રતન ટાટા અને સુખનો સાક્ષાત્કાર .
- રતન ટાટાને સંપત્તિ, સુપર રીચ જીવનશૈલી અને બાહોશ ઉદ્યોગપતિ બન્યા પછી પણ દિવ્ય આનંદ અને સુખના એહસાસની તલાશ હતી.. આખરે તે ચાવી તેના હાથમાં આવી ગઈ
- હોરાઈઝન-ભવેન કચ્છી
- એક વ્યકિતએ ગુરુ નાનક સમક્ષ વ્યથા ઠાલવી કે 'સાહેબ, હું તો ગરીબ છું .. તમે કહો છો કે બધાને કંઇકનું કંઇક આપતા રહેશો તો સુખનો અનુભવ કરી શક્શો.. પણ મારાથી તે કઈ રીતે શક્ય બંને. હું કોઈને શું આપી શકું?'
ર તન ટાટાને એક વખત સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક આધારિત વિદેશી સામયિકના પત્રકારે પૂછયું કે 'તમે સુખનો અહેસાસ કર્યો છે ખરો? કે હજુ તેની તલાશ છે.'
રતન ટાટાએ બહુ મજાનો ઉત્તર આપ્યો. તેમણે કહ્યું કે 'યુવા વયે મને એમ હતું કે હું વધુને વધુ ધનવાન બનું. મને એવો જ ખ્યાલ હતો કે જેની પાસે વધુ સંપત્તિ તે સૌથી સુખી અને સફળ વ્યક્તિ. મારી આવી સોચને લીધે અમુક વર્ષોમાં મને મળેલ મારા ધનિક વારસામાં મેં અનેક ગણો વધારો કર્યો. પણ ખબર નહીં કેમ અમુક સમયગાળાના નશા પછી મને જે તલાશ હતી તે સુખ ન મળ્યું.'
તે પછી રતન ટાટાએ ઉત્તર વધુ લંબાવતા કહ્યું કે 'સંપત્તિ અર્જિત કર્યા પછી મને બહુ પહેલાં વાંચેલું યાદ આવ્યું કે માણસે જીવનના વિવિધ ભૌતિક રંગ માણવા જોઈએ. જીવન તો ઉજવણી છે. આમ પણ મને વિદેશ પ્રવાસ, રેસ્ટોરાં, શોપિંગ, ડિઝાઇનર કપડાં, પોશ કાર અને બધું જ શાહી પસંદ હતું. મેં તે બધું પ્રાપ્ત કર્યું. સારા એવા નાણાં આ માટે ઉડાવતો હતો.
પણ હું જે સુખની કલ્પના કરતો હતો તેનો તો અણસાર પણ ન અનુભવ્યો. મેં પ્રેરક પુસ્તકોમાં વાંચેલું કે જીવનને સાર્થક અને સફળ બનાવવું હોય તો તેમાં કોઈ હેતુ કે ધ્યેય ઉમેરો એટલે મેં ટાટાનો વ્યાપ, તેની પ્રોડક્ટ્સ અને સર્વિસ સેક્ટરમાં વૈવિધ્ય લાવવાનું અને વિદેશી કંપનીઓ હસ્તગત કરવાનો ધ્યેય રાખ્યો અને અમુક વર્ષો જોરદાર ધગશ અનુભવી. મેં આ વર્ષો રોમાંચ અનુભવ્યો. પછી લાગ્યું કે સુખ કદાચ મૃગજળ જેવી કલ્પના જ હશે.'
પત્રકારે આટલી વાત પૂરી થતાં કહ્યું કે 'તો મિસ્ટર ટાટા તમે દુનિયાનું બધું હાંસલ કરવા છતાં સુખની લાગણી કે સુખનું સરનામું નથી મેળવી શક્યા એમ કહી શકાય ને. સંપત્તિ સુખ નથી આપતી તેવું ટોચના ધનકુબેરો કહી ચૂક્યા છે. તમે પણ યાદીમાં સ્થાન પામી શકો.'
રતન ટાટા ધંધા કે કોર્પોરેટ જગતની વાત કરનારા કરતા આંતરમનની દુનિયામાં લટાર લગાવવાની તક આપતા વ્યક્તિઓ જોડે સમય વિતાવવો વધુ પસંદ કરતા હતા તેથી જ આવો ઇન્ટરવ્યુ તેમને સ્પર્શતો હતો.
