કાંઠો, કિનારો અને આરો .
- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- નદી પાસે ગતિ છે કાંઠા પાસે કાન છે નદીનું મૂલ્ય કાંઠાને કારણે છે, નદીને સૌંદર્ય પણ કિનારો આપે છે
નિ ત્યનૃત્યાંગના નદી છે અને પ્રેક્ષક કિનારો છે, નદી પાસે ગતિ છે કાંઠા પાસે કાન છે નદીનું મૂલ્ય કાંઠાને કારણે છે, નદીને સૌંદર્ય પણ કિનારો આપે છે. નદીના ઘાટ કહીએ છીએ પણ મૂળે એ તો ચલિત નદીના કિનારા ઉપર બંધાયેલા અચલ ઘાટ છે. જળપ્રવાહને માણવાની અસલ જગ્યા કઈ ? કાંઠો, કિનારો કે આરો ? ત્રણેય શબ્દો સૂક્ષ્મ અર્થભેદ ધરાવતા પર્યાયો છે. કિનારો નદીનું બંધન છે કે મુક્તિ માટેનો માર્ગ સહાયક ? નદી સહે છે કે કિનારો સહે છે ? સમુદ્રનાં મોજાંનો માર કોને વાગે છે ? સમુદ્ર ક્યાં જઈને પોતાનું દિલ બહેલાવે છે ? કિનારો નદીનો જનક છે - સખા છે અને સંરક્ષક પણ છે એ જ અર્થમાં જુઓ તો જીવન નદી છે અને જન્મ-મૃત્યુ કિનારા છે. ઘડપણ આરો છે. દિવસનો કિનારો સવાર સાંજ છે- કિનારો દ્રશ્યોનો જામ પીએ છે.
સહન તો કિનારાને કરવાનું છે - નદી તો વહ્યા કરે છે. એ યૌવના પરત ફરીને જોતી નથી. દરિયાને મળવા જે દોટ લગાવી છે તે સતત છે. કાંઠા તેને લક્ષ્યગામી બનાવવામાં મદદરૂપ થાય છે. સતત દોડતી નથી કિનારોને પણ ક્યાં સાંભળે છે? નદીની હાજરીની નોંધ કિનારો રાખે છે. ઉમાશંકર જોશીએ ગાયું - 'નદી દોડે સોડે ભડભડ બળે ડુંગરવનો.' જેવું અન્યોકિત યોજીને કાવ્ય રચ્યું છે. કિનારો સંગી હોવા છતાં ભડભડ બળતા ડુંગરવનોને નદીને કહીને બચાવી શકાતો નથીી કેવી કરૂણતા ! નદીને ઉદ્દેશીને લખાયેલા કાવ્યમાં કિનારાની લાચારી, અસહાયતા દર્શાવાઈ છે. નદી પાસે સંગીત છે એ કિનારાના કાન સાંભળે છે. નદી પાસે સૌંદર્ય છે તે કિનારાની આંખ નિહાળે છે. નદીના સ્પર્શનો નથી અનુભવ પણ કિનારાને છે કિનારાની કાયા ઉપર નદી, સાગરનાં પગલાં પડે છે. નદી દરિયામાં ભળી જઈ, વરાળ થઈ ફરી જળરૂપે વરસી આગ ઠારવા દોડી આવે છે. એ ઘટનાને કવિ ઉમાશંકર વિલંબિત માની લખે છે - 'એ તો ક્યારે ? ભસ્મ સૌ થઈ જાય પછીથી?' - કિનારો સીમાસૂચક છે. નદીને વશ રાખે છે. સરહદ આંકી આપે છે - નદીનો મહિમા કરવા જે મહેરામણ ઊમટે છે તે નદી કિનારે જ -
મા મહિસાગરને આરે ઢોલ વાગે છે...
કિનારો એક વિવેક છે. મર્યાદા છે. સૌંદર્યની દુનિયામાં સંયમનું મહત્ત્વ છે. આવા જ્યાં જ્યાં કિનારા છે ત્યાં ત્યાં સૌંદર્ય છે જ ઘડપણ જીવનનો કિનારો છે - એટલે જીવનને સૌંદર્ય છે. જ્યાં જ્યાં મર્યાદા - સંયમનો અભાવ છે ત્યાં સમસ્યાઓ સર્જાય છે. કિનારો ભલે નદીના પ્રવાહને બાંધે, સાચવે પણ એની ઉપર નદીની પગલિયો પડે છે જે હૃદય પર આલોકિત થઈ જાય છે.
