Get The App

શું શાશ્વત જેવો ભાઈ અને નિજાનંદ જેવા મામા આ ઘોર કળિયુગમાં હોઈ શકે ?

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
શું શાશ્વત જેવો ભાઈ અને નિજાનંદ જેવા મામા આ ઘોર કળિયુગમાં હોઈ શકે ? 1 - image


- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

- માણસ ભગવાને આપેલી લક્ષ્મીનો માલિક નહીં પણ સેવક છે. નાણું નથી હોતું કાળું કે નથી હોતું શ્વેત. માણસના મનમાં રહેલી કાળાશ જ લક્ષ્મીને બેઈજ્જત કરે છે

ગાં ડોતૂર થઈ સૂસવાતો પવન, વીજળીના કડાકા, ક્યારેક ઘુવડનો અવાજ તો ક્યારેક મધરાતે રુદન કરતાં શ્વાન અને અંતે ભર ભાદરવે ધોધમાર વરસાદ.

જનકરાયની છાતીમાં જાણે શૂળો ભોંકાઈ રહી હોય તેવી વેદના. રાબેતા મુજબ ડૉક્ટરે સૂચવેલી ગોળી લે છે. થોડી રાહત જણાય છે.

એમણે ઢંઢોળીને શાશ્વતને જગાડયો. પપ્પાજીની ચિંતાજનક સ્થિતિ જોઈને એણે પોતાની આંખ મળી જવા બદલ માફી માગતાં કહ્યું : ''પપ્પાજી, આપ ખૂબ જ અસ્વસ્થ છો. એમ્બ્યુલન્સ બોલાવીને આપને સારવાર માટે હોસ્પિટલ લઈ જાઉં ? આવા વરસાદી વાતાવરણમાં તો કોઈ પણ ડૉક્ટર વિઝિટે આવવા તૈયાર નહીં થાય. જનકરાયે કહ્યું.'' દીકરા, તારી ભાવનાની હું કદર કરું છું. પણ તારી મમ્મી ક્ષમાદેવી પાસે જવાનો મારો સમય આવી ગયો છે. તને અને મનસ્વીને મેં એક માતાની જેમ ઉછેર્યા છે. મને મૃત્યુની ચિંતા નથી, પણ તારી અને મનસ્વીની ચિંતા છે. તું જેટલો શાણો અને કર્તવ્યનિષ્ઠ છે, મનસ્વી તેટલો જ પ્રમાદી અને બહાનાંખોર છે. હું તારી પાસે વચન માગું છું કે તું મનસ્વીને સદાય માફ કરીશ.'' - બોલતાં-બોલતાં જનકરાયના શ્વાસ સદા માટે અટકી ગયા. શાશ્વતની આંખમાંથી આંસુનો ધોધ વહી રહ્યો હતો. પણ એણે મોટેથી રડવાને બદલે સંયમ જાળવ્યો.

સવારે સાડા પાંચ વાગ્યે પોતાના મામા નિજાનંદને તાત્કાલિક આવવા વિનંતી કરી.

અડધા કલાકમાં જ મામા નિજાનંદ અને મામી સર્વદા આવી પહોંચ્યાં. મનસ્વી હજી ઘસઘસાટ ઊંઘતો હતો. મામાએ તેના રૂમમાં જઈને તેને જગાડયો. પણ તેણે આકરા શબ્દોમાં શાશ્વતનો ઉધડો લેતાં કહ્યું કે 'પપ્પાજીની મિલ્કતમાં પોતાને નામે પૂરો ભાગ લેવા એકલાની સહીઓ કરાવવાનો પ્લાન ગોઠવ્યો હશે. મામા, શાશ્વતને ભોળો ન માનશો. એણે વિલ પણ પોતાના નામનું જ કરાવ્યું હશે ! શાશ્વત, તારી ચાલાકીને હું ક્યારેય માફ નહીં કરું.' મામા નિજાનંદના ગુસ્સાનો પાર નહોતો. મનસ્વીની નીચતા હદ બહારની હતી. પણ કજિયા-કંકાસ કરવાનો આ સમય નહોતો.

જનકરાય એટલે પરોપકારી આત્મા. લોકો એમને સ્વર્ગમાંથી ભૂલો પડેલો દેવદૂત કહેતા. એમના આંગણેથી કોઈ ખાલી હાથે જતું નહીં. કોઈને દીકરીને પરણાવવા પૈસા જોઈએ કે હોસ્પિટલનું બિલ ચૂકવવા પૈસાની જરૂર પડે તેઓ જનકરાય પાસે દોડી આવતા. 

