અભણ અને મંદબુદ્ધિનો છોકરો રોબર્ટ નિક્સન સચોટ ભવિષ્યવેત્તા હતો
- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- કેટલાક ચૈતસિક શક્તિ ધરાવતા લોકોને પણ ભવિષ્યની ઘટના દેખાઈ જતી હોય છે. ક્યારેક પૂર્વાભાસી સ્વપ્નોમાં પણ ભવિષ્યની ઘટનાનું દર્શન થઈ જતું હોય છે
ભ વિષ્ય દર્શન એક અદ્ભુત યોગસિદ્ધિ છે. યોગ સાધનાની ફલશ્રુતિ રૂપે તે પ્રાપ્ત થતી હોય છે. ઋષિ-મુનિઓ અને સિદ્ધ પુરુષો આ રીતે ભવિષ્યમાં બનનારી ઘટનાઓને પહેલેથી જોઈ-જાણી શકતા હતા. ક્યારેક વિસ્મયજનક રીતે કુદરતના અકળ ચમત્કાર રૂપે કોઇકમાં આ શક્તિ અનાયાસ પ્રકટ થઈ જતી હોય છે. આનું સચોટ ઉદાહરણ છે ઈંગ્લેન્ડના ચેશાયર (Cheshire) નો રોબર્ટ નિક્સન (Robert Nixon). રોબર્ટ નિક્સનને ખાસ કરીને 'ધ ચેશાયર પ્રોફેટ (The Cheshire Prophet) ચેશાયરના ભવિષ્યવેત્તા' તરીકે ઓળખવામાં આવે છે.
જ્હોન કે જોનાથન નિક્સન નામના ખેડૂતનો પુત્ર રોબર્ટ અભણ, જડ, ગમાર અને મંદબુદ્ધિનો હતો. તેણે બાળપણમાં એક દિવસ કહ્યું - 'નજીકના ગામમાં આગ લાગશે.' અને ખરેખર તેમાં ભીષણ આગ લાગી હતી. એક દિવસ તેણે ભવિષ્યવાણી કરતાં કહ્યું હતું - 'બે અઠવાડિયા પછી અહીં વાવાઝોડું આવશે.' અને ખરેખર પંદર દિવસ પછી ત્યાં જોરદાર વાવાઝોડું આવ્યું હતું. નિક્સને લોર્ડ ઓફ કોન્મોન્ડેલી (Lord of Cholmondeley) ને કહ્યું હતું કે તેના કુટુંબમાં આ દિવસે કોઈનું મૃત્યુ થશે. હકીકતમાં તેમ જ બન્યું હતું તે દિવસે તેના કુટુંબની એક વ્યક્તિનું મરણ થઈ ગયું હતું.
ઈ.સ. ૧૪૮૫ની ૨૨ ઓગસ્ટના રોજ રોબર્ટ નિકસન ચેશાયરમાં આવેલા બ્રિજ હાઉસ ફાર્મ ખાતે ખેતી કરતો હતો. તેની સાથે બીજા ખેડૂતો પણ હતા. તે એકાએક ખેતી કરતાં અટકી ગયો. જાણે તેની સામે કંઈ બનતું હોય, તેને તે દેખતો હોય તેમ વર્તન કરીને બોલવા લાગ્યો- ‘Now Richard, now Henry, Now Henry get over the ditch and you gain the day - હવે રિચર્ડ, હવે હેનરી... હવે હેનરી ખાઈની ઉપર આવી ગયો છે. હેનરી, તું આજના દિવસની લડાઈ જીતી ગયો.' એ દિવસે કિંગ રિચર્ડ-ધ થર્ડ અને કિંગ હેનરી-ધ સેવન્થ વચ્ચે 'બોસવર્થ ફિલ્ડ (Bosworth Field)નામથી જાણીતું એવું યુદ્ધ ખેલાયું હતું. તેણે તે પ્રત્યક્ષ નિહાળતો હોય તેમ તેનું વર્ણન કર્યું હતું અને જણાવ્યું હતું કે થોડોક જ સમય ચાલેલી આ લડાઈમાં રિચર્ડ-તૃતીય હારી ગયો છે અને તે રણમેદાનમાં મરણ પામ્યો છે.' તેનું આ દૂરદર્શન બિલકુલ સાચું હતું. બરાબર તે જ દિવસે અને સમયે બેટલ ઓફ બોસવર્થ ફિલ્ડ રિચર્ડ-તૃતીય અને હેનરી-સાતમા વચ્ચે લડાઈ ચાલી રહી હતી અને તેમાં રિચર્ડ-તૃતીયનું મરણ નિપજ્યું હતું.
