Get The App

ન્યાયની દેવીની આંખો પર સૌપ્રથમ કોણે પટ્ટી બાંધી હતી?

Updated: Oct 20th, 2024


Google NewsGoogle News
ન્યાયની દેવીની આંખો પર સૌપ્રથમ કોણે પટ્ટી બાંધી હતી? 1 - image


- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- ભારતમાં બ્રિટિશકાળથી ન્યાયની દેવીની જે મૂર્તિ હતી એ બદલવામાં આવી છે. હવે ન્યાયની દેવીના એક હાથમાં ત્રાજવું, બીજા હાથમાં બંધારણ અને આંખો ખુલ્લી હશે

- હેન્સ ગિએન્ગે બનાવેલું શિલ્પ

૧૯ ૮૩માં અમિતાભ બચ્ચન, રજનીકાંતની એક ફિલ્મ આવી હતી - અંધા કાનૂન. હેમા માલિની, રીના રોય, ડેની, પ્રેમ ચોપરા, પ્રાણ, અમરિશ પુરી જેવા એકથી એક ચડિયાતા એક્ટર્સની આ ફિલ્મએ બોક્સ ઓફિસમાં ધમાલ મચાવી દીધી હતી અને એ વર્ષની પાંચમા નંબરની હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ હતી.

આટલી જાણીતી સ્ટારકાસ્ટ અને બોક્સ ઓફિસ હિટ ઉપરાંત આ ફિલ્મ તેના ટાઈટલના કારણે આજેય વધુ યાદ કરાય છે. 'અંધા કાનૂન' શબ્દ એ પછી દેશમાં એટલો બધો કોઈન થયો કે ઘણાં કિસ્સામાં અખબારોના હેડિંગમાં અંધા કાનૂન શબ્દ વપરાતો થયો હતો. એ પછીની ઘણી ફિલ્મોમાં પણ એ શબ્દ સંભળાયો. અન્યાયના અર્થમાં કટાક્ષ માટે આ શબ્દ વપરાતો થયો, હજુય વપરાય છે.

ન્યાયની દેવીની આંખે પટ્ટી બાંધેલી હોવાથી આ કટાક્ષ ત્યારે થયો હતો, પણ એ પહેલો કિસ્સો ન હતો. સદીઓ પહેલાં ન્યાયની દેવીની આંખે પટ્ટી બાંધવામાં આવી ત્યારે મૂળ તો એની પાછળ ઈરાદો જ કટાક્ષનો હતો. ભારતમાં અંધા કાનૂન શબ્દ પ્રચલિત થયો એ મૂળ અંગ્રેજી  ટર્મ બ્લાઈન્ડ જસ્ટિસમાંથી આવ્યો હતો.

***

પ્રાચીન ઈજિપ્તમાં ન્યાયની માત નામની દેવીની કલ્પના કરવામાં આવી હતી. સદીઓ પછી એ દેવી ઈસિસના નામેય ઓળખાતી હતી. થેમિસ નામની દેવી પણ ન્યાય તોળતી એવી કથાઓ ઈજિપ્તમાં મળે છે. આ ન્યાયની દેવીઓ હતી અને તેના હાથમાં ત્રાજવું હોય એવાં ચિત્રો પણ મળી આવ્યા છે. ત્રાજવાની ખાસિયત એ છે કે એને એકેય બાજું નમતું બતાવાયું ન હતું. પ્રાચીન ઈજિપ્તવાસીઓએ ન્યાયમાં સંતુલન હોવું જોઈએ એમ વિચારીને દેવીના હાથમાં સંતુલિત ત્રાજવું મૂક્યું હશે.

ઈ.સ. પૂર્વે પાંચમી સદીમાં ગ્રીક માઈથોલોજીમાં ડાઈક નામની દેવીની કથા આવે છે. એ સત્ય અને ન્યાયની દેવી છે. એના જમણાં હાથમાં ત્રાજવું છે. બીજો હાથ નીચે પડેલી તલવારને સ્પર્શ કરે છે. એનો અર્થ એવો નીકળતો કે દેવી સંતુલિત રીતે ન્યાય કરીને જરૂર પડયે હાથમાં તલવાર ધારણ કરીને દંડ આપે છે.

ઈજિપ્ત અને ગ્રીકની માઈથોલોજીની અસર હેઠળ રોમનોએ એક ન્યાયની દેવીની કલ્પના કરી અને તેનું નામ હતું - જસ્ટિસિયા. એ દેવીના એક હાથમાં ત્રાજવું હતું, એક હાથમાં તલવાર હતી. રોમન સામ્રાજ્યમાં એ દેવીની પ્રાર્થના કરીને ન્યાય તોળવામાં આવતો. રોમન સામ્રાજ્યના સ્થાપક ઓગસ્ટસે આ દેવીની સાક્ષીએ ન્યાય આપવાનું શરૂ કરેલું અને એના દરબારમાં જસ્ટિસિયાની એક મૂર્તિ પણ બનાવીને મૂકાવેલી. રોમન સામ્રાજ્યના તેમના અનુગામી રાજાઓએ જસ્ટિસિયાનું મંદિર પણ બાંધ્યું અને એ રીતે ન્યાય દેવી તરીકે જસ્ટિસિયા રોમન સામ્રાજ્યમાં ખૂબ જ સન્માનનીય બની ગઈ.

રોમનોની અસર હેઠળ પછીથી યુરોપના રાજાઓમાં ન્યાયની દેવીની કલ્પના આગળ વધી. બ્રિટને તો જસ્ટિસિયા દેવીથી પ્રેરિત થઈને ન્યાયને જસ્ટિસ જ કહેવાનું શરૂ કર્યું અને એના પરિણામે દુનિયાભરમાં ફેલાયેલી અંગ્રેજી ભાષામાં 'જસ્ટિસ' શબ્દ પ્રચલિત બન્યો અને ન્યાયમૂર્તિ માટે પણ જસ્ટિસ શબ્દ ઉપયોગમાં લેવાતો થયો.

અચ્છા, પણ અહીં સુધી ન્યાયની દેવીની આંખે પાટો બાંધવામાં આવ્યો ન હતો. ન્યાયની દેવીના હાથમાં ત્રાજવું હતું, બીજા હાથમાં તલવાર હતી, પરંતુ આંખો ખુલ્લી હતી.

વેલ, તો પછી આંખો પર પાટો ક્યારથી આવ્યો?

***

ન્યાયની દેવીના આંખે પાટો એક સમયે વ્યંગ કરવા બાંધવામાં આવ્યો હતો. જી હા. એ પાછળ નિષ્પક્ષ ન્યાયનો ખયાલ તો બહુ પછીથી આવ્યો. સ્વિટ્ઝર્લેન્ડનો એક શિલ્પકાર થયો. નામ એનું હેન્સ ગિએન્ગ. એણે ઘણાં શિલ્પો બનાવ્યા, પરંતુ તેનું ન્યાયની દેવીનું શિલ્પ બેહદ જાણીતું થયું. ન્યાયની દેવીની કલ્પના તો આ શિલ્પકાર પહેલાંના સેંકડો વર્ષો અગાઉ થઈ હતી, એ કલ્પના હતી - એક હાથમાં ત્રાજવું, એક હાથમાં તલવાર અને ખુલ્લી આંખો. હેન્સ ગિએન્ગે મૂર્તિ બનાવી એમાં તેણે ન્યાયની દેવીની આંખે પાટો બાંધી દીધો.

શિલ્પકારે મૂળ તો નવજાગૃતિકાળથી પ્રભાવિત થઈને ન્યાયતંત્ર પર વ્યંગ કર્યો હતો. પાટો બાંધવા ઉપરાંત તેણે ન્યાયની દેવીના જમણાં હાથમાં ખુલ્લી તલવાર મૂકી ને ડાબા હાથમાં ત્રાજવું મૂક્યું; એ પણ એક તરફ સહેજ નમેલું. શિલ્પકારનો કહેવાનો અર્થ એવો હતો કે ન્યાયતંત્ર એવું થઈ ગયું છે કે હવે હુમલો કરવાના જમણાં હાથમાં ખુલ્લી તલવાર છે. જ્યારે ત્રાજવું ડાબા હાથમાં આવી ગયું છે અને આંખો બંધ છે એટલે ન્યાય કેવી રીતે મળશે એ સવાલ છે. એ મૂર્તિ સ્વિટ્ઝર્લેન્ડના બર્ન શહેરમાં લગાવાઈ. આજે ૪૮૧ વર્ષ પછીય ત્યાં એ મૂર્તિ ઉભી છે.

પણ ટ્વિસ્ટ ત્યારે આવ્યો કે જ્યારે વિદ્વાનોએ તે શિલ્પનું એનાલિસિસ કર્યું! શિલ્પને સમજાવતા ઘણાં વિચારકોએ એવું તારણ આપ્યું કે ન્યાયની દેવીની આંખો બંધ એટલે થઈ છે કે સામે કોણ છે એની પરવા કર્યા વગર, ઓળખ્યા વગર, માત્ર સત્યને ધ્યાનમાં રાખીને, નિષ્પક્ષ ન્યાય કરે છે.

આ નરેટિવ બરાબર જામી ગયું. શિલ્પકારનો વ્યંગ વિસરાઈ ગયો. યુરોપમાં ન્યાયની દેવીના નિષ્પક્ષ ન્યાયનું આ નવું સ્વરૂપ ઝડપભેર ફેલાયું. તે એટલે સુધી કે બ્રિટને પણ આંખો પર પાટો બાંધેલો કોન્સેપ્ટ માન્ય રાખીને ભારત જેવા જે દેશોમાં એનું રાજ હતું ત્યાં સુધી એ વિચાર પહોંચાડી દીધો.

***

આજે ન્યાયની દેવીને દુનિયાભરમાં લેડી જસ્ટિસ કહેવામાં આવે છે ને મોટાભાગના દેશોમાં ન્યાયના પ્રતીક તરીકે એક હાથમાં ત્રાજવું, એક હાથમાં તલવાર અને આંખો પર પાટો બાંધ્યો હોય એવી ન્યાયની દેવીની મૂર્તિ સ્વીકારી લેવાઈ છે. અમેરિકા-બ્રિટન-ફ્રાન્સ-ચીન-ભારત સહિત ૧૫૦ દેશોમાં ન્યાયના પ્રતીક તરીકે થોડાં ઘણાં ફેરફાર સાથે લગભગ એક સરખો મેસેજ આપતી મૂર્તિ પ્રચલિત છે.

પણ ભારતમાં હવે ન્યાયની દેવીએ 'સ્વદેશી' સ્વરૂપ ધારણ કર્યું છે. સીજેઆઈના સૂચનથી ભારતમાં ન્યાયની દેવીની આંખો પરથી પાટો ખોલી દેવાયો છે અને ડાબા હાથમાંથી તલવાર હટાવીને બંધારણ મૂકવામાં આવ્યું છે. એટલું જ નહીં, વેસ્ટર્ન કપડાંને બદલે એનો પોશાક પણ ભારતીય થયો છે.

વેલ, યોગ્ય રીતે જ ન્યાયની દેવીની આંખો પરથી પડદો હટાવાયો છે. કારણ કે મૂળ તો વ્યંગ કરવા એ લગાવાયો હતો. ભારતની ન્યાયની દેવી દેખતી થઈ છે એટલે હવે ભારતીય ન્યાયના સંદર્ભમાં સત્તાવાર રીતે 'અંધા કાનૂન' કે 'બ્લાઈન્ડ જસ્ટિસ' જેવા શબ્દો પ્રયોજી શકાશે નહીં. 

મહિલા વડાંપ્રધાન આપનારો દેશ મહિલાને મુખ્ય ન્યાયધીશ નથી બનાવી શક્યો

ભારતમાં સુપ્રીમ કોર્ટમાં ૧૯૮૯માં સૌપ્રથમ મહિલા ન્યાયધીશ બન્યાં હતાં ફાતિમા બીવી. ત્યારથી લઈને આજ સુધીમાં સુપ્રીમ કોર્ટમાં માત્ર ૧૧ મહિલા ન્યાયધીશોની પસંદગી થઈ છે. ૧૯૫૦માં બંધારણ લાગુ પડયું ત્યારથી અત્યાર સુધીમાં સુપ્રીમ કોર્ટમાં ૨૭૦ ન્યાયધીશોની નિમણૂક થઈ છે અને એમાં મહિલા ન્યાયધીશો છે માત્ર ચાર ટકા. ૧૧માંથી આઠ મહિલા ન્યાયધીશોને તો ૨૦૧૦ પછી એન્ટ્રી મળી હતી. ફાતીમા બીવી પછી જસ્ટિસ સુજાતા મનોહરની સુપ્રીમ કોર્ટમાં પસંદગી થઈ હતી. તે પછી રૂમા પાલની નિમણૂક થઈ હતી.

૨૦૧૦ પછી સ્થિતિ થોડી સુધરી હતી અને એ દાયકામાં જ્ઞાન સુધા મિશ્ર, રંજના પ્રકાશ દેસાઈ, આર. ભાનુમતી, ઈન્દુ મલ્હોત્રા અને ઈન્દિરા બેનર્જીએ સુપ્રીમ કોર્ટનાં ન્યાયધીશ તરીકે કામ કર્યું હતું. ત્રણ મહિલા ન્યાયમૂર્તિ - હિમા કોહલી, બી.વી. નાગરત્ના અને બી. એમ. ત્રિવેદી કાર્યરત છે.

અત્યારથી શક્યતા પ્રમાણે બી.વી. નાગરત્ના ૨૦૨૭માં સંભવત: દેશનાં મુખ્ય ન્યાયધીશ બની શકે છે. હજુ સુધી ભારતમાં એક પણ મહિલા ન્યાયધીશને મુખ્ય ન્યાયધીશ બનવાનો મોકો મળ્યો નથી. બી.વી. નાગરત્ના મુખ્ય ન્યાયધીશ બનશે તો એ પદે બિરાજનારા તેઓ પ્રથમ મહિલા હશે, પણ તેમનો કાર્યકાળ ખૂબ જ ટૂંકો એટલે કે માંડ સવા મહિનાનો હશે. રસપ્રદ બાબત એ છે કે બી. વી. નાગરત્નાના પિતા ઈ.એસ. વેંકેટારામૈયા ૧૯૮૯માં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ હતા અને તે વખતે જ સુપ્રીમ કોર્ટમાં પ્રથમ મહિલા ન્યાયધીશ ફાતીમા બીવીની નિમણૂક થઈ હતી.

દુનિયાના ન્યાયતંત્રમાં 35 ટકા મહિલા ન્યાયધીશો

ન્યાયની દેવીને દુનિયાભરમાં સ્વીકારાઈ છે, પરંતુ ન્યાય તોળવાના કામમાં પુરુષોનું પ્રભુત્વ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે મહિલા ન્યાયધીશોનો એક અહેવાલ તૈયાર કર્યો હતો. એમાં જણાયું કે દુનિયામાં ૩૫ ટકા મહિલા ન્યાયધીશો કાર્યરત છે. એમાં પુરુષોની બહુમતી છે. એક રીતે ૩૫ ટકાનો આંકડો થોડો રિઝનેબલ કહેવાય, કારણ કે રાજકારણમાં ૩૩ ટકા અનામતની વાતો ચાલે છે, પરંતુ આ આંકડાંમાં નીચલી કોર્ટની ગણતરી પણ થઈ ગઈ છે. હાયર કોર્ટમાં તો માત્ર ૨૫ ટકા મહિલાઓને જ ન્યાય તોળવાની તક મળે છે.

હાઈકોર્ટના 788 ન્યાયમૂર્તિઓમાંથી 107 મહિલા ન્યાયધીશ

અત્યારે દેશની હાઈકોર્ટોમાં ૭૮૮ જજ સક્રિય છે. એમાંથી ૧૦૭ મહિલા ન્યાયધીશ છે. ટકાવારીની રીતે હાઈકોર્ટોમાં મહિલા ન્યાયધીશો ૧૩ ટકા થાય છે. એમાંય છેલ્લાં પાંચ-સાત વર્ષમાં થોડી સ્થિતિ સુધરી છે. ૨૦૧૮માં હાઈકોર્ટમાં ૧૦ ટકા જ મહિલા ન્યાયધીશો કાર્યરત હતાં. મદ્રાસ અને પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં સૌથી વધુ ૧૩ મહિલા ન્યાયધીશો છે. દિલ્હી હાઈકોર્ટમાં ૧૦, બોમ્બે, કલકત્તા અને તેલંગણા હાઈકોર્ટમાં ૯, અલ્હાબાદ હાઈકોર્ટમાં ૮, ગુજરાત હાઈકોર્ટમાં ૭ મહિલા જજ છે. એ સિવાયની હાઈકોર્ટમાં આંકડો પાંચ કે પાંચથી પણ નીચે છે. ૨૫માંથી માત્ર બે હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયધીશ મહિલા છે.


Google NewsGoogle News