નદીને કાંઠો હોય તેમ જીવનને પણ હોય. ગામના કૂવાને કાંઠો હોય. કાંઠો પણ કિનારો છે. ખેતરને શેઢો છે એ કિનારો છે સાડીને છેડો છે એ કિનાર છે. લેખને, ગ્રંથને, લખાણને કિનારો હોય છે. સમાજમાં કિનારો પકડીને ચાલનારા લક્ષ્ય સ્થાને પહોંચ્યા છે. કિનારો એક રસ્તો છે - બીજા અર્થમાં નવી કેડી છે. સુરેશ જોશીએ સ્મરણને નદી કહી છે. જન્મ અને મૃત્યુ કિનારા છે - સ્મરણ એ નદી છે - જીવતર એ નદી છે લ્યો, આપણા પુરા થતા વર્ષનો કિનારો એ દિવાળી છે !
નદીનો મહિમા કિનારે ઊભી થયેલી તીર્થ કુટિરોએ વધાર્યો છે. કિનારો તો રળિયામણી આકાશની કોર, કોર્ય મોર્ય કહીએ એટલે અડખે પડખેનો અર્થ થાય છે.
હિમાલયને કાંઠે, નદીઓને કિનારે કેટકેટલા સંતો મહાન થઈ પરમાત્માને પામી શક્યા હશે ! એની યાદી ક્યાં કોઈ કિનારાએ કરી છે ! કિનારો જ ઊર્ધ્વતા બક્ષે છે. કિનારો પરિઘ ભલે લાગે પણ કેન્દ્ર છે. કિનારાને સહારે જ કેન્દ્રનો પરિચય થાય છે. કોર, કિનારો અને કાંઠો શબ્દોમાં અર્થની સૂક્ષ્મ ભિન્નતા છે.
ભૂખ લાગી હોય રોટલી કે રોટલાનો ટુકડો તોડીએ ત્યારે કિનારો તોડી ભૂખને સંતોષી શકીએ છીએ. ઉદરમાં રોટલો કિનારને આધારે જાય છે. કાપડ ખરીદનારાઓ તેનું પોત કિનારી જોઈને પારખતા હોય છે. પરમાત્માની અગાધ કૃપાનો પરિચય જે વ્યકિતને થાય તે વ્યકિત પોતીકી અનુભૂતિના કાંઠેથી તે પરિચય પામે છે. કિનારેથી જ ભીતરમાં ડોકિયાં કરી શકતાં હોય છે. આરો, કાંઠો અને કિનારો ત્રણેય એક જેવા લાગતા શબ્દોના અર્થમાં સૂક્ષ્મ ભેદ પણ છે. કૂવાને આરો હોય, નદીને કિનારો. પત્ર પૂર્ણ થાય એ કિનારો છે. કાવ્ય પૂર્ણ થાય એ કિનારો છે. ગીતાના સાતસો શ્લોક પૂર્ણ થાય એ કિનારો આવ્યો એમ કહીએ - પણ એ કિનારાની અંદર જે વહે છે તેનું મૂલ્ય કેટલું બધું છે !! રામાયણ - મહાભારત રચાઈ ગયાં, સમય વહી ગયો, કિનારો આવી ગયો. પણ એમાં જે વહ્યું - એમાં જે કહ્યું - એમાં જે રહ્યું તે સ્મરણો જ સચવાયાં છે. મરણ કિનારો છે પણ સ્મરણો નદી છે. હું તો એમ પણ કહી શકું કે ભૂતકાળ અને ભવિષ્યકાળ બંને કિનારા વચ્ચે વર્તમાન વહે છે. બાળપણ અને વૃધ્ધત્વની વચ્ચે યૌવન વહે છે. જન્મ અને મરણની વચ્ચે સ્મરણ વહે છે... બે વ્યકિત વચ્ચે વહેતો સ્નેહ સંબંધ પણ સ્મરણ છે. આકાશ અને પૃથ્વી બંને કિનારાની વચ્ચે આલોક વહે છે. કાયા કોયલું પણ કિનારો છે એની અંદર વહેતો પ્રાણ જીવન છે - જે કંઈ લૌકિકતા વચ્ચે રહીને અલૌકિક અનુભવ કરાવે છે તે જીવન અને લૌકિકતાની દીવાલો એ કિનારા... ક્યારેક ધન્ય થઈ જવાય આવી પંક્તિઓ
સાંભળી -
'માંહ્ય પડયા તે મહાસુખ માણે
દેખણહારા દાઝે જોને...-
એ 'દેખણહારો- કિનારે બેઠા હોય છે !!!! મૌન ધરી ધ્યાનના અગાધ સાગરમાં ડૂબકી મારનારા મરજીવાને ધન્યતાનો અનુભવ કિનારે આવ્યા પછી અવર્ણનીય લાગતો હોય છે !! -