તેથી જ જ્યારે પત્રકારે કહ્યું કે 'તમે પણ અન્ય ધનકુબેરોની જેમ જ સુખ કે દિવ્ય આનંદ - અનુભૂતિથી વંચિત રહ્યા છો તેમ કહી શકાય ને.'
ત્યારે રતન ટાટાએ તરત જ કહ્યું કે 'ના, મેં તમને મારી સુખની ખોજના ત્રણ તબક્કા કહ્યા. સંપત્તિ, ભૌતિક શોખ, અને કંપનીનો વિસ્તાર તેમજ અન્ય કંપનીઓને ખરીદવી પણ હવે હું મારા જીવનના ચોથા સ્ટેજની વાત કરીશ. મારો એક મિત્ર ચેરિટી સંસ્થા ચલાવે છે તેણે એક દિવસ મને કહ્યું કે તેમની સંસ્થા ૨૦૦ અપંગ બાળકો કે જેઓ પગેથી ચાલી નથી શકતા અને કેટલાક તો જમીન પર ઘસડાઈને ચાલે છે તેઓને વ્હીલ ચેર આપવા માંગે છે. મેં તરત જ તેટલી રકમનો ચેક મારા મિત્રને આપી દીધો.પણ તે સાથે જ મિત્રએ આગ્રહ કર્યો કે તમારે માત્ર ચેક જ નથી આપવાનો પણ તમારા હસ્તે જ તે બાળકોને વ્હીલ ચેરનું વિતરણ થાય તેવી અમારી ઈચ્છા છે. મેં આનાકાની કરી પણ તેઓના આગ્રહને મારે વશ થવું જ પડયું. એક મેદાનમાં વ્હીલ ચેર વિતરણનો કાર્યક્રમ યોજાયો...અને તે દિવસનું દ્રશ્ય જોઈને મારી આંખો ભીની થઈ ગઈ. વ્હીલ ચેર જાણે ઉડવા માટેની પાંખો હોય તેમ બાળકો મેદાન પર વ્હીલ ચેર પર બેસીને અકલ્પ્ય રોમાંચ અનુભવતા આમથી તેમ દોડી રહ્યા હતા. રેસ પણ કરતા હતા. કેટલાક આવા બાળકોનું જૂથ કોઈએ વોલીબોલ આપતા તેની મેચ રમવા માંડયું. મને કંઇક એવી અનુભૂતિ થઈ કે ઈશ્વરનો જાણે સાક્ષાત્કાર થયો હોય. બાળકોને આવી ખુશી આપવા બદલ નિમિત્ત થયો તે માટે ઈશ્વરનો મનોમન આભાર માનવા લાગ્યો.
પણ થોભો, આ મારો સુખ પામવાનો આખરી અવસર નહોતો. હું વિતરણ કાર્યક્રમ પૂરો કરીને નીકળતો જ હતો ત્યારે અચાનક વ્હીલ ચેર છેક મારી નજીક લાવી એક છોકરાએ આંખોમાં અશ્રુ સાથે મને કહ્યું કે 'થોડી વાર થોભો સાહેબ,મારે તમને ધારી ધારીને જોવા છે.' તેમ કહી તે છોકરો કંઇક અજબ આભારની લાગણી વ્યક્ત કરતા મને નીરખી રહ્યો હતો.મને કંઇક અજીબ લાગ્યું મેં તેને પૂછયું 'બેટા આ શું કરી રહ્યો છે.' આયોજકોએ તે છોકરાને દુર કરવાનો પ્રયત્ન કર્યો તે સાથે જ છોકરાએ મારી તરફ આંગળી ચીંધીને કહ્યું કે 'હું આ સાહેબનો અત્યારે તો ખૂબ ખૂબ આભાર માનું જ છું પણ તેમને નજીકથી નીરખીને તેમનો ચહેરો બરાબર યાદ રાખી લીધો છે જેથી તે મને સ્વર્ગમાં ફરી મળશે ત્યારે તેમને ઓળખી જાઉં અને તેમનો સ્વર્ગમાં ફરી આભાર માનીશ.'
