વિશાળ પ્રદેશ વા‌ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ‌હિમાલયન ‌જિઓલો‌જિના વૈજ્ઞા‌નિક અભ્‍યાસક્ષેત્રમાં આવે છે. ‌હિમાલય‌ના ખડકો તથા તેમાં રહેલી ખ‌નિજો, નદીઓ તેમજ હિમનદીઓ, ‌હિમપ્રપાતો, ભૂગર્ભમાં મચતી હલચલ વગેરે ‌વિશે તેના કાબેલ ‌વિજ્ઞાનીઓ વર્ષોથી સંશોધન ચલાવી રહ્યા છે. ‌હિમાલયના ભૂસ્‍તર (‌જિઓલો‌જિ) ‌વિશે આજ ‌દિન સુધીમાં તેમણે કેટલું ગહન ખેડાણ કર્યું તે જાણવું-સમજવું હોય તો ઇન્સ્ટિટ્યૂટના અત્‍યંત સમૃદ્ધ સંગ્રહાલયની મુલાકાત લેવી રહી. સંભવ છે કે હિમાલયને ત્‍યાર પછી સહજ પર્વતરૂપે જોવાને બદલે કુદરતી અજાયબીઓના ઓપન એર મ્‍યૂ‌ઝિઅમ તરીકે સમજવાનો પણ દૃ‌ષ્‍ટિકોણ ખીલે.

આ અનેરો મોકો મળે ત્‍યારે ખરો. દરમ્‍યાન તાજા કલમ તરીકે વા‌ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ‌હિમાલયન ‌જિઓલો‌જિ તથા બદ્રીનાથની ‌‌ડિ‌વિઝનલ ફોરેસ્‍ટ ઓ‌ફિસ તરફથી આવેલા એક બેડ ન્‍યૂઝ જાણો—

ઉત્તરાખંડના ‌શિવા‌લિક પહાડોમાં ૧૬,પ૦૦ ફીટની ઊંચાઈએ આવેલું રૂપકુંડ નામનું સરોવર કેટલાંક વર્ષથી પોતાનો સાથરો સંકોચી રહ્યું છે. ‌વિષય ‌ચિંતાનો છે, પણ ‌ચિંતામાં વધારો કરનાર સમાચાર એ કે ૨૦૨૪ના ચાલુ વર્ષે રૂપકુંડનો ઘેરાવો ધાર્યા કરતાં ક્યાંય વધારે ઘટ્યો છે. વા‌ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ‌હિમાલયન ‌જિઓલો‌જિના તથા ‌હિમાલયના બદલાતા હવામાનનો અભ્‍યાસ કરનાર સંસ્‍થાઓના ‌વિજ્ઞાનીઓ રૂપકુંડના સંકોચન બદલ ગ્‍લોબલ વો‌ર્મિંગને કસૂરવાર ઠરાવે છે. પૃથ્‍વીના સરેરાશ તાપમાનમાં વધારો આણી રહેલી ગ્‍લોબલ વો‌ર્મિંગની સમસ્‍યાનો માનવજાત પાસે હાલતુરત કોઈ તોડ નથી, એટલે રૂપકુંડનું (તેમજ તેના જેવા બીજા સેંકડો ઉચ્ચ પહાડી સરોવરોનું) ભા‌વિ ધૂંધળું દેખાઈ રહ્યું છે.

ગ્‍લોબલ વો‌ર્મિંગના કારણે પૃથ્‍વીને વરતાતો તાપ ‌હિમપ્રદેશોને તથા ‌હિમનદીઓને ‘પસીનો’ વાળે, એટલે બરફ પીગળતાં તેમનો વ્‍યાપ ઘટે એ સમજી શકાય તેવી વાત છે. પરંતુ રૂપકુંડ જેવા સરોવરોનો સાથરો સંકોચાવા પાછળ ગ્‍લોબલ વો‌ર્મિંગની વળી શી ભૂ‌મિકા હોય? આ રહ્યો ધારણા બહારનો ખુલાસો—

