પ્રાણાયામ અને યોગ અમોઘ દેહ બળ, મનોબળ અને આત્મબળ પ્રકટ કરે છે!
- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- રેચક, પૂરક અને કુંભક આ ત્રણેમાં ત્રણ અક્ષર છે જેમ પ્રણવ-ઓમકારમાં અ,ઉ,મ, ત્રણ વર્ણ છે. એટલે પ્રાણાયામ ઓમકાર રૂપ છે. આ ભાવનાથી જ એની સાધના કરવી જોઈએ
પ્રા ણ પરમાત્માની શક્તિના પરિચાયક છે. કૌષીતકી બ્રાહ્મણોપનિષદમાં 'પ્રાણો બ્રહ્મ - પ્રાણ બ્રહ્મ છે' એમ કહીને એનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. મનુસ્મૃતિમાં કહેવાયું છે - પ્રાણાયામ: પરં તપઃ - પ્રાણાયામ શ્રેષ્ઠ તપશ્વર્યા છે. પ્રાણનો ક્રિયાયોગ એટલે પ્રાણાયામ, એનાથી જ ચેતના, શરીર, મન સંશુદ્ધ, પરિષ્કૃત, સજીવ રહે છે. તૈત્તિરીય ઉપનિષદમાં નિર્દેશ કરાયો છે - પ્રાણં દેવા અનુપ્રાણન્તિ, મનુષ્યા: પશવશ્ચ યે ! પ્રાણો હિ ભૂતાનામાયુ: તસ્માત્ સર્વાયુષમુચ્ચતે । પ્રાણથી જ દેવો, મનુષ્યો, પશુઓ જીવે છે. પ્રાણ બધા જ જીવોનું આયુષ્ય છે એટલે જ તે સર્વનું આયુષ્ય કહેવાય છે. (૨-૨-૩). પ્રાણ પાંચ વાયુઓ દ્વારા શરીરમાં પ્રકટ થાય છે. તેમના નામ છે - પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, અને સમાન. તેના સ્થાન આ પ્રમાણે છે - હ્ય્દિ પ્રાણો ગુદેડપાન: સમાનો નાભિ સંસ્થિત: । ઉદાન: કણ્ઠદેશસ્થો વ્યાન: સર્વ શરીરગ: ।। હ્ય્દયમાં પ્રાણ, ગુહ્યાંગોમાં અપાન, નાભિમાં સમાન, કણ્ઠમાં ઉદાન અને આખા શરીરમાં વ્યાન વ્યાપેલો છે. આ પાંચેય વાયુ વડે શરીર યંત્રનું સંચાલન થતું રહે છે. જે રીતે વીજળીનો પ્રવાહ બંધ થાય ત્યારે ઘરના ઈલેક્ટ્રિક સાધનો કામ કરતાં બંધ થઈ જાય છે તે રીતે પ્રાણશક્તિ ન હોય ત્યારે બધી ઈન્દ્રિયોના ક્રિયાકલાપો અટકી જાય છે.
પ્રાણવાયુનું કામ શ્વાસ અંદર લઈ જવાનું અને તેને બહાર કાઢવાનું છે. તે ઉપરાંત તે અપાન સાથે અન્નને પચાવે છે. અન્નને મળ રૂપે, પાણીને મૂત્ર રૂપે અને રસ વગેરેને વીર્ય રૂપે પરિણત કરવાનું કામ અપાન વાયુ કરે છે. સમાન વાયુ રસ વગેરેનું વિતરણ બધા અંગોમાં કરે છે. ઉદાન દ્વારા જીવાત્માનું સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરથી નીકળીને બીજા શરીર કે બીજા લોકમાં લઈ જવાનું કાર્ય થાય છે. પ્રશ્નોપનિષદમાં જણાવવામાં આવ્યું છે - 'ઉદાન: પુણ્યેન પુણ્યં લોક નયતિ ઉદાનવાયુ પુણ્ય બળથી પુણ્યલોકમાં લઈ જાય છે. યોગદર્શનના વિભૂતિપાદના ૩૯મા સૂત્રમાં કહેવાયું છે - ઉદાનજયા જજલપંકકંટકાદિષ્વસડ્ગ ઉત્ક્રાન્તિશ્ચ ।। ઉદાનને જીતવાથી યોગીનું શરીર એટલું હળવું થઈ જાય છે કે તે પાણી પર ચાલી શકે છે અને કાદવ કે કાંટાની અસર તેના પગ પર થતી નથી. શરીરમાંથી ક્યારે પ્રાણ કાઢવા તે તેના વશમાં થઈ જાય છે.