રતન ટાટાએ ભીની આંખો સાથે પછી ઉમેર્યું કે તે પળે જ જાણે મને સ્વર્ગીય સુખ,અલૌકિક દિવ્ય અનુભૂતિનો અનુભવ થયો. રતન ટાટાએ તે પછી સમાજમાંથી મેળવેલ સમાજને પરત આપો( ગીવિંગ બેક ટુ ધ સોસાયટી)નો સંસ્કાર અને સિદ્ધાંત અપનાવ્યો. વિશ્વના ધનકુબેરની યાદીમાં સ્થાન પામવાનો અહમ્ સંતોષતી માનસિકતા તેઓ ક્યારેય ધરાવતા જ નહોતા. ટાટાએ આપણને બોધ આપ્યો કે સાચું સુખ બહારની તરફની દુનિયામાં નથી પણ અંતર જગતને પ્રસન્ન કરતું છે.
સુખ પર હજારો પુસ્તક અને લેખો લખાયા છે. પ્રેરક પ્રવચનો આપતા શબ્દવીરોનો પણ આ મનપસંદ વિષય છે.ગમે તેટલું સુખ પામવાના રસ્તાઓ પર શ્રવણ કરો કે વાચન પણ સુખ સૂક્ષ્મ અનુભૂતિ છે તે સમજતા આવડવું જોઈએ.
આપણી એક મૂંઝવણ હોઇ શકે કે 'શ્રીમંતો દાન ધર્મ કરી શકે પણ હું તો મધ્યમ વર્ગની વ્યક્તિ છું.મને કઈ રીતે આવું સુખ મળી શકે.'
એક આવી જ વ્યકિતએ ગુરુ નાનકને પૂછયું હતું કે 'હું તો ગરીબ છું કોઈને મારી અનહદ ઈચ્છા હોય તો પણ શું આપી શકું?'
ગુરુ નાનકે ઉત્તર આપ્યો કે 'તું ધારે તો લાખો રૂપિયાની તુલનામાં પણ ચઢી જાય તેવું કોઈ હતાશ વ્યક્તિને સ્મિત આપી શકે. એમ જ તું સ્મિત ધરાવતો ચહેરો રાખીશ તો વાતાવરણમાં તું અનેરી ઊર્જા ભરી શકીશ. તું કોઈને પ્રોત્સાહિત કરતા કે તેમના ઉમદા કાર્ય બદલ આભારની લાગણી વ્યક્ત કરતા બે શબ્દો કહીશ તો પણ મોટું પ્રદાન કહેવાશે. તું કોઈ નિરાશ કે ભાંગી પડેલી વ્યક્તિને આશ્વાસન અને હિંમત આપતા વચનો કહીશ તો પુણ્યનું મોટું કામ થશે. તું કોઈનો સહારો બની શકે. તારી પાસે વિદ્યા કે અભ્યાસ હોય તો કોઈ ગરીબ વિદ્યાર્થીને ભણાવી શકે.તું કોઈ લંગર, મંદિર સફાઈ કે સેવા યજ્ઞામાં સ્વયં સેવક પણ બની જ શકે.'
ગુરુ નાનકની વાત કેટલી ઉમદા છે. આપણે કોઈને માટે સમય દાન આપી શકીએ, કોઈનું સન્માન જાળવીને તેને સાંભળી શકીએ. કોઈક તમને ખુશી આપવાનો પ્રયત્ન કરીએ તો માત્ર તેની તે ભાવનાને બિરદાવીએ. વ્યક્તિ ભોંઠપ અનુભવે તેવી પ્રતિક્રિયા ન આપીએ અને આભારની લાગણી જ વહેતી રહે તે જરૂરી છે.
જો તમે ખુશ અને પ્રસન્ન કે સુખની લાગણી ન અનુભવતા હો તો ખેલદિલ આત્મમંથન કરશો તો જણાઈ આવશે કે તમે ઉપર જણાવ્યાથી વિપરીત વર્તન કરી રહ્યા છો.
ઉદાહરણ તરીકે તમે કોઈને વ્યક્ત કરેલી લાગણી બદલ તેમનો આભાર નથી માનતા તે સાથે જ તમારું મન અહંકાર કે લઘુતા ગ્રંથી વશ એવી સ્થિતિમાં આવી જાય છે કે 'સામી વ્યક્તિએ એમાં નવાઈ જેવું શું કર્યું કે આભારની લાગણી વ્યક્ત કરું.'