એમની સ્મશાનયાત્રામાં લોકો રડતી આંખે ભેગા થયા. કેટલાક લોકોએ તો સ્મશાનમાં જ શ્રધ્ધાંજલિ સભા ગોઠવવાની ઈચ્છા પ્રદર્શિત કરી. પણ શાશ્વતે પપ્પાજીના શબ્દો ટાંકીને કહ્યું : ''શ્રધ્ધાંજલિ મૃતકના ગુણાનુવાદ માટે રખાય છે. એમાં બોલાતા શબ્દો હૈયાની વાણી નહીં પણ હોઠથી વ્યક્ત થતા હોય છે. એટલે મારી પાછળ શ્રધ્ધાંજલિ સભા રાખીશ તો મારો આત્મા જ્યાં હશે ત્યાં દુ:ખી થશે.'' અને શાશ્વતની વાત સહુએ સ્વીકારી લીધી હતી. જનકરાયે બેસણું રાખવાની પણ મનાઈ કરી હતી એટલે કેવળ મૃત્યુ નોંધ આપી લૌકિક ક્રિયા બંધ છે એવી સહુને જાણ કરી.

શાશ્વતની ઉમ્મર એકવીસ વર્ષની હતી અને મનસ્વીની ઉમ્મર ૧૯ વર્ષની. મામા-મામી નિ:સંતાન હતાં એટલે તેમણે શાશ્વત અને મનસ્વીને પોતાની સાથે રાખવાની ઈચ્છા પ્રદર્શિત કરી. પણ શાશ્વતે મામા-મામીને પોતાને ઘેર રહેવા આવવાની વિનંતી કરી. શાશ્વતની ખાનદાની જોઈ મામા-મામીએ તેનો પ્રસ્તાવ સ્વીકારી લીધો.

પણ એ વાતનો મનસ્વીએ અંદરથી સ્વીકાર ન કર્યો. એણે પોતાના મનોભાવ છૂપાવીને કહ્યું : ''મામા, આપને કષ્ટ આપવું એના કરતાં ચોવીસ કલાક માટે એક બાઈ રાખીએ તો વધુ અનુકૂળ રહે. શાશ્વત તો સ્વાવલંબી છે પોતાનાં બધાં કામો જાતે કરી લેશે. હું મારો એક પર્સનલ નોકર રાખીશ એ મારી ફરમાઇશ મુજબ બધાં કામો કરશે. મારે જિંદગીને જીવી જાણવી છે. મનસ્વીની દલીલો પાછળ એના મનમાં એ ભાવ સંગ્રહાએલો હતો કે મામા-મામી અહીં રહેવા આવશે તો ઘરમાં પોતાની વિરુદ્ધ એક 'ચોકીઆત' ઉભો થશે. મામાને ઘેર રહેવા જતાં પણ પોતાની સ્વતંત્રતા જોખમાશે.

મામાને મનસ્વીની વાત સાંભળી માઠું લાગ્યું. પણ શાશ્વતે માફી માગી તેમને મનાવી લીધા. મનસ્વીએ બીજો દાવ અજમાવ્યો એણે કહ્યું : ''મામા, બીજો પણ એક સારો વિકલ્પ છે. તમે શાશ્વત એકલાને તમારે ઘેર લઈ જાવ. હું મારું ફોડી લઈશ. અનુકૂળતાએ પંચને બોલાવી બન્ને ભાઈઓ વચ્ચેના ભાગ પાડી આપજો. હું નોકરી કરવા માગતો નથી. હું જ મારો 'સાહેબ' મારી ઉપર કોઈ 'સાહેબ' ના હોય. મામા, શાશ્વતને તો જિંદગી કેમ જીવાય, એની ખબર જ નથી. જિંદગીમાં કર્તવ્યને સ્થાન છે, પણ કર્તવ્યો જિંદગીની શાન અને આનંદને ભરખી જાય, એવું તો ન જ વિચારાય જ ને.'' પપ્પાજીની શાખ મોટી છે એટલે શાશ્વતને તો નોકરી અવશ્ય મળી જશે. પાંચેક વર્ષ એ નોકરી કરે પછી એને પરણાવી દેજો એટલે મામીને ભાણેજવહુની સેવાનો લાભ મળશે. કેમ શાશ્વત, મારો 'આઈડિયા' ખોટો છે ?''