જે પ્રાણ આટલા બધા શક્તિશાળી છે એનો યોગ્ય ઉપયોગ કરવાની પ્રક્રિયા પ્રાણાયામ છે. તેના ત્રણ પ્રકાર છે - પૂરક, રેચક અને કુંભક-નાકના છિદ્રો દ્વારા શ્વાસને અંદર લઈ જવાની પ્રક્રિયાને 'પૂરક' કહેવાય છે. શ્વાસને બહાર કાઢવાની પ્રક્રિયાને 'રેચક' કહેવાય છે અને અંદર લીધેલા શ્વાસને રોકી રાખવાની પ્રક્રિયાને 'કુંભક' કહેવાય છે. પૂરક સહિત કુંભક 'આભ્યન્તર' અને રેચક સહિત કુંભક 'બાહ્ય' કહેવાય છે.
પ્રાણાયામને પ્રણવ-ઉપાસના પણ માનવામાં આવે છે. એટલે 'યોગિ-યાજ્ઞાવાલ્ક્ય'માં દર્શાવવામાં આવ્યું છે - વર્ણત્રયાત્મકા હ્યેતે રેચકપૂરકકુંભકાઃ। સ એવ પ્રણવ: પ્રોક્ત: પ્રાણાયામશ્ચ તન્મય: ।। રેચક, પૂરક અને કુંભક આ ત્રણેમાં ત્રણ અક્ષર છે જેમ પ્રણવ-ઓમકારમાં અ,ઉ,મ, ત્રણ વર્ણ છે. એટલે પ્રાણાયામ ઓમકાર રૂપ છે. આ ભાવનાથી જ એની સાધના કરવી જોઈએ. બાહ્ય કુંભક અને આભ્યંતર કુંભક ઉપરાંત પ્રાણાયામનો ત્રીજો પ્રકાર કેવલ કુંભક છે જેમાં શ્વાસ-પ્રશ્વાસની ગતિનો નિરોધ થાય છે એટલે કે પ્રાણ-વાયુને જ્યાંનો ત્યાં, પૂરક કે રેચક કર્યા વિના એકદમ રોકી લેવામાં આવે છે. ચોથા પ્રકારનો પ્રાણાયામ કુભક વિના કેવળ પૂરક અને રેચક દ્વારા કરવામાં આવે છે, એમાં શ્વાસ-પ્રશ્વાસની ગતિનો અલ્પ પ્રમાણમાં નિરોધ આપમેળે થઈ જાય છે.
આ તબક્કે એ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે માત્ર શ્વાસ લેવો અને બહાર કાઢવો એટલું જ પૂરક અને રેચક કહેવાતું નથી. પૂરકમાં પ્રાણવાયુને પ્રયાસપૂર્વક ગુદા સ્થાન કે ગુહ્યેન્દ્રિયો સુધી લઈ જઈને અપાનવાયુ સાથે ભેગો કરવામાં આવે છે અને રેચકમાં એનાથી ઊલટું અપાન વાયુને ઉપર ખેંચીને હ્ય્દયમાં રહેલા પ્રાણવાયુ સાથે ભેગો કરવામાં આવે છે અને કુંભકમાં પ્રાણ અને અપાન બન્ને સમાન વાયુના સ્થાન નાભિમંડળમાં રોકી લેવામાં આવે છે. પ્રાણાયામ 'યોગ-યજ્ઞા' છે. આ બાબતની સમજ શ્રીમદ્ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયના ઓગનત્રીસમા શ્લોકમાં ભગવાને શ્રીકૃષ્ણે આપી છે - 'અપાને જુહ્વતિ પ્રાણં પ્રાણેડપાનં તથાપરે । પ્રાણાપાનગતી રુદ્ધ્વા પ્રાણાયામ પરાયણા: ।। જેમ કે કેટલાય યોગી અપાનમાં પ્રાણને હોમે છે, તેમ અન્ય યોગી જન પ્રાણમાં અપાનને હોમે છે અને કેટલાય યોગીજનો પ્રાણ અને અપાનની ગતિનો નિગ્રહ કરી પ્રાણાયામમાં સંલગ્ન થાય છે.