હવે તમે આવું વિચારો છો તે સાથે જ તમારા માટે સામી વ્યકિતએ જે સુખદ સ્થિતિ સર્જી હતી તેનો છેદ ઉડી જાય છે. તમારી આભારની લાગણી સામી વ્યકિતએ તમારા માટે સર્જાયેલ સુખની પળનો સ્વીકાર છે તે રીતે જુઓ.
તમે બેચેન હોવ, અજંપો અને સતત અંદરથી બળતા હોવ તો બહારથી કોઈ તમને સુખ આપી નહીં જ શકે તે સમજો. કેમ કે કોઈ વ્યક્તિના પ્રદાનની તો આમ પણ તમે નોંધ નથી લેતા તો તમને ખુશ કોણ કરી શકે.
યાદ રહે બીજા લોકોને પ્રેમ અને આદર આપી બિરદાવો છો તેનો અર્થ એવો નથી કે તમારા પોતાના ઉતરતા છે. આપણા અને અન્યના સારાપણાનું સહઅસ્તિત્વ હોઇ જ શકે.
જેટલી જીવનમાં આંટીઘૂંટી અને ચાલાકી ઓછી એટલી સુખના અનુભવની શક્યતા વધુ.જેટલા પારદર્શક અને નિર્મળ તેટલા હળવા લાગીએ. ભારે લોકોએ વિચારવું જોઈએ કે આ ભાર કોનો છે?
ખેલદિલીથી આત્મમંથન કરવું પડશે.
તમે ગૂગલના નકશામાં 'સુખ' કે 'પ્રસન્નતા' જેવો શબ્દ નાંખીને કાર હંકારશો તો બહુ તો ગૂગલ મેપ તમને સુખ નામની સોસાયટી નજીક કે સુખપુરા નામના કોઈ ગામ પાસે લઈ જશે.
ગૂગલ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમગ્ર બ્રહ્માંડનું જ્ઞાન તમારી સમક્ષ ઠાલવી દેશે પણ કોઈ પણ અનુભવની અનુભૂતિ નહીં કરાવી શકે. વર્ચ્યુઅલ રિયાલિટીનું દૂરબીન પણ તમે જે ઇચ્છો તે દુનિયામાં તમને લઈ જશે પણ આખરે ત્યાં વર્ચ્યુઅલી પણ પહોંચીને લાગણી તો આપણી ઇન્દ્રિયોથી જ આપવાની છે. તે જ રીતે તમે અન્યની જીવનની એકમાત્ર ઈચ્છા હોય તેવા સ્થળોએ તેવી વ્યક્તિઓ જોડે હો પણ તમને અંદરથી રોમાંચની લાગણી જ ન હોય તો દુનિયાની કોઈ થેરેપી મદદ ન કરી શકે.
સુખ ગૂગલ સર્ચથી નથી મળતું તે આપણી અંદર જ અમૃત કુંભની જેમ સચવાયુ છે પણ આપણે જ તેના પર કલુષિત આવરણો એવા રચી દીધા છે કે તેની બહાર તરફ ખોજ કરીએ છીએ. બીજાનું સ્વપ્ન હોય તે દુનિયા કે વ્યક્તિ તમારી જોડે હોય પણ તમને તેની વેલ્યુ જ ન હોય તો તમારાથી કમનસીબ બીજું કોઈ નથી. અહંકારનું અને મિથ્યાભિમાનનું કવચ ફેંકી દઈએ તો પણ આનંદ, પ્રસન્નતા અને સુખનો એહસાસ મેળવી શકાશે જ.
જ્ઞાન પોસ્ટ
'સુખી થવાની કોઈ ફોર્મ્યુલા નથી. સુખી થવા માટે સૌથી પહેલા તો તમારે સુખનું વાતાવરણ રચીને બીજાને તેમાં સામેલ કરવાના છે અને તે જે વર્તુળ રચાય તેમાં રહીને સુખનો સાક્ષાત્કાર કરવાનો છે.
- બ્રહ્મલીન ભાઈલાલ દાદા