શાશ્વતે તેને આગળ બોલતાં અટકાવી કહ્યું : 'મનસ્વી, પપ્પાજીએ આપણને માતાની જેમ સાચવ્યા છે. એમના મૃત્યુની અદબ આપણે સાચવવી જોઈએ. મામા-મામી આપણાં વડીલ છે એમને માઠું લાગે એવું વર્તન આપણા તરફથી ક્યારેય ન થવું જોઈએ. ''તારે વધારાના ખર્ચની જવાબદારી ઘર પર લાદવી હોય તો લાદ'' મનસ્વીએ રોષાવેશમાં કહ્યું.

મામાએ વાતને વાળી લેતાં કહ્યું : ''મનસ્વી, તું મારી સ્વર્ગસ્થ બહેનની થાપણ છે. અમે તમારી સાથે રહીશું તો પણ તમને માથે નહીં પડીએ. અમે મહેમાન તરીકે નહીં પણ મદદગાર તરીકે આવવા ઈચ્છીએ છીએ. અમારા ખાધા-ખોરાકીના વીસ હજાર રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં જમા કરાવીશું.''

શાશ્વતે કહ્યું : ''મામા, આ બધી ચર્ચાનો અત્યારે અવકાશ નથી. આપના આશીર્વાદ જ અમારે માટે સર્વસ્વ છે. અમારા પિતાજીએ પણ અવસાન પહેલાં કહેલું : ઘરનો વહીવટ તમારા મામાને પૂછીને કરજો. તેઓ સજ્જન છે, દિલાવર છે. ત્યાગમાં માને છે એટલે પોતાનાં હિતનો વિચાર કરવાને બદલે તમારા હિતનો પહેલાં વિચાર કરશે.'' એટલે મામા, અમારી 'અનાથ-અવસ્થામાં તમે જ અમારા તારણહાર છે. તમારે અહીં જ અમારી સાથે રહેવાનું છે. તમે આજથી અમારા 'મામા' નહીં પણ પિતા છો' - બોલતાં-બોલતાં શાશ્વત રડી પડયો.

અને મામા-મામીએ જનકરાયના ઘરની જવાબદારી સંભાળી લીધી. મનસ્વી બેફામ ખર્ચ કરતો અને શાશ્વત પાસે મોટી રકમની માગણી કરતો. મનસ્વીએ બેંક એકાઉન્ટમાં પણ પોતાનું નામ જબર્જસ્તીથી ઉમેરાવી દીધું હતું જેથી મામા-મામી અને શાશ્વત શાને માટે પૈસા ઉપાડે છે, તેની ખબર પડે ! એમ ત્રણેક વર્ષ વીતી ગયા. ઘરની મૂડી ખતમ ન થઈ જાય એટલા માટે શાશ્વતે એક ખાનગી કંપનીમાં નોકરી પણ સ્વીકારી લીધી હતી. કંપનીના મેનેજમેન્ટને પોતાના ભાઈ મનસ્વીને પણ નોકરી આપવાની વિનંતી કરી હતી. મેનેજમેન્ટ શાશ્વતની નિષ્ઠા અને સદ્વર્તનથી પ્રસન્ન હોઈ એમણે તેની વાત સ્વીકારી લીધી હતી. પણ મનસ્વીએ કહ્યું : ''શાશ્વત, તારું દિમાગ જ નોકરનું છે. આપણે નોકરીદાતા બનવું જોઈએ, નહીં કે કોઈના નોકર. હું માગું તેટલા રૂપિયા મને આપ, પછી જો કે હું કેવો શાનદાર બિઝનેસ કરી શકું છું.''

પણ શાશ્વતને મનસ્વીના ઉડાઉ અને આડેધડ ખર્ચ કરવાની ટેવની ખબર હતી. છતાં પપ્પાજીને આપેલા વચન ખાતર તે સૌથી પહેલાં મનસ્વીના હિતનો વિચાર કરતો. એણે મનસ્વીને ભવિષ્યમાં પૈસાની ખોટ ન રહે એ માટે એક અલગ એકાઉન્ટ ખોલાવી મનસ્વી માટે પોતાનો પગાર જમા કરાવતો ગયો.

મામાજી પણ વૃદ્ધ થઈ ગયા હતા. એમણે પોતાના વારસદાર તરીકે શાશ્વતના નામનું 'વિલ' તૈયાર કરવાનું કામ સોંપ્યું.

પણ શાશ્વતે કહ્યું : ''આપના વારસદાર તરીકે હું એકલો નહીં પણ મનસ્વી પણ રહેશે. મારા કરતાં સલામતીની તેને વધારે જરૂર છે.''

મામા નિજાનંદ શાશ્વતની મહાનતા જોઈ ગદગદ્ થઈ ગયા. એમણે કહ્યું : ''પપ્પાજીની મિલકત માટે ભાઈઓ એક-બીજાની વિરુધ્ધ કોર્ટે જાય છે, ત્યારે શાશ્વત, તું પોતાને બદલે નાના ભાઈનો વિચાર કરે છે ! ભગવાન દરેક ઘરમાં શાશ્વત જેવો એક દીકરો આપજો, જેથી કુટુંબનાં માન-મર્યાદા સચવાઈ રહે.''

એ પછી મનસ્વીએ વકીલ રોકી મામાજી પર નોટિસ મોકલી હતી કે પિતાજીની સઘળી મિલ્કત પચાવી પાડવાનું બન્ને જણે કાવત્રુ રચ્યું છે.

નોટિસ મળતાં મામાજીએ દુ:ખ અને આઘાત અનુભવ્યો. મરતાં પહેલાં પોતાના બનેવીએ પણ વિલમાં એકલા મનસ્વીનું નામ રાખ્યું છે એની એમને ખબર હતી. કોર્ટનો આશરો લઈ કુટુંબની આબરૂનો ધજાગરો થાય તેમ તેઓ ઈચ્છતા નહોતા.

શાશ્વત અને મામાજી મનસ્વીના એડવોકેટને મળવા ગયા. મનસ્વી ત્યાં હાજર હતો. મામાજીએ એડવોકેટને કહ્યું : ''લો આ બે વિલના કાગળો.'' 'બે વિલના એટલે હું કાંઈ સમજ્યો નહીં.' મનસ્વી પણ ભારે ઉત્સુક હતો. એણે માન્યું હતું કે પપ્પાજીએ પોતાની મિલ્કતમાંથી પોતાનું નામ કાઢી નાખ્યું હશે અને મામા નિજાનંદે પણ પોતાની સઘળી મિલ્કત શાશ્વતના નામે કરી હશે.

એડવોકેટે વિલના દસ્તાવેજ જોયા. બન્નેમાં મિલ્કતના સંપૂર્ણ વારસદાર તરીકે માત્ર અને માત્ર મનસ્વીનું જ નામ હતું. 

મામાએ પણ શાશ્વતની ભાવનાની કદર કરી પોતાની મિલ્કતમાં મનસ્વીને એકલાને વારસદાર નિમ્યો હતો.

એડવોકેટે કહ્યું : ''મિ. મનસ્વી, તમારો ભાઈ શાશ્વત હિમાલય છે, અને તમે નાનકડો પહાડ. એની ઉદારતાનો જોટો જડે તેમ નથી. મામાએ પણ પોતાની મિલ્કત તમારે નામે કરી દીધી છે. નિજાનંદ જેવા મામા હોઈ શકે, એની કલ્પના પણ કરી શકતા નહોતો. આજનો દિવસ મનસ્વી, તમારા જીવનનો સ્વર્ણાંકિત દિવસ છે. હું આ બન્ને વિભૂતિઓને વંદન કરું છું - કહી એડવોકેટે શાશ્વત અને મામા નિજાનંદને પ્રણામ કર્યા.''

મનસ્વી વિલના કાગળો જોઈ ભોંઠો પડી ગયો. તેને પોતાની જાત તરફ નફરત થઈ. શાશ્વત કેટલો મહાન છે અને મામાજી પણ કેટલા ઉદાર છો તે વાત સમજાતાં તેણે બન્ને વિલના કાગળો વકીલના હાથમાંથી લઈ તેના ટુકડે-ટુકડા કરી નાખ્યા. એણે કહ્યું : ''ભાઈ શાશ્વત, તમે ગંગા છો અને હું ગંદી ગટર. ગંગા તો ગટરને પણ પોતાનામાં સમાવી પવિત્ર કરે છે. આજથી તમે મારા રામ અને હું તમારો લક્ષ્મણ.''

રામ-લક્ષ્મણનું મિલન જોઈ મામા નિજાનંદે પણ બન્નેને બાથમાં લઈ આશીર્વાદ આપ્યા. વાતાવરણમાં જાણે શબ્દો પડઘાતા હતા. ''હમ ઉસ દેશ કે વાસી હૈ, જિસ દેશમેં ગંગા બહતી હૈ !!''


Google NewsGoogle News