નિરંતર સ્વસ્થ, પ્રસન્ન ચિત્ત અને દીર્ધાયુ રહેવા માટે પ્રાણાયામ કરતા રહેવુ જોઈએ. ચતુર્થ પ્રાણાયામ એટલે કે કેવલ પૂરક અને રેચકથી પ્રાણાયામ શરૂ કરી આભ્યંતર કુંભક સૂર્યોદય પૂર્વે બ્રાહ્યમુહુર્તમાં, જમણો સ્વર ચાલતો હોય ત્યારે કરવામાં આવે તો તે અનેક રોગોનું નિવારણ કરનાર બની જાય છે. ચતુર્થ પ્રાણાયામ પૂરકનો આરંભ 'ઓ' થી કરવો અને રેચકનો અંત 'મ' ઉચ્ચારણથી કરવો. આ રીતે પ્રાણાયામ અને ઓમકારનું ઉચ્ચારણ અમોઘ શારીરિક, માનસિક અને આત્મિક શક્તિ પ્રગટ કરે છે.
પ્રોફેસર રામમૂર્તિ નામના યોગી અસાધારણ શારીરિક બળ ધરાવતા હતા. મોટર કારની ગતિને રોકવી, લોખંડની વજનદાર સાંકળને તોડી નાંખવી, છાતી પર મોટી વજનદાર શિલાને મૂકાવી હથોડાથી તોડાવવી, છાતી પર હાથીનો પગ રખાવી શરીર પરથી હાથીને ચલાવવો આવા અનેક પ્રયોગો તે જાહેરમાં કરતા. તે કહેતા હતા - 'મેં બ્રહ્મચર્યના પાલનથી અને નિત્ય પ્રાણાયામ કરીને આ શારીરિક બળ પ્રાપ્ત કર્યું છે.'
કેવલાદ્વૈત સિદ્ધાંતના પુરસ્કર્તા આદિ શંકરાચાર્યજી મહાન તત્ત્વચિંતક અને યોગી હતા. તેમની સ્મરણ શક્તિ એટલી પ્રબળ હતી કે એકવાર તે જે વાંચે કે સાંભળે તેને જીવનભર યાદ રહી જતું હતું. એકવાર એવું બન્યું કે તેમના શિષ્ય પદ્મપાદનું વેદાન્ત ભાષ્ય તેના મામાના ઘરમાં આગ લાગવાથી પૂરેપૂરું સળગી ગયું. તાડપત્ર પર લખેલા તે ભાષ્યની બીજી કોઈ પ્રતિકૃતિ નહોતી. પદ્મપાદે આ બધુ નષ્ટ થઈ જવા બદલ ભારે દુઃખ વ્યક્ત કર્યું ત્યારે આદિ શંકરાચાર્યજીએ તેને સાંત્વના આપતા કહ્યું હતુ - 'વત્સ ! ચિંતા ન કર. તેં મને એ ભાષ્ય એકવાર સંભળાવ્યું હતું. એટલે એ મને પૂરેપૂરું અક્ષરશ: યાદ છે. હું તે બોલું છું, તું તે લખતો જા.' પછી તે એ ભાષ્ય કડકડાટ બોલવા લાગ્યા અને પદ્મપાદે તે લખી લીધું. આમ, તે ભાષ્ય પહેલાંની જેમ પૂર્ણ રૂપે તૈયાર થઈ ગયું. આદિ શંકરાચાર્યજીની અપ્રતિમ તીવ્ર મેઘા અને સ્મરણ શક્તિ તેમના યોગબળ અને પ્રાણાયામનો પ્રતાપ હતો. મહર્ષિ પતંજલિએ યોગદર્શનમાં કહ્યું છે - 'ધારણાસુ ચ યોગ્યતા મનસ: એટલે કે પ્રાણાયામથી મનમાં વિષયને ધારણ કરવાની યોગ્યતા પ્રાપ્ત થઈ જાય છે.'