■■■

ઔદ્યો‌ગિક એકમોએ તેમજ મોટર વાહનોએ પૃથ્‍વીના વાતાવરણમાં ઠાલવેલા બે‌હિસાબ કાર્બન ડાયોક્સાઇડના વાંકે પાછલાં કેટલાંક વર્ષથી ‌પૃથ્‍વીનું સરેરાશ તાપમાન નોર્મલ કરતાં સહેજ ઊંચું નોંધાઈ રહ્યું છે. આની સીધી ‌અસર હિમાલય પર પડી છે. સામાન્‍ય રીતે પંદર હજાર ફીટથી વધુ ઊંચાઈ ધરાવતા પર્વતીય ‌વિસ્‍તારોમાં હવામાન ઠંડુંગાર રહેવાને લીધે વર્ષના ઘણાખરા ‌દિવસ ‌હિમવર્ષા થાય. હવા માંહ્યલો ભેજ પાણીની બુંદોરૂપે ધોધમાર ન‌હિ, પરંતુ ‌હિમપાંખડી રૂપે ધીમે ધીમે ખરી પડે. આ કુદરતી આયોજનમાં ગ્‍લોબલ વો‌ર્મિંગને લીધે અણધાર્યો બદલાવ આવ્યો છે. ‌હિમાલયની ઉત્તુંગ ઊંચાઈએ થર્મોમીટરનો પારો ધીમા, પણ ‌‌નિ‌શ્ચિત આયામમાં ઊંચો ચડતો ગયો છે. પ‌રિણામે અગાઉ જ્યાં ‌હિમવર્ષા થતી ત્‍યાં આજે મેઘરાજા જળબુંદોની ધૂંઆધાર બાજી ખેલે છે. આકાશમાંથી નાયાગરા ધોધ વહેતો હોય તેમ અબજો ઘન મીટર પાણી ‌પર્વતો પર ખાબકે છે.

બસ, રૂપકુંડ જેવા સરોવરો માટે અહીં જ મોકાણ સર્જાય છે. પર્વતીય ઢોળાવો પરથી નીચે તરફ સડસડાટ વહી આવતી પુષ્‍કળ જળરા‌શિ માટીનું ધોવાણ કરી નાખે છે. નાના-મોટા અસંખ્‍ય પથ્થરોને પરસ્‍પર જકડી રાખતું (અને નીચે ધસી જવા ન દેતું)રેત-માટીનું બો‌ન્‍ડિંગ મટી‌રિઅલ નાબૂદ થતાં તે પર્વતીય ઢોળાવ ભૂસ્‍ખલન માટેનો યોગ્‍ય ઉમેદવાર બન્‍યો સમજો. માટીનું બંધન ગુમાવી દેતા પથ્‍થરો તથા ખડકોનો ટનબંધ સમુદાય લસરપટ્ટી ખાતો નીચે ધસી આવે છે અને જરા સપાટ ભૂપૃષ્‍ઠવાળા ‌વિસ્‍તારમાં સ્‍થાયી બને છે.

ચારેય તરફ માઉન્‍ટ ‌ત્રિશૂલ (૨૩,૩૬૦ ફીટ) જેવાં ઉત્તુંગ ‌શિખરો ધરાવતું રૂપકુંડ સરોવર આવાં ભૂસ્‍ખલનોનો ભોગ બનતું આવ્યું છે. અગાઉ ‌હિમવર્ષામાં સલામત રહેતો પહાડી ગરાડનો rubble/ રબલ/ માટી-ઢેફાં-પથ્‍થરોનો જમાવડો વરસાદમાં ટકી શકતો નથી. નીચે સરકીને રૂપકુંડની ચોપાસ જમા થાય છે. આ જાતના અ‌તિક્રમણે રૂપકુંડ સરોવરનો વ્‍યાપ ખાસ્‍સો ઘટાડી નાખ્યો છે. ઘટાડો હજી ચાલુ છે એટલું જ ન‌હિ, પણ ૨૦૨૪ના દરમ્‍યાન થયેલી પુષ્‍કળ વર્ષાએ ખેરવેલા લાખો ટન રબલે રૂપકુંડને ઓર સંકોચી દીધું છે.

■■■

ઠીક છે! ‌હિમાલયના ગગનચુંબી પહાડોમાં આવેલા હજારો પૈકી એક સરોવરનું અ‌સ્‍તિત્‍વ વહેલુંમોડું ભૂંસાય તેનાથી આખરે શો ફરક પડે?

કોઈ સામાન્‍ય ને સાધારણ સરોવરની વાત કરતા હોઈએ તો ઉપરોક્ત સવાલ કદાચ વાજબી લાગે. પરંતુ અહીં ચર્ચા રૂપકુંડની થઈ રહી છે. આ સરોવર સામાન્‍ય ન‌હિ, અસાધારણ છે. કમ સે કમ બારસો વર્ષનો ભેદી ભૂતકાળ તેણે સંઘરી રાખ્યો છે, જેને કારણે જગતમાં તે Mystery Lake/ રહસ્‍યમય સરોવર તરીકે પ્રચ‌લિત છે. ભારતના જ ન‌હિ, અમે‌રિકા, ‌બ્રિટન તથા જર્મની જેવા દેશોના પણ ઇ‌તિહાસકારો તેમજ નૃવંશશાસ્‍ત્રીઓ માટે રૂપકુંડ એક એવો કોયડો છે કે જેનો ઉકેલ આજ ‌દિન સુધી જડ્યો નથી.

આ પહાડી સરોવરને ભેદી બનાવતું પાસું તેના છીછરા ત‌ળિયે તેમજ સપાટીની ઇર્દગિર્દ ફેલાયેલાં માનવ અ‌સ્‍થિ છે. કંકાલ પાછાં એકાદ-બે ન‌હિ, ૮૦૦ જેટલાં છે. આટલાં બધાં અ‌સ્‍થિ કોનાં છે? સાડા સોળ હજાર ફીટની ઊંચાઈએ ‌તે શી રીતે આવ્યાં? ધારો કે કોઈ કુદરતી હોનારતે સેંકડો લોકોનો ભોગ લીધો હોય તો એ હોનારત કઈ? ‌હિમઝંઝાવાત, ‌હિમપ્રપાત કે પછી ભૂસ્‍ખલન? કંકાલ પૈકી અમુકની રેડિયો કાર્બન ડે‌ટિંગ પરીક્ષણ વડે માલૂમ પડેલી તારીખ ઈ.સ. ૮૦૦ની આસપાસ નીકળી છે, જ્યારે કેટલાંક અ‌સ્‍થિ ઈ.સ. ૧૮૦૦નો સમય સૂચવે છે. એક જ સ્‍થળે બે નોખા કાળખંડનાં હાડ‌પિંજર મળી આવે તેને સંયોગ ગણો તો સંયોગ પોતે કેટલો અજીબ ને અજુગતો છે!

■■■

ઈ.સ. ૧૯૪૨માં હ‌રિ ‌કિશન મધવાલ નામના વન ક્ષેત્રપાલે (ફોરેસ્‍ટ રેન્‍જરે) પહેલી વાર રૂપકુંડ સરોવર પાસે માનવ અ‌સ્‍થિ શોધી કાઢ્યાં હતાં. આ ઘટનાને આઠ દાયકા વીતી ગયા. દરમ્‍યાન દેશ-‌વિદેશના ઘણા અભ્‍યાસુઓએ અ‌સ્‍થિનો ભેદ ઉકેલવા માટે પોતપોતાની રીતે ‌વિ‌વિધ ‌થિઅરી આપી છે. જેમ કે,

■ જમ્‍મુ-કાશ્‍મીરના ડોગરા વંશી મહારાજા ગુલાબ ‌સિંહના સેનાપ‌તિ જનરલ જોરાવર ‌સિંહ સશસ્‍ત્ર સૈ‌નિકોની ફોજ સાથે ઈ.સ. ૧૮૪૨માં ચીન શા‌સિત ‌તિબેટ ખાતે યુદ્ધ ખેલવા ગયા હતા. ચીની દૈત્‍યને તેમણે નાથ્‍યો, પણ વળતા પ્રવાસમાં રૂપકુંડ સરોવર નજીક કોઈ ભેદી દુર્ઘટનામાં જોરાવર ‌સિંહના સેંકડો સૈ‌નિકો માર્યા ગયા. અહીં સવાલ એ કે, ભૂતકાળમાં જો સાચે જ એવું બન્‍યું હોય તો રૂપકુંડમાં તેમજ તેની આસપાસમાં ક્યાંય સમ ખવા પૂરતું (તલવાર, કટાર કે ભાલા જેવું) એકેય શસ્‍ત્ર આજ સુધી કેમ મળ્યું નથી? વળી કંકાલમાં અમુક અ‌સ્‍થિ સ્‍ત્રીઓનાં પણ છે, જેને કારણે જોરાવર ‌સિંહના સૈન્‍ય ‌વિશેની ‌થિઅરી ખોટી ઠરે છે.

■ સંશોધકોએ કરેલું બીજું અનુમાન રોગચાળાનું છે, જે મુજબ રૂપકુંડથી અમુક ‌કિલોમીટર છેટેનાં ગામોમાં વર્ષો પહેલાં કોઈ જાનલેવા રોગચાળો ફાટી નીકળ્યો હતો. મૃતકોના ‌વિષાણુયક્ત દેહને ગામથી દૂર દફનાવવા માટે રૂપકુંડની આસપાસનો ‌વિસ્‍તાર પસંદ કરાયો હોવાનું અનુમાન હતું. પરંતુ એ માન્‍યતા પણ ખોટી ઠરી કે જ્યારે આધુ‌નિક ‌જિને‌ટિક ‌વિજ્ઞાન વડે માનવ અ‌સ્‍થિઓનો સંકીર્ણ અભ્‍યાસ કરાયો. જૈ‌વિક પરીક્ષણમાં પેથોજેન યાને ચેપી ‌વિષાણુની (અથવા બેક્ટી‌રિઆની) હાજરી ન મળી. આથી ‌થિઅરી સામે ચોકડી મુકાઈ.

■ અમે‌રિકાની હાવર્ડ યુ‌નિવ‌ર્સિટીએ હાથ ધરેલા એક ‌રિસર્ચમાં જાણવા મળ્યું કે ઘણાખરા મૃતકોની ખોપરીમાં નાની-મોટી ‌તિરાડો હતી. પાણા જેવા કોઈ નક્કર પદાર્થનો જબરજસ્‍ત પ્રહાર તે માટે ‌નિ‌મિત્ત બન્‍યો હતો. ‌હિમાલયમાં સાડા સોળ હજાર ફીટની ઊંચાઈએ ઘણી વાર hailstorm/ હેઇલસ્‍ટોર્મ/ કરાવૃ‌ષ્‍ટિ થતી હોય છે. ચણીબોરથી માંડીને ચીકુ જેટલા કદના બર્ફીલા ચક્કા આકાશમાંથી તેજરફતારે જમીન તરફ પટકાય ત્‍યારે તેમનો પ્રહાર ઝીલનાર વ્‍ય‌ક્તિની ખોપરી સલામત ન રહે.

લો‌જિકની દૃ‌ષ્‍ટિએ ઉપરોક્ત ‌થિઅરીનો કોમન સેન્‍સ સાથે મેળ ખાય છે. પરંતુ ચાહો તો આને રહસ્‍યમય રૂપકુંડ કોયડાનો પચાસ ટકા જવાબ ગણી શકો. બાકીનો પચાસ ટકા કોયડો હજી વણઉકેલ છે કે, કરાવૃ‌ષ્‍ટિમાં માર્યા ગયેલા મૃતકો આખરે કોણ હતા? સો ટકા સ્‍વીકૃત તો ન‌હિ, પણ લો‌જિકમાં ‌ફિટ બેસે તેવો જવાબ આગામી ફકરામાં આવે છે.

■■■

પૌરા‌ણિક કથા મુજબ પૃથ્‍વી પર અસુરોનો વધ કર્યા બાદ પાર્વતીજી સ્‍નાન કરવા માગતાં હતાં ત્‍યારે ‌શિવજીએ જમીનમાં ‌ત્રિશૂલના પ્રહાર વડે એક સરોવર રચ્‍યું. ‌નિર્મળ ને નીલવર્ણી જળમાં સ્‍નાન કરીને પાર્વતીજી બહાર નીકળ્યાં ત્‍યારે તેમનું અલૌ‌કિક રૂપ સરોવરના પાણીમાં પ્ર‌તિ‌બિં‌બિત થયું. આથી સરોવર રૂપકુંડના નામે ઓળખાયું અને સ્‍થા‌નિકોમાં ‌પ‌વિત્ર જળ તરીકે પૂજાવા લાગ્યું.

રૂપકુંડનું ભૌગો‌લિક સ્‍થાન ઉત્તરાખંડના નૌટી અને હોમકુંડ વચ્‍ચે છે. સ્‍થા‌નિક માન્‍યતા મુજબ નૌટી ગામ પાર્વતીજીનું ‌પિયર અને હોમકુંડ તેમનું સાસરું છે. દર ૧૨ વર્ષે દેવીની મૂ‌ર્તિને પાલખીમાં બેસાડીને ૨૮૦ ‌કિલોમીટર છેટે હોમકુંડ સુધી લઈ જવા માટે રાજજાત કહેવાતી પગપાળા યાત્રા નીકળે છે. એક આડવાત: સપ્‍ટેમ્‍બર, ૨૦૨૪માં આલી બેદની બુગ્‍યાલના ટ્રેક દરમ્‍યાન છોટી રાતજાત યાત્રાનો પ્રત્‍યક્ષ અનુભવ કરવા મળ્યો હતો. યાત્રામાં આવેલા લોકોની ભીડ, ઉમંગ, ઉત્‍સાહ જોતાં ‌વિચાર આવી ગયો કે ૨૦૨૬માં યોજાનાર બડી રાતજાત યાત્રા વખતે આના કરતાં તો કેવો જબરજસ્‍ત માહોલ હશે!

તવારીખી નોંધ મુજબ બારમી સદીના આરંભે કનૌજના રાજા યશધવલ તેમની સગર્ભા પત્‍ની તથા નોકર-ચાકરો સાથે રાજજાત યાત્રાએ નીકળ્યા હતા. નૌટી ગામથી પર્વતીય માર્ગે આગળ વધતો સંઘ (આલી બેદની બુગ્‍યાલ થતો) રૂપકુંડ પહોંચ્‍યો ત્‍યારે ‌વિનાશક ‌હિમપ્રપાત થયો. પહાડી ઢોળાવો પરથી ધસી આવેલા ટનબંધ બરફે બધા યાત્રાળુઓને મોતની સફેદ ચાદર ઓઢાડી દીધી.

રૂપકુંડનાં અમુક કંકાલની ખોપરી અકબંધ છે, એટલે એ મૃતકોનો ભોગ કરાવૃ‌ષ્‍ટિને બદલે ‌હિમપ્રપાતે લીધો હોય તે બનવાજોગ છે. આમ છતાં રેડિયો કાર્બન ડે‌ટિંગે કાઢી આપેલા માનવ અ‌સ્‍થિના સમયગાળા ઈ.સ. ૮૦૦ અને ઈ.સ. ૧૮૦૦ જોડે કનૌજ નરેશ યશધવલની રાજજાત યાત્રાના સમયનો (ઈ.સ. ૧૧પ૦નો) મેળ બેસતો નથી. 

ટૂંકમાં, રૂપકુંડનું રહસ્‍ય કોકડું હજી ઉકેલાતું નથી. બલકે, એમ કહેવું જોઈએ કે ઉકેલવાનો પ્રયત્ન કરાય છે તેમ વધુ ગૂંચવાતું જાય છે. ‌શિવ-પાર્વતી સાથે જોડાયેલી ધા‌ર્મિક આસ્‍થા, કંકાલ, તથા તેનાં રહસ્‍યો રૂપકુંડને એક અનોખું સરોવર બનાવે છે. દુર્ભાગ્‍યે ગ્‍લોબલ વો‌ર્મિંગના વાંકે સંકોચાતું એ સરોવર પોતાની જોડે આસ્‍થા અને રહસ્‍યોને લેતું જવાનું છે.■



Google NewsGoogle News