કોઈ ખેડૂતે રોબર્ટે કરેલી આ ભવિષ્યવાણીની વાત લોર્ડ ઓફ કોલ્મોન્ડેલીને કરી. તેના થકી કિંગ હેનરી-ધ સેવન્થની પાસે આ સમાચાર આવ્યા. તેણે આ અંગે તપાસ કરી અને જાણકારી મેળવી કે રોબર્ટની ભવિષ્યવાણીઓ સાચી પડે છે એટલે તેને પોતાનો સલાહકાર બનાવવાનું નક્કી કર્યું અને તેને લઈ આવવા રાજદૂત મોકલ્યા. તેને તો તેની ચૈતસિક કે દૈવી શક્તિથી ખબર પડી ગઈ હતી કે રાજા હેનરીએ તેને બોલાવવા દૂત મોકલ્યા છે. તે ઘરના સભ્યોને કહેતો - મારે કિંગ હેનરીના રાજમહેલમાં જવું નથી. હું જઈશ તો પાછો નહીં આવું. રાજમહેલમાં હું ભૂખ્યો-તરસ્યો મરી જઈશ.' તેની વાત સાંભળીને કેટલાકે તેની મજાક-મશ્કરી કરતાં કહ્યું હતું - તું તો રાજાનો ખાસ માણસ બનીશ. બીજા કરતાં તને વધારે સુખ-સગવડ મળશે. તારી ચોમેર ખ્યાતિ ફેલાશે. રાજમહેલમાં વળી તું ભૂખ્યો-તરસ્યો મરણ પામે એવું તે કંઈ બનતું હશે ? થોડા સમય પછી રાજાના દૂતો નિકસનને લેવા આવ્યા. પણ માતા-પિતા ખૂબ દુરાગ્રહ કરી કુટુંબની આર્થિક સ્થિતિ સારી થાય તે હેતુથી તેને રાજાના દૂતો સાથે મોકલી દીધો. રાજા હેનરીએ જ્યારે રોબર્ટને જોયો ત્યારે તેને શંકા ઉપજી કે આવો અભણ, જડ, ઠોઠ અને મંદબુદ્ધિનો છોકરો ભવિષ્યવેત્તા કેવી રીતે હોઈ શકે ? તેણે તેની કસોટી કરવા તેની કીંમતી વીંટી સંતાડી દીધી અને તેને બોલાવીને કહ્યું - મારી વીંટી ખોવાઈ ગઈ છે અને તારે મને તે તાત્કાલિક શોધીને આપવાની છે. રોબર્ટે તેની ચૈતસિક શક્તિથી જોયું કે તે ક્યાં છે પછી રાજાને કહ્યું - ‘He who hideth can find- જેમણે તે સંતાડી છે તેમને તો તે તરત જડી શકે તેમ છે.' છતાં તે ક્યાં છે તે હું તમને કહી દઉં એમ કહી તેમણે તે સંતાડીને ક્યાં મૂકી છે તે જણાવી દીધું હતું. રાજાને નિક્સનની ભવિષ્યકથનની શક્તિ પર ભરોસો બેસી ગયો.
કિંગ હેનરી-સાતમાએ રોબર્ટને રાજમહેલમાં એક ખાસ જગ્યા આપી અને એક લહિયાને પણ એની પાસે રાખ્યો જેથી તે જે રાજકીય ભવિષ્યવાણીઓ કરે તેને લખી લેવાય. નિકસને ઘણી બધી ભવિષ્યવાણીઓ કરી. હેનરી એને અનુસરતો તેનાથી તેને હમેશાં લાભ થતો. રોબર્ટ નિકસને કેટલીક ભવિષ્યવાણીઓ તો હેનરી-સાતમાના સમયગાળા પછી આવનારી ઘટનાઓની હતી. એમાં ઈ.સ. ૧૬૬૬માં બનનારી 'લંડનની ભયાનક આગ'ને લગતી પણ હતી. તે જ રીતે હાઉસ ઓફ હેનોવરમાંથી જ્યોર્જની સત્તારૂઢ થવાની ઘટનાઓ વિશે પણ તેણે કહ્યું હતું. હેલ્મેટ પર બરફ છવાયેલો હોય એવા સૈનિકો થકી બ્રિટનની ચઢાઈની ભવિષ્યવાણી પણ તેણે એ ઘટના બની તેના ઘણા વર્ષો પૂર્વે કરી દીધી હતી.
રોબર્ટ નિકસને રાજાને વિનંતી કરી હતી કે એને રાજમહેલમાં એના ઓરડામાં એકલો ન રાખવો. એટલે રાજાએ એ બહાર જાય ત્યારે તેની સંભાળ રાખવા એક ખાસ અધિકારીને રોક્યો હતો. એક વાર હેનરીને થોડા લાંબા સમય માટે બહાર ગામ જવાનું થયું. તેણે નિમેલો ડેપ્યુટી રાજાની ગેરહાજરીનો લાભ લઈ નિકસનના ઓરડાનું બારણું બંધ કરી બહારથી તાળું વાસી જતો રહ્યો. એ દિવસોમાં તો લહિયો પણ નિકસન સાથે નહોતો. બારણે તાળું હોવાને કારણે નોકર ચાકરને એમ લાગ્યું કે નિકસન ક્યાંક બહારગામ ગયો છે આ રીતે થોડા દિવસો વીતી ગયા. રાજાના પાછા આવવાના સમયે પેલો ડેપ્યુટી પણ પાછો આવી ગયો. નિકસનના ઓરડા પર તાળું જોયા બાદ તેને યાદ આવ્યું કે તે ત્યાંથી ગયો ત્યારે તેણે પોતે જ તાળું માર્યું હતું તે તાળું ખોલીને જોવામાં આવ્યું તો નિકસન મરેલો પડયો હતો. ભૂખ અને તરસને લીધે તેના પ્રાણ નીકળી ગયા હતા. રોબર્ટ નિકસને પોતાના વિશે કરેલી ભવિષ્યવાણી પણ સાચી